રૂબાઇયાત – ઉમર ખૈયામ ( અનુ : શૂન્ય પાલનપૂરી )

કેવું રાતું ચોળ છે, જો આ સુમન વનફાલનું
જોઉં છું એની રગોમાં લોહી કો મહિવાલનું
જો આ નમણી નવલતાની નર્મ નાજુક પાંદડી
છૂંદણું લાગે છે એ કોઇ રૂપાળા ગાલનું

કાલ મેં લીલા નિહાળી હાટમાં કુંભારની
માટી પર ઝડીઓ વરસતી જોઇ અત્યાચારની
વ્યગ્ર થઇને માટી બોલી, “ભાઇ કૈં વિવેક રાખ
મેંય તારી જેમ ચાખી છે મજા સંસારની”

જગ-નિયંતા એની સત્તા જો મને સોંપે લગાર
છીનવી લઉં ઋત કનેથી ભાગ્યનો સૌ કારભાર
એ પછી દુનિયા નવી એવી રચું કે જે મહીં
સર્વ જીવો મન મુજબ લૂટીં શકે જીવન-બહાર

ઓ પ્રિયે, પરિકરના જેવું આ જીવન છે આપણું
બે જુદાં શિર છે પરંતુ એક તન છે આપણું
વર્તુળો રચવા લગીની છે જુદાઇની વ્યથા
કાર્ય પૂરું થઇ જતાં સ્થાયી મિલન છે આપણું

લેખ વિધિએ લખ્યા મારા, મને પૂછ્યા વગર
કર્મની લીલા રચી રાખી મને ખુદ બેખબર
આજ પણ ચાલે છે ક્યાં મારું મનસ્વી દોરમાં
હું કયામતમાં હિસાબ આપું કયા આધાર પર

ડંખ દિલ પર કાળ કંટકના સહન કીધા વગર
પ્રેમ કેરા પુષ્પને ચૂમી શકે ના કો’ અધર
કાંસકીને જોકે એના તનના સો ચીરા થયા
તો જ પામી સ્થાન એ પ્રિયાની જુલ્ફ પર

ઓ પ્રિયે, કઠપૂતલીઓનો છે તમાશો જિંદેગી
ભવના તખ્તા પર નચાવે છે વિધિની આંગળી
અંક ચાલે ત્યાં લગીનો છે અભિનય આપણો
શૂન્યની સંદૂકમાં ખડકાઇ જાશું એ પછી

સૌ પ્રથમ તો હું ન આવત. આવતે તો જાત ના
હોત મારા હાથમાં તો આમ ધક્કા ખાત ના
કિંતુ સારું તો હતે બસ એ જ કે મિથ્યા જગે
કષ્ટમય આવાગમનનો પ્રશ્ન ઊભો થાત ના

(શૂન્ય પાલનપુરીનો પરિચય)

8 replies on “રૂબાઇયાત – ઉમર ખૈયામ ( અનુ : શૂન્ય પાલનપૂરી )”

  1. અહા..! મમ હ્રદયે પગરવ તહારૉ, ને નેહે મુ લાલ ગમ-બ-ગમ પી જાઊ ત્યા પલ્લવ ધીર અધીર રહૅ તહારૉ……….
    હાવા હવ રહ્યુ સાવરુ મન ધાક્કોડ , ક્યા લગી ભીન્જવુ કિનારા કાઈ અશ્ક થકી રહૅ ઈજારૉ……………………
    અહા..! મમ ર્હ્દયૅ ……………………….

    ઉપર ની ગઝલ મે ઘણા વરસૉ પહેલા રચેલી……..જયશ્રી કદાચ તુ મારી રચના ને સમજી શકૅ ને કયાય સમાવી શકૅ તે આશય થી મખ્તાના ફક્ત એક શેર નૉ આસ્વાદ અહી કરાવ્યૉ.

    ભરત

  2. શ્રી કૈલાશ પન્ડીત ની રચના ને શ્રી પન્કજ ઉધાસ ની અતી ઉત્ત્મ ગાયકીએ મારા કવિ ર્હ્દય ને તરબતર કરી મુક્યુ છે. વાહ જયશ્રી વાહ તેરા ભી જવાબ નહી. મારી થોડી રચના ઓ તને મોક્લાવુ તો પ્રકાશીત કરીશ……….????

    આભારઃ ભરત ગઢવી -બોત્સવાના (આફ્રીકા)

  3. ઓ પ્રિયે, પરિકરના જેવું આ જીવન છે આપણું
    બે જુદાં શિર છે પરંતુ એક તન છે આપણું
    વર્તુળો રચવા લગીની છે જુદાઇની વ્યથા
    કાર્ય પૂરું થઇ જતાં સ્થાયી મિલન છે આપણું….
    વિરહની આગમાં સળગતા હૈયાઓને પૂનઃજન્મમા મિલન થશે એ વિશ્વાસનુંજ એક આશ્વાસન રહે છે..ખુબજ અર્થસભર રુબાઈયાત..

  4. આરપાર નિકળે તેવુ પારદર્શક સર્જન……

    લેખ વિધિએ લખ્યા મારા, મને પૂછ્યા વગર
    કર્મની લીલા રચી રાખી મને ખુદ બેખબર……..

    ડંખ દિલ પર કાળ કંટકના સહન કીધા વગર
    પ્રેમ કેરા પુષ્પને ચૂમી શકે ના કો’ અધર……

    વાહ્!!!કયા કહે હમ!

  5. રચનાને મુક્તક નામ આપવાને બદલે રૂબાઈ અથવા રૂબાઈયાત નામ આપ્યું હોત તો વધુ આસ્વાદ્ય લાગત… જો કે નામ ગમે તે આપો, ઉમર ખૈયામનો ખજાનો છે એટલો જ કિંમતી રહેવાનો… આટલા બધા મોતીઓ એકસાથે લઈ આવવા બદલ આભાર…

    થોડી બીજી રૂબાઈ વાંચવી હોય તો આ લિંક પર વાંચવા મળશે:

    http://layastaro.com/?cat=36&submit=view

  6. મારી પ્રિય રુબાઈયાત –

    મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી,
    બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી;
    જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર,
    એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી.

    ખૈયામ / શૂન્ય

  7. પારદર્શક સર્જન !ખૈય્યામ અને ગાલિબની
    તોલે કોણ આવે ?
    પ્રેમકેરા પુષ્પને ચૂમી શકે ના કો’ અધર ..
    થી માંડીને.. જુલ્ફ પર સુધીના બધા શબ્દો
    સોને મઢ્યા છે.આભાર જયશ્રીબહેન !

  8. “ડંખ દિલ પર કાળ કંટકના સહન કીધા વગર
    પ્રેમ કેરા પુષ્પને ચૂમી શકે ના કો’ અધર
    કાંસકીને જોકે એના તનના સો ચીરા થયા
    તો જ પામી સ્થાન એ પ્રિયાની જુલ્ફ પર.”

    મનહર ઉધાસે ગાયેલ ‘શૂન્ય’ની એક ગઝલ ‘નહીં હોય ચંદાનું ઘાયલ જીગર તો… ” ઉપરના શેરથી શરુ થાય છે. તે ગઝલમાંની મને એક બહુ જ ગમતી પંક્તિ –

    ” નથી કોઇ પણ માર્ગ દર્શક અમારો.
    નથી ક્યાંય પણ કોઇ મંઝિલ અમારી.
    મુસીબત ઉઠાવી ફકત મોજ ખાતર
    અમારી અદાથી સફર કોણ કરશે? “

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *