કેટલાં વર્ષે હું આવ્યો છું ગામ – મુકેશ જોષી

ખુલ્લા આકાશનીચે ચાંદનીમાં પાટીવાળો ખાટલો નાખીને સૂવાની મઝા તમારામાંથી કોઇએ લીધી છે? હું વર્ષો પહેલા એકવાર માસીને ત્યાં વેકેશનમાં રહેવા ગયેલી, ત્યારે એવી મઝા મેં તો લીધી છે. અને ‘ઘાટા’ (વ્યારા પાસે) ગામમાં એ રાતે મેં જેટલા તારાઓ જોયા છે, એટલા પછી કોઇ રાતે જોવા નથી મળ્યા.. !!

લાવો રે, કાચની લખોટીઓ લાવો
લાવો, દૂરબીન આભ જોવા.
કેટલાં વર્ષે હું આવ્યો છું ગામ
મારું બળબળતું શહેર અહિ ખોવા.

જાતાં મેં ભમ્મરડે વીંટી’તી દોરી,
એ દોરીની છાપ હજી હાથમાં
કેટલા કચુકાઓ શેકીને ખાવાના
વાવ્યા’તા કાતરાઓ જાતમાં

ફળિયાની ધૂળમાં બોળું છું હું જાત
મારા શૈશવના હાથ-પગ ધોવા…

ગિલ્લી-દંડામાં અંચાઇ કરી દોસ્તને,
દુ:ખે છે હજી મને ઘાવ
મરણોત્તર સન્માનો આપી શકાય છે
શી રીતે આપું એ દાવ !

આંખો પર છાટું બે ખોબા ભૂતકાળ
મળે સાચકલાં આંસુઓ રોવા…

લાવો આ બેગ મારી ખાલી કરું
જેમાં જીવતરની ઉનીઉની લૂ
ચાંદની ઓઢીને સૂવું છે આંગણે
ને સ્વપ્નામાં આવે જો ‘તું’

તારી સંગાથ કદી ઝૂલ્યો એ વડલાના
કેટલા કરું હું અછોવાં…

6 replies on “કેટલાં વર્ષે હું આવ્યો છું ગામ – મુકેશ જોષી”

  1. Very happy to listen/read Tahuko again. Wish you and Tahuko a very very long,joyful, healthy and unintrrupted life………

  2. બહુ જ સુન્દર ગેીત
    બાળપણ નિ યાદ વિસરાય નહિ
    મારા નયણા નેી આળસ રે ન નિરખ્યા હરિઇ ને જરિ
    એક મતકુ માન્દ્યુ રે જરિયે ન ઝાન્ખિ કરિ
    આ ભજન સમ્ભળાવો ને………

  3. મઝાનું ગીત-બાળપણ સાથે યાદ કરાવી—ઝવેરચંદ મેઘાણીએ માણસાઈના દિવામાં ખાસ ઉલ્લેખ કર્યો છે તે વ્યારા ગામથી દસ-બાર માઈલ ચાલતા એ રાનીપરજ મુલકના ઘાટા -નામ વાંચતા જ યાદ આવી એ ભગતની!
    એકમાત્ર પોતડી પહેરેલી તદ્દન સૂકું શરીર, કાળો કીટોડા જેવો વર્ણ, મોમાં દાંત ન મળે ને ખૂબ ઘરડો. ‘આર્ય ધર્મ પરિષદ’ માં જ્યારે સ્વામી નિત્યાનંદજી ગુરુકુળનો ફાળો કરાવતા હતા ત્યારે તેણે જાહેર કરેલું કે ‘નોંધો મારા તરફથી દર વર્ષે એકસો ને પચ્ચીસ મણ ભાત.’ ત્યારે જાણ્યું હતું કે એ વ્યારા તાલુકાના શુદ્ધ આદિવાસી – ગામીત છે : નામ અમરસંગ છે : બાપ ભગત છે : ઘરે અન્નક્ષેત્ર ચાલે છે. કાળા કીટોડા જેવા, સૂકલ હાડપિંજર-શા, એક જ પોતડીભર રહેતા અને નિરંતર હસ્યા જ કરતા ગામીત આદિવાસીને ‘કળિયુગના ઋષિ’.

  4. અફલાતૂન. બહુ જ સરસ. કાગજ કી કશ્તી સાંભળીને સાંભળીને Sentimental થઈ જનાર સૌ માટે ફરીએકવાર trip down to memorylane.

  5. આંખો પર છાટું બે ખોબા ભૂતકાળ
    મળે સાચકલાં આંસુઓ રોવા…
    વાહ જયશ્રીબેન આભાર. સાચે જ આજે “સાચકલાં આંસુઓ” હું પણ શોધી રહ્યો છું. શ્રી મુકેશ જોષીને બેમિસાલ કૃતિ માટે અભિનંદન.

Leave a Reply to Atul Doshi Cancel reply

Your email address will not be published. Required fields are marked *