તમે ગયા ને…. – ભીખુ કપોડિયા

તમે ગયાં ને આંગણિયે લીંપણમાં પાડી
હથેળીઓની ભાત નથી કલબલતી.

આંગણ ઢૂક્યો મોર પાધરો
થીજી ગયેલી ઓકળીઓની પાંખ નીરખી આભ જેવડો
એક નિસાસો નાંખે;

સવારમાં મુઠ્ઠી દાણા લઇ
તમે વેરતાં કલરવ ક્યાં? ને કેટકેટલી કીકીઓ એની
આંખોમાંથી શૂન્ય વેરતી તાકે?

– અને છીબમાં ન્હાઇ નિરાંતે ઊછળી પડતી
દીવાલ પર તે સૂરજ કેરી ક્યાં છે પેલી માછલીઓ ઝલમલતી?

બપોરના ઢળતી નેવેથી ઉંબર પર
તડકાની લો આ કરવત પાછી ઓકળીયાળી પાંખ
વ્હેરાતી ચાલી;

સાંજ પડ્યે તુલસીને પાનેપાન ઊગતા
સૂરજ આડે ક્યાંથી આંજુ કણકણતી બે
હથેળીઓની લાલી ?

અંધારાનું પતંગિયું પણ કેમ હોલવે
વણ પ્રગટેલા દીવા કેરી શગને મારી આંખોમાં હલબલતી?

તમે ગયા ને….

3 replies on “તમે ગયા ને…. – ભીખુ કપોડિયા”

  1. સાંજ પડ્યે તુલસીને પાનેપાન ઊગતા
    સૂરજ આડે ક્યાંથી આંજુ કણકણતી બે
    હથેળીઓની લાલી ?

    અંધારાનું પતંગિયું પણ કેમ હોલવે
    વણ પ્રગટેલા દીવા કેરી શગને મારી આંખોમાં હલબલતી?
    અમારી અનુભવ વાણી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *