ગ્લૉબલ કવિતા : ૧૩૦ : સૈરન્ધ્રી – વિનોદ જોશી

સૈરન્ધ્રીની ભીતર રહેલી દ્રૌપદીની ભીતર રહેલી સ્ત્રી સાથે એક મુલાકાત : ૦૧

ગઈકાલ અને આજ. બંને જાણે આકાશ અને ધરતી. એક-મેક સાથે કદી ભેટો થાય જ નહીં. વીતી ગયેલી ક્ષણ અને અત્યારની ક્ષણ કદી એકમેકને રૂબરૂ થઈ ન શકે. વિગત અને અનાગતની વચ્ચેની પળમાં આપણે સૌ શ્વસતાં હોવા છતાં વિગત કે અનાગત-બંનેથી આપણે કેડો છોડાવી શકતાં નથી. ભૂતકાળના રોમાંચથી વર્તમાનની ભીંતો કોણ નથી ઘોળતું, કહો તો! અનિલ ચાવડા ભલે એમ કહે કે, ‘ગઈકાલ જે વીતી ગઈ એ ઓરડો નથી કૈં, કે મન પડે તરત એમાં જઈ શકાય પાછું,’ પણ આપણું મન હંમેશા ગઈકાલના ઓરડામાં ઘૂસ મારવા આતુર જ હોય છે. ભૂતકાળનો વર્તમાન ગમે એટલો રક્તરંજિત કે શરમજનક કેમ ન હોય, વર્તમાન એના ભૂતકાળને હંમેશા સોનેરી પાને મઢવા મથે છે. ઇતિહાસ તો સારું-માઠું બંનેને આલેખે જ છે, પણ માનવમન હંમેશા સારું જોવા ને યાદ રાખવા ચહે છે. વીતી ગયેલી પળોનું વર્તમાન સાથેનું અનુસંધાન સાહિત્યકારો પરાપૂર્વથી કરતા આવ્યા છે. લગભગ પાંચેક હજાર વર્ષ પૂર્વે વેદ વ્યાસે રચેલ મહાભારત નામનું મહાકાવ્ય પણ જેમ સુહાગરાતે નવોઢા પતિને એમ સદીઓથી સાહિત્યકારોને આકર્ષી રહ્યું છે. વિનોદ જોશીનું ‘સૈરન્ધ્રી’ પણ આવા જ કોઈક અદમ્ય આકર્ષણની ફળશ્રુતિ છે.

વિનોદ જોશી. ૧૩-૦૮-૧૯૫૫ના રોજ અમરેલી જિલાના ભોરીંગડા ગામે જન્મ. વતન બોટાદ. પિતા હરગોવિંદદાસ પંચાયતમંત્રી અને સંસ્કૃતના ખાં હતા. વેદપાઠી બ્રાહ્મણ સંસ્કારમંડિત ભાષા એમની દેન. પણ લોકગીતોની તળ ભાષાના સંસ્કાર માતા લીલાવતીબેનના કારણે લોહીમાં ભળ્યા. ગામડાની શાળાના પાંચમા-છઠ્ઠા ધોરણના આ વિદ્યાર્થીને બાળપણથી જ પ્રાસ મેળવતા આવડી ગયું હતું: ‘પોપટ તારી રાતી રે ચાંચ મેં ભાળી, પેલા હાથીની સૂંઢ છે કાળી.’ તળપદા ગીતોમાં પ્રયોજાતા ‘રે’ની હાજરી ધ્યાનાર્હ છે. દસમા-અગિયારમા ધોરણમાં તો સંસ્કૃત વૃત્તોમાં ખેડાણ કરવું પણ આદરી દીધું હતું. ૧૮ વર્ષની વયે તો એ જમાનામાં કવિઓ માટેનો સૌથી દુર્ગમ ગઢ ગણાતા કુમારમાં એમની કવિતા પ્રગટ થઈ હતી. ભજનમંડળીઓમાં મંજીરાં અને નગારું વગાડવાની ટેવના કારણે લય પાકો થયો. કિશોરાવસ્થામાં ખેતી કરતા, ઢોર ચરાવતા, કોસ પણ ચલાવતા. ગ્રામ્યજીવનમાંથી એમના જ શબ્દોમાં તેઓ ‘લોક અને શિષ્ટ બેઉના પાર વગરના પરચા’ પામ્યા. એમ.એ., પી.એચ.ડી. સુધીનો અભ્યાસ. ભાવનગર યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક, ગુજરાતી ભાષા સાહિત્ય ભવનના અધ્યક્ષ, ડીન અને કુલપતિ તરીકે એમણે સેવા આપી છે. સાહિત્ય અકાદમી, દિલ્હીમાં ગુજરાતી ભાષાના બીજી વારના કન્વીનર. વિમલ જોશી સાથેના લગ્નથી આદિત્ય નામે સંતાન. મોરારિબાપુની નિશ્રામાં શરૂ થયેલ અને વિશ્વભરના ગુજરાતીઓમાં અદકેરું અને અવ્વલ સ્થાન પ્રાપ્ત કરનાર અસ્મિતા પર્વના સર્વેસર્વાઓમાંના એક. હાલ, ભાવનગર ખાતે રહે છે.

કવિતા ઉપરાંત નવલિકા, વિવેચન, આસ્વાદ અને સંપાદનના ક્ષેત્રમાં આગળ પડતું કામ. કવિતાના અલગ-અલગ પ્રકારોમાં કામ કરવાની એમને ફાવટ છે. ગીત એમનો પ્રધાન કાકુ. ખુદ કવિ પોતાને ‘બહુ ગવાયેલા તરીકે પંકાયો’ કહી ઓળખાવે છે. પણ સૉનેટમાંય કવિ આગવો અવાજ જાળવીને પાણીમાં હંસ વિચરે એમ વિહરી શકે છે. ગુજરાતી સાહિત્યના અમર વારસાને આજની પેઢી સાથે જોડવાનું જે ભગીરથ કાર્ય તેઓ પોતાની જવાબદારી સમજીને કરે છે, એ ભાગ્યે જ કોઈ આધુનિક કવિએ કર્યું કે કરી રહ્યા હશે. ‘તુણ્ડિલતુણ્ડિકા’માં એ મધ્યયુગીન પદ્યવાર્તાનો નવોન્મેષ સાધે છે, તો ‘શિખંડી’ અને ‘સૈરન્ધ્રી’માં તેઓ પ્રબંધકાવ્યને આપણી વચ્ચે લઈ આવે છે. ‘મોરપિચ્છ’ નામે પત્રનવલકથા (epistolary novel) પણ એમણે આપી છે. ગામઠી બોલીમાં સ્ત્રીઓના નાજુકતમ મનોભાવોને ખૂબ હળવે હાથે ઉઘાડવાની એમને હથોટી છે. તેઓ બહુધા સ્ત્રૈણ સંવેદનાના કવિ છે. આધુનિક ગુજરાતી ગીતને નવો અર્થ આપનાર કવિઓમાં પણ તેઓ મોખરાનું નામ છે. એમની કવિતાઓમાં સૌરાષ્ટ્રના ગામડાંઓ, રિવાજો, લોકો અને લોકબોલી સતત ધબકતાં જોવાં મળે છે. સુ.દ. એમની કવિતા વિશે કહે છે: ‘અહીં આપણને તળપદાં ગીતોનું એક નાનકડું તળાવ મળે છે. આ તળાવ “નિજમાં પરિતૃપ્ત” છે.’ મણિલાલ હ. પટેલ લખે છે: ‘લયની બાબતમાં વિનોદ એકાદ માત્રાની પણ ભાગ્યે જ છૂટ લે છે. કાવ્ય કરતી વેળા એ સહજ રીતે જ શબ્દના નાદધ્વનિને ભાવસંવેદનના સંદર્ભે ચકાસી લેતા લાગે છે. રાગીયતા અને લય, વર્ણયોજના અને પ્રાસાનુપ્રાસ તરફ પણ કવિ પૂરા સભાન રહે છે.’

સૈરન્ધ્રી’ પ્રબંધકાવ્ય છે. પ્રબંધકાવ્ય એટલે કોઈ ઐતિહાસિક વ્યક્તિનું ચરિત્ર ચિત્રણ કરતું આખ્યાન શૈલીનું મધ્યયુગીન કથાકાવ્ય. આપણે ત્યાં તેરમી-ચૌદમી સદીમાં એ વિશેષ લખાતાં. ‘પ્ર’ એટલે પ્રશિષ્ટ/પ્રકૃષ્ટ (ઉત્તમ) અને ‘બંધ’ એટલે બાંધણી. આમ, પ્રશિષ્ટ રીતે ગૂંથાયેલી-રચાયેલી કૃતિ એટલે પ્રબંધ એમ ગણી શકાય. ઐતિહાસિક વિષયવસ્તુ એના કેન્દ્રમાં છે. પ્રબંધમાં ભૂતકાળમાં બની ગયેલી કોઈ ઘટના કે વ્યક્તિની આસપાસ કથાગૂંથણી, પાત્રો, રીતિરિવાજો, તહેવારો, માન્યતાઓની સાથોસાથ કવિસહજ છૂટ લઈ કથાને મદદરૂપ પ્રસંગોની ઉમેરણી કે છંટણી કરીને કાવ્યસર્જન કરવામાં આવે છે. સંસ્કૃત મહાકાવ્યની નાની નકલ પણ એને ગણી શકાય. વીરરસ એનો મુખ્ય રસ છે પણ શૃંગારાદિ રસો પણ પૂરતા સીંચાયેલા જોવા મળે છે. પ્રબંધના નામ વિશે જો કે એકમત જોવા મળતો નથી. ગુજરાતીમાં ‘રાસ’ અને ‘પ્રબંધ’ વચ્ચે પણ ઝાઝો અને સ્પષ્ટ ભેદ જોવા મળતો નથી. લાવણ્ય સમય સૂરિ ‘વિમલ પ્રબંધ’માં પ્રારંભે ‘કવિયણ હું વિમલમતિ વિમલ પ્રબંધ રચેશિ’ લખ્યા પછી જાતે જ કાવ્યાંતે પોતાની કૃતિને ‘રાસ’ કહે છે. પદ્મનાભના વિખ્યાત ‘કાન્હડદે પ્રબંધ’ (ઈ.સ. ૧૪૫૬) માટે ‘કાન્હડચરિત્ર’, ‘કાન્હડદેની ચુપઈ’, ‘કાન્હડદેનું પવાડઉ’ ‘શ્રી રાઉલ કાન્હડદે પાવડુ રાસ’ નામ પણ મળી આવે છે. પ્રબંધ જો કે ગદ્યમાં પણ મળી આવે છે, જેમ કે મેરૂતુંગ રચિત ‘પ્રબંધ ચિંતામણિ’ અને રાજશેખર સૂરિ રચિત ‘ચતુર્વિશતિ પ્રબંધ.’ ઈ.સ. ૧૧૮૫માં લખાયેલ શલીભદ્રસૂરિ લિખિત ‘ભરતેશ્વર બાહુબલિ રાસ’ને પ્રથમ પ્રબંધ કૃતિ ગણવામાં આવે છે. ગુજરાતીમાં ઈ. સ. ૧૩૧૫માં અંબદેવસૂરિ રચિત ‘સમરારાસુ’ને પ્રથમ પ્રબંધ ગણાય છે.

શિખંડી’ની જેમ ‘સૈરન્ધ્રી’ને પણ મધ્યકાળ અને આજના ગુજરાતી સાહિત્ય વચ્ચે સેતુ બાંધવાનો ભગીરથ પ્રયાસ ગણી શકાય. શિખંડીમાં છંદવૈવિધ્ય શરૂથી જ ધ્યાન ખેંચે છે, જ્યારે ‘સૈરન્ધ્રી’માં વર્ષોથી અસ્મિતાપર્વના સમાપન પછીની સવારે તલગાજરડામાં થતા સુંદરકાંડના સમૂહપાઠના પ્રતાપે કવિચિત્તમાં વમળાયા કરતા ચોપાઈ અને દોહરા સામગ્રી બન્યા છે. કાવ્યારંભે સરસ્વતીપ્રાર્થના છે. એ પછી મુખ્ય કાવ્ય સાત સર્ગમાં વહેંચાયેલું છે. દરેક સર્ગમાં સાત ખંડ અને દરેક ખંડમાં આઠ ચોપાઈ અને બે દોહરા છે. આમ કુલ્લે પ્રાર્થનાની વીસ પંક્તિઓ સાથે કુલ ૧૭૮૪ પંક્તિઓનું આ દીર્ઘકાવ્ય છે. સમગ્ર કાવ્યમાં અ-અ-બ-બ, ક-ક-ડ-ડ પ્રમાણે ચુસ્ત પ્રાસ પ્રયોજાયા છે, સિવાયકે સર્ગ પ્રથમ, ખંડ પ્રથમ, જેમાં બીજી-ચોથી પંક્તિ વચ્ચે જ પ્રાસ મેળવાયા છે. બની શકે કે કવિતા લખવાની શરૂઆત કર્યા બાદ અચાનક કવિને ગઝલના મત્લાની જેમ બે પ્રાસ વચ્ચે અંતર રાખવાના બદલે વધુ ચુસ્ત અભિગમ વધુ માફક આવ્યો હોય. જે હોય તે, પણ આ પ્રકારની ચુસ્ત પ્રાસાવલીના કારણે કાવ્યસંગીત વધુ આસ્વાદ્ય બન્યું છે. પંક્તિએ પંક્તિએ પાણીના રેલાની જેમ આવ્યા કરતી વર્ણસગાઈ આ સંગીતને ઓર અનુરણનાત્મક બનાવે છે: ‘અણજાણ, અકલ્પિત… અવગુંઠિત ઓળખ’, ‘વિસંગત વેશ’, ‘અજંપ અંતરના અંધારે અકળ (છુપાયા) અંત’, ‘મઘમઘ મંજુલ સ્વેદ સવાયા, નેત્ર નિમીલિત ઘેન ગભીરાં’, ‘ચંચળ ચપળા ચારુ ચકોરી’ વિ. આ સિવાય અવારનવાર જોવા મળતો અંતર્પ્રાસ સોનામાં સુગંધ જેવો અનુભવાય છે: ક્ષતવિક્ષત, નિજતા-નિજને, છાક-છલકશે, અનંગ-સંગ-અંગ-રંગ, સુભગ-સુવક્ષા વિ. ઝડપભેર ભૂંસાતા જતા સુચારુ સંસ્કૃત શબ્દો અને શબ્દાવલીઓ પંક્તિએ-પંક્તિએ વિપુલમાત્રામાં અને અત્યંત સાહજીકતાથી પ્રયોજીને કવિએ ગુજરાતી ભાષાને જે રીતે કામે લગાડી છે એ આજની તારીખે દુર્લભ છે. શબ્દકોશ સાક્ષાત કવિતાનો અવતાર લે ત્યારે ‘સૈરન્ધ્રી’ જન્મે છે. દોઢ દાયકા સુધી સૈરન્ધ્રીનું પાત્ર કવિની ભીતર ઘૂંટાતું રહ્યું પણ કોઈક કારણોસર મે-જુન, ૨૦૧૭થી ફેબ્રુઆરી, ૨૦૧૮ વચ્ચે એનું અવતરણ ભારતમાં નહીં, બે તબક્કામાં દીકરાને ત્યાં ઓસ્ટ્રેલિયામાં થયું. અલગ-અલગ સંસ્થાઓએ સિડનીથી લઈને ગુજરાતમાં આ રચનાને સંગીત-નૃત્યનાટિકા તરીકે ભજવ્યું પણ છે. કવિના નિવાસે સામેથી જઈ આ કાવ્યના પ્રથમ શ્રોતા બન્યા મોરારિબાપુ. તે પછી, અસંખ્ય શ્રોતાઓ સમક્ષ કવિમુખે આ કાવ્યના સળંગ સવા બે કલાકના પઠનના અત્યાર સુધીમાં બાવીસ જેટલા કાર્યક્રમ મુંબઈ અને ગુજરાતમાં થયા છે.

સૈરન્ધ્રીની કથા તો મોટાભાગનાને વિદિત હશે જ. મહાભારતમાં ચોપાટની રમતમાં બધું જ હારી ગયા બાદ પાંડવોને શરત મુજબ બાર વર્ષ વનવાસ અને એક વર્ષ અજ્ઞાતવાસની ફરજ પડી. અજ્ઞાતવાસમાં ઓળખાઈ જાય તો વળી બાર વર્ષ વનવાસ અને અજ્ઞાતવાસ. કોઈ ઓળખી ન લે એ માટે પાંડવો અને દ્રૌપદીએ ગુપ્તવેશે મત્સ્યદેશમાં વિરાટરાજાની વિરાટનગરીમાં અજ્ઞાતવાસ કર્યો. દ્રૌપદી રાણી સુદેષ્ણાની દાસી સૈરન્ધ્રી તરીકે રહી. સુદેષ્ણાનો ભાઈ અને વિરાટ રાજાનો સેનાપતિ કીચક સૈરન્ધ્રી પર મોહી ગયો અને યેનકેન પ્રકારે એને વશ કરવા ચાહી. ગુપ્તવેશે રહેલા મહાવીર પતિઓ અને ખુદ રાજા વિરાટ મદદે ન આવ્યા ત્યારે દ્રૌપદી ભીમના શરણે ગઈ. ભીમે દ્રૌપદીની મદદથી કીચકને નાટ્યશાળામાં બોલાવી મલ્લયુદ્ધમાં કીચકને ખતમ કર્યો. કીચકના ૧૦૫ ભાઈઓએ ગુસ્સામાં સૈરન્ધ્રીને બાંધીને કીચક સાથે બાળવા કોશિશ કરી પણ ભીમે એ તમામને મૃત્યુના ઘાટ ઉતારી દ્રૌપદીને બચાવી લીધી. આ મૂળ કથા વિનોદ જોશીની સૈરન્ધ્રીમાં જરા અલગ પ્રકારે આવે છે. કવિ ખુલાસો દેતા કહે છે: ‘અહીં મૂળ કથાને સ્હેજ ઝાલી તેનાથી છેડો ફાડી નાંખ્યો છે, એટલે કોઈને વ્યાસોચ્છિષ્ટ મહાભારતથી અહીં કશુંક જુદું હોવાનો ભાર લાગે તેવું બને.’ પ્રસ્તુત કાવ્યમાં સૈરન્ધ્રી કીચક પર જાતે પ્રહાર કરે છે, અને એનું મૃત્યુ થાય છે. વળી ચિતા પર આરુઢ થવા પણ એને બાંધીને બળજબરીથી લઈ જવી નથી પડતી. ‘ગુપ્તવાસ નહિ રહેશે છાનો’ના ડરથી વ્યાકુળ દેખાતા પાંડવો પર દૃષ્ટિપાત કરીને, રાજાની સજા સ્વીકારીને, એ જાતે સ્વયંસિદ્ધા, ઓજસ્વિની, નિર્ભીક અને ગૌરવાન્વિત થઈ ચિતા પર ચડે છે.

કાવ્યારંભે કવિ સરસ્વતીને પ્રાર્થના કરી કહે છે કે વીજળીઓ કાપીને કલમ બનાવી છે ને ગુમાનની પાઘડીઓ પડખે મૂકી દીધી છે. કવિને આખા કાગળનોય અભરખો નથી, એક ખાલી ખૂણાની અને વૈખરીએ બાઝેલ લૂણો દૂર થાય એટલી જ સ્પૃહા છે. પ્રાર્થના તો લાંબી છે પણ આટલી સભાન તૈયારી હોય તો જ સર્જન ઉમદા થઈ શકે. કવિએ પોતે ક્યાંક લખ્યું છે: ‘કાવ્યસર્જન અંગે હું નિર્ભ્રાન્ત થઈ શકતો નથી. એ ભાષાની કલા છે તેથી ભંગુર છે એમ હું સ્પષ્ટપણે માનું છું. સાહિત્યની કલા ભાષાની કલા હોવાના કારણે તે હંમેશા અધૂરો અનુભવ આપનારી છે. મને મનુષ્યનિર્મિત આ માધ્યમ પહેલેથી જ અપૂરતું લાગ્યું છે. પણ સાહિત્યકારે લખવાનું તો ભાષામાં જ હોય છે. સર્જન મારી જવાબદારી નથી, મારો આનંદ છે.’ આ કાવ્ય ‘સ્ત્રીને’ અર્પણ કરાયું છે પણ તે પાછળ ‘કોઈ સભાન નારીવાદી અભિગમ નથી’ એ કવિએ સ્પષ્ટ કર્યું હોવા છતાં કવિતામાંથી પસાર થતાં સમજાય છે કે કવિની સૈરન્ધ્રી એ મહાભારતની દ્રૌપદી નથી, એક સ્ત્રી છે, જેના એકવિધ મનોભાવો પર કવિનો કેમેરા ઇતિહાસ કરતાં વધુ ફૉકસ થયો છે. શરૂઆત થાય છે:

વિવશ સાંજ, નભ નિરાલંબ,
નિસ્પંદ સમીર નિગૂઢ,
એક યૌવના નતમુખ ઊભી,
વ્યગ્રચિત્ત સંમૂઢ. (૦૧-૦૧:૦૧)

શીર્ષક સાથે પરિચય હોવાથી ભાવક સમજી શકે છે કે આ યૌવના એટલે સૈરન્ધ્રી. ઓળખ ખોવાનું દુઃખ સૌથી મોટું હોય છે. માણસ આજીવન પોતાને શોધવા મથતો હોય છે, જ્યારે અહીં તો બળજબરી પોતાનો પરિચય લુપ્ત કરવાનો છે. એટલે સાંજ વિવશ છે. પાંખમાં રાતનું અંધારું લઈ આવતો સાંજનો સમય પોતે જ ઉદાસીનો દ્યોતક છે. આકાશ પણ આધાર વિનાનું છે. પવન ન માત્ર સ્પંદરહિત છે, એ પાંડવોની જેમ જ અજ્ઞાતવાસમાં છૂપાયેલ પણ છે. મૂઢ થઈ ગયેલ વ્યગ્ર ચિત્તે યૌવના મુખ નીચું કરીને ઊભી છે. માત્ર ચાર પંક્તિઓના લસરકાથી જ કવિ પાંડવોના અજ્ઞાતવાસને કેવો તાદૃશ કરે છે! કવિના જ શબ્દોમાં, ‘સહુ કોઈ નિજતાથી વિખૂટા પડેલા છે. આંતરબાહ્ય બંને વ્યક્તિત્વનો મેળ પાડી ન શકાય અને સમાધાન કરવા છતાં બંને પીડતાં જ રહે તેવી દયનીય વિભીષિકાથી સહુ કોઈ ગ્રસ્ત છે તેવા અકાટ્ય વાસ્તવની ભોંય પર આ કાવ્યનાં મંડાણ છે.’ ઓળખ ન હોવા કરતાં હોય એ ગુમાવીને જીવવું વધું કપરું છે. સૈરન્ધ્રી સમજે છે જે પોતે ‘હસ્તિનાપુરની મહારાણી, એ તો કેવળ ભાસ’ છે. એને સ્ત્રીસહજ પ્રશ્ન પણ થાય છે કે ‘મહારાણીપદની અધિકારી તો પણ અનુચર કેમ?’ હોવા કરતાં ન હોવાનું દુઃખ વધુ સનાતન હોય છે.

કવિ વિનોદ જોશી ગુજરાતી ભાષાના કાલિદાસ છે. પ્રકૃતિની સાથોસાથ સંભોગશૃંગાર એમની રસાળ કલમેથી સતત ગિરા ગુર્જરીને ભીંજવતો રહ્યો છે. અહીં પણ એ ગરિમાપૂર્ણ પ્રગલ્ભતાથી છતો થયો છે. સુદેષ્ણા અને વિરાટ રાજાની કામકેલિ એનું પ્રથમ દૃષ્ટાંત છે. રાણીનું અંતઃપુર અને અંતર બંને અલબેલા સોહી રહ્યાં છે. ‘સાંધ્ય સમય’ અંગે ઓઢીને કામ સુદેષ્ણા સાથે ક્રીડે છે. એ ‘રસસભર વિલાસી’ વિરાટ ‘પ્રતિપળ કરશે સંગ સુહાસી’ વિચારીને સૈરન્ધ્રીને પોતાને મિલનરાત્રિ માટે શૃંગાર કરવા આદેશ દે છે. સુદેષ્ણા ‘પુલકિત ગાત્ર થકી મન મોહે’ છે. એના ‘કુસુમિત અંગ’માં ‘સકંપ સલૂણા’ જાગે છે અને ‘કિસલયકૂણાં’ સ્પંદનો ધબકે છે ત્યારે વરણાગી સાંજ વિલીન થઈ જાય છે ને ‘મુદિત રાત મલકીને જાગી’ જાય છે. સંભોગવેળાએ સુદેષ્ણાએ ‘કેવળ સંગે સ્ત્રીપદ રાખ્યું, ભાર્યારૂપ વિદારી નાંખ્યું’ છે. એણે સમજીને પોતાની રાણી તરીકેની ‘ઓળખ સકળ ફગાવી દીધી’ છે અને ‘માત્ર પુરુષની વ્યાખ્યા કીધી’ છે એટલે જ –

મલયજ મુકુરિત ઉષ્ણ પયોધર,
અધર કસુંબલ છીપ સહોદર;
અંગે અંગ લયાન્વિત ઝરણું,
સઘળું લાગ્યું સોનલવરણું. (૦૩-૦૩:૦૩)

રક્તચાપ આસ્ફાલન ભરતો,
મુદિત મદન વિદ્યુતગતિ ફરતો;
શ્વસન ઉષ્ણ અફળાયાં ઉચ્છલ,
હાંફી રાત રસીલી કજ્જલ. (૦૩-૦૩:૦૪)

છાક છલકતા ઉત્સવવંતી’ સૈરન્ધ્રીનું ‘ચિત્ત વિચિત્રે વિચારે ચડતું’ દેખાય છે. સ્ત્રીસહજ એ પણ અનુભવે છે કે ‘હું પણ સ્ત્રી શતરૂપા સુંદર, હું પણ પામું પુરુષ નિરંતર’. ‘સંગે પતિ પણ સંગ ન પામું’ અને ‘પાંચ પાંચ પતિ પણ એકાકી’થી વિકટ વેદના અવર કઈ હોઈ શકે? આભાસી પરિચય પહેરેલ આ ‘કેવળ દાસી’ પોતાને ‘પુરુષમાત્રની હું અધિકારી’ સમજતાં વિચારે છે:

ચુંબિત મર્દિત સુરભિત કાયા
શ્વસન ઉષ્ણ, મસૃણની માયા;
મન્મથ ફુલ્લપ્રફુલ્લ વિલાસી,
હું પણ સહજ સંગ અભિલાષી. (૦૧-૦૩:૦૬)

આવો અદભુત અને વિવેકપૂર્ણ સંભોગશૃંગાર આપણે ત્યાં જૂજ જ જોવા મળે છે. સૈરન્ધ્રીના અપ્રતીમ સૌંદર્યને પણ કવિની કલમ અક્ષરોના ટાંચણાથી આકાર આપે છે. મણિલાલ પટેલે નોંધ્યું છે: ‘વિનોદ જોશીના ગીતોમાં રતિનું, સંયોગ-શૃંગારનું આલેખન વધારે છે. રંગદર્શિતા રતિ-આલેખન વેળાએ આક્રમક બનતી લાગવા છતાં એ સંયમની સીમા લોપતી નથી.’

નિત્ય પ્રફુલ્લિત યૌવનયુક્તા,
મુગ્ધ વસંતી શૈશવમુક્તા;
રક્તચાપના સહે ઉછાળા,
યજ્ઞકુંડ શી ભડભડ જ્વાળા. (૦૨-૦૧:૦૨)

યાજ્ઞસેની દ્રૌપદીનો જન્મ યજ્ઞકુંડમાંથી પૂર્ણયૌવનાસ્વરૂપે જ થયો હતો. કવિ એને શૈશવમુક્તા અને નિત્ય યૌવનયુક્તા કહીને બે જ વિશેષણથી કેવું સર્વાંગી વિવરણ આપે છે!

ચારુ વદન તન મુદિત નિરંતર,
મુકુરિત યૌવન મત્ત મનોહર;
પૃથુલ જઘન કુચ અધિક વિશાલા,
નાભિ ગભીર ક્ષીણ કટિમાલા. (૦૪-૦૨:૦૪)

સુંદર ચહેરો, નિત્ય પ્રફુલ્લિત કાયા, મત્ત કરી મન હરે એવું કળી જેવું યૌવન, ભરાવદાર જાંઘ, એથીય વિશાળ સ્તનમંડળ, ઊંડી નાભિ અને પાતળી કમરવાળી ‘નારી એક કિન્તુ શતરૂપા’ દ્રૌપદીનું આ વર્ણન તો ખુદ કામદેવનેય ચલિત કરી દે, તો બિચારા કીચકની શી વિસાત! તો ઉત્તરાનું સૌંદર્ય પણ પૂર્ણમાસી ચંદ્ર જેવું વિલાસ્ય છે: ‘અનુપમ અંગુલિમુદ્રા ઓપે, પ્રગટ ભાવ પળભરમાં લોપે; ચંચળ ચપળા ચારુ ચકોરી, ઝળહળ જાણે સ્વર્ણકટોરી.’ ‘મૃગનયની’ ઉત્તરા ‘મલકે મૃદુ એવું, જલતરંગની ઝંકૃતિ જેવું’ અને એ ‘નેણકટાક્ષે વદતી વાણી.’ એની ‘શ્યામવર્ણ કદલી સમ કાયા, સ્વર્ગલોક શી મધુમય માયા’ જ છે જાણે. એની ‘કાંચનકટિ’ ને ‘વિદ્યુતરેખ સમી ગતિશીલા’ અને ‘નયનકટાક્ષ રસીલા’ જોઈને સૈરન્ધ્રીને થાય છે કે ‘સ્વતઃ કરી ભાર્યાથી છલના’ બૃહન્નલા બનેલ અર્જુન ‘મોહ્યો કંથ વિલોકી લલના.’ અર્જુન જો કે કિન્નરવેશે એને નૃત્ય શીખવતો હોય છે અને ઉત્તરા તો અભિમન્યુની પત્ની બને છે પણ અજ્ઞાનવશ સ્ત્રીસહજ ઈર્ષ્યાભાવને કવિએ જે રીતે આલેખ્યો છે એ ધ્યાનાર્હ છે.

(વિનોદ જોશી રચિત પ્રબંધકાવ્ય ‘સૈરન્ધ્રી’ વિશે વિગતવાર માહિતી આવતા અંકે…)

4 replies on “ગ્લૉબલ કવિતા : ૧૩૦ : સૈરન્ધ્રી – વિનોદ જોશી”

  1. આજે આ કાવ્ય સંપૂર્ણ વાચ્યું અરે વાચ્યું નહિ પણ મોટે અવાજે પઠન કર્યું, અદભૂત ! મારી ગુજરાતી ભાષામાં આજે પણ આવા કાવ્યો જીવે છે અને સાથે આપ જેવા સમીક્ષક હશો ત્યાં સુધી જીવતા રહેશે. ખૂબ સુંદર અર્થઘટનો … આભાર

    • સમગ્ર કવિતા વાંચવા બદલ અભિનંદન… આખું કાવ્ય વાંચ્યા પછીનો આ પ્રતિભાવ મારા માટે બહુમૂલ્ય છે…

  2. વર્તમાન એના ભૂતકાળને હંમેશા સોનેરી પાને મઢવા મથે છે.
    આપનુ વિશાળ વાંચન પ્રતિબિંબિત થાય છે. મારા જેવા ને આ મર્ગ્દદર્શન તેમ જ રસસ્વાદ આપે છે.
    આસ્વદ માટે આભાર.

    સુરેશ શાહ., સિંગાપોર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *