ગ્લૉબલ કવિતા : ૯૨ : ઓહ, શું આપ જ રહ્યા છો ખોદી મારી કબ્ર પર? – થોમસ હાર્ડી

Ah, are you digging on my grave?

“Ah, are you digging on my grave
My loved one?—planting rue?”
—“No; yesterday he went to wed
One of the brightest wealth has bred.
‘It cannot hurt her now,’ he said,
‘That I should not be true’.”

“Then who is digging on my grave?
My nearest dearest kin?”
—“Ah, no; they sit and think, ‘What use!
What good will planting flowers produce?
No tendance of her mound can loose
Her spirit from Death’s gin’.”

“But someone digs upon my grave?
My enemy?—prodding sly?”
—“Nay; when she heard you had passed the Gate
That shuts on all flesh soon or late,
She thought you no more worth her hate,
And cares not where you lie.”

“Then, who is digging on my grave?
Say—since I have not guessed!”
—“O it is I, my mistress dear,
Your little dog, who still lives near,
And much I hope my movements here
Have not disturbed your rest?”

“Ah, yes! You dig upon my grave …
Why flashed it not on me
That one true heart was left behind!
What feeling do we ever find
To equal among human kind
A dog’s fidelity!”

“Mistress, I dug upon your grave
To bury a bone, in case
I should be hungry near this spot
When passing on my daily trot.
I am sorry, but I quite forgot
It was your resting place.”

– Thomas Hardy

ઓહ, શું આપ જ રહ્યા છો ખોદી મારી કબ્ર પર?

“ઓહ, શું આપ જ રહ્યા છો ખોદી મારી કબ્ર પર
પ્રિયતમ, શું આપ છો? – વાવો છો શું?”
—“ના રે; ગઈકાલે પ્રભુતામાં દીધાં એણે કદમ
એની સાથે જેણે શ્રીમંતાઈમાં લીધો જનમ.
‘વાત એ,’ એણે કહ્યું, ‘નહીં દે હવે એને કો’ ગમ
કે રહ્યો કે ન રહ્યો સંનિષ્ઠ હું’.“

“તો પછી છે કોણ જે ખોદે છે મારી કબ્ર પર?
છે નિકટનાં સૌથી વહાલાં એ સ્વજન?”
— “આહ, ના; તેઓ તો બેઠા છે, વિચારે છે, ‘શો અર્થ?
ફૂલછોડો રોપવાથી શું હવે કંઈ પડશે ફર્ક?
કાળજીમાં એના ટીંબાની ભલેને થાવ ગર્ક,
જાળથી રૂહ મુક્ત ના કરશે મરણ’.”

“પણ કોઈ ખોદી રહ્યું છે સાચે મારી કબ્ર પર?
કોણ કરતું ઘોંચપરોણો? —શત્રુ કો’?”
— “ના; જ્યાં જાણ્યું તેણીએ: ઓળંગી ગ્યાં છો આપ દ્વાર,
જે બધા પર વહેલુંમોડું બંધ થાયે છે ધરાર,
તેને લાગ્યું આપ ઘૃણાના રહ્યાં ના હક્કદાર
ને નથી પરવા ક્યાં સૂતાં આપ છો?”

“તો પછી છે કોણ જે ખોદે છે મારી કબ્ર પર?
બોલો—અટકળ હું કરી શકતી નથી!”
— “ઓહ એ તો હું જ છું, મારી વહાલી માલકિન,
કૂતરો નાનો તમારો, જે હજી રહે છે નજીક,
ને અહીં મારી આ હલચલ, હા, મને તો છે યકીન
આપના આરામને ના ડહોળતી.”

“આહ, હા! તો તું છે જે ખોદે છે મારી કબ્ર પર…
શાને આ સૂઝ્યું નહીં પહેલાં મને
કે બચ્યું છે કંઈ નહીં તો એક સાચું દિલ હજી!
શું કદી પણ જડશે માનવજાતમાં એ લાગણી
આપણે જેને ગણી શકીએ એના સમકક્ષની
જે વફાદારી છે હાંસિલ શ્વાનને!”

“માલકિન, મેં ખોદ્યું એ ધારી તમારી કબ્ર પર
કે હું ભીતર દાટી રાખું હાડકું,
કામ લાગે એ મને ક્યારેક થાઉં હું ભૂખો,
દુલકી ભરતો રોજની જો પાસમાં હું હોઉં તો.
માફી ચાહું છું પરંતુ સાવ હું ભૂલી ગયો,
કે આ તો વિશ્રામસ્થળ છે આપનું.”

– થોમસ હાર્ડી
(અનુ. વિવેક મનહર ટેલર)

દુન્યવી સંબંધોની નિરર્થકતાનું કાવ્ય

પાંચ હજાર વર્ષ પહેલાં એક લૂંટારાને કોઈકે સવાલ કર્યો. સંબંધોના સમીકરણ પરના આત્મવિશ્વાસમાં રત એ ઘરે ગયો અને પેલો સવાલ રમતો મૂક્યો. મા-બાપ-પત્ની-સંતાન બધાએ સવાલનો એવો જવાબ આપ્યો કે લૂંટારાના તો પગ તળેથી ધરતી જ સરકી ગઈ. પોતે પરિવારના પાલનપોષણ માટે જે ચોરી-લૂંટ-ખૂનામરકી કરે છે એના પાપમાં પરિવાર સામેલ હશે જ એવા દૃઢ ભરોસા સાથે કુટુંબને મુખામુખ થયેલને ભોં ભારે પડી ગઈ. પરિવારના કોઈ પણ સભ્યે એના પાપમાં પોતાની ભાગીદારી હોવાની સાફ ના પરખાવી દીધી. સંબંધની કિતાબમાં અચાનક ખૂલી આવેલા સ્વાર્થના આ પાનાંએ લૂંટારાની આંખ ઊઘાડી નાખી અને વાલિયો વાલ્મિકી બન્યો ને રામાયણ રચાઈ… સંબંધોની આ રામાયણ કદાચ પરાપૂર્વથી આની આ જ છે… મહાન નવલકથાકાર અને કદાચ એટલા જ મહાન કવિ થોમસ હાર્ડી પ્રસ્તુત રચનામાં દુન્યવી સંબંધોની વાસ્તવિક્તાના ચહેરા પર રમૂજના મખમલમાં વીંટાળીને કટાક્ષનું જૂતું ફટકારે છે…

થોમસ હાર્ડી. ઇંગ્લેન્ડમાં ડોર્સેટ પરગણાના સ્ટિન્સફર્ડ ગામમાં એક સલાટને ત્યાં ૦૨-૦૬-૧૮૪૦ના રોજ જન્મ. સ્વાભાવિકપણે, કારકિર્દીની શરૂઆત સલાટકામથી જ કરી. દસ વર્ષ આર્કિટેક્ટ તરીકે કામ કર્યું. નાની વયે સાહિત્યલેખન હાથમાં લીધું અને સફળતા મળતાં જ લગભગ ૩૧ વર્ષની કુમળી વયે આર્કિટેક્ટનું કામ ત્યાગી કલમના ખોળે માથું ટેકવ્યું. એના જમાનાના સર્વશ્રેષ્ઠ અને સર્વકાલીન ઉત્તમ અંગ્રેજી નવલકથાકાર તરીકે આજે એમની ગણના થાય છે પણ ‘ટેસ ઑફ ધ ડિ’અર્બરવિલેસ’ અને ‘જુડ ધ અબ્સ્ક્યુર (૧૮૯૫)’ નવલકથાઓ સામે એ જમાનામાં વિરોધનો મોટો જુવાળ ઊઠ્યો હતો અને હાર્ડી વધુ પડતા નિરાશાવાદી અને કામ-પીડિત હોવાની છાપ ઉપસાવાઈ હતી. આ જુવાળની એમના પર એટલી ઊંડી અસર થઈ કે જીવ્યા ત્યાં સુધી કદી બીજી નવલકથા જ ન લખી. ઓગણીસમી સદીનો નવલકથાકાર વીસમી સદીનો કવિ બની ગયો. ૧૮૭૪માં બંને પરિવારોની મરજી વિરુદ્ધ એમા સાથે લગ્ન કર્યા અને પોતે જ ડિઝાઇન કરેલા ઘર –મેક્સ ગેટ-માં રહ્યા. પાછળથી બંને અલગ રહ્યા પણ ૧૯૧૨માં એમાના અવસાન બાદ હાર્ડીના સર્જનોમાં એ સતત જીવતી રહી. ઘરમાં રહેલી પત્નીને ન ચાહી પણ કબરમાં રહેલી પત્નીને દિલ ફાડીને એમણે ચાહી. બે વર્ષ પછી પોતાનાથી ૩૮ વર્ષ નાની ફ્લૉરેન્સ સાથે એ પરણ્યા. બે વાર નોબલ પારિતોષિક માટે પણ એમનું નામાંકન થયું હતું. ૮૭ વર્ષની જૈફ વયે ૧૧-૦૧-૧૯૨૮ના રોજ પોતાના જ ઘરમાં નિધન. એમની ઇચ્છા વિરુદ્ધ એમની અસ્થિઓને વેસ્ટમિન્સ્ટર એબિમાં પોએટ’સ કૉર્નરમાં સ્થાન મળ્યું અને અંતિમ ઇચ્છાને માન આપવા માટે એમના હૃદયને પ્રથમ પત્નીની બાજુમાં દફનાવવામાં આવ્યું.

વિજ્ઞાન અને ધર્મ વચ્ચેનો ટકરાવ અને સ્ત્રીઓના સામાજિક તથા રાજકીય હક્ક એમના પ્રમુખ રસના વિષય હતા. હાર્ડી સ્થાનિક (રિજિઓનલ) નવલકથાકાર તરીકે જાણીતા છે. દક્ષિણ ઇંગ્લેન્ડના જે ભાગથી તેઓ પરિચિત હતા એ વેસેક્સના શહેરો એમની નવલકથામાં એવા વણાઈ ગયા છે કે એમની નવલકથાઓમાં એક નાયક વેસેક્સને ગણી શકાય. બીજો નાયક કમનસીબ અથવા નિર્દયી કુદરત છે. હાર્ડીએ કારકિર્દીની શરૂઆત કવિ તરીકે કરી અને અંત પણ કવિ તરીકે કર્યો. કવિતાને એ સાહિત્યનું સર્વોત્તમ સ્વરૂપ ગણતાં પણ આજીવિકા માટે એ પર્યાપ્ત ન હોવાથી નવલકથાનો કોઈ વિકલ્પ નહોતો. હાર્ડીની કવિતાઓમાં આર્કિટેક્ટ અને સલાટ –એમ બંને વ્યવસાયની ચિવટાઈ નજરે ચડે છે. એ કાવ્યસ્વરૂપના સ્વામી હતા અને પ્રયોગના પ્રેમી હતા. નવલકથાઓની જેમ એમની કવિતાઓમાં પણ કરુણરસ અને ગ્રામ્યજીવનનું પ્રાધાન્ય વર્તાય છે. ‘ધ ડાયનાસ્ટ્સ’ નામે પદ્યનાટક મહાકાવ્ય સ્વરૂપે આલેખ્યું. માનવજીવનની ઉદાસીનતા-નિરાશા પર એમની કવિતાઓ તિરસ્કારપૂર્ણ વિલાપ કરે છે. પત્નીના વિયોગમાં લખાયેલી કવિતાઓ એમની શ્રેષ્ઠ રચનાઓ ગણાય છે. એમની કાવ્યશૈલી દાયકાઓ સુધી આવનારા કવિઓ માટે અનુકરણીય બની રહી. સમય લાગ્યો પણ દુનિયાએ એમને વીસમી સદીના મહાનતમ કવિઓમાં સ્થાન આપ્યું ખરું.

૧૯૧૩માં પ્રથમવાર પ્રગટ થયેલી “ઓહ, શું આપ જ રહ્યા છો ખોદી મારી કબ્ર પર” કવિતા પ્રસિદ્ધ અંગ્રેજી કાવ્યપ્રકાર બેલડ –લોકગીત કે કથાકાવ્યની શૈલીમાં પણ ખૂબ જ સફાઈદાર રીતે લખાયેલ છે. અહીં છ-છ પંક્તિના છ અંતરા છે. દરેક પંક્તિમાં આઠ શબ્દાંશ (Syllables) છે પણ દરેક અંતરાની બીજી અને છઠ્ઠી પંક્તિમાં છ શબ્દાંશ છે. ગીતમાં જેમ ધ્રુવ પંક્તિ આવે એમ કવિએ અહીં પહેલી પંક્તિમાં જરા-તરા ફેરફાર કરીને કવિતાની ટૂક (રિફ્રેઇન) તરીકે દરેક અંતરાના આરંભે મિજાગરાની જેમ પ્રયોજી છે, જે મિજાગરા પર થઈને જ કવિતાનો દરવાજો ખૂલે છે. દરેક અંતરામાં અ-બ-ક-ક-ક-બ પ્રકારની અલગ-અલગ પ્રાસરચના છે, જેમાં પહેલી પંક્તિ સ્વતંત્ર છે અને છ શબ્દાંશવાળી બીજી અને છઠ્ઠી પંક્તિ વચ્ચે તથા આઠ શબ્દાંશવાળી વચ્ચેની ત્રણ પંક્તિઓમાં ચુસ્ત પ્રાસ મેળવાયો છે. બે પાત્રો વચ્ચેના સંવાદના સ્વરૂપમાં આખું ગીત છે પણ કવિએ કયું પાત્ર કોણ છે એનો ખુલાસો આપવો જરૂરી સમજ્યું નથી. ઊલટું, સંવાદ એ રીતે પ્રયોજાયા છે કે ભાવક જાતે જ સમજી શકે છે કે કોની વચ્ચે આ વાર્તાલાપ થઈ રહ્યો છે અને કયું વાક્ય કોણ બોલી રહ્યું છે. અલગ તરી આવતી પ્રાસરચના, છંદમાં કરાયેલા પ્રયોગો તથા સંવાદરીતિના કારણે ગીત બેલડ કાવ્યપ્રકારની અનુભૂતિ કરાવે છે. ગુજરાતી અનુવાદમાં પ્રાસવ્યવસ્થા મૂળ રચનાને અનુસરે છે અને બીજી તથા છઠ્ઠી પંક્તિમાં છંદનું એક આવર્તન ઓછું કરીને તાલમેળ જાળવવાની કોશિશ કરી છે.

દુન્યવી સંબંધોની નિરર્થકતાનું આ કાવ્ય છે. આપણા પરસ્પર વ્યવહાર ઉપર જે ગીલીટ ચડાવીને ચળકાટ આપણે પેદા કર્યો છે, એ ગીલીટ ઉતરડીને સોનાના અંચળા નીચે છૂપાડાયેલા લોઢાને હાર્ડી આપણી સમક્ષ ખુલ્લું કરે છે. હળવી રમૂજ અને ભારોભાર કટાક્ષ સાથે આપણને હેન્ડશેક કરાવીને કવિ અચાનક જ હથેળીમાં અંગારો મૂકી દે છે. ને આ અંગારો ખાલી હાથ નથી દઝાડતો, આપણા રોમરોમને સળગાવી દે છે. એક તરફ એ વાત પણ સાચી છે કે आप मूआ, पीछे डूब गई दुनिया તો બીજી તરફ કોઈ અનામી કવિનો પ્રલાપ -મૂઆની સંગાથે કોઈ જાતું નથી રે…. કોઈ કોઈનું નથી રે -પણ એટલો જ સાચો છે. ચાલો ત્યારે, હાર્ડીનો હાથ ઝાલીને સાચવીને આ કવિતાની ગલીઓમાં પગ મૂકીએ…

કવિતાની શરૂઆત પ્રશ્નથી થાય છે, કે ‘ઓહ, શું આપ જ રહ્યા છો ખોદી મારી કબ્ર પર.’ સમજાઈ જાય છે કે બોલનાર વ્યક્તિ હવે હયાત નથી, કબરની અંદર સૂતી છે. હાર્ડીને અલૌકિકમાં અને મૃત્યુ બાદના જીવનમાં જે ઊંડો રસ હતો એ પણ અહીં નજરે ચડે છે. કબરની અંદરની વ્યક્તિ દુનિયાની નજરે ભલે મૃત્યુ પામી છે પણ કવિ એ સજીવારોપણ વડે મૃતકની સંવેદનાને હાથો બનાવીને પોતે જે કહેવું છે એ કહે છે. મૃતકને અંદેશો થાય છે કે એની કબર પર ખોદકામ કરનાર કદાચ એની પ્રિય વ્યક્તિ જ હોઈ શકે. આમ તો કબર ખોદવાની ન હોય. કબર ખોદીએ તો મૃતકને ખલેલ પહોંચે એમ મનાતું હોય છે એટલે કોઈક વ્યક્તિ કબર ખોદી રહી છે એ વાત જ વિસંગતતાની અને સંબંધમાંની વિસમતાની દ્યોતક છે, પણ મરનારની આંખ સાચે જ મીંચાઈ ગયેલી હોવાથી એ હજી જગતની વાસ્તવિકતાથી સુપેરે અવગત નથી. કબર પર ખોદકામ થતું હોવા છતાં એની આશા હજી મરી પરવારી નથી કે કોઈક નિકટનું જ હશે જે એને આ ક્રૂર કહી શકાય એવી રીતે યાદ કરે છે. એને એમ પણ લાગે છે કે ખોદનાર કદાચ કંઈક વાવી રહ્યું છે. ઓગણીસમી સદીના વિક્ટોરિઅન યુગમાં ઇંગ્લેન્ડમાં ફૂલોના બગીચાઓનું ખૂબ મહત્ત્વ ગણાતું. દરેક ફૂલને અલગ-અલગ લાગણીઓ સાથે સાંકળવામાં આવતા અને કબર ઉપર અને આસપાસમાં પણ ફૂલો ઉગાડાતા. દેખાવે પ્રફુલ્લિત હોવા છતાં ગલગોટો દુઃખના ભાવ સાથે સંકળાયેલો હતો. અફીણનો છોડ શાંતિ અને શાશ્વત નિદ્રાનું પ્રતીક હતું. કમળ શુદ્ધતાની લાગણી વ્યક્ત કરે છે. આઇવી નામની વેલ બારેમાસ લીલાંછમ સ્મરણની સૂચક છે. પ્રસ્તુત રચનામાં રુ (Rue) નામની વનસ્પતિનો નામોલ્લેખ છે. ‘રુ’ના બે અર્થ થાય છે અને બન્ને જ અર્થ કવિને અહીં અભિપ્રેત પણ જણાય છે. રુ એટલે દુઃખ અથવા દિલગીરી. મૃતકને એમ માનવાની ઇચ્છા થાય છે કે પ્રિયજન કદાચ એના મરણ પર દિલસોજી વ્યક્ત કરવા માંગે છે. જો કે બીજો અર્થ જોઈએ તો રુ એટલે તૂરાં અને ઉગ્ર વાસના પાંદડાંવાળો એક બારમાસી છોડ. સામાન્યરીતે કબર પર પ્રેમ અને સદભાવ દર્શાવતા ફૂલ ચડાવવાનો અથવા વાવવાનો રિવાજ છે. એથી ઊલટું અહીં ‘રુ’ વાવવાની વાત છે, જે મૃતક અને કહેવાતા પ્રિયજન વચ્ચેના સંબંધની કડવાશ પર પ્રકાશ નાંખે છે.

કવિતામાં હવે બીજું પાત્ર ઉમેરાય છે. મૃતકના સવાલનો જવાબ હવે કબર ખોદનાર આપે છે. અંગ્રેજી કવિતામાં પ્રિયતમ પુરુષ છે, મોટાભાગે પતિ છે એ વાત પર ત્રીજી પંક્તિમાં પ્રકાશ પડે છે, ગુજરાતી અનુવાદમાં એ પ્રકાશ છઠ્ઠી પંક્તિમાં પડે છે. ખોદનાર કહે છે, કે મૃતકના પતિ કે પ્રિયતમે તો ગઈ કાલે જ કોઈક ગર્ભશ્રીમંતની કન્યા સાથે લગ્ન કરી લીધાં છે. એનું એવું કહેવું હતું કે એ મરનાર પરત્વે સંનિષ્ઠ રહ્યો છે કે નથી રહ્યો એ વાતથી હવે મરનારને કોઈ તકલીફ થનાર નથી. પહેલા જ અંતરામાં મરનારના માથે પસ્તાળ પડે છે. ગઈકાલ સુધી જેની સાથેનો સંબંધ દુનિયામાં સૌથી ઘનિષ્ઠ હતો, એ પલક ઝપકતાંમાં જ પીઠ ફેરવી બેઠો. પેલા ‘રુ’ના છોડના બંને અર્થ ફરી ધારદાર બને છે. પ્રિયજન પોતાનું દુઃખ કે દિલસોજી વ્યક્ત કરવા માટે નહીં, પણ મરનાર માટે જ કદાચ દુઃખ ને દિલસોજી વાવી રહ્યો હોવો જોઈએ અથવા બંને વચ્ચેના સંબંધમાં હકીકતમાં જે કડવાશ અને તિરસ્કાર હતા એ કબર ખોદીને વાવી રહ્યો હોવો જોઈએ.

પણ કબર ખોદનાર પતિ કે પ્રીતમ તો નથી. તો પછી કોણ હશે? નાયિકા ફરી અનુમાન કરે છે. શું પોતાની કબર ખોદનાર એના સૌથી નજીકનાં ને સૌથી વહાલાં હતાં એવાં કોઈ સ્વજન છે? ખોદનાર ફરીથી નાયિકાનું ભ્રમનિરસન કરે છે. નકારે છે. કહે છે, નાયિકાના સ્વજન તો ઘેર બેઠાં છે, ને વિચારે છે કે હવે એની કબર પર ફૂલછોડ રોપવાથી કોઈ ફરક પડનાર નથી કેમકે ગમે એટલી કાળજી કેમ ન લો, મૃત્યુ એને પોતાની જાળમાંથી હવે આઝાદ કરનાર નથી. જે ગયું એ ગયું. હવે એની પાછળ દુબળા થવાથી શો ફાયદો? આશંકા પરાકાષ્ઠાએ પહોંચે છે. દુનિયામાં કોઈને તો પોતાના વિશે વિચારવાની નવરાશ છે એમ માનવામાંથી નાયિકા મરણ બાદ પણ પોતાને મુક્ત કરી શકતી નથી. એ પોતાના વિચારોની કબરમાં પણ કેદ છે. એને થાય છે કે કોઈ નહીં તો કદાચ એની શત્રુ જ હશે જે એની કબર પર આમ ઘોંચપરોણો કરીને પોતાની ભડાશ કાઢતી હશે. પણ ખોદનાર ફરી એકવાર એની રહીસહી આશા પર પાણી ફેરવી દે છે. કહે છે, એની શત્રુને જે ઘડીએ જાણ થઈ કે મૃત્યુનું જે દ્વાર બધા પર ધરાર બંધ થાય જ છે,એ એને નાયિકા ઓળંગી ગઈ છે એ જ ઘડીએ એણે શત્રુતા પણ કબરમાં જ દાટી દીધી. મરનાર હવે એની ઘૃણાની હકદાર નથી અને એને ક્યાં દાટવામાં આવી છે એની પણ હવે એને કોઈ તમા નથી.

કબર પર કોણ ખોદતું હશે એ બાબત હવે મૃતકની કલ્પના બહારની બાબત બની જાય છે. એ સીધું જ પૂછે છે કે તો પછી કોણ છે જે મારી કબરને ખોદી રહ્યું છે? સામેથી જવાબ મળે છે કે એ તો તમારો નાનકડો કૂતરો જ છે, જે હજી અહીંથી નજીકમાં જ રહે છે અને આશા વ્યકત કરે છે કે એની આ કબર ખોદવાની નાનકડી હલચલથી માલકિનના આરામમાં વિક્ષેપ નહીં જ પડ્યો હોય. હાર્ડી ફરીથી વિરોધાભાસના એના પ્રિય હથિયારને તીક્ષ્ણ કરે છે. કબરને ખોદવું એ જ આમ તો દુષ્કર્મની નિશાની ગણાય. માલકિન એક પછી એક પ્રશ્નો કરીને પોતાની કબર પર કોણ ખોદી રહ્યું છે એમ પૂછે છે એ વાત જ સાબિત કરે છે કે એના આરામમાં ભંગ પડ્યો છે ને એ છતાંય માલકિનના આરામમાં ખલેલ નહીં જ પડે એવા દૃઢ વિશ્વાસ સાથે કૂતરો કબર ખોદી રહ્યો છે અને પોતાની આ માન્યતા વળી માલકિન સાથે સહિયારે પણ છે. કેવો વિરોધાભાસ!

માલકિનની અમર આશા હજી જીવંત છે. આટઆટલી ખતા ખાધા પછી પણ ડૂબતો તરણું ઝાલે એમ એ હજીય એ વાતનો તંત છોડતી નથી કે આ દુનિયાને હજી એની જરૂર છે, આ દુનિયામાં હજી કોઈક એના વિશે વિચારે છે. એ આશ્ચર્યોદ્ગાર કરે છે કે આટલી સરળ વાત હજી સુધી કેમ એને સમજાઈ નહીં કે દુનિયામાં કંઈ નહીં તો એક હૃદય તો હજીય સાચું બચ્યું જ છે! કૂતરાની વફાદારીના તો દુનિયા સદીઓથી દાખલા આપતી આવી છે. એ વિમાસે છે કે કૂતરાની જાતમાં જેમ વફાદારી નિહિત છે એમ મનુષ્યજાતમાં એની બરાબરીની કહી શકાય એવી કોઈ લાગણી કેમ નથી. આમ જોવા જઈએ તો કવિતા અહીં પૂરી થઈ જાય છે. નાયિકાને જાણ થઈ જાય છે કે આ દુનિયામાં કોઈ સંબંધ કાયમી નથી અને કોઈ જીવિતને કોઈ મૃતકની કોઈ જ સાડીબારી નથી, સિવાય કે કૂતરા જેવા વફાદાર પ્રાણી, જે મરણ પછી પણ પોતાના માલિકને ભૂલતાં નથી. પણ આ થોમસ હાર્ડી છે. એ હળવો ઘા કરવામાં માનતા જ નથી. એમની નવલકથાઓ લો કે કવિતાઓ, કુઠારાઘાત જ એમની ખરી શૈલી છે. વાચકની સંવેદના પર જનોઈવઢ ઘા કરીને એ વાચકને દુનિયાની વરવી વાસ્તવિક્તા સાથે રૂબરૂ કરાવવાની એકપણ તક ચૂકતા નથી. અહીં પણ હાર્ડીની એ જ પ્રયુક્તિ નજરે ચડે છે. દરેક અંતરા સાથે કવિતા આપણને સંબંધના રૉલરકૉસ્ટરમાં તીવ્ર ગતિથી ઊલટા-સીધા ફેરવે છે અને દરેક અંતરા સાથે એક પછી એક કરીને સંબંધના સઘળા સમીકરણ ખોટા ઠેરવે છે. કાવ્યાંતે હાર્ડી ભાવકને વધુ એક તીવ્ર વળાંક આપીને સીધો મોંભેર જ પટકે છે.

આખી જિંદગી જેને પોતાના સંતાનની જેમ ચાહ્યો હશે એ વફાદાર ગણાતો કૂતરો જવાબ આપે છે કે માલકિન, મેં તો એમ વિચારીને તમારી કબર પર ખોદકામ કર્યું કે એક હાડકું ભીતર દાટી રાખું, જેથી વિપરીત સમયમાં ભૂખ લાગી હોય અને અહીંથી પસાર થવાનું થાય તો એ હાડકું ખોદીને ખાવાના કામમાં આવી શકે. એ માફી માંગતા કહે છે કે એ સાવ ભૂલી જ ગયો હતો કે આ કબર એ એની માલકિનનું આખરી વિશ્રામસ્થળ છે. પ્રાણી જેવું પ્રાણી પણ ભૂલી ગયું છે કે એની માલકિનની કબર કઈ જગ્યાએ છે. એ તો માટીનો ટીંબો જોઈને હાડકું દાટી-સંતાડી રાખવાની લાલચે ખોદકામ કરતું હતું પણ કબરની નીચેથી એની માલકિનનો અવાજ આવ્યો અને વાત શરૂ થઈ… માલકિન અને કૂતરા વચ્ચે તો વાત શરૂ થઈ પણ દુન્યવી સગપણની સચ્ચાઈ પૂરી થઈ… હાર્ડી મૃતકની કબર પર ખોદકામ નથી કરી રહ્યા, એ તો આપણા પરસ્પરના સંબંધને ખોદીને અંદર સડી ગયેલી લાશ બહાર કાઢી આપે છે. ડેવિડ હૉલબ્રુકની ‘ફિંગર્સ ઇન ધ ડોર’ કવિતા યાદ આવ્યા વિના નહીં રહે. શંકરાચાર્ય ‘ભજગોવિન્દમ્’માં કહે છે:

यावत्पवनो निवसति देहे, तावत्पृच्छति कुशलं गेहे ।
गतवति वायौ देहापाये,भार्या बिभ्यति तस्मिन्काये ॥
(જ્યાં સુધી શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી જ ઘરાના લોકો ખબર પૂછે છે, પ્રાણ નીકળી ગયા પછી શરીરનું પતન થતાં જ તમારી પત્ની પણ તમારા શરીરથી ભય પામે છે.)

હાર્ડી મનુષ્યસંબંધની કાળી બાજુ પર પ્રકાશ નાંખે છે. હાર્ડી સગપણની વાસ્તવિકતાને રમૂજ અને કટાક્ષની પીંછીથી રંગીને રજૂ કરે છે. જો કે મરી ગયેલાઓને કદાચ હાર્ડી કહે છે એટલા ઝડપથી આપણે વિસ્મરતાં નથી એ હકીકત છે પણ આપણી એમના તરફની યાદ એ પણ કદાચ આપણા જ સ્વાર્થનો કોઈ આયામ હોવાની પૂરેપૂરી સંભાવના છે. સ્વીકારીએ કે ન સ્વીકારીએ પણ કોઈ નજીકની વ્યક્તિ કે મિત્રના દેહાવસાનની ખબર સાંભળવા મળે ત્યારે આપણી છે…ક ભીતર એક અપ્રગટ હાશકારો તો થાય જ છે, કે હાશ! આપણે નથી ગયા. મૃતકના પરિવારજનો મૃતદેહ ફરતે આક્રંદ કરે છે એમાં પણ સાચી લાગણી કેટલી એનો જવાબ પ્રામાણિકતાપૂર્વક આપવાનો થાય તો કદાચ સમસ્યા સર્જાય. સ્મશાનમાં ગંભીર મોઢે મૃતદેહને લઈ જનારા થોડી જ વારમાં પોતપોતાના ટોળાં બનાવીને શેરબજારની ચડઉતર કે રાજકારણના દાવપેચ અને આપણી આજકાલની ગપસપમાં રત થઈ જતાં હોય છે. મૃતદેહ ચિતામાં હોય એ વખતે જ સ્મશાનની કેન્ટિનમાં બેસીને ચા-નાસ્તો કરવાનો રિવાજ પણ આપણે ત્યાં છે. ગમે એવી નજીકની વ્યક્તિ કેમ ન ગઈ હોય, ગમે એવો આકરો શોક કેમ ન અનુભવાયો હોય, માનવી પોતાના શ્વાસની ગાડીમાં બેસીને પોતીકી જિંદગીની સફર પર ઊપડી જ જતો હોય છે, મરનારને અને એની યાદોને પાછળ દફનાવી દઈને… હકીકત છે કે-

कौन रोता है किसी और की ख़ातिर ऐ दोस्त
सब को अपनी ही किसी बात पे रोना आया

મૃતકના દૃષ્ટિકોણને બાજુએ મૂકીને અલગ રીતે આ કવિતાને જોઈએ તો સાહિર લુધિયાનવીની આ વાત એકદમ સાચી લાગે. મરનાર અપેક્ષા રાખે છે કે પોતાની પાછળ જમાનો પોતાને યાદ રાખે અને વિસ્મય પણ અનુભવે છે કે આમ થયું નથી. પણ શું મૃતક નાયિકા જ્યારે જીવંત હતી ત્યારે આજે એના તરફથી મોં ફેરવી ગયેલા તમામ સગપણ યથાર્થ નિભાવ્યા હશે ખરાં? આપણે જીવતાં હોઈએ છીએ ત્યારે પણ આપણા સંબંધોમાં જીવન રેડવાની કોશિશ કરતાં નથી હોતાં. આપણાં મોટાભાગના સંબંધ રાજા વિક્રમના ખભા પર લટકતી વેતાળની લાશ જેવા હોય છે… આ સંબંધો ઘડી-ઘડી આપણા હાથમાંથી છટકી જાય છે ને ઘડી-ઘડી આપણે સમાધાનના હાથથી એને ખેંચી-તૂસીને ફરી ખભે બેસાડીને આગળ ચાલવાની કોશિશમાં જિંદગી વ્યતીત કરતાં હોઈએ છીએ. જે સંબંધોમાં આપણે જીવતેજીવ જીવન રેડી શકતા નથી, એ સંબંધો પાસેથી આપણે આપણા મરણ પછી સ્મરણની અપેક્ષા શી રીતે રાખી શકીએ? હાર્ડી બંને બાજુએથી આપણાં કાન પકડે છે…

8 replies on “ગ્લૉબલ કવિતા : ૯૨ : ઓહ, શું આપ જ રહ્યા છો ખોદી મારી કબ્ર પર? – થોમસ હાર્ડી”

  1. કવિતા અને રસદર્શન બંનેનો આસ્વાદ માણ્યો અને છેલ્લા ફકરામાં મૃતકની પોતાના સંબંધો જાળવવાની નિષ્ફળતાની આશંકાનો ઉલ્લેખ કર્યો તે તો ઓ હેન્રીની વાર્તાના ચમત્કૃત અંત જેવો લાગ્યો.ખાલી કવિતા એકલી વાંચી હોત તો આ વિચાર ના આવ્યો હોત.તમે રસદર્શનમાં એ ઉમેરીને આસ્વાદ વધારે ટેસ્ટી બનાવ્યો.આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *