ગ્લૉબલ કવિતા : ૮૭ : બૉમ્બનો વ્યાસ – યહુદા અમિચાઈ

The Diameter of the Bomb

The diameter of the bomb was thirty centimeters
and the diameter of its effective range about seven meters,
with four dead and eleven wounded.
And around these, in a larger circle
of pain and time, two hospitals are scattered
and one graveyard. But the young woman
who was buried in the city she came from,
at a distance of more than a hundred kilometers,
enlarges the circle considerably,
and the solitary man mourning her death
at the distant shores of a country far across the sea
includes the entire world in the circle.
And I won’t even mention the howl of orphans
that reaches up to the throne of God and
beyond, making
a circle with no end and no God.

– Yehuda Amichai
(Eng Translation: Chana Bloch)


બૉમ્બનો વ્યાસ

બૉમ્બનો વ્યાસ ત્રીસ સેન્ટિમીટર હતો
અને એની અસરકારક પહોંચનો વ્યાસ લગભગ સાત મીટર હતો,
જેમાં છે ચાર મૃતક અને અગિયાર ઘાયલ.
અને એની ફરતે, દર્દ અને કાળના
વધુ મોટા વર્તુળમાં, પથરાયેલ છે બે હૉસ્પિટલ
અને એક કબ્રસ્તાન. પણ યુવાન સ્ત્રી
જેને દફનાવાઈ, જ્યાંથી એ આવી હતી એ શહેરમાં
જે સો કિલોમીટરથીય વધુ અંતરે છે,
વર્તુળને નોંધપાત્ર રીતે વિસ્તારે છે;
અને દરિયાપારના એક દેશના દૂરના કિનારાઓ પર
એના મોત પર શોક કરનાર એકાકી પુરુષ
આખી દુનિયાને વર્તુળમાં સમાવી લે છે.
અને અનાથોના હીબકાંઓનો તો હું ઉલ્લેખ પણ નહીં કરું
જે પહોંચે છે ઈશ્વરના સિંહાસન સુધી અને
એથીય આગળ, એક વર્તુળ
બનાવતાં જેનો નથી કોઈ અંત અને નથી ઈશ્વર.

– યહુદા અમિચાઈ
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)


વિનાશના વર્તુળનો વ્યાસ કેટલો?

વિનાશનો કોઈ વ્યાસ હોતો નથી. એની અસર આપણા વિચારવર્તુળથી ક્યાંય આગળ સુધી પહોંચતી હોય છે. વિશાળ તળાવના શાંત પાણીમાં એક નાનો અમથો પથરો પડે પછી ઊઠતા વમળ લાંબા સમય સુધી દૂર-દૂર સુધી વિસ્તરતા રહે છે. પથ્થર તો પાણીની સપાટીને સેકન્ડના હજારમાં ભાગ જેટલીવાર જ માંડ અડતો હશે ને ઊંડે ગરકાવ થઈ જતો હશે પણ વમળ ક્યાંય સુધી વર્તુળાયા કરે છે. નાના અમથા પથ્થરના પાણીમાં પડવાની ક્ષણાર્ધથીય નાની અમથી ઘટનાને સમય અને ક્ષેત્રના પરિમાણથી માપવા બેસીએ ત્યારે જ સમજી શકાય છે કે દરેક નાની અમથી ઘટનામાંથી ઊઠતો પડઘો એ મૂળ ઘટના કરતાં અનેકગણો પ્રચંડ જ હોવાનો. અકસ્માતમાં કોઈનો જીવ જાય કે કોઈ માણસ ગળે ફાંસો બાંધીને લટકી જાય કે કોઈના પેટમાં ચપ્પુ હુલાવીને કોઈ ચાલતું થાય એ ઘટના સાડા-સાત અબજ મનુષ્યોથી ખદબદતી પૃથ્વીની સરખામણીમાં કેટલી ક્ષુલ્લક લાગે છે! પણ એ એક માણસની આજુબાજુ જે એક દુનિયા વીંટળાયેલી છે, એ દુનિયાની તો શકલ જ આખેઆખી બદલાઈ જાય છે ને! યહુદા અમિચાઈની આ કવિતા પણ સાવ નાની અમથી છે પણ એની અસર લાંબો સમય ટકનાર અને ખૂબ આઘે સુધી જનાર છે…

યહુદા અમિચાઈ. કવિ. નવલકથાકાર. વાર્તાકાર. નાટ્યકાર. નિબંધકાર. ૦૩-૦૫-૧૯૨૪ના રોજ વર્ટ્સબર્ગ જર્મની ખાતે રુઢિચુસ્ત યહૂદી પરિવારમાં જન્મ. ૧૧ વર્ષની વયે પહેલાં પેલેસ્ટાઇન અને બાદમાં જેરુસલેમ પરિવાર સાથે સ્થળાંતરિત થયા. સંરક્ષણ ટુકડીમાં જોડાયા. બ્રિટીશ સૈન્યના ભાગ તરીકે બીજા વિશ્વયુદ્ધમાં અને પછી ઇઝરાઈલની આઝાદી માટેની લડતમાં જોડાયા પણ ખરા. પછી શિક્ષક બન્યા. એ પછી પણ ત્રણેક લડાઈઓમાં જોડાયા. ૧૯૯૪માં નોબેલ શાંતિ પારિતોષિક માટેના સમારોહમાં કાવ્યપાઠ કરવા માટે વડાપ્રધાને એમને આમંત્રણ આપ્યું. બે લગ્ન અને ત્રણ બાળકો. ૭૬ વર્ષની વયે ૨૨-૦૯-૨૦૦૦ના રોજ કેન્સરની બિમારીના કારણે ઇઝરાઈલમાં નિધન.

નિઃશંકપણે તેઓ ઇઝરાઈલના શ્રેષ્ઠ આધુનિક કવિ હતા અને વિશ્વકવિતામાં પણ તેઓ અગ્રેસર ગણાય છે. આધુનિક હિબ્રૂ સાહિત્યની કાયાપલટ કરવામાં તેમનો સિંહફાળો હતો. યહુદાની કવિતાઓમાં સમાજની આજકાલ નજરે ચડે છે. જીવનની નાની-મોટી ઘટનાઓ, જીવન-મરણની ફિલસૂફી, ઈશ્વર અને શ્રદ્ધા આગવી મૌલિકતા, હળવા કટાક્ષ અને ચોંકાવનારા કલ્પનો સાથે એમની કવિતામાંથી ડોકિયાં કાઢતાં નજરે ચડે છે. એમની ભાષા એ રોજિંદા વપરાશની ભાષા છે, શેરીઓની ભાષા છે. એ પોતે કહે છે: ‘હું ચુસ્ત ધાર્મિક પરિવારમાં મોટો થયો હોવાથી પ્રાર્થનાઓ, પ્રાર્થનાઓની ભાષા મારા માટે કુદરતી ભાષા બની… હું કોશિશ નથી કરતો -જે રીતે કવિઓ ક્યારેક કરે છે-મારી કવિતાને ‘સમૃદ્ધ’ કરવા માટે વધારાની સાંસ્કૃતિક સામગ્રી વાપરવાની. એ એકદમ સાહજિકતાથી જ આવે છે.’

બૉમ્બનો વ્યાસ’ શીર્ષક વાંચતાવેંત કવિતાનું વિષયવસ્તુ ખ્યાલ આવી જાય છે. બૉમ્બ શું છે એ વિશે આજે તો ભાગ્યે જ કોઈને સમજાવવું પડે. બૉમ્બ એવું વિસ્ફોટક હથિયાર છે જે એની અંદર ઠાંસીને ભરવામાં આવેલી વિસ્ફોટક સામગ્રીની બાહ્યઉષ્મા (exothermic) સંબંધી પ્રતિક્રિયાનો ઉપયોગ કરીને પ્રચંડ આકસ્મિક અને હિંસક ઊર્જા મુક્ત કરે છે. ટ્રિગર, રિમોટ અથવા ટાઇમરના પ્રયોગથી બૉમ્બ જ્યારે ફાટે છે ત્યારે અચાનક મુક્ત થતી ઊર્જા પ્રબળ વેગ અને દબાણ સાથે વાતાવરણમાં ચારેતરફ ફેલાઈને જાન-માલને નુકશાન પહોંચાડે છે. બૉમ્બ શબ્દ મૂળ ગ્રીક બૉમ્બોસ નામના રવાનુકારી (onomatopoetic) શબ્દ પરથી ઊતરી આવ્યો છે, જે ‘ઊંડો અને પોલો અવાજ’ –બઝિંગ કે બૂમિંગ- દર્શાવવા માટે વપરાતો હોઈ શકે. ગ્રીક bombos પરથી લેટિન bombus, એના પરથી કદાચ ઇટાલિઅન bomba અને એ પરથી ફ્રેન્ચ bombe અને ત્યાંથી સોળમી સદીના અંતભાગમાં આજે પ્રચલિત બૉમ્બ શબ્દ વપરાશમાં આવ્યો હોવાનું મનાય છે. Bomb શબ્દનો ઉચ્ચાર બૉમ થાય છે પણ લોકબોલીએ જેમ પ્લમરના સ્થાને પ્લમ્બર શબ્દ સ્વીકારી લીધો છે એમ બૉમના સ્થાને બૉમ્બ શબ્દ શબ્દકોશમાં પણ માન્ય થયો છે.

ચીનમાં જિન રાજવંશ દ્વારા ઈ.સ. ૧૨૨૧માં બૉમ્બ કહી શકાય એવા વિસ્ફોટકોનો પહેલવહેલો પ્રયોગ થયો હોવાની જાણકારી મળે છે. જિનવંશના ઇતિહાસમાં લખ્યું છે કે ‘લોખંડના બંધ પાત્રમાં દારૂગોળો ઠાંસીને ભર્યા બાદ જામગરી ચાંપવામાં આવતાં પ્રચંડ ધડાકો થતો જેનો મેઘગર્જના જેવો અવાજ ત્રીસ માઇલથીય વધુ સુધી સંભળાતો અને ચોતરફ ઘણા લાંબા વિસ્તારમાં ઝાડીઝાંખરા સાફ થઈ જતાં. લોહપાત્ર પણ છલની-છલની થઈ જતું.’ તેરમી સદીના અંતભાગમાં મોંગોલોએ જાપાન પર કરેલા હુમલામાં પણ બૉમ્બનો પ્રયોગ કરાયો હતો. ૧૮૪૯માં વેનિસના ઘેરાવ વખતે ઑસ્ટ્રિયાના સૈનિકોએ બસો જેટલા ફુગ્ગાઓની મદદથી પહેલવહેલીવાર હવામાંથી બૉમ્બ ફેંકવાનો પ્રયોગ કર્યો હતો. ૧૯૧૧માં ઇટલીએ પહેલીવાર આ કામ માટે વિમાનની મદદ લીધી હતી. ૧૯૧૫માં શરૂ થયેલા પહેલા વિશ્વયુદ્ધમાં દુનિયાએ સાચા અર્થમાં બૉમ્બવર્ષા જોઈ પણ બીજા વિશ્વયુદ્ધમાં છઠ્ઠી ઑગસ્ટ, ૧૯૪૫ના રોજ બૉમ્બની તાકાત જોઈને આખી દુનિયા સાચા અર્થમાં ધ્રુજી ગઈ. અમેરિકાએ બી-૨૯ બૉમ્બર વિમાનમાંથી જાપાનના હિરોશીમા શહેર પર દુનિયાનો પહેલો અણુબૉમ્બ ઝીંક્યો અને એક જ ધડાકામાં નેવુ ટકા શહેર અને એંસી હજાર લોકો સાફ થઈ ગયાં. ત્રણ દિવસ પછી નાગાસાકી પર અમેરિકાએ બીજો બૉમ્બ નાંખ્યો અને ચાળીસ હજાર લોકોનો ખાત્મો બોલી ગયો. જાપાનના રાજાએ આ ‘નવા અને સૌથી ઘાતકી બૉમ્બ’ સામે બિનશરતી શરણાગતિ સ્વીકારી લીધી. તાત્કાલિક વિનાશ બાદ પ્રસરેલા વિકિરણના કારણે લાખો લોકોએ જીવ ગુમાવ્યો, હજારો બાળકો ખોડખાંપણ સાથે જન્મ્યા અને કંઈ કેટલાય કેન્સરના શિકાર થયાં. આજની તારીખે પણ એ બે બૉમ્બની આ ઘાતક અસર નાબૂદ થઈ શકી નથી. આજે તો પરમાણુ બૉમ્બ, હાઇડ્રોજન બૉમ્બ, રાસાયણિક બૉમ્બ જેવા અણુબૉમ્બને બાળક કહેવડાવે એવા વિઘાતક શસ્ત્રો ઉપલબ્ધ છે જે ક્ષણાર્ધમાં પૃથ્વી પરથી સજીવ સૃષ્ટિનો સફાયો કરી દેવા સમર્થ છે.

જો કે અહીં યુદ્ધમાં વપરાતા બૉમ્બની વાત નથી. ભગતસિંહે અંગ્રેજોના બહેરા કાન સાંભળી શકે એ માટે સંસદભવનમાં કરેલા ધડાકાની પણ આ વાત નથી. અહીં વાત છે, શહેરની વચ્ચે, ગલીઓમાં આતંકવાદીઓ દ્વારા ફોડવામાં આવતા બૉમ્બની. બૉમ્બેની લોકલ ટ્રેનમાં અને ગાડીઓમાં કરાયેલ બૉમ્બવિસ્ફોટો જેવા વિસ્ફોટો કે અમેરિકાના નાઇન-ઇલેવન જેવા હુમલાઓ, જેમાં નિર્દોષ લોકો અકારણ જાન ગુમાવે છે એ લોકોને આપવામાં આવેલી શબ્દાંજલિ છે આ. બૉમ્બથી થતા પ્રલયનો કોઈ લય નથી હોતો અને વિનાશમાં પ્રાસ નથી હોતો. કવિ કવિતા માટે પણ કોઈ લય પસંદ ન કરતાં પ્રાસની પળોજણ પડતી મૂકીને અછાંદસ મુક્તકાવ્ય સ્વરૂપ પસંદ કરે છે. માત્ર સોળ જ પંક્તિની આ સાવ નાનકડી અને એકદમ સરળ ભાષામાં લખાયેલી કવિતા ખૂબ લાં…બા સમય સુધી આપણા મનોમસ્તિષ્ક પર ઘેરી અસર છોડી જવા સર્જાયેલી છે. બૉમ્બની જેમ જ આ કવિતાનો વ્યાસ પણ અનંતને તાગે છે. નાઝી હુમલાઓથી બચવા માટે યહુદાનો રુઢિચુસ્ત પરિવાર સાંકડી ગલીમાંથી બર્લિનમાંથી ભાગીને ઇઝરાઈલ પહોંચી ગયા અને નાઝીઓના જઘન્ય નરસંહાર હૉલોકૉસ્ટનો શિકાર બનવામાંથી બચી ગયા. માત્ર પંદર વર્ષની નાની વયે યહુદાએ સૈનિક તરીકે યુદ્ધનો પ્રથમ સાક્ષાત્કાર કર્યો હતો. એ પછી પણ તેમણે અવારનવાર નાના-મોટા યુદ્ધમાં સક્રિય ભાગ લીધો હતો એટલે યુદ્ધમાં થતા રક્તપાત અને વિનાશમાં તેઓ અનેકવાર ભાગીદાર બન્યા હતા. ફલતઃ એમની રચનાઓમાંથી યુદ્ધની સંહારકતાનો પડઘો અવારનવાર ઊઠતો સંભળાય છે.

યહુદા પોતાની વાતને ધારદાર બનાવવા માટે અલ્પોક્તિ (understatement)નો સહારો લે છે. કવિતા આપણી સમક્ષ એ રીતે આવે છે જાણે બહુ નાની અમથી અને ગૌણ વાત કોઈ આપણને કહેતું ન હોય પણ આ પ્રથમદર્શી અલ્પોક્તિની પાછળ છૂપાયેલો પ્રચંડકાયી કટાક્ષ અને બોધ અછતો રહેતો નથી. કવિ ખૂબ ઠંડે કલેજે ગાણિતીક પરિભાષા સાથે કાવ્ય માંડે છે. બૉમ્બનો વ્યાસ ત્રીસ સેન્ટિમીટર હતો. માત્ર એક ફૂટ મોટો. પણ ‘હતો’ ક્રિયાપદ આપણને આગળ વધતાં અટકાવે છે. ‘હતો’ મતલબ હવે નથી. અર્થાત્ બૉમ્બ ફૂટી ચૂક્યો છે. બૉમ્બ પ્રમાણમાં નાનો હતો એટલે એ ફૂટ્યા પછી એના દ્વારા થયેલા વિનાશનો વ્યાસ આમ તો સાત જ મીટર જેટલો છે. આ સાત મીટરના વ્યાસમાં ઊભા હશે એવા લોકોમાંથી ચાર જણે જાન ગુમાવ્યા છે અને અગિયાર જણ ઘાયલ થયા છે. અખબારના સમાચાર વાંચતા હોઈએ એવી સૂકી અને ઠંડીગાર ત્રણ પંક્તિઓ પછી ધગધતો ડામ આપે એવી કવિતાનો આરંભ થાય છે.

સમય અને વેદનાનું વર્તુળ આ વ્યાસને વિસ્તારે છે. મૃતકોને કબ્રસ્તાન લઈ જવા પડ્યા છે અને ઘાયલોને હૉસ્પિટલોમાં. એક સ્ત્રી પણ આ દુર્ઘટનામાં નિધન પામી છે. સ્ત્રી યુવાન છે એ વાત વિનાશની ગંભીરતાને ગાઢી બનાવે છે. સ્ત્રી સો કિલોમીટરથીય વધુ દૂરના કોઈ શહેરમાંથી એક યા બીજા કારણોસર અહીં કાળનો શિકાર બનવા માટે આવી હશે એટલે એનો મૃતદેહ એ જ્યાંથી આવી હતી એ દૂરના શહેરમાં લઈ જઈને દફનાવાયો છે. ત્રીસ સેન્ટિમીટરમાંથી સાત મીટર, એમાંથી કેટલાક કિલોમીટર અને એથી વધીને બૉમ્બની અસરનું વર્તુળ સોથીય વધુ કિલોમીટર જેટલું વિરાટ બની ગયું. યુવાન સ્ત્રી સાથે કોઈક કારણોસર સંકળાયેલો હશે એવો કોઈ એકાકી પુરુષ જે આ ઘટના અને સ્ત્રીના શહેરથી હજારો માઇલ દૂર દરિયાપારના કોઈ દેશમાં રહે છે એ દરિયાકિનારે એના મોત પર શોક કરી રહ્યો છે, પરિણામે વેદના અને કાળનું આ વર્તુળ આખી દુનિયાને પોતાનામાં સ્માવી લે છે. બલિરાજા અને વામનાવતારની પુરાકથામાં વામને ભરેલા ત્રણ પગલાંઓ અહીં યાદ આવ્યા વિના નહીં રહે.

પણ કવિતા અહીં પૂરી થતી નથી. બૉમ્બની અસર ઘટનાસ્થળે જ મરી ગયેલા અને ઘાયલ થયેલાઓ અને નજીક-દૂરની હૉસ્પિટલો અને કબ્રસ્તાનો કે મૃતક પાછળ આંસુ સારતા દૂર દેશાવરસ્થિત સ્નેહીજનો પૂરતી જ સીમિત નથી. જે બાળકો અનાથ થયા છે એમનાં હૃદયદ્રાવક આક્રંદ વિનાશના આ વર્તુળનો બીજો છેડો છે જે છે…ક ઈશ્વરના સિંહાસનને જઈ અડે છે. પરિણામે વિનાશનું એક એવું વર્તુળ બને છે જેનો કોઈ અંત નથી અને જેની અંદર કોઈ ઈશ્વર નથી. બહુ સરળ ભાષામાં કવિ માનવજાતને સંદેશો આપે છે કે વિનાશની દેખીતી રીતે મર્યાદિત લાગતી અસર હકીકતમાં અંતહીન છે અને સાવ નાની અમથી લાગતી ઘટનાના પડઘા પણ આપણે ધારીએ એના કરતાં બહુ દૂર-દૂર સુધી પહોંચતા હોય છે. એક માણસ નથી મરતો, એની સાથે સંકળાયેલો આખો પરિવાર, સંબંધો અને સમાજ – આ બધા જ નિવારી ન શકાય એવી નુકશાનીનો ભોગ બનતા હોય છે.

પહેલી બે પંક્તિઓમાં બૉમ્બનો વિનાશ અત્યંત મર્યાદિત ભાસે છે ત્યાંથી શરૂ કરીને અંતે કવિ ‘એનો તો હું ઉલ્લેખ પણ નહીં કરું’ કહીને જે ઉલ્લેખ કરે છે એ ભાવકના હૃદયને હચમચાવી દેવા પૂરતું છે. વિનાશના આ વર્તુળમાં દેખીતી રીતે ઈશ્વર પણ નથી કેમકે ઈશ્વર જો સાચા અર્થમાં હાજર હોય તો શું એ બૉમ્બને ફાટતાં જ અટકાવી ન શક્યો હોત? બૉમ્બ બનાવનારના હાથને લકવો ના પડી ગયો હોત? બૉમ્બ બનાવવાનો વિચાર જેને આવ્યો હશે એનું મગજ કામ કરતું જ બંધ ન પડી ગયું હોત? બૉમ્બ મૂકનાર અને ફોડનાર માણસનું હૃદયપરિવર્તન ના થઈ ગયું હોત? નિર્દોષ માણસોનો જાન બચી ગયો ન હોત? બાળકો અનાથ જ ન થયા હોત ને? પણ, ના. આવું કશું થયું નથી. બૉમ્બ બનાવવાનો વિચાર અટક્યો નથી. બૉમ્બ બનાવનારનો હાથ કાંપ્યો નથી. બૉમ્બ ફોડનાર અચકાયો નથી અને નિર્દોષ માણસો વિના વાંકે ઘટનાનો શિકાર થવામાંથી અને બાળકો અનાથ થવામાંથી બચી શક્યાં નથી. માટે જ કવિ કહે છે કે બૉમ્બના વિનાશના આ વ્યાસમાં એક તરફ જેમ કોઈ જ અંત નથી, એમ જ બીજી તરફ કોઈ ઈશ્વર પણ નથી.

મૂળ કવિતા હિબ્રૂ ભાષામાં છે. Eyn Sof મતલબ અંત નથી અને Eyn Elohim મતલબ ઈશ્વર નથી. Eyn Sof (אין סוף) -અંત નથી એ ઈશ્વર માટે વાપરવામાં આવતું યહૂદી નામ છે, જેનો મતલબ એ-જેનો-કોઈ-અંત-નથી (That-Which-Is-Without-End) થાય છે. અર્થાત્, બૉમ્બનું વિનાશવર્તુળ ત્યાં સુધી પહોંચે છે જ્યાં દેખીતી રીતે ઈશ્વર નથી પણ સૂક્ષ્મ રીતે જોવા જઈએ તો જેનો કોઈ અંત નથી એવો અનંત ઈશ્વર ત્યાં છે જ. जब कहीं पे ‘कुछ नहीं’ भी नहीं था ત્યારે પણ અરબી ભાષામાં જેને આપણે कुन फ़ायाकुन (Be.. It is – બનો… એ છે) કહીએ છીએ એ ઈશ્વર માટે આપણે એમ જ કહી શકીએ કે वही था, वही था.

એક બીજા સૉનેટમાં યહુદા પોતાના શત્રુઓને નફરત કે પ્રેમ કર્યા વિના કઈ રીતે પોતાનું યુદ્ધ લડ્યા હતા અને યુદ્ધમાં મરી ગયેલા અનામી સૈનિકો જેવી દુર્ગત પોતાના સંતાનની ન થાય એની કાળજી કઈ રીતે રાખે છે એની વાત કરે છે અને કાવ્યાંતે કહે છે કે મારે મારું યુદ્ધ લડવા જવું જ પડશે. આ જ યહુદા એક કાવ્યમાં કહે છે: ‘અને મેં મારી જાતને કહ્યું: એ સાચું છે, આશા કાંટાળી વાડ જેવી હોવી ઘટે જે તફલીફોને બહાર જ રાખી શકે, આશા ખાણક્ષેત્ર જેવી હોવી જોઈએ.’ બૉમ્બ અને બૉમ્બ ફોડનાર વિનાશક તત્ત્વોની સામે આશાનો તાંતણો જ આપણને જીવંત રાખે છે. યહુદા કહે છે: ‘જુઓ, જે રીતે સમય ઘડિયાળોની અંદર રહેતો નથી, પ્રેમ આપણા શરીરોની અંદર રહેતો નથી; શરીરો માત્ર પ્રેમ કહી શકે છે.’ પ્રેમ હોય કે નફરત, આપણા શરીરમાં નથી વસતા પણ આપણા શરીરની જે ભાષા છે એમાં એ છલકાય છે. જ્યાં નફરત છે, ત્યાં પ્રેમ પણ છે. અને આ પ્રેમ જ સૃષ્ટિને ટકાવી રાખે છે, નહિતર નફરતના બૉમ્બમારામાં દુનિયા ક્યારની ખતમ થઈ ચૂકી હોત. જ્યાં ઈશ્વર છે, ત્યાં છે અને જ્યાં નથી, ત્યાં પણ છે.

વ્યાપક નજરે જોઈએ તો બૉમ્બની આ કવિતા માત્ર ફૂટી ચૂકેલા બૉમ્બની જ વાત નથી કરતી. આપણાં વાણી-વર્તન પણ બૉમ્બ જેવા જ, કદાચ એથીય વધુ ઘાતક છે. દેશપ્રેમી ફિલ્મમાં અમિતાભ બચ્ચન ગાય છે: ‘भर जाता है गहरा घाव, जो बनता है गोली से; पर वो घाव नहीं भरता जो बना है कडवी बोली से.’ ટ્રિગર દબાઈ ચૂક્યા પછી બૉમ્બને ડિફ્યુઝ કરી શકાતો નથી એ જ રીત શબ્દ મોઢામાંથી નીકળી ગયા પછી પરત ખેંચી શકાતો નથી. આપણે જે કંઈ બોલીએ છીએ, જે રીતનું વર્તન કરીએ છીએ એની અસરનો દેખીતો વ્યાસ તો બહુ નાનકડો હોય છે પણ એની આખરી અસરનો વ્યાસ એટલો વ્યાપક હોય છે જેની આપણે કલ્પના પણ કરી શકતા નથી. અયોગ્ય વાણી-વર્તનના બૉમ્બ ફોડવાનું બંધ કરી શકાય તો ઈશ્વર હાજરાહજૂર છે…

યહુદાની કવિતાઓ માનવસંવેદનાના ઊંડામાં ઊંડા પડળોને ખોતરીને આપણને હચમચાવી મૂકે છે. એક તરફ એ આ બૉમ્બની વિનાશકતાની વાતો કરીને આપણને આતંકવાદના ભયાવહ ચહેરાથી મુખામુખ કરે છે, તો બીજી તરફ ‘પ્રવાસીઓ’ જેવી કવિતામાં આવા નરસંહારનો દારુણ ભોગ બનનારા નિર્દોષો તરફની આપણી ઠંડીગાર સંવેદનહીનતા નગ્ન શબ્દોમાં રજૂ કરીને મર્મસ્થાને ડામ આપે છે:

દિલાસાની મુલાકાતો જ વધુમાં વધુ આપણે એમની પાસેથી મળે છે.
તેઓ હૉલોકૉસ્ટ સ્મારક પાસે ઊભડક બેસે છે,
તેઓ રૂદન-કક્ષ પાસે ગંભીર ચહેરા ધારણ કરી લે છે
અને હૉટલોમાં જઈને
ભારી પડદાઓ પાછળ હસે છે.
એ લોકો આપણા પ્રસિદ્ધ મૃતકો
રચેલની કબર અને હર્ઝલની કબર સાથે
અને હથિયારગૃહ પર
પોતાની છબીઓ ખેંચાવે છે.
એ લોકો મીઠડા છોકરાઓ પાછળ રડે છે
અને આપણી મુશ્કેલ છોકરીઓ પાછળ લોલુપ છે
અને એમના આંતર્વસ્ત્રો ટાંગે છે
ઝડપથી સૂકાવા માટે
ઠંડા, ભૂરા સ્નાનગૃહોમાં.

4 replies on “ગ્લૉબલ કવિતા : ૮૭ : બૉમ્બનો વ્યાસ – યહુદા અમિચાઈ”

  1. કવિશ્રી વિવેક, આ કવ્ય વાંચવા કરતા તેના ઉપરનો આપે કરેલ રસસ્વાદ વાંચી ખુબ રસ પડ્યો.આપે રસાસ્વાદમાં જે ઉંડાણ થી વિવેચન કર્યું છે તે કાબીલે તારીફ છે. ખુબ સરસ ,અભ્યાસપુર્ણ વિવેચન્ માં આપની અજબની હાથોટી છે.વિશ્વસાહિત્યની આપના દ્વારા મળતી પહેચાન ખુબ પ્રસન્શનીય છે.અભિનન્દ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *