ગ્લૉબલ કવિતા : ૭૪ : ગધેડો – જી. કે. ચેસ્ટરટન

The Donkey

When fishes flew and forests walked
And figs grew upon thorn,
Some moment when the moon was blood
Then surely I was born.

With monstrous head and sickening cry
And ears like errant wings,
The devil’s walking parody
On all four-footed things.

The tattered outlaw of the earth,
Of ancient crooked will;
Starve, scourge, deride me: I am dumb,
I keep my secret still.

Fools! For I also had my hour;
One far fierce hour and sweet:
There was a shout about my ears,
And palms before my feet.

– G. K. Chestorton


ગધેડો

મત્સ્ય ઊડે ને જંગલ ચાલે,
અંજીર ઊગે કાંટે,
મારો જનમ થયો છે નક્કી
રક્તિમ ચંદ્રની સાખે.

રાક્ષી શિર ને ભૂંડી ભૂંક
ને ભ્રાંત પાંખ સમ કાન,
સૌ ચોપગાઓમાં મારી જ
ફિરકી લે શેતાન!

ભૂખે-કોરડે મારો,
કરો ઉપહાસ, હું છું મૂઢ
ધરતીનો ઉતાર છું તોયે
રાખું ગૂઢને ગૂઢ

મૂર્ખાઓ! મારોય વખત હતો,
મીઠો ને વળી ઉગ્ર:
કાન આગળ એક શોર હતો ને
પગ આગળ તાડપત્ર.

– જી. કે. ચેસ્ટરટન
(અનુ. વિવેક મનહર ટેલર)


ખરો ગધેડો કોણ?

માની લો કે તમારે કોઈને ગાળ આપવી છે પણ ગાળ બોલ્યાનું આળ પણ માથે લેવું નથી તો આ આખી દુનિયામાંથી કયું એકમાત્ર પ્રાણી તમારી વહારે ધાશે? ગધેડો જ ને! તમારે કોઈને મૂર્ખ કહેવો છે? ગધેડો કહી દો. કમઅક્કલ કહેવો છે? ગધેડો કહી દો. નકામો કહેવો છે? ગધેડો કહી દો. મજૂર કહેવો છે? ગધેડો કહી દો. જક્કી કહેવો છે? ગધેડો હાજર જ છે! કદરૂપો કહેવો છે? જી હા, તમે બરાબર જ સમજ્યા. ગધેડો સૌથી હાથવગી એવી લાખ ગાળોની એક ગાળ છે. પણ એની સામે એ પણ હકીકત છે કે આ એક જ પ્રાણી એવું છે, જેને તમે લાખ ડીફણાં મારો તોય અળવીતરું ચાલતું નથી ને જે તમે કહો એ જ કરે છે. એના જેવું સંનિષ્ઠ ને મહેનતુ પ્રાણી જડવું મુશ્કેલ છે. એવો પ્રશ્ન પણ થાય કે શા માટે ઈશ્વરે એવું પ્રાણી બનાવ્યું હશે જે માત્ર બધાની મજાક બનવા જ સર્જાયું હશે? પણ રહો, કંઈક તો હશે ને આ પ્રાણીમાં, નહિતર જી. કે. ચેસ્ટરટન જેવા પંડિત કવિએ એક આખી કવિતા એના માનમાં શા માટે લખી હશે?

ગિલ્બર્ટ કીથ ચેસ્ટરટન. ૧૯-૦૫-૧૮૭૪ના રોજ કેન્સિંગ્ટન, લંડન ખાતે જન્મ. કવિ, નવલકથાકાર, નિબંધકાર, પત્રકાર, જીવનકથાકાર, ફિલસૂફ, નાટ્યકાર, પ્રવક્તા, અને વિવેચક. એ પાંચ જ વર્ષના હતા અને પરિવારમાં બીજું બાળક આવ્યું ત્યારે એમણે કહ્યું હતું: ‘હવે મારી પાસે હંમેશા એક ઑડિયન્સ રહેશે.’ બાળપણથી જ એ અગોચરથી પ્રભાવિત હતા. પરિવાર ઐક્યવાદ (યુનિટેરિયાનિઝમ)માં માનતો હતો. પત્ની ફ્રાન્સિસ બ્લૉગ એમાંથી એમને એન્ગ્લિકન સંપ્રદાયમાં લઈ આવવામાં નિમિત્ત બની. એ પોતાને ઓર્થોડોક્સ ખ્રિસ્તી તરીકે ઓળખાવતા અને એન્ગ્લિકનમાંથી ૩૦-૦૭-૧૯૨૨ના રોજ કેથોલિક પંથમાં પ્રવેશ્યા પછી આ સંકુચિતતા વધુ ગાઢી બની. પત્નીએ પતિની જેમ ધર્મપંથ પરિવર્તન ન કર્યું અને જીવનભર બંનેના ધર્મ વિશેના વિચારો અલગ હોવાનો એનો વસવસો આંસુઓમાં વહેતો રહ્યો. ચેસ્ટરટનનું પંથપરિવર્તન એ જમાનામાં ચોરેચૌટે ચર્ચાતા સમાચાર બની રહ્યા હતા. ચેસ્ટરટને કહ્યું: ‘હું શા માટે કેથોલિક થયો છું એ સમજાવવું કપરું છે કેમકે એ માટેના દસ હજાર કારણ છે જે દરેક એક જ કારણ બરાબર છે ને તે એ છે કે કેથોલિઝમ સત્ય છે.’ કોલેજમાં ભણ્યા પણ પદવી ન લીધી. શરૂમાં ચેસ્ટરટનને ચિત્રકાર બનવામાં ખૂબ રસ હતો જે એમના લખાણમાંના જીવંત શબ્દચિત્રોમાં પ્રતિબિંબિત થાય છે. ૬ ફૂટ, ૪ ઇંચની ઊંચાઈ અને ૧૩૦ કિલોગ્રામ વજનવાળા કદાવર શરીરનું વજન જેમ જીવનમાં એમ કથન-કવનમાં પણ પડતું. એમની કાયાની જેમ જ એમના વિરાટ વ્યક્તિત્વને પુસ્તકના પાનાંઓમાં કેદ કરવું મુશ્કેલ છે. એમના ‘ફ્રેન્ડલી એનિમી’ જ્યૉર્જ બર્નાર્ડ શૉને ચેસ્ટરટને જ્યારે કહ્યું કે તમને જોઈને લાગે છે કે ઇંગ્લેન્ડમાં દુકાળ પડ્યો છે. જવાબમાં બર્નાર્ડ શૉએ કહ્યું કે તમને જોઈને લાગે છે કે આ દુકાળનું કારણ તમે જ છો. મોઢામાં સિગાર, માથે ટોપી અને હાથમાં તલવારયુક્ત લાકડી – આ એમનો બાહ્ય દેખાવ. સ્વભાવે એકદમ ભૂલક્કડ. ક્યાં જવા નીકળ્યા છે જ ભૂલી જાય અને પત્નીને ટેલિગ્રામ કરીને પૂછાવે કે ક્યાં જવાનું હતું. જીવનના આખરી પાંચ વર્ષોમાં બીબીસી રેડિયો પરની એમની વાતચીત ખૂબ લોકપ્રિય થઈ હતી. ૬૨ વર્ષની વયે ૧૪-૦૬-૧૯૩૬ના રોજ હૃદયનો પંપ ફેઇલ થવાથી બિકન્સફિલ્ડ, ઇંગ્લેન્ડ ખાતે નિધન.

પુષ્કળ લખ્યું. ૮૦ જેટલા પુસ્તકો, ૨૦૦ જેટલી વાર્તાઓ, ૪૦૦૦ નિઓબંધો, સેંકડો કવિતાઓ અને બીજુંય ઘણું બધું. જેમ આર્થર કૉનન ડોયલનું અમર પાત્ર શેરલૉક હૉમ્સ એમ ચેસ્ટરટનનું ધર્મગુરુ-ડિટેક્ટીવ ફાધર બ્રાઉન. ચેસ્ટરટનને લોકો ‘વિરોધાભાસના રાજકુમાર’ તરીકે ઓળખે છે. ટાઇમ મેગેઝીન કહે છે: ‘શક્ય હોય ત્યારે ત્યારે ચેસ્ટરટન એમની વાતને લોકપ્રિય વાતો, કહેવતો અને રૂપકો વડે રજૂ કરે છે-પહેલાં કાળજીપૂર્વક એમને ઊલટાવી નાંખ્યા બાદ.’ જાહેરમાં વાદવિવાદમાં ભાગ લેવું પણ એમને ગમતું. ચતુરાઈ અને વ્યંગ એ એમના પ્રધાન કાકુ. ધર્મશાસ્ત્ર (થિઓલોજી) વિશેના એમના અભિપ્રાયો ઊંચું સ્થાન ધરાવે છે. કહે છે કે એમણે દરેક વિષય પર કંઈક્ને કંઈક કહ્યું જ છે અને બીજા કરતાં સારું જ કહ્યું છે. વીસમી સદીના શ્રેષ્ઠ સર્જકોમાં એમનું સ્થાન શિરમોર છે.

કવિતાનું શીર્ષક એ કવિતાના ઘરમાં પ્રવેશવા માટેનો ઉંબરો છે. ઉંબરા પર પગ મૂકતાં જ ખ્યાલ આવી જાય કે ઘર કેવું હશે! ૧૯૨૦માં લખાયેલી ચેસ્ટરટનની આ કવિતાનું શીર્ષક ‘ધ ડૉન્કી’ વાંચતા જ સમજી શકાય છે કે આ ગધેડા વિશેની કવિતા છે. પણ કવિએ ‘અ ડૉન્કી’ નથી લખ્યું એટલે ખ્યાલ આવે છે કે આ કોઈ એક ગધેડાની નહીં, સમગ્ર ગદર્ભજાતિ વિશેની કવિતા હોવી જોઈએ. કવિએ અહીં બૅલડ-મીટર પ્રયોજ્યું છે; જેમાં ચાર-ચાર પંક્તિના અંતરામાં પહેલી અને ત્રીજી પંક્તિમાં આયંબિક ટેટ્રામીટર (ચાર ઋણભાર-ધનભાર ધરાવતા શબ્દાંશ) અને બીજી અને ચોથીમાં આયંબિક ટ્રાઇમીટર (ત્રણ ઋણભાર-ધનભાર ધરાવતા શબ્દાંશ) વાપરવામાં આવે છે અને બીજી તથા ચોથી પંક્તિમાં પ્રાસ મેળવવામાં આવે છે. બૅલડ એટલે એક પ્રકારનું કથાકાવ્ય કે ગાથાગીત. મધ્યકાલીન ઇંગ્લેન્ડમાં આ પ્રકારની કવિતાઓ ખૂબ પ્રચલિત હતી. ચેસ્ટરટન બૅલડના માસ્ટર ગણાતા.

આ કવિતા ચેસ્ટરટનના સૂક્ષ્માતિસૂક્ષ્મ ભાવજગત અને ફિલસૂફીનું સીધું પ્રતિબિંબ છે. આ નાનીઅમસ્તી કવિતામાં આખેઆખા ચેસ્ટરટન નજરે ચડે છે: વિરોધાભાસ, વક્રોક્તિ, હાસ્ય, વ્યંગ, આશ્ચર્ય, વિનમ્રતા, સીધાસાદા ગરીબ માણસોનો બચાવ અને દુનિયાદારીથી છલકાતા અને અમીર માણસોને ઉપાલંભ. એમની પ્રખ્યાત ફાધર બ્રાઉન શ્રેણીની જેમ જ અહીં પણ આપણે જેને શરૂઆતમાં અવગણવાનું વિચારીએ છીએ, એ જ સત્યની અડોઅડ ઊભેલું જડી આવતાં આપણને અંતે દિગ્મૂઢ કરી દે છે. કોઈને ગધેડો કહેતાં પહેલાં બે ઘડી વિચારી લેજો: શું ખબર એની પીઠ પર ઈસુ ખ્રિસ્ત બેઠા હોય!

આ કવિતા ગધેડાની સ્વગતોક્તિ છે એ સમજી શકાય છે. પહેલા અંતરામાં એ પોતાના જન્મના સંજોગોની વિચિત્રતા વર્ણવે છે. કહે છે, જ્યારે માછલીઓ ઊડતી હશે, જંગલો ઊઠીને ચાલવા માંડ્યા હશે, અંજીર ઝાડ પર ઊગવાના બદલે કાંટાળા છોડ પર ઊગતા હશે અને ચંદ્ર જ્યારે લોહી જેવો રાતો થયો હશે ત્યારે મારો જન્મ થયો હશે. સંપૂર્ણ ચંદ્રગ્રહણ વખતે ક્યારેક ચંદ્રનો રંગ લોહી જેવો રાતો થઈ જતો હોય છે. છેલ્લો બ્લડ મૂન ૩૧ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ જોવા મળ્યો હતો. બાઇબલમાં રક્તિમ ચંદ્ર કયામત તરફ ઈશારો કરે છે એમ કહેવાયું છે. જોએલ (૨:૩૦-૩૧) કહે છે: ‘સૂર્ય અંધારામાં અને ચંદ્ર લોહીમાં બદલાઈ જશે, ઈશ્વરના મહાન અને ભયંકર દિવસ આવતાં પહેલાં.’ તાજેતરમાં માર્ક બ્લિટ્ઝના ‘બ્લડ મૂન્સ’ અને જોન હેગીના ‘ફોર બ્લડ મૂન્સ’ પુસ્તકોએ ધર્મિષ્ઠ માણસોમાં આવનારી કયામતનો સજ્જડ ડર બેસાડી દીધો છે. ચેસ્ટરટન પણ રક્તિમ ચંદ્ર અને એ દ્વારા નિર્દેશિત ભયાવહ એંધાણીઓથી જાણતલ હશે એટલે જ એમણે ગધેડાના જન્મ સાથે આ વાત સાંકળી લીધી છે. દુનિયા આખી તળેઉપર થઈ ગઈ હશે ત્યારે ગધેડાનો જન્મ થયો હશે. વાંચતાની સાથે વાત શીરાની જેમ ગળે ઊતરી જાય છે કેમકે ગધેડો આપણા સહુના તિરસ્કાર અને અવહેલનાનું કેન્દ્ર છે. આપણા મનોમસ્તિષ્કમાં ગધેડાની જે છબી છે એને અવળવાણી વડે કવિએ યથાર્થ વાચા આપી છે.

ગધેડા માટે અંગ્રેજીમાં Ass શબ્દ પણ વપરાય છે, જે લેટિન શબ્દ asinus પરથી ઊતરી આવ્યો છે જેનો એક મતલબ કઢંગુ અને મૂર્ખ પણ થાય છે. અંગ્રેજીમાં કૂલા માટે વપરાતા arse માંથી ‘આર’ ખડી પડતાં assનો બીજો મતલબ કૂલા પણ થયો. શેક્સપિઅરે ‘અ મીડસમર નાઇટ’સ ડ્રીમ’માં બોટમને ગધેડાનું માથું પહેરવ્યું એના ચાર દાયકા પહેલાં ૧૫૫૦માં asshead શબ્દ વપરાયો હતો. ચેસ્ટરટન ઍસના સ્થાને ડૉન્કી પ્રયોજે છે કેમકે એ આ અવગણાયેલા પ્રાણીને એના સન્માનનીય સ્થાને પુનરારૂઢ કરવા માંગે છે. ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી કહે છે તેમ, નમ્ર લોકો સૌમ્યોક્તિરૂપે ક્રૂર લાગતા ‘ઍસ’ શબ્દને અવગણવા માટે ‘ડૉન્કી’ શબ્દ પ્રયોજે છે. સર્વાન્ટીસની પ્રખ્યાત કૃતિ ડૉન કિહોટેમાં નાયક સાંચો પાંઝા એના વાહન તરીકે ડેપલ નામના ગધેડાને પસંદ કરે છે. એન્ડી મેરીફિલ્ડે તો ‘ધ વિસ્ડમ ઑફ ડૉન્કીઝ’ નામનું પુસ્તક પણ લખ્યું છે. એ લખે છે: ‘ગધેડાઓને ચરતા જોવું એ કંઈક અનુભૂતિ જ છે. એ એક જાતની સારવાર છે, એક જાતનું ધ્યાન જ ગણી લો. તમે તમારી જાતને ખોઈ પણ બેસો છો અને પામી પણ લો છો.’ એક ઑસ્ટ્રેલિઅન કહેવત એવું કહે છે કે તમે ગધેડાઓને મેદાનમાં ચરતાં જુઓ તો ખુરશી ખેંચી લેવાનું ભૂલતા નહીં. કલાકો પસાર થઈ શકે એવું એ જાદુઈ અને નશીલું છે. ટ્રેઝર આઇલેન્ડના અમર સર્જક રૉબર્ટ લૂઈ સ્ટિવન્સને ‘ટ્રાવેલ્સ વીથ અ ડૉન્કી ઇન સિવેન્સ’ નામની ઉત્તમોત્તમ ગણાતી પુસ્તિકા લખી છે. ‘ધ રિલક્ટન્ટ સેંટ’ ફિલ્મમાં સેંટ જોસેફ પોતાને ‘ગોડ’સ જેક-એસ’ કહીને સંબોધે છે એ પણ યાદ આવે.

ગધેડો પોતાની જાતને જ ઉતારી પાડવાનું કામ ચાલુ રાખે છે. એ પોતાના ભદ્દા શરીરનું વર્ણન કરે છે. એનું માથું રાક્ષસ જેવું છે, એનું ભૂંકવુંય ચીડ ચડે એવું ભૂંડુભખ છે, કાન ભૂલી પડેલી, ભ્રાંત પાંખો જેવા છે. બધા ચોપગાઓમાં શેતાન જાણે એના એકલાની જ ફિરકી ઉતારતો હોય એમ એને લાગે છે. એ કહે છે કે હું મૂર્ખ છું, મને ભૂખે મારો, કોરડા વીંઝો, મારી ઠેકડી ઊડાવો; હું ઉપહાસને જ લાયક છું. હું તો ધરતીનો ઉતાર છું. –આ રીતે ત્રીજા અંતરાની ત્રીજી પંક્તિ સુધી ગધેડો પોતાની જાતને ઊતારી પાડવામાં કંઈ જ બાકી રાખતો નથી. પણ આ ચેસ્ટરટનની કવિતા છે. એ તો વિરોધાભાસના સ્વામી હતા. ગધેડો શું સાચે જ પોતાની જાતને ઊતારી પાડી રહ્યો છે કે એ સદીઓથી ઉપેક્ષિત રહીને હડધૂત થનારા સમાજનું પ્રતિનિધિત્વ કરીને આપણને જ ચાબખા મારી રહ્યો છે? દુનિયા આખીમાં એક બહુ મોટો વર્ગ છે, જેમના હક પર કહેવાતો ભદ્ર સમાજ આદિકાળથી તરાપ મારતો આવ્યો છે, શોષણ-અપમાન-તિરસ્કાર કરતો આવ્યો છે. ચેસ્ટરટનનો ગધેડો દુનિયાના ખૂણે-ખૂણે, દેશ-દેશાવરમાં પથરાયેલા આ શોષિત દલિત વર્ગનો કાનમાં વાગે એવો તીવ્ર અવાજ છે એ સમજી શકાય છે કેમકે કવિતામાં એનો સૂર અહીંથી બદલાય છે.

એ કહે છે કે હું ગામનો ઉતાર કેમ ન હોઉં પણ રહસ્યને રહસ્ય રાખતાં મને બરાબર આવડે છે. (આ સંભળાયું?- જે તમને નથી આવડતું!) ચેસ્ટરટનનો ગધેડો તડ ને ફડ વાત કરે છે. એ પોતાના વિશે બોલે છે ત્યારે પણ એકપણ શબ્દ ચોરતો નથી અને આપણને ફટકારે છે ત્યારે પણ નિર્મમતાથી જે કહેવું છે ડંકે કી ચોટ પર કહે છે. એ સીધું જ મૂર્ખાઓ કરીને સંબોધન કરે છે. પોણી કવિતા સુધી જે પાઘડી એણે પોતાના માથે પહેરી એ તાત્કાલિક અસરથી હવે આપણને પહેરાવે છે. એ કહે છે કે એનોય સમય હતો. ફરી ફરીને યાદ કરી શકાય, વાગોળવો ગમે, લાખ મૂર્ખ અને ઊતરતા હોવા છતાંય ખૂબ જ ગર્વ કરી શકાય એવો તીવ્ર અને મીઠો ‘હર કુત્તે કા એક દિન આતા હૈ’ જેવો સુવર્ણકાળ એના જીવનમાં પણ આવ્યો હતો. એ કયા સમયની વાત કરે છે એ સમજવા માટે ફરી એકવાર બાઇબલના પાનાં ઊલટાવવાં પડશે.

ઈસ્ટર પહેલાંના રવિવારને ખ્રિસ્તીઓ ‘પામ સન્ડે’ તરીકે ઉજવે છે અને એ પછીના આખા અઠવાડિયાને પવિત્ર સપ્તાહ તરીકે. પામ સન્ડેના આગલા દિવસે ઈસુ ખ્રિસ્તે લેઝારસને પુનર્જીવિત કર્યો હતો એટલે હર્ષઘેલા પ્રજાજનોએ બીજા દિવસે રવિવારે ઈસુની વિજેતા તરીકેની જેરુસલેમમાંની પધરામણીને વધાવી લીધી. નગરમાં પ્રવેશવા માટે ઈસુ ખ્રિસ્ત એના બે સાથીઓને એવો ગધેડો શોધી લાવવા સૂચના આપે છે કે જેના પર કોઈએ સવારી કરી ન હોય અને જે બિલકુલ અવાંછિત હોય. પોતાની જેમ જ ન્યાતબહાર હોય એવા પ્રાણીને ઈસુ પસંદ કરે છે. આમ તો વિજેતા રાજા નગરમાં ઘોડા પર પ્રવેશે પણ ઘોડો યુદ્ધ અને અશાંતિનું પ્રતીક છે, જ્યારે ગધેડો કદી યુદ્ધમાં જોતરાતો નથી અને એના જેવું શાંત અને સ્થિતપ્રજ્ઞ પ્રાણી જડવું દોહ્યલું છે. સફેદ ગધેડો વળી પ્રકાશ અને શુદ્ધતાનું પણ પ્રતીક ગણાતો. એમાંય માદા ગદર્ભ એ કારણોસર વધુ પસંદ કરાતી કે એ દૂધ પણ આપતી અને ઈઝરાઈલના લોકોને ‘જજિસ’ તથા ‘જિનેસિસ’ની આગાહીની જાણકારી હતી કે માદા સફેદ ગધેડા ઉપર બેસીને રાજા નગરમાં પ્રવેશસે. એટલે ઈસુ સફેદ માદા ગધેડો મંગાવે છે. આખું નગર અને નગરમાં ઊમટી પડેલા દુનિયાભરના લોકો પામવૃક્ષના પાંદડા પાથરીને, હાથમાં રાખીને, હલાવીને ગધેસ્વાર ઈસુનું હર્ષોલ્લાસભર્યું સ્વાગત કરે છે. ઈસુ પોતાને ઈઝરાઈલનો રાજા ઘોષિત કરે છે, બીજા અઠવાડિયે એમને શૂળી પર ચડાવી દેવામાં આવે છે. આ સિવાય પણ બાઇબલમાં ગધેડાનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. ઈસુના હજાર વર્ષ પૂર્વે ડેવિડ પાસે રાજવી માદા ખચ્ચર હતું. એનો પુત્ર સોલોમન પણ ઈઝરાઈલનો નવો રાજા બન્યો એ દિવસે જંગલી ગધેડા પર જ સવાર થયો હતો. જેકબ એના પુત્ર જુદાહને આશીર્વાદ આપે છે એમાં પણ ગધેડાનો સંદર્ભ વાંચવા મળે છે. બલામ નામના મસીહા પણ ગધેડા પર સવારી કરતા બતાવાયા છે અને આ ગધેડો વાતો પણ કરે છે અને દેવદૂતની તલવારથી બલામને બચાવે પણ છે. વર્જિન મેરી પણ સગર્ભાવસ્થામાં પેટમાં ઈસુને લઈને બેથ્લેહેમ સુધી ગધેડા પર બેસીને જ આવે છે. આમ, ગધેડો ભલે ગધેડે ગવાતું પ્રાણી કેમ ન હોય, બાઇબલમાં એનું સ્થાન ખૂબ ઊંચુ અને મહત્ત્વનું છે. કુરાનમાં પણ ગધેડાનું સ્થાન ઘણું ઊંચું અંકાયું છે. જૂના અને નવા કરારમાં તથા કુરાનમાં ગધેડાને વફાદાર તથા હોંશિયાર પ્રાણી તરીકે, ડહાપણના ભંડાર તરીકે, પયગંબરોના વિશ્વાસુ વાહન તરીકે, ચીતરવામાં આવ્યો છે. કુરાનમાં ગધેડાના અવાજને ગંદામાં ગંદો ગણાવાયો છે પણ એની સાથે જ યાફૂર નામના ગધેડાને અલ્લાહના પ્રશ્નોનો જવાબ આપતો, પોતાની જાતને પયગંબરનો વફાદાર ગણાવતો અને મહંમદ પયગંબરનો ખાસ સાથી બનતો બતાવાયો છે. મહંમદ આ જ ગધેડા પર ફરતા. યાફૂર જ ઘરે ઘરે જઈને દરવાજો ખખડાવતો અને ઘરમાલિકને ઈશારાથી જાણ કરતો કે પયગંબર એમને બોલાવી રહ્યા છે.

કાવ્યાંતે ગધેડો તાડપત્રની વાત કરે છે. પામ સન્ડેના સંદર્ભ સાથે એ પણ સમજવું જરૂરી છે. પ્રાચીન કાળમાં ગ્રીક-રોમન સંસ્કૃતિ -જેનો ખ્રિસ્તી વિચારધારા ઉપર ખૂબ ઊંડો પ્રભાવ રહ્યો છે-માં તાડ(પામ)નું પાંદડુ વિજય અથવા આધિપત્યના પ્રતીકસ્વરૂપે પહેરવામાં અથવા ઊંચકવામાં આવતું હતું એ કારણોસર ‘પામ’નો અર્થ વિજય સાથે સંકળાઈ ગયો. પ્રાચીન ઇજિપ્તમાં તાડપત્ર સ્મશાનમાં લઈ જવાતું અને એ શાશ્વત જિંદગીનું પ્રતીક ગણાતું. અંગ્રેજીમાં પામ એટલે હથેળી પણ થાય છે, આ અર્થનો આવિર્ભાવ પણ હથેળીની અને તાડના પાંદડાની રચના વચ્ચેના આકારના સામ્યના કારણે જ થયો હતો. હિબ્રૂ બાઇબલ અને તોરાહના ત્રીજા પુસ્તક લેવિટિકસમાં સુક્કોટ (સાતમા મહિનાના પંદરમા દિવસે ઉજવાતો તહેવાર)ની ઉજવણી માટે જે ચાર છોડને ઈશ્વરના ચરણમાં લઈ આવવાનું કહ્યું છે, એમાંનો એક તે તાડવૃક્ષ. નવા કરાર (બુક ઑફ રેવિલેશન)માં લખ્યું છે: ‘વિશાળ મેદની, ગણી ન શકાય એટલી, દરેક દેશમાંથી, દરેક જાતિ અને લોકો અને ભાષાઓમાંથી, સફેદ વસ્ત્રોમાં આવી ઊભી હતી, હાથમાં તાડની શાખાઓ લઈને.’

ગધેડો એના એ સ્વર્ણિમ સમયને યાદ કરે છે જ્યારે પ્રભુપુત્ર ઈસુ એના પર સવાર થઈને ઈઝરાઈલમાં પ્રવેશ્યા હતા અને લોકો એમના સ્વાગત માટે તાડપત્રો જમીન પર પાથરતા હતા. આપણે સમજવાનું એ છે કે ઈસુ જ્યારે જેરુસલેમમાં પ્રવેશે છે ત્યારે ચારે તરફ કીડિયારું ઊભરાયું છે પણ આ બધા રંગ-રંગના લોકોની વચ્ચે એક જણ જે માણસ ન હોવાના નાતે જ નહીં પણ એ રીતે પણ બધાથી અલગ પડે છે કે એક જ જણ સાચા અર્થમાં પોતાના હોવાના તમામ અર્થો ભૂલી જઈને માત્ર ને માત્ર ઈસુની સાથે હોવાની ક્ષણોને આકંઠ માણી રહ્યું છે અને એ છે આ ગદર્ભ! ગદર્ભ બે સંદર્ભ નિર્દેશિત કરે છે: એક ઈસુ જેરુસલેમમાં અને એ રીતે આપણા આત્મામાં ‘શાંતિના રાજકુમાર’ તરીકે પ્રવેશે છે અને આપણી ભીતરના કોલાહલને શમાવે છે. બીજું, ગદર્ભ એ આપણી દૈહિક વાસનામય પ્રકૃતિનું પ્રતીક છે જેના પર ઈસુ સવાર થાય છે અને આપણામાંથી આ કામવાસના દૂર કરે છે. ‘ઉપર-ઉપરનું જીવી રહ્યા છો, કવર જોઈને બુક ખરીદી’ જેવી બાહ્ય સંદર્ભોને જ જોવામાં રત અને આંતરિક અર્થને ભૂલી જતી આપણી સાહજિક પ્રકૃતિને ગધેડાના માધ્યમથી આ કવિતામાં ચેસ્ટરટન હળવી પણ મક્કમ ટકોર કરે છે. આ ઉપરાંત એ કહે છે, કે નાનામાં નાની લાગતી વસ્તુનું પણ ઊંચામાં ઊંચું મૂલ્ય હોઈ શકે છે. દુનિયા ભલે તમને અવગણતી હોય, તમારી હાંસી ઊડાવતી હોય, પણ તમારે તમારી પોતાની કિંમત સમજવાની છે. તમે જ્યાં સુધી પોતાનું મૂલ્ય નથી સમજતા ત્યાં સુધી જ તમે ગધેડા છો, જે ઘડીએ તમે તમારી અગત્યતા, તમારા આ ધરતી પર અવતરવાનો હેતુ સમજી લો છો એ ઘડી એ તમને ગધેડો કહેનારા મૂર્ખાઓ સિદ્ધ થાય છે. આ ઉપરાંત, ઈસુની નજરમાં, ભગવાનની નજરમાં સૌ પ્રાણીઓ સમાન છે; સૌ મનુષ્યો સમાન છે; બધાનું લોહી એક છે; બધા સાથે એકસમાન વ્યવહાર થવો જોઈએ. આ વાત જે ચેસ્ટરટન ગધેડાને માધ્યમથી બનાવીને કહે છે એ વાત આપણે બધા પરાપૂર્વથી જાણતા હોવા છતાં સમાજમાંની અસમાનતા, ઊંચ-નીચ દૂર થતાં નથી અને એ અર્થમાં ચેસ્ટરટનનો ખરો ગધેડો તો આપણે છીએ, આપણો કહેવાતો ભદ્ર સમાજ જ છે!

2 replies on “ગ્લૉબલ કવિતા : ૭૪ : ગધેડો – જી. કે. ચેસ્ટરટન”

  1. ખુબ સરસ.
    અખો યાદ આવી ગયો.
    ઇતિહાસના સંદર્ભો પરથી જ આ કાવ્ય સમજી શકાયું. કાવ્ય સાથે આ સંદર્ભો ટાંકવા બદલ આપનો આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *