ગ્લૉબલ કવિતા : ૭૩ : નવા મિત્રો અને જૂના મિત્રો – જોસેફ પેરી

New Friends and Old Friends

Make new friends, but keep the old;
Those are silver, these are gold.
New-made friendships, like new wine,
Age will mellow and refine.

Friendships that have stood the test –
Time and change – are surely best;
Brow may wrinkle, hair grow gray,
Friendship never knows decay.

For ‘mid old friends, tried and true,
Once more we our youth renew.
But old friends, alas! may die,
New friends must their place supply.

Cherish friendship in your breast –
New is good, but old is best;
Make new friends, but keep the old;
Those are silver, these are gold.

– Joseph Parry


નવા મિત્રો અને જૂના મિત્રો

દોસ્ત નવા બનાવો કિંતુ ના વિસરો જૂનાને;
પેલાને જો ચાંદી કહો તો સોનું ગણજો આને.
નવી મિત્રતા નવી શરાબના જેવી જ છે અલબત્તા,
વયની સાથે વધુ ખીલે ને વધે સતત ગુણવત્તા.

ભાઈબંધી જે સમય અને પરિવર્તનની એરણ પર
ટકી શકી છે એ જ બધામાં છે સાચે સર્વોપર;
પડે કરચલી માથે, પળિયા ધોળા થાય ખચિત,
મૈત્રી ક્યારેય સડે નહીં ને થાય નહીં જર્જરિત.

કારણ કે જૂના ને જાણીતા યારોની વચ્ચે,
ફરી એકવાર તાજી થઈને એ જ યુવાની મળશે.
પણ અફસોસ! કે જૂના યારો એક દિવસ તો મરશે;
સ્થાન એમનું નવા નવા ભેરુએ જ ભરવું પડશે.

જૂની યારીનું જતન કરીને રાખો એ અંતરતમ-
નવી તો સારી જ છે પરંતુ જૂની છે સર્વોત્તમ.
દોસ્ત નવા બનાવો કિંતુ ના વિસરો જૂનાને;
પેલાને જો ચાંદી કહો તો સોનું ગણજો આને.

– જોસેફ પેરી
(અનુ. વિવેક મનહર ટેલર)


મિત્ર ! તું ભગવાનથી પણ ખાસ છે….

શ્વાસ કરતાં પણ વધુ વિશ્વાસ છે,
મિત્ર ! તું ભગવાનથી પણ ખાસ છે.
વીતી, વીતે , વીતશે તારા વગર
એ પળો જીવન નથી, ઉપહાસ છે.

– સાચે જ, દોસ્તી એક એવો સંબંધ છે જે ભગવાનથીય મૂઠી ઊંચેરો છે કેમકે આ એક જ સંબંધ સંસારમાં સ્વાર્થથી પર હોવાની સંભાવના વધુ છે. દોસ્તી એટલે એક એવી ચાવી જે તમને તમારામાં ખોલી આપે છે. દોસ્તી એટલે ખજાનાનો એવો પેટારો જેમાં તમે જેટલો હાથ વધુ ઊંડો નાંખો, એટલા તમે તમને જ વધારે મેળવી શકો છો. દોસ્તી તમને સર્વથી સ્વ તરફ દોરી જાય છે કેમકે દોસ્ત એક જ વ્યક્તિ એવી છે જે તમને ગાળ આપીને પણ સાચું કહેવાની હિંમત કરી શકે છે, બાકીના સંબંધો તો ફેસબુકની લાઇક્સ જેવા વાડકી-વ્યવહાર જ હોય છે. જીવનમાં જે સંબંધ દોસ્તીની કક્ષાએ પહોંચી નથી શકતો એમાં દુઃખથી વિશેષ કંઈ હાથ લાગવું શક્ય જ નથી. વિલિયમ બ્લેક એક અદભુત વાક્ય આપી ગયા: ‘પંખી માળો, કરોળિયો જાળું, માણસ મૈત્રી’ (The bird a nest, the spider a web, man friendship) મતલબ, માણસનું ખરું ઘર ઈંટ-રેતીથી બનેલું મકાન નહીં, દોસ્તી જ છે. સંગીતકાર-કવિ જોસેફ પેરી પ્રસ્તુત રચનામાં દોસ્તોની વાત માંડે છે.

જોસેફ પેરી. ૨૧-૦૫-૧૮૪૧ના રોજ વેલ્સ, યુ.કે. ખાતે સંગીતપ્રેમી અને બહોળા પરિવારમાં જન્મ. નવ વર્ષની કૂમળી વયે અભ્યાસ છોડીને કોલસાની ખાણમાં કામે લાગ્યા. સાડા બાર પેની માટે એ અઠવાડિયાના છપ્પન કલાક કામ કરતા. અગિયારની ઉમરે લોખંડની ભઠ્ઠીમાં. ૧૩ વર્ષની વયે પરિવાર પેન્સિલ્વેનિયા, અમેરિકા સ્થળાંતરિત થયો ને ત્યાં એ ફરી ધાતુકામની ફેક્ટરીમાં જોતરાયા. પણ પંચમહાભૂતના એ શરીરમાં છઠ્ઠું મહાભૂત નામે સંગીત પણ શ્વસતું હતું. સહકર્મી સંગીતકારો પાસેથી નાની-મોટી ટિપ્સ મળતી રહી. ફેક્ટરી બંધ થઈ ત્યારે વિધિવત્ સંગીતશિક્ષણના પાગરણ થયાં. હાર્મનીમાં એમને સવિશેષ રસ હતો. એમના સ્વરાંકનોથી પ્રભાવિત થયેલા એમના વતને એ પરત ફર્યા ત્યારે બબ્બે સ્કૉલરશીપ આપવાની દરખાસ્ત મૂકી જે પારિવારીક સાંકળોથી બંધાયા હોવાના કારણે એમણે નકારી. પરિવારના નિર્વાહ માટે વેલ્સ અને અમેરિકા- બંને દેશ તરફથી ફાળાની વ્યવસ્થા થઈ એ પછી જ એ સંગીત શીખવાનું વિચારી શક્યા. પછી તો સંગીતમાં ડૉક્ટરેટ કર્યું. સંગીતમાં સ્નાતક અને ડૉક્ટરેટની પદવી મેળવનાર એ પ્રથમ વેલ્શ નાગરિક હતા અને વેલ્સમાં સંગીતના પ્રથમ પ્રોફેસર પણ બન્યા. વેલ્શ ભાષામાં પ્રથમ ઑપેરા પણ એમણે જ આપ્યું. ૧૮૬૧માં જેન થોમસ સાથે લગ્ન. ત્રણ પુત્ર અને બે પુત્રી થયાં. બે પુત્ર નાની વયે જ મૃત્યુ પામ્યા. અમેરિકાની સંગીતયાત્રાઓ થતી રહી. બંને દેશમાં એના સંગીતનો ડંકો વાગતો હોવા છતાં ધંધાકીય દૃષ્ટિના અભાવે આર્થિક સ્થિતિ કાયમ નબળી જ રહી. અદભુત ક્મ્પોઝીશન Myfanwy, સર્વોત્કૃષ્ટ ઋચા (hymn) Aberystwyth અને અભૂતપૂર્વ ઑપેરા Blodwenના કારણે એ અમેરિકન-વેલ્શ સંગીતના આકાશમાં ધ્રુવતારક જેવું અવિચળ સ્થાન પામ્યા છે. ઢગલાબંધ ગીતો, ભજનો, સમૂહગાન, ઑપેરા, અને વાદ્યસંગીતને એણે સંગીતબદ્ધ કર્યા છે. ઉત્તમ સંગીતકાર હોવાથી એમણે લખેલા ગીતોનો લય પણ એવો થયો છે કે સાંભળતાવેંત દિલમાં ઘર કરી જાય. ઉપરાછાપરી બે શસ્ત્રક્રિયા અને એના ગુંચવાડાના પરિણામે ૧૭-૦૨-૧૯૦૩ના રોજ દેહાવસાન. મૃત્યુશય્યા પર સૂતાં સૂતાં એમણે એમનું આખરી સંગીતનિયોજન ‘ડિઅર વાઇફ’ પોતાની પત્ની જેન માટે લખ્યું હતું. શબવાહિની ચર્ચના દરવાજે પહોંચી ત્યારે એમની અંતિમયાત્રામાં જોડાયેલ આખરી માણસ એમના ઘરેથી નીકળતો હતો. આમ, આ અંતિમયાત્રા ઘરથી ચર્ચ સુધી એક માઈલ લાંબી હતી. સાચા અર્થમાં એ ચીંથરે વીંટ્યું રતન હતા. જેક જોન્સે ‘ઑફ ટુ ફિલાડેલ્ફિયા ઇન ધ મૉર્નિંગ’ નવલકથામાં એમની આ જીવનયાત્રાને અમર બનાવી છે, જેના પરથી એક ફિલ્મ પણ બનાવવામાં આવી હતી.

રચનાની દૃષ્ટિએ ‘નવા મિત્રો અને જૂના મિત્રો’ ગીત આયમ્બિક ટેટ્રામીટરમાં લખાયું છે અને અ-અ-બ-બ પ્રકારની પ્રાસરચના પ્રયોજાઈ છે. ક્યાંક આ ગીતની સોળેસોળ પંક્તિઓ એકીસાથે લખાયેલી જોવા મળે છે તો ક્યાંક ચાર-ચાર પંક્તિના ચાર બંધ સ્વરૂપે આ ગીત છાપવામાં આવેલું જોવા મળે છે. સળંગસૂત્રીતા કે અંતરાવ્યવસ્થા જો કે આ ગીતને કોઈ ખાસ પ્રકારે ઉપકારક થતા ન હોવાથી એ બાબતનો ખાસ અર્થ રહેતો નથી. મૂળ ગીતનો લય ખૂબ જ મજબૂત છે એટલે કવિતાની સાથે લયનો પણ અનુવાદ કરવો અનિવાર્ય બને છે.

વાત મિત્રોની છે. પણ પાયાનો પ્રશ્ન એ છે કે મિત્ર આપણે કોને કહીશું? મિત્ર એટલે શેરીમાં કે શાળામાં કે હવેના જમાનામાં વૉટ્સ-એપ કે ફેસબુક જેવા સોશ્યલ મિડીયાઝના ચોતરે મળી ગયેલી વ્યક્તિ માત્ર? મિત્રની વ્યાખ્યા વ્યક્તિએ-વ્યક્તિએ બદલાતી નથી? સામાન્ય પરિભાષાને જરા વિસ્તારીએ તો પતિ-પત્ની મિત્ર તરીકે જીવવાનું નથી ઇચ્છતા? મા-બાપને સંતાનોના મિત્રો થવાના અભરખા નથી હોતા? ભાઈ-બહેન મૈત્રી નથી ઝંખતા? માત્ર શેક્સપિઅરના નાટકોમાં જ મૈત્રીના કેલિડોસ્કોપિક આયામ કેવા પ્રદર્શિત થયા છે એ જોઈએ:

‘એઝ યુ લાઇક ઇટ’ (અંક ૧, દૃશ્ય ૩)માં રોઝાલિન્ડ ડ્યુક ફ્રેડરિકને કહે છે કે: ‘રાજદ્રોહ વંશપરંપરાગત નથી, નામદાર, અને જો એ અમને અમારા મિત્રોમાંથી મળ્યો છે તો એનાથી મારે શું? મારા પિતા તો ગદ્દાર નહોતા.’ અહીં શેક્સપિઅર ‘પરિવાર’ને ‘મિત્ર’ ગણાવે છે. તો ‘ટ્વેલ્ફ્થ નાઇટ’ (અંક ૫, દૃશ્ય ૧)માં એન્ટોનિયો સેબેસ્ટિઅનને બચાવીને હેમખેમ શત્રુ રાજ્યમાં પહોંચાડવાનું જોખમ લઈ ધરપકડ થયા બાદ બિનશરતી પ્રેમને મૈત્રી વડે વ્યાખ્યાયિત કરે છે. તો ‘જુલિયસ સિઝર’(અંક ૩, દૃશ્ય ૨)માં માર્ક એન્ટની સિઝરની હત્યા કર્યા બાદ ભીડને સંબોધીને કહે છે, ‘મિત્રો, રોમનલોકો, દેશવાસીઓ, મારી વાત ધ્યાનથી સાંભળો.’ એ પોતાની પ્રજાને બીજા કોઈપણ સંબોધન કરતાં પહેલાં મિત્રો કહીને સંબોધે છે. મિત્ર સંબોધન પ્રેમી, ખાસ તો અવૈધ સંબંધ માટે પણ એ વાપરે છે. ‘ઓથેલો’ (અંક ૩, દૃશ્ય ૪)માં કેસિયો એની પ્રેમિકા બિઆન્કાને એક રૂમાલ એના ભરતકામની નકલ કરવા માટે આપે છે ત્યારે બિઆન્કા કહે છે, ‘આ કોઈ નવી મિત્રની ભેટ લાગે છે.’ ‘મર્ચન્ટ ઑફ વેનિસ’માં બે પુરુષો (બસાનિઓ અને એન્ટોનિઓ) તો ‘અ મિડસમર નાઇટ’સ ડ્રીમ’ (હેલેના અને હર્મિઆ) તથા ‘એઝ યુ લાઇક ઇટ’માં (રોઝાલિન્ડ અને સિલિઆ) બે સ્ત્રીઓ વચ્ચેની સજાતીય મૈત્રીની વિભાવના પણ એ આપે છે. ‘રોમિયો જુલિએટ’ જેવી વિજાતીય મૈત્રી તો એના નાટકોમાં ચારેતરફ વેરાયેલી છે. ટૂંકમાં, મિત્રતા એ કોઈ એક સંબંધ પૂરતું સીમિત નામ નથી, પણ બે વ્યક્તિ લાગણીના તંતુથી જોડાય એ જ મિત્રતા.

પણ મિત્રતાની વિભાવના જોવા માટે આપણે છે…ક શેક્સપિઅર સુધી નજર શા માટે લંબાવવી? આપણા પુરાણો-કથાઓ ભર્યાં પડ્યાં છે દોસ્તીના સ્વર્ણિમ પ્રકરણોથી. એકતરફ કૃષ્ણ-સુદામાની દોસ્તી છે તો બીજી તરફ કૃષ્ણ-દ્રૌપદીનું સખ્યત્વ છે. કૃષ્ણ અને અર્જુન વચ્ચે પણ સગપણ ઓછું અને દોસ્તી વધુ નજરે ચડે છે. બલરામ અને કૃષ્ણ પણ ભાઈ ઓછા અને ભાઈબંધ વધુ અનુભવાય છે. ખેર, કૃષ્ણ તો માણસ જ સંબંધોનો છે. એના મોરપિચ્છના જેટલા રંગ એથી વધુ તો એની મૈત્રીના. રામ અને હનુમાનની મૈત્રી રાવણ માટે તો કર્ણ અને દુર્યોધનની મૈત્રી આખી કૌરવસેના માટે નિર્ણાયક બની. પુરાણની વાતો છોડીએ તો આપણા હિંદી સિનેમાનો ઇતિહાસ પણ દોસ્તી, આનંદ, શોલે, યારાના, દોસ્તાના, દિલ ચાહતા હૈ જેવી સીમાચિહ્ન ફિલ્મોથી ઉજ્જવળ છે. ટૂંકમાં, જ્યાં જ્યાં સાચી દોસ્તી નજરે ચડી છે, ત્યાં લોકોએ એને વધાવી જ છે.

આ કવિતામાં જોસેફ દોસ્તીની આવી જ વાત લઈને આવ્યા છે. કવિતાની શરૂઆત જ નિતનવા દોસ્તો બનાવવાની છૂટ લેવાની વાતથી કરે છે પણ તરત જ યાદ અપાવે છે કે નવા દોસ્તો ભલે બનાવીએ પણ જૂનાને ભૂલવાના નથી કેમકે જો નવા દોસ્તો ચાંદી જેવા કિંમતી છે તો પુરાણા યાર સોના જેવા, બહુમૂલ્યવાન છે. એક બહુ સુંદર વાક્ય શેક્સપિઅરના નામે ચડી ગયું છે: ‘નવા મિત્રો કવિતા જેવા છે પણ જૂના તો મૂળાક્ષરો (આલ્ફાબેટ્સ) જેવા છે.મૂળાક્ષરોને ભૂલશો નહીં કેમકે કવિતા વાંચવા માટે તમને એની જ જરૂર પડશે.’ (હકીકત એ છે કે શેક્સપિઅરે એમના સમગ્ર સર્જનમાં ‘આલ્ફાબેટ’ શબ્દ માત્ર એક જ વાર ‘ટાઇટસ એન્ડ્રોનિકસ’માં જ વાપર્યો છે.) એમિલિ ડિકિન્સન પણ ‘મારા મિત્રો એ જ મારી ગરાસ છે’ એમ કહે છે. જોસેફ પણ બંને પ્રકારની મૈત્રીનું મૂલ્ય કરે છે. નવી દોસ્તીને એ નવી શરાબ સાથે સરખાવે છે, જે સમય જતાં વધુ અસરદાર અને મૂલ્યવાન બનશે જ. જે દોસ્તી સમય અને પરિવર્તનની કસોટી પર ખરી ઊતરી શકે છે એ જ બધામાં સર્વોપરી છે. ‘હેમ્લેટ’માં શેક્સપિઅર લખે છે: ‘તમારી પાસે જે મિત્રો છે, અને જેમની વફાદારી ચકાસી લેવાઈ છે, એમને લોઢાની હાથકડીથી તમારા આત્મા સાથે બાંધી રાખો, પણ દરેક નવા અપરિપક્વ માણસ સાથે તમારે હથેળી ગંદી ન કરો’ શેકસપિઅરના નામે ચડી ગયેલ ‘ધ પેશનેટ પિલ્ગ્રિમ’ની આખરી કવિતામાં હકીકતમાં રિચર્ડ બાર્નફિલ્ડ ‘વફાદાર મિત્રો મળવા મુશ્કેલ છે’ એમ કહે છે. (૧૫૯૯માં પ્રગટ થયેલ આ પુસ્તકમાંની વીસ કવિતામાંથી હકીકતમાં પાંચ જ કવિતા શેક્સપિઅરની હોવાનું પુરવાર થયું છે.)

સમયની સાથે માણસ ઘરડો થાય છે, શરીરનો ક્ષય થાય છે પણ દોસ્તીનો ક્ષય થતો નથી. જૂના અને ચકાસેલા દોસ્તોનો સહવાસ જ આપણા ઘડિયાળના કાંટા ઊલટા ફેરવી આપવા સમર્થ છે. દોસ્ત જ આપણો હાથ ઝાલીને આપણી વીતેલી ગઈકાલમાં લઈ જઈ શકે છે અને ते हि नो दिवसा गताःથી બિલકુલ વિપરીત એ આપણને ઘડપણમાં પણ નવયુવાનીનો અહેસાસ કરાવી શકે છે. પણ દરેક વસ્તુ એક એક્સપાયરી ડેટ સાથે જ આવે છે. દોસ્તી ભલે કદી મરતી નથી, પણ દોસ્તો તો મરણ પામે જ છે ને! એક પછી એક બધા જ દોસ્ત મરણને શરણ થાય ત્યારે? જોસેફ એટલે જ નવા મિત્રો પણ બનાવતા જવાની સલાહ આપે છે. એ કહે છે, જૂની દોસ્તીનું જીવની જેમ જતન કરો, કેમકે બધામાં એ જ સર્વોત્તમ છે. અને કવિતાની શરૂની બે પંક્તિઓનું પુનરાવર્તન કરીને પોતાના મુદ્દા નીચે ડબલ અંડરલાઇન કરે છે. કોઈકે કહ્યું છે ને, ‘કપડાંની વાત હોય તો નવાં શ્રેષ્ઠ છે, પણ દોસ્તોની વાત હોય તો જૂના.’ લૂઈ વૉલેસ ‘બેન-હુર’ નવલકથામાં લખે છે કે ‘આ પાગલ દુનિયામાં એક જ શાણપણ છે, અને તે છે જૂના દોસ્તોની વફાદારી.’ એક અજ્ઞાત કવિનો દોહો યાદ આવે છે:

दोस्ती ऐसी कीजिये जैसे सिर के बाल
कटे कटावे फ़िर कटे, जड से न जाए ख्याल।

પહેલી નજરે કવિતામાં માત્ર જૂના મિત્રોનું જ માહાત્મ્ય કર્યું હોય એમ લાગે પણ ધ્યાનથી જોઈએ તો સમજાય છે કે કવિએ નવા અને જૂનાનું નહીં, પણ દોસ્તીનું જ માહાત્મ્ય કર્યું છે. જૂનાની વાત કરતી વખતે પણ એ યાદ કરાવે છે કે નવા મિત્રોની પણ જરૂર પડવાની જ છે, કેમકે આજે જે નવા છે, એ જ તો કાલે જૂના થશે. અને જૂનું એટલું સોનું તો આપણે જાણીએ જ છીએ. જે મિત્રો આપણા જીવનની અંતરંગ ક્ષણોના સાક્ષી છે, જેમણે આપણી લાગણીઓના ઉતારચઢાવ સતત જોયા છે, જે આપણી સફળતા-નિષ્ફળતામાં આપણા કદમ સાથે હરદમ કદમ મિલાવતા આવ્યા છે, જે કદાચ આપણા સ્વ-ભાવને આપણા કરતાં વધુ સારી રીતે સમજી શકે છે એ દોસ્તથી બહુમૂલ્ય ઘરેણું જીવનમાં કયું હોઈ શકે? ઈસુથી સો વર્ષ પહેલાં થઈ ગયેલા માર્કસ ટુલિયસ સિસેરોએ કહ્યું હતું કે મિત્ર એ તમારી બીજી જાત (another self) છે; મિત્રો ‘બે શરીરમાં એક આત્મા’ છે. આજે આપણા સૌની સહનશક્તિ ઐતિહાસિક તળિયાને આંબી રહી છે, ત્યારે નાનીમોટી વાતોમાં આપણને ખોટું લાગી આવે છે, નજીવી બાબતમાં વર્ષોની દોસ્તી તૂટી જાય છે અને ક્યારેક જેના વિના જીવન શક્ય પણ નહોતું લાગતું એ સામા મળી જાય તો હસવાનુંય દુષ્કર થઈ પડે છે. સોશ્યલ મિડીયાની દોસ્તી આજે વાસ્તવિક દોસ્તી કરતાં આપણને વધુ મીઠી લાગવા માંડી છે. વર્ચ્યુઅલ સંબંધોનું રૉલર ધરતીમાં ઊંડે મૂળ ઊતારીને ઊગેલા વાસ્તવિક સંબંધો પર ઝડપભેર ફરી વળવા માંડ્યું છે. પણ જીવનમાં રડવા માટે આ વર્ચ્યુઅલ ખભા કામ નથી આવતા. દોસ્તી એટલે એવા ખભાનું સરનામું જ્યાં વગર ટિકિટે ટપાલ પોસ્ટ થઇ શકે, અને તોય એ ગેરવલ્લે ન જાય! ખોળિયામાં જેમ શ્વાસ એમ જીવનમાં દોસ્તનો ખભો અનિવાર્ય છે:

એ ખભો નહીં હોય તો નહીં ચાલશે,
એ ખભો ક્યાં છે? એ મારો શ્વાસ છે!

દોસ્તના ખભા ઉપર મૂકાયેલા માથાંઓએ તો ઇતિહાસ સર્જ્યા છે. જે ખભા પર આપણી જિંદગીની રામાયણ-મહાભારતના એક-એક શ્લોક લખાયા છે એ ખભાને નાની-મોટી વાતોમાં તરછોડવાનું, અવગણવાનું કેટલા અંશે વ્યાજબી ગણાય? જીવનના બબ્બે-પાંચપાંચ દાયકાઓ આપણી સાથે કોઈ મિત્ર બનાવીને વીતાવે એ વાત જ કેટલી મોટી છે! આપણી સહનશક્તિનો ગ્રાફ થોડો ઊંચો રાખીને આવા મિત્રો છેલ્લા શ્વાસ સુધી મિત્રો જ બની રહે એ જોતાં શીખી જઈશું તો જીવનમાં કોઈ તકલીફ જ નહીં રહે કેમકે ‘ઔષધ સર્વ દુઃખોનું, મૈત્રીભાવ સનાતન.’

6 replies on “ગ્લૉબલ કવિતા : ૭૩ : નવા મિત્રો અને જૂના મિત્રો – જોસેફ પેરી”

  1. વાહ.
    મૈત્રીનું મહીમા ગાન ખૂબ સુંદર.
    મૂળ કવિતા સાથે અનુસંસ્કરણ એટલું જ ભાવવાહી.
    સલામ સાબ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *