ગ્લૉબલ કવિતા : ૭૦ : ચર્ચમાં – આર. એસ. થોમસ

In Church

Often I try
To analyse the quality
Of its silences. Is this where God hides
From my searching? I have stopped to listen,
After the few people have gone,
To the air recomposing itself
For vigil. It has waited like this
Since the stones grouped themselves about it.
These are the hard ribs
Of a body that our prayers have failed
To animate. Shadows advance
From their corners to take possession
Of places the light held
For an hour. The bats resume
Their business. The uneasiness of the pews
Ceases. There is no other sound
In the darkness but the sound of a man
Breathing, testing his faith
On emptiness, nailing his questions
One by one to an untenanted cross.

– R S Thomas


ચર્ચમાં

ઘણીવાર હું મથું છું
એની ચુપકીઓની ગુણવત્તાનું
વિશ્લેષણ કરવા. શું અહીં જ ભગવાન છુપાયો છે
મારી શોધખોળથી? મેં સાંભળવી બંધ કરી છે,
કેટલાક લોકોના ચાલી ગયા પછી,
એ હવાઓને જે પુનર્ગઠિત કરે છે પોતાને
નિગરાની માટે. એણે આ જ રીતે પ્રતીક્ષા કરી છે
પથ્થરો એની ફરતે ટોળું બનાવી બેઠા છે ત્યારથી.
આ છે કઠણ પાંસળીઓ
એક શરીરની જેને આપણી પ્રાર્થનાઓ જીવંત કરવામાં
નિષ્ફળ નીવડી છે. પડછાયાઓ આગેકૂચ કરી રહ્યા છે
તેમના ખૂણાઓમાંથી, એ જગ્યાઓનો કબ્જો મેળવવા માટે
જે પ્રકાશે બાનમાં રાખ્યો છે
એક કલાક સુધી. ચામાચીડિયાઓ
એમના ધંધે લાગી ગયાં છે. બાંકડાઓની બેચેની
શમી ગઈ છે. બીજો કોઈ જ અવાજ નથી
અંધારામાં સિવાય કે એક માણસના
શ્વસનનો, એના વિશ્વાસને ચકાસતો
આ ખાલીપે, એના પ્રશ્નોને એક પછી એક
ખીલે ઠોકતો એક ભાડૂતવિહોણી શૂળી પર.

– આર. એસ. થોમસ
(અનુ. વિવેક મનહર ટેલર)


ઈશ્વર: માનો તો મૈં ગંગા મા હૂઁ, ના માનો તો બહેતા પાની…

ઈશ્વર. શું છે ઈશ્વર? સત્ય કે અસત્ય? વાસ્તવ કે કલ્પના? સધિયારો કે ડર? જગન્નિયંતા કે કથપૂતળી માત્ર? આપણે એનું સર્જન છીએ કે એ આપણું? કોઈએ જોયો નથી, કોઈએ અનુભવ્યો નથી, કોઈએ જોયાનો દાવો કર્યોય હોય તો એ દાવાની સત્યાનૃતતા કોઈએ કરી નથી ને તોય માનવજાતે આજસુધીના ઇતિહાસમાં સૌથી વધુ વિશ્વાસ આ સંપૂર્ણતઃ ઇન્દ્રીયાતીત વિભાવનામાં જ મૂક્યો છે, ને મૂકતી રહેવાની છે. માણસે જે દિવસે પહેલવહેલીવાર ડર અનુભવ્યો હશે એ દિવસે કદાચ ઈશ્વરનો જન્મ થયો હશે અને ડર એ સહજ અને સ્વભાવગત અનુભૂતિ હોવાના કારણે કોઈપણ જાતના સંપર્ક કે સંદેશવ્યવહાર વિના દરેક યુગ, દરેક દેશ અને દરેક સંસ્કૃતિએ પોતાનો ઈશ્વર સ્થાપ્યો જ છે. દુનિયા આસ્તિકોથી ભરી પડી છે તો નાસ્તિકોનીય કંઈ કમી નથી. પણ ઈશ્વર ગળથૂથીથીજ એવો રક્તસંસ્કાર બની બેઠો છે કે એના અસ્તિત્વને સમુચુ નકારવું નાસ્તિકો માટેય આસાન નથી. પ્રસ્તુત કવિતામાં આર. એસ. થોમસ ઈશ્વરની વિભાવનાને ટટોલી જુએ છે.

રોનાલ્ડસ્ટુઅર્ટથોમસ. ૨૯-૦૩-૧૯૧૩ના રોજ કાર્ડિફ, વેલ્શ (યુ.કે.) ખાતે ખલાસીને ત્યાં જન્મ. મા-બાપનું એકમાત્ર સંતાન. ૨૩ વર્ષની વયે એન્ગ્લિકન ચર્ચમાં પાદરી બન્યા. ૧૯૪૦માં મિલ્ડ્રેડ એલ્ડ્રિજ સાથે લગ્ન, જે ૧૯૯૧માં એલ્ડ્રિજના અવસાન સુધી ટક્યા. ચિત્રકાર પત્નીની પ્રસિદ્ધિએ થોમસની કવિ તરીકે પ્રસિદ્ધ થવાની ઇચ્છામાં ભાગ ભજવ્યો. એલિઝાબેથ વર્નન સાથે બીજા લગ્ન. જેનો ઉપદેશ આપ્યો એ જ જીવન જીવ્યા. સ્વૈચ્છિક ગરીબીનો સ્વીકાર. ઘરની એકમાત્ર સાહ્યબીની ચીજ વેક્યુમ ક્લિનર પણ થોમસે એમ કહીને કાઢી નાંખ્યું કે એ બહુ અવાજ કરે છે. પ્રબળ રાષ્ટ્રવાદી હતા પણ માતૃભાષા છેક ૩૦ની ઊંમરે શીખ્યા એટલે કવિતા અંગ્રેજીમાં જ લખી. ૧૯૯૬માં નોબલ પારિતોષિક માટે નામાંકન થયું પણ મેળવવા જેટલા સૌભાગ્યશાળી ન નીવડ્યા. આજીવન નાના અમથા વેલ્શની બહાર ભાગ્યે જ નીકળ્યા હશે પણ યુરોપના મુખ્ય કવિઓમાંના એક ગણાયા. ૧૫૦૦થી વધુ કવિતાઓ લખી. ૮૭ વર્ષની જૈફ વયે ૨૫-૦૯-૨૦૦૦ના રોજ હૃદયરોગની બિમારીથી દેહાવસાન.

દેશના પારંપારિક વિચારો અને બીજી રીતે કહો તો, આત્માને હચમચાવી નાંખનાર કવિ. જેમ થોમસ હાર્ડીનું સમગ્ર સર્જન વેસેક્સની ફરતે રચાયું છે એમ આર. એસ. થોમસની કવિતા પણ વેલ્શના સામાન્યજનના જીવનમૂલ્યોનું સહજ ગાન છે. આપણે ત્યાં લક્ષ્મણે જેમ ‘કોમનમેન’ સર્જ્યો તેમ થોમસે એની કવિતાઓમાં ‘ઇઆગો પ્રિથેર્ચ’ નામના ખેડૂતનું સર્જન કરી વેલ્શના આત્માને અવાજ આપ્યો છે. એ પોતાના દેશબંધુઓની કઠોર આલોચના કરે છે પણ કરુણામય સમદૃષ્ટિ સાથે. કડવા કટાક્ષ પણ અનુકંપાસભર છે. ભાષા સરળ પણ લય મજબૂત. માનવમનના ઊંડાણમાંથી એમની કવિતા નીકળે છે અને ઈશ્વરની ઊલટતપાસ કરવા નીકળે છે. એમની રચનાઓમાંથી ઈશ્વરના છેતરામણા પ્રપંચ સામેનો આર્તસ્વર ઊઠે છે. એ ‘ક્રોસના કવિ’, ‘ચર્ચના કવિ’ તરીકે ઓળખાય છે. પણ ઈશ્વર વિશેની પારંપારિક કવિતાઓ કરતાં આ કવિતાઓ ઊફરી ચાલે છે. બહુધા એમાંથી નાસ્તિકતાનો સૂર ઊઠતો સંભળાય છે. એ ન સંભળાયેલી પ્રાર્થનાઓનો, એકલતાનો, અંધારાનો, ઈશ્વરના પથ્થરિયા મૌનનો જવાબ માંગે છે. એ કહેતા, ‘કેટલાક લોકો આતુર છે એ જાણવા કે મારા બે વ્યવસાયો વચ્ચે અથડામણ નથી થતી? તો હું હંમેશા જવાબ આપું છું કે ઈસુ કવિ હતા, નવો કરાર પણ એક કવિતા છે, અને મને કોઈ સમસ્યા નડતી નથી.’ એમની કવિતા એકાકી જીવની ‘નખશિખ શુદ્ધ, નખશિખ કડવી’ કવિતા તરીકે ઓળખાવાય છે. એ કહે છે, ‘મારો મુખ્ય હેતુ છે કવિતા બનાવવાનો. તમે પહેલાં તમારી જાત માટે બનાવો છો, બીજા લોકો પછી ઇચ્છતા હોય તો જોડાઈ શકે છે.’

૧૯૬૬માં લખાયેલ ‘ચર્ચમાં’ એક ગદ્યકાવ્ય છે. છંદ કે પ્રાસની પળોજણમાં પડવાના બદલે કવિ સીધી સરળ ભાષામાં પોતાની વાત બહુ ઓછી પંક્તિઓમાં રજૂ કરે છે. વીસ પંક્તિની કવિતામાં માત્ર નવ જ વાક્ય છે અને છેલ્લું વાક્ય તો કાવ્યાંતે જ પૂરું થઈ શકે એને બાદ કરીએ તો આખી રચનામાં બીજું એક જ વાક્ય પંક્તિ પતે ત્યાં પતે છે. એ સિવાયના સાતે-સાત વાક્યો પંક્તિની વચમાં પૂરાં થાય છે એટલે આખી કવિતામાં એક પંક્તિ બીજીમાં ને બીજી ત્રીજીમાં સતત ઢોળાતી રહે છે, જેને આપણે અપૂર્ણાન્વય (Enjambment/run-off lines) તરીકે ઓળખીએ છીએ. આ પ્રયુક્તિને લીધે કાવ્ય સળંગસૂત્રી હોવાનું અનુભવાય છે.

કવિતા ‘ઘણીવાર’થી શરૂ થાય છે, અર્થાત્ આ જે પણ કંઈ વાત કે મથામણ છે એ આજની કે એકવારની નથી, એ સતત ચાલતી આવેલી અને કદાચ સતત ચાલતી રહેનાર પ્રક્રિયા છે. કવિતાનો પ્રારંભ આત્મકથનાત્મકશૈલીમાં થાય છે પણ થોડી જ વારમાં હું નીકળી જઈને ‘અમારી પ્રાર્થનાઓ’ના ‘અમે’માં રૂપાંતરિત થાય છે અને એ પછી આખી કવિતા ત્રીજા પુરુષ કથાનકમાં રજૂ થતી હોય એમ લાગે છે. કવિ બહુ સિફતથી પોતાના ‘આઇ’ને દૂર કરી દે છે કેમકે એ જાણે છે કે ‘આઇ’નો બોજો માથા પર લઈને ઈશ્વરના દાદરા ચડી શકાનાર નથી. નાયક ચર્ચમાં બેઠો છે અને ઈશ્વરની તલાશમાં છે. ‘ઈશ્વર કણ કણમાં વસેલો છે’, ‘अहं ब्रह्मास्मि’ અને ‘મન ચંગા તો કથરોટમેં ગંગા’ આપણે ફક્ત બોલવા માટે જ બોલીએ છીએ, દિલથી કદી સ્વીકારતા નથી. ને એટલે જ વિશ્વભરમાં ધર્મસ્થાનોનું નિર્માણ અનવરત ચાલતું આવ્યું છે. ઈશ્વરને મળવા આપણે કદી આપણા કે બીજાના દિલ સુધી જતા નથી, મંદિર-મસ્જિદ-ગિરિજાઘરમાં જ જઈએ છીએ, કેમ જાણે આખી દુનિયાને પડતી મૂકીને ઈશ્વર ત્યાં જ આરામ ન ફરમાવતો હોય આપણી પ્રતીક્ષામાં. ઈશ્વર વિશેની કોઈપણ સંસ્કૃતિની એકેય વાતો તર્કસંગત નથી ને તોય ઈશ્વરના અસ્તિત્વને નકારવાની આપણી હિંમત નથી. ટી. એસ. ઇલિયટે કહ્યું હતું: ‘માનવજાત વધુ પડતી વાસ્તવિક્તા સહી શકતી નથી.’હરિવંશરાય બચ્ચન કહે છે: ‘આણે બનાવીને મંદિર-મસ્જિદ-ગિરજાઘર/ખુદાને કરી દીધો છે બંધ;/આ છે ખુદાની જેલ/જેને તેઓ-વ્યંગ તો જુઓ/કહે છે શ્રદ્ધા-પૂજાના સ્થાન.’

નાયક ચર્ચમાં નિયમિત આવે છે અને ચર્ચ ખાલી થઈ ગયા પછી પણ ત્યાં હાજર રહે છે. થોમસ પોતે પાદરી છે એટલે એ કદાચ એ પાદરીના ધર્મોપદેશ પતી ગયા પછીના ચર્ચની આ સ્થિતિ કલ્પે છે. એ અહીંની ચુપકીદીઓની ગુણવત્તાનું વિશ્લેષણ કરવા અવારનવાર મથે છે. મૌનમાંથી ઊઠતા પડઘા સાંભળવા એના કાન કાયમ આતુર રહે છે. પ્રશ્ન થાય છે, શું આ જ જગ્યા છે જ્યાં એની નજરોથી, પહોંચથી, શોધખોળથી પરે ઈશ્વર સંતાયો છે? લોકો ચાલ્યા ગયા પછીના ખામોશ વાતાવરણમાં મંડરાયા કરતી હવાઓ જાણે ચોકીપહેરો ભરવા માટે પુનર્ગઠિત થઈ રહી છે. નાયક હવે એની અવગણના કરવા માંડ્યો છે. મતલબ એવો પણ સમય હશે જ્યારે એ આ હવાઓને સુંઘતો, ગણકારતો હશે. પણ હવે એને લાગે છે કે પથ્થરો ટોળું જમાવીને બેઠાં છે ત્યારથી આ ચર્ચ, આ હવાઓ ઈશ્વરની આમ જ રાહ જોયા કરતાં હશે. ચર્ચમાંના આ પથ્થરો જાણે લાશની કઠણ પાંસળીઓ છે જેમાં વરસોની, સદીઓની પ્રાર્થના પણ પ્રાણ ફૂંકી શકી નથી. ઈસુના પુનરુજ્જીવન (Resurrection)ની વાયકા યાદ આવ્યા વિના નથી રહેતી. મૃત્યુના ત્રીજા દિવસે ઈસુ ખ્રિસ્ત ફરી જીવતા થયા હતા એ વાત ખ્રિસ્તી ધર્મના કેન્દ્રસ્થાને છે. ઈસુ પુનર્જીવિત થયા ન હોઈ શકે એમ જેઓ માને છે તેઓ હજી પાપમુક્ત થયા જ નથી એમ કહી દઈને ખ્રિસ્તી ધર્મ તમામ પ્રકારની આશંકાઓની શક્યતાઓ પર પૂર્ણવિરામ મૂકી દે છે. કોઈ જ ધર્મ આવા પૂર્ણવિરામોથી પર નથી.

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયંબરની સહી નથી. (જલન માતરી)

નમું તને પથ્થરને? નહીં, નહીં
શ્રદ્ધા તણા આસનને નમું નમું. (સુન્દરમ્)

આમ, ઈશ્વરને શ્રદ્ધાનો વિષય બનાવી દઈને એના અસ્તિત્વની ખરાખરી તરફ આપણે આંખ જ મીચી દીધી છે. ચર્ચનો ધર્મનાદ ટાઢો પડી ગયો છે. લોકો ચાલ્યા ગયા છે. સ્થગિત હવા ત્યાંને ત્યાં ઘુમરાઈ રહી છે. પથ્થરો વધુ નિર્જીવ ભાસી રહ્યા છે. ઘડી પહેલાં જે સ્થાન પ્રકાશના તાબામાં હતું એને હડપવા ખૂણાઓના અંધારા આગેકૂચ કરી રહ્યાં છે. ‘એલાઇવ’ કવિતામાં થોમસ લખે છે: ‘અંધારું તારી હાજરીનો ગાઢો બનતો જતો ઓળો છે.’ દિવસભર ચુપચાપ ઊંધા લટકી રહેલ ચામાચીડીયાઓ પોતાના કામે લાગી ગયાં છે. ચામાચીડીયા આપણી અંધ શ્રદ્ધાના પ્રતીક છે. માણસોના હોવાથી બાંકડાઓ પણ જાણે કે બેચેન હતા, તે માણસોના ચાલી ગયા પછી તેમની બેચેની પણ ક્રમશઃ શમી રહી છે. અંધારામાં બધું જ ઓગળી ગયું છે, અવાજ સુદ્ધાં. અંધારું આમેય બધા ભેદભાવ મિટાવી દઈને બધાને એકાકાર કરી દઈ એક જ કક્ષાએ આણે છે, જે સહન કરવું મનુષ્ય માટે શક્ય નથી, ને કદાચ એટલે જ મનુષ્યમાત્ર અંધકારથી ડરે છે.

ટાંકણી પડે તો પણ સાંભળી શકાય એવી ચર્ચની નીરવ શાંતિમાં ત્યાં હાજર એકમાત્ર માણસના શ્વસનનો અવાજ એકમાત્ર અપવાદ છે. ‘ધ ઇકોઝ રિટર્ન સ્લૉ’માં એ લખે છે: ‘તમારે એવી પ્રતીક્ષાની કલ્પના કરવાની છે જે ઉતાવળી નથી કેમકે એ સમયાતીત છે.’ થોમસે જિંદગીનો મોટાભાગનો સમય ચર્ચની સેવામાં વીતાવ્યો હતો એટલે એની કવિતાઓમાં ચર્ચ અને ધર્મ સદૈવ કેન્દ્રસ્થાને રહ્યા છે. એમની કવિતાઓના સાચા નાયક ચર્ચ બહુધા ખાલી જ જોવા મળે છે, અથવા વધુમાં વધુ એક માણસ એમાં હાજર દેખાય છે. આ એક માણસ કવિનો આભ્યંતર અહમ્ (Alter ego)પણ હોઈ શકે છે. થોમસ છૂપા ઈશ્વરનો, નીરવતાનો કવિ છે. એ અંધારા એકાંતમાં પોતાનું અજવાળું શોધવા મથે છે. ‘ધ એમ્પ્ટી ચર્ચ’કવિતામાં એ કહે છે: ‘એ લોકોએ એના માટે આ પથ્થરની જાળ બિછાવી, મીણબત્તીઓથી લલચાવ્યો, જાણે કે એ એક મોટા ફૂદાની જેમ અંધારામાંથી અહીં આવી ચડવાનો ન હોય.’ આજ કવિતામાં એ આગળ કહે છે: ‘શા માટે, તો, હું ઘૂંટણિયે પડીને મારી પ્રાર્થનાઓ એક પથ્થરના હૃદય પર ફટકારું છું? શું એ આશામાં કે એમાંની એકાદ પ્રજ્વળશે અને આ પ્રકાશિત દીવાલો હું સમજી શકું એનાથી વધુ વિરાટ કશાકનો પડછાયો ફેંકી શકે?’

‘ન્યુક્લિઅર’માં એ કહે છે: ‘એવું નથી કે એ બોલી શકતો નથી; ભાષાઓ કોણે સર્જી, સિવાય કે ભગવાન?’ પણ અહીં પથ્થરોની નિર્જીવ વસ્તીમાં ખાલી ક્રોસની ઉપર એ એક માણસ પોતાના શ્વાસોચ્છ્વાસ વડે પોતાના પ્રશ્નો, પોતાની શંકાઓ, પોતાની શ્રદ્ધાઓને એક પછી એક ખીલે ઠોકી રહ્યો છે. ૩૧ ઓક્ટોબર, ૧૫૧૭ના દિવસે માર્ટિન લ્યુથરે વિટેનબર્ગ કેસલ ચર્ચના દરવાજે ચર્ચમાં પેસી ગયેલા સડાના વિરોધમાં પોતાના ૯૫ મુસદ્દાઓની નકલ ખીલે ઠોકી હતી એ વાત યાદ આવ્યા વિના નહીં રહે. અહીં પણ નાયક પોતાના વિશ્વાસને આ ખાલીપામાં, આ અંધારામાં ચકાસવા મથી રહ્યો છે. જેમ ઈસુના શરીરમાં એમ એ પોતાના પ્રશ્નોના શરીરમાં ખીલા ઠોકી રહ્યો છે. શું આનો મતલબ એવો સમજવો કે એ પોતાના જવાબો મેળવી રહ્યો છે? અહીં શૂળી ભાડૂતવિહોણી છે એ રૂપક ખાસ્સું અર્થગંભીર છે. આ રૂપકે સાહિત્યજગતને ચર્ચાના ચકડોળે ચડાવ્યું છે. આ ખાલી ક્રોસ હાજરી-ગેરહાજરી, શ્રદ્ધા-અશ્રદ્ધા, ક્રુસાહોરણ-પુનરુજ્જીવનના વિરોધાભાસ ઈંગિત કરે છે. સુધારાવાદી ખ્રિસ્તીઓ (પ્રોટેસ્ટન્ટ્સ) લોકોનો ક્રોસ ખાલી હોય છે જ્યારે પરંપરાગત રોમન કેથલિક સંપ્રદાયમાં ક્રોસની ઉપર ઈસુ ખ્રિસ્ત જોવા મળે છે. આ બિનનિવાસિત શૂળીનો એક અર્થ એવો કરી શકાય કે ઈશ્વર હવે અહીં નથી, ચાલ્યા ગયા છે. જ્યારે બીજો અર્થ પરંપરાગત ઈસુના ક્રુસારોહણ (crucifixion) અને પુનરુજ્જીવન તરફ ઈશારો કરે છે. એમ માની શકાય કે પુનરુત્થાન થઈ ચૂક્યું હોવાથી એ હવે ક્રોસ પર નથી. એવું પણ કહી શકાય કે આપણે જે સમાજ-સંસ્કૃતિમાં રહીએ છીએ એનું એ હદે પતન થઈ ચૂક્યું છે કે ભગવાન હવે અહીં રહી શકે એમ ન હોવાથી આપણને છોડીને ચાલ્યા ગયા છે. ‘ભાડુત’ શબ્દ પણ ધ્યાન માંગે છે. ભાડુત એટલે એક એવો શખ્સ જે બીજાના મકાનમાં રહે છે. મતલબ આ ક્રોસ એ ઈસુનું પોતાનું ઘર નથી, એ રોમન લોકોએ આપેલું ભાડાનું ઘર છે.

થોમસે કહ્યું હતું: ‘ગામડાંના દેવળમાં પાદરી તરીકે રહેવાના ફાયદાઓ અને પડકારોમાંનો એક છે શાંતિ અને એકલતા. ઘણો બધો સમય ઘૂંટણિયે પડીને ઈશ્વરને શોધવામાં, સંપર્ક સાધવાની કોશિશમાં જાય છે અને ઈનામમાં નીરવતા અને અનુપસ્થિતિની લાગણી મળે છે, કેમકે આપણે એનામાં છીએ, નહીં કે એ આપણી કોઈ ઈમારતો કે છટકાઓમાં.’પણ આ કવિતા છે. પાદરી થોમસ અને કવિ થોમસને એમણે કાયમ અલગ રાખ્યા હતા. ચર્ચમાં એમણે કદી પોતાની અંગત માન્યતાઓના જોરે ધર્મોપદેશ આપ્યો નહોતો. ચર્ચમાં એ બાઇબલની જ વાત કરતા. એટલે થોમસની અન્ય રચનાઓ તરફ નજર કરો કે ન કરો, એના પાદરી તરીકેની કારકિર્દીને ધ્યાનમાં લો કે ન લો, કવિતા કવિતા છે અને એ કદી અર્થ અને સમજણની પકડમાં આવી શકે નહીં એટલે આ કવિતાને તમે નાસ્તિકતાનું રણશિંગુ પણ કહી શકો અને આસ્તિકતાનો શંખનાદ પણ; કેમકે ગ્લાસ અડધો ભરેલો છે કે અડધો ખાલી છે એ માત્ર ને માત્ર જોનારાની નજર ઉપર જ અવલંબિત હોઈ શકે. તમે ખોબામાં જે અંજલિ ભરી છે, એ શ્રદ્ધા હશે તો સાક્ષાત્ ગંગાજળ છે, ને શ્રદ્ધા ન હોય તો નકરું પાણી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *