ગ્લૉબલ કવિતા : ૬૩ : નેક્સ્ટ, પ્લીઝ – ફિલિપ લાર્કિન

Next, Please

Always too eager for the future, we
Pick up bad habits of expectancy.
Something is always approaching; every day
Till then we say,

Watching from a bluff the tiny, clear
Sparkling armada of promises draw near.
How slow they are! And how much time they waste,
Refusing to make haste!

Yet still they leave us holding wretched stalks
Of disappointment, for, though nothing balks
Each big approach, leaning with brasswork prinked,
Each rope distinct,

Flagged, and the figurehead with golden tits
Arching our way, it never anchors; it’s
No sooner present than it turns to past.
Right to the last

We think each one will heave to and unload
All good into our lives, all we are owed
For waiting so devoutly and so long.
But we are wrong:

Only one ship is seeking us, a black-
Sailed unfamiliar, towing at her back
A huge and birdless silence. In her wake
No waters breed or break.

– Philip Larkin

નેક્સ્ટ, પ્લીઝ

હરપળ હરદમ ભવિષ્ય માટે ખૂબ જ આતુર, આપણે ચૂંટી
લઈએ છીએ ખરાબ આદત અપેક્ષાઓની ઘૂંટી ઘૂંટી.
કંઈક હંમેશા સાવ જ પાસે આવે એવું લાગે, દરરોજ
ત્યાં લગ આપણે કહીએ એમ જ,

ભૂશિર પરથી જોયા કરીએ નાના, સ્પષ્ટ નજરે ચડતા
વચનોના ઝળહળતા યુદ્ધજહાજના બેડા નજીક સરતા.
કેટલા ધીમા! પડીય નથી કંઈ વળી સમયની બરબાદીની,
ના જ પડતા જલ્દબાજીની!

વળી ત્યજી જાય તેઓ આપણને પકડાવી દઈને મનહૂસ
નિરાશાઓના ડંઠલ, કારણ કે, છોડી નહીં જાય ખસૂસ
કંઈ પણ મોટા આગમન, જે પિત્તળના શણગારે ઝૂક્યાં,
એક-એક દોરડાં ભિન્ન સર્વથા,

ધજા-સુશોભિત, મોરા પર સ્વર્ણડીંટડીયુક્ત પ્રતિમા સાથે
વહાણ આવે વળાંક લઈને અમ તરફે પણ, કદી ન લાંગરે;
એ તો ઘડીમાં વર્તમાનકાળ મટી જઈને મારશે ઠેક
ભૂતકાળમાં. અંત સુધી છેક,

આપણે એ જ વિચારીએ કે દરેક અટકશે ને ઉતારશે
બધું જ સારું જીવનમાં આપણા, બધું જે આપણું દેવાદાર છે
આટલા ભક્તિભાવથી અને આટલી લાંબી પ્રતીક્ષા કાજે.
પણ ખોટા છીએ આપણે આજે:

ફક્ત એક જ જહાજ આપણને શોધે છે, એક અજાણ્યું
કાળા સઢવાળું, પોતાની પૂંઠે-પૂંઠે ખેંચી રહ્યું
એક વિરાટ ને પક્ષીહીન મૌન. એની પૂંઠે જલ જાણે સ્થલ-
ના કપાય, ના કોઈ હલચલ.

– ફિલિપ લાર્કિન
(અનુ. વિવેક મનહર ટેલર)

મનુષ્યજીવનની એકમાત્ર નિશ્ચિત વસ્તુ કઈ?

આપણે બધા કાલના માણસો છીએ. જીભ ભલેને સૌની ‘કાલ કોણે દીઠી છે?’ કે પછી ‘Carpe Diem’ (આજમાં જીવો) કેમ ન બોલતી હોય, આંખ જે સૂરજ હજી ઊગ્યો નથી એના પર જ મંડાયેલી રહે છે. સોનેરી ભવિષ્યની આશા કદી મરતી નથી. ભક્તિભાવપૂર્વક આપણે સહુ ઊજળી આવતીકાલની રાહ જોઈએ છીએ અને દૃઢતાપૂર્વક માનીએ છીએ કે કેમકે આપણી ઈંતેજારી, આપણી આવતીકાલ માટેની શ્રદ્ધા સો ટકા પ્રામાણિક છે અને સર્વાંગસંપૂર્ણ છે, એ ફળવી જ રહી. હકીકત એ છે કે આવતીકાલના ગર્ભમાં આપણા સહુના માટે એક અને માત્ર એક જ વસ્તુ સુનિશ્ચિત છે અને તે છે મૃત્યુ. મૃત્યુ સિવાય જિંદગીમાં બીજું કશું જ ગેરેંટેડ નથી એ વાતને ખૂબ જ અદભુત રીતે ફિલિપ લાર્કિન આપણી સમક્ષ લઈ આવે છે.

ફિલિપ આર્થર લાર્કિન. કવિ. નવલકથાકાર. નિબંધકાર. ૦૯-૦૮-૧૯૨૨ના રોજ કોવેન્ટ્રી, યુ.કે. ખાતે સિડની અને ઇવા લાર્કિનને ત્યાં જન્મ. પિતા શહેરના ખજાનચી હતા. શાળાના સામયિકમાં લાર્કિનની રચનાઓ નિયમિતપણે આવતી એ ઉપરાંત એ સામયિકના સંપાદનમાં પણ મદદગાર બનતા. બાળપણ એકલવાયું. તોતડાતા પણ ખરા. નબળી આંખોના કારણે આર્મીમાં ન જઈ શક્યા. ઓક્સફર્ડમાં અંગ્રેજી ફર્સ્ટ ક્લાસ ઑનર્સ સાથે ભણ્યા. આજીવન લાઇબ્રેરિઅન. જાઝ સંગીતના શોખીન. કોલેજમાં ‘સેવન’ નામનું ગ્રુપ પણ બનાવ્યું. લાંબા સમય સુધી એક જ સમયગાળામાં એકાધિક સ્ત્રીઓ સાથે શારીરિક સંબંધ. વિકીપીડિયા એમના જાહેર વ્યક્તિત્વને ‘નો-નોનસેન્સ’ કહીને સંબોધે છે. જાહેરજીવનથી બહુધા દૂર. માન-સમ્માનની દૃષ્ટિએ અલગારી જીવ. ૧૯૮૪માં ઇંગ્લેન્ડના રાજકવિ તરીકેનું બહુમાન જવાબદારીનો બોજો સ્વીકારવો ન હોવાના કારણોસર નકાર્યું. નવલકથાકાર થોમસ હાર્ડી એમના માટે મોટો પ્રેરણાસ્ત્રોત પણ અને હાર્ડીને કવિ તરીકેનું બહુમાન અપાવવામાં એમનો ફાળો પણ નોંધપાત્ર. ૦૨-૧૨-૧૯૮૫ના રોજ અન્નનળીના કેન્સરથી અવસાન.

ઉદાસી એમની કવિતાઓનો પ્રધાન સૂર હતો. લાર્કિને પોતે કહ્યું હતું કે વર્ડ્સવર્થ માટે જે સ્થાન ડેફોડિલ્સનું હતું, એ એમના માટે વંચિતતા-વિપદાનું છે. મૃત્યુ અને માનવજીવનની ‘ડાર્ક’ રમૂજ સાથે વળગણ. માર્મિક અલ્પોક્તિ એમની કવિતાને ધારદાર બનાવે છે. એમના ગીતો રચનાની દૃષ્ટિએ સંપૂર્ણ પણ પૂરતાં લવચિક છે. પ્રાસ, છંદ, અંતરા જેવા પારંપારિક સાધનો જ એ પ્રયોજે છે પણ ધ્વનિ સાવ નોખો જ તરી આવે છે. ૧૯૫૪ની સાલમાં ઇંગ્લેન્ડમાં ‘ધ મૂવમેન્ટ’ નામે ચળવળ થઈ જેનો પ્રધાન કાકુ આધુનિકતાવાદ, રોમેન્ટિસિઝમ, પ્રયોગખોરી જેવા કવિતાના કૃત્રિમ સાધનોનો વિરોધ કરી પરંપરાગત, સરળ, સહજ કવિતા તરફનો હતો. વિશ્વયુદ્ધ પછીના સમયમાં જિંદગીને યથાતથ સ્વીકારીને કવિતાને કૃત્રિમ ઘરેણાંઓથી શણગારવાના બદલે રોજબરોજના અનુભવો અને ‘કોમનસેન્સ’ વડે અંગ્રેજી કવિતાની મૂળભૂત સંયમી પ્રકૃતિ અને સ્વભાવગત તાકાત બહાર લાવવી એ આ કવિઓનો હેતુ હતો. લાર્કિન ‘મૂવમેન્ટ’ના નવ કવિઓમાંના એક હતા. જોકે એમની કવિતાઓ આધુનિકતાની નહીં પણ યાંત્રિકતાની વિરોધી છે. વીસમી સદીના ઉત્તરાર્ધના બ્રિટનના સૌથી ચહીતા કવિ ગણાયા. ‘ધ ટાઇમ્સ’ પણ એમને યુદ્ધ પછીના બ્રિટનના શ્રેષ્ઠતમ કવિ ગણાવે છે.

અવશ્યંભાવી મૃત્યુ લાર્કિનની કવિતાનો અવિનાભાવી રંગ છે. લાર્કિનની કવિતાઓમાં મૃત્યુ એટલું બધું જીવંત છે કે ‘રોમન કેથલિક ઑફિસ ફોર ધ ડેડ’માંનું લેટિન વાક્ય યાદ આવે- ‘Timor mortis conturbat me’ – મૃત્યુનો ડર મને પરેશાન કરે છે. ‘ઑબેડ’(Aubade)ની થોડી પંક્તિઓ જોઈએ. કહે છે કે આ એક જ કવિતા કવિને અમરત્વ બક્ષવા પૂરતી હતી: ‘નિશ્ચિત વિનાશ તરફ આપણે મુસાફરી કરીએ છીએ અને એમાં જ ખોવાઈ જઈએ છીએ કાયમ. અહીં હોવા માટે નહીં, ક્યાંય હોવા માટે નહીં, અને જલ્દી જ; કંઈ જ વધુ ભયાનક નથી, કંઈ જ વધુ સાચું નથી.’ આજ કવિતામાં એ મૃત્યુને આ રીતે વર્ણવે છે: ‘ન દેખાવ, ન અવાજ, ન સ્પર્શ કે સ્વાદ કે ગંધ, કંઈ જ નહીં જેની સાથે વિચરી શકાય, કંઈ જ નહીં જેને ચાહી કે સાંકળી શકાય, એક એનેસ્થેટિક જેમાંથી કોઈ બહાર નથી આવતું.’ આ જ રચનામાં એ આજે કહેવત બની ગયેલ વાત કહે છે: ‘Death is no different whined at than withstood.’ (બૂમો પાડો કે પ્રતિકાર કરો, મૃત્યુ માટે સરખું જ છે.) ‘ધ લાઇફ વીથ અ હૉલ ઇન ઇટ’માં એ મૃત્યુને ‘અપરાજેય ધીમું યંત્ર’ કહે છે.

સ્વરૂપની દૃષ્ટિએ આ રચનામાં ચાર-ચાર પંક્તિના છ અંતરા છે. દરેક બંધમાં AABB પ્રકારની સ્વતંત્ર પ્રાસરચના છે. દરેક બંધની પ્રથમ ત્રણ પંક્તિઓ થોડા અપવાદ સાથે આયંબિક પેન્ટામીટરમાં જ્યારે ચોથી પંક્તિ નોંધપાત્ર રીતે ટૂંકી છે અને એમાં અન્ય પંક્તિઓની જેમ દસના બદલે ચાર અથવા છ શબ્દાંશ પ્રયોજાયા છે. કવિતાનું શીર્ષક ‘નેક્સ્ટ, પ્લીઝ’ આપણને અટકાવી દે છે. લોકો કતારમાં ઊભા હોય અને અધિકારી ‘નેક્સ્ટ’ નેક્સ્ટ’ કરીને એક પછી એક લોકોને શબ્દોથી ધક્કો મારતો હોવાનો અહેસાસ થાય પણ ‘નેક્સ્ટ’ પછી વિરામચિહ્ન મૂકીને કવિ ‘પ્લીઝ’ કહે છે એ વિનમ્રતા પહેલા શબ્દ સાથે ઊભા થયેલા ચિત્રને સમૂળગું બદલી નાખે છે. ભાવકના મનમાં કવિતાના વિષયવસ્તુ બાબતમાં એક અપેક્ષામિશ્રિત જિજ્ઞાસા જન્મે છે. અનુવાદમાં અષ્ટકલ લય વડે ગીતનો છંદ, પ્રાસ અને ચોથી પંક્તિઓનું ટૂંકાણ જાળવી શકાયું છે પણ શીર્ષકનું ગુજરાતીકરણ કરવા જતાં કવિતાનો આત્મા જ મરી પરવારે એમ લાગતાં અને ‘નેક્સ્ટ’ અને’ પ્લીઝ’ -બંને શબ્દ પૂરતા ગુજરાતી બની ગયા હોવાથી એ યથાવત્ રાખવાનું જોખમ ગણતરીપૂર્વક લેવાયું છે.

કવિતાની શરૂઆત જ આપણી ભવિષ્ય માટેની વધુ પડતી અધીરતાને લક્ષ્ય બનાવીને થાય છે. સતત અપેક્ષા રાખ્યા કરવાની ગંદી આદતના આપણે સહુ શિકાર છીએ. સતત એમ જ લાગે કે કંઈક આપણી સાવ નજીક આવી જ રહ્યું છે. આ સાવ શું છે એની વાત બીજા અંતરામાં ખુલે છે પણ પહેલા અંતરામાં તો કવિતા અપેક્ષાની વાત કરીને વાત અધૂરી છોડી દે છે એમ કહીને કે ત્યાં લગ દરરોજ આપણે એમ જ કહ્યા કરીએ છીએ કે… આખી કવિતામાં માત્ર ‘ત્યાં લગ’ (till then) આ બે જ શબ્દોને ત્રાંસા-ઇટાલિક્સમાં લખીને કવિ પોતે જે કહેવું છે એ ગૂઢાર્થને ઘાટો કરે છે. બીજા બંધમાં બંધ મુઠ્ઠી ઊઘડે છે કે નાયક અથવા કવિ અથવા આપણે- સમુદ્રકિનારાની એક ઊંચી ભૂશિર પર ઊભા છીએ અને દૂરથી આપણી તરફ આવી રહેલા જહાજોને જોઈ રહ્યા છીએ. આ જહાજો દૂર છે માટે નાનાં નજરે ચડે છે પણ સ્પષ્ટ દેખાય છે એટલે એટલા દૂર પણ નથી. આ જહાજો વચનોના ચમકીલા યુદ્ધજહાજોનો કાફલો છે. સોળમી સદીમાં સ્પેનિશ યુદ્ધજહાજોનો કાફલો અંગ્રેજી કાંઠા પર ધસી આવ્યો હતો અને અંગ્રેજી સૈન્યના હાથે નેસ્તનાબૂદ થઈ ગયો હતો એ હારનું દૃશ્ય અહીં તાદૃશ થાય છે. અહીં આ બેડા સરસામાન નહીં, વાયદાઓ લઈને આવે છે. અને વર્તમાન ગમે એટલો ભેંકાર કેમ ન હોય, ભવિષ્યને તો આપણે હંમેશા ઝળહળતું જ કલ્પીએ છીએ એટલે ઠાલાં વચનો ભરીને આવતા યુદ્ધજહાજોના બેડા આપણને ચમકીલા-ઝળહળતા નજરે ચડે છે. કવિને સ્પેન-ઇંગ્લેન્ડનું યુદ્ધ અભિપ્રેત છે એટલે સમજી શકાય છે કે આ વાયદાના જહાજો પણ કાંઠે આવતા સુધીમાં ધ્વસ્ત થનાર છે. વળી, આ કાફલો કાચબાગતિએ આગળ ધપે છે. બે પંક્તિમાં ત્રણવાર કાફલાની અકળાવી નાંખે એવી ધીમી અને કહેવા છતાંય જરાય જલ્દબાજી કરવા તૈયાર જ ન હોય એવી નફ્ફટ ગતિનો ઉલ્લેખ કરીને કવિ વચનો હંમેશા તૂટવા માટે જ હોવાની નિરાશાનો રંગ ઓર ગાઢો કરે છે.

આ જહાજો આપણા હાથમાં નકરી નિરાશાની ફૂલદાંડીઓ પકડાવી જાય છે જેના પર ફૂલ કદી ઊગનાર જ નથી એવી મનહૂસ છે. મોટા-મોટા જહાજોની પધરામણીઓ થતી રહે છે પણ કોઈ કશું પાછળ આપણા માટે મૂકીને જતું નથી. જહાજો પર મજાનું પિત્તળકામ કરાયું છે, એક-એક દોરડાં પણ સ્પષ્ટ નજરે ચડે છે-ભવિષ્યના ખિસ્સામાં આપણા માટે શું છે સાફ દેખાય છે! માથે ધજા શોભી રહી છે અને મોરા પર સ્વર્ણડીંટડીયુક્ત પ્રતિમા શોભાયમાન છે. વળાંક લઈને વહાણ આપણી નજીક તો આવે છે પણ લાંગરતું કદી નથી. આપણને જે જહાજ ‘આજ’માં નજરે ચડે છે એ ક્ષણમાં ‘ગઈકાલ’માં ભુસકો મારી દેશે. કેલેન્ડરનાં પાનાં ફરતાં વાર શી? આપણી અધીરપ અને અપેક્ષાને ક્રમશઃ આપણે મોહભંગ થતાં અને કડવાશમાં પલટાતાં અનુભવીએ છીએ. એકતરફ કવિ જહાજોના જાજવલ્યમાન કાફલાનું ભવ્ય વર્ણન કરે છે અને બીજી બજુ એકદમ સરળ, તદ્દન અનલંકૃત ભાષામાં ત્રણ જ શબ્દોમાં ‘કદી ન લાંગરે’ કહીને આપણી વધુને વધુ જાજવલ્યમાન અને ભવ્ય બનતી જતી અપેક્ષાઓના મૂળમાં કુઠારાઘાત કરે છે. છેક અંત સુધી આપણે એમ જ વિચાર્યે રાખીએ છીએ કે બધા જ જહાજ આપણા કાંઠે લાંગરશે અને આપણા જીવનમાં કંઈક ‘સારું’ ઊતારશે. લાર્કિન Good શબ્દ પ્રયોજે છે. દેખીતો અર્થ તો ‘સારું’ જ છે પણ જહાજની અને સરસામાનની વાત હોવાથી ‘S’ લખ્યો ન હોવા છતાં આપણું મન good (સારું)ને goods (સામાન) તરીકે વાંચી જ લે છે. કવિને મન કદાચ બંને જ અર્થ અભિપ્રેત છે પણ કવિની આ કમાલ અનુવાદની ગલીઓમાં અદૃશ્ય થઈ જાય છે. અનુવાદની આટલી મર્યાદા જ સ્તો.

આપણે એવું માની બેઠાં છીએ કે સોનેરી ભવિષ્યની આશા રાખીને આપણે આટલા ભક્તિભાવથી અને આટલા લાંબા સમયથી પ્રતીક્ષારત છીએ એટલે ઉજ્જવળ ભવિષ્ય, સોનેરી પ્રારબ્ધ આપણાં દેવાદાર છે અને માત્ર પ્રતીક્ષામાત્રથી આપણાં સપનાં સાચા કરી આપવા એ એમની ફરજ અને આપણો અધિકાર છે. આખી કવિતામાં શીર્ષક સિવાય ક્યાંય કવિ ‘નેક્સ્ટ, પ્લીઝ’ કહેતા નથી પણ એક પછી કે જહાજના આવવા અને ચાલી જવા વચ્ચે ભૂશિર પરથી નજર તાણીને રાહ જોતા આપણે સતત ‘નેક્સ્ટ, પ્લીઝ’ બોલી રહ્યા હોવાનું આપણને સંભળાતું રહે છે. પણ આપણે ખોટા છીએ કેમકે બીજા કોઈ નહીં પણ એક જ જહાજ છે જે ખરેખર આપણા માટે આવનાર છે. જહાજ અજાણ્યું છે, એના પર કાળો શઢ છે, અને એની પાછળ-પાછળ એક વિરાટ પક્ષીહીન મૌન છે- વિશાળ અને નિર્જીવ. આવો મૌન ખાલીપો પાછળ લઈને એ જહાજ ચાલે છે ને એની પાછળ પાણીમાં કોઈ હલચલ પણ નથી. જહાજ ચાલતાં પાણી નથી કપાતું કે નથી ઊછાળા મારતું. બધું જ જીવહીન અને નિઃસ્તબ્ધ. Wake-water અને breed-breakની વર્ણસગાઈ (alliteration) અને wake-breakના ચુસ્ત પ્રાસયુક્ત સાવ ટૂંકી દોઢ પંક્તિ ચાબુકની જેમ આપણી સંવેદના પર વિંઝાય છે. સમજી શકાય છે કે કવિ મૃત્યુની વાત કરે છે. મૃત્યુનું જહાજ ન માત્ર ભવિષ્ય અંગેની તમામ આશાઓનો, બલકે ભવિષ્ય સુદ્ધાંનો કાયમી અંત આણશે. જીવનમાં બીજું કશું જ નિશ્ચિત છે જ નહીં, સિવાય કે મૃત્યુ.

ભવિષ્ય માટેની આપણી વધુ પડતી ‘આતુરતા’ અને અપેક્ષાઓ રાખવાની ‘ખરાબ આદત’ના લઈને આપણને ‘વાયદાઓના કાફલા’ આપણી તરફ ‘હંમેશા’ આવતા નજરે ચડે છે પણ આપણી અધીરતા સન્મુખ તેઓ ‘કેટલા ધીમા’ છે! આપણા જીવનમાં લાંગરવા માટે આ વચનોના જહાજો પાસે કોઈ ‘લંગર’ છે જ નહીં, કંઈ હોય તો માત્ર ‘નિરાશાની દાંડીઓ.’ આવતીકાલની રાહ જોવામાંને જોવામાં આપણે આજને માણવાનું ‘કાયમ’ ચૂકી જઈએ છીએ. આજ તરફ આપણું ધ્યાન જાય એ પહેલાં તો એ ગઈકાલ બની ચૂકી હોય છે. જિંદગીની ગાડીમાં ‘આજ’ના ડબ્બાની મજા લૂંટી લેવાને બદલે આપણે ‘આવતીકાલ’ના સ્ટેશનની રાહ જોયે રાખીએ છીએ જ્યારે હકીકત એ છે કે આ ગાડીના નક્શામાં એક જ સ્ટેશન છે અને તે છે –મૃત્યુ! લાર્કિન પણ जातस्य हि ध्रुवो मृत्युःની ગીતાને આલબેલ જ આ કવિતામાં પોકારે છે. આ કવિતા આપણને એકીસાથે ઉદાસીનતાની ખીણમાં ડૂબાડે પણ છે ને ઉત્તેજીત પણ કરે છે. લાર્કિનની આ કળા છે. સિક્કાની બંને બાજુ એ આપણને એકસાથે હાથમાં આપી શકે છે.

2 replies on “ગ્લૉબલ કવિતા : ૬૩ : નેક્સ્ટ, પ્લીઝ – ફિલિપ લાર્કિન”

  1. હુ.તો..લેતો હ્તો..આ .કવિતા ની મજા..

    ને ત મે ફ્રર્ંમાવી…

    આ ચુપ ર હેવા નિ સ જા..

    નરેન્દ સોની

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *