ગ્લૉબલ કવિતા: ૬૧: એક ઘરડી સ્ત્રી – અરુણ કોલાટકર

An Old Woman

An old woman grabs
hold of your sleeve
and tags along.

She wants a fifty paise coin.
She says she will take you
to the horseshoe shrine.

You’ve seen it already.
She hobbles along anyway
and tightens her grip on your shirt.

She won’t let you go.
You know how these old women are.
They stick to you like a burr.

You turn around and face her
with an air of finality.
You want to end the farce.

When you hear her say,
‘What else can an old woman do
on hills as wretched as these?’

You look right at the sky.
Clean through the bullet holes
she has for her eyes,

And as you look on
the cracks that begin around her eyes
spread beyond her skin.

And the hills crack.
And the temples crack.
And the sky falls
with a plateglass clatter
around the shatterproof crone
who stands alone.

And you are reduced
To so much small change
In her hand.

– Arun Kolatkar

એક ઘરડી સ્ત્રી

એક ઘરડી સ્ત્રી પકડી
લે છે તમારી બાંય
અને સાથે ચાલવા માંડે છે.

એને એક પચાસ પૈસાનો સિક્કો જોઈએ છે.
એ કહે છે એ તમને લઈ જશે
અશ્વનાળ મંદિર પર.

તમે એ ક્યારનું જોઈ ચૂક્યા છો.
તે લંગડાતી સાથે જ આવે છે
અને તમારા ખમીસ પરની એની પકડ ચુસ્ત કરે છે.

એ તમને નહીં જવા દે.
તમને ખબર છે આ ઘરડી સ્ત્રીઓ કેવી હોય છે.
તેઓ તમને ઝોડની જેમ વળગી રહે છે.

તમે પાછા ફરો છો અને એનો સામનો કરો છો
કાયમી નિવેડો લાવવાની દૃઢતા સાથે.
તમારે આ નૌટંકી ખતમ કરવી છે.

જ્યારે તમે એને કહેતી સાંભળો છો,
‘બીજું તો શું કરી શકવાની એક ઘરડી સ્ત્રી
આવી મનહૂસ ટેકરીઓ પર?’

તમે સીધું આકાશ તરફ જુઓ છો.
સાફ એ ગોળીઓના કાણાંઓમાંથી
જે તેણી પાસે છે આંખોના બદલે,

અને જેમ તમે જોતાં રહો છો
એ તડ જે એની આંખોની આસપાસ શરૂ થાય છે
એની ત્વચાની બહાર ફેલાઈ જાય છે.

અને ટેકરીઓ તરડાય છે.
અને મંદિરો તરડાય છે.
અને આકાશ ભાંગી પડે છે

વિશાળ કાચના ખણકાર સાથે
એ અતૂટ બેવડ વૃદ્ધાની આસપાસ
જે એકલી ઊભી છે.

અને તમને ઘટીને રહી જાવ છો
નાનું નિર્માલ્ય પરચૂરણ થઈને
એના હાથમાંનું.

– અરુણ કોલાટકર
(અનુ. વિવેક મનહર ટેલર)

ચીંથરેહાલ કપડાં, ઊઘાડા પગ, દિવસોથી ધોયા-ઓળ્યા વિનાના વાળ લઈને દારૂણ ગરીબીથી નીતરતો એક ચહેરો તમારી સમક્ષ હાથ લાંબો કરીને અપેક્ષાભરી નજરે આવી ઊભે અને જવાનું નામ જ ન લે ત્યારે તમે શું કરો છો? ભીખ આપો છો? હડધૂત કરો છો? નજર ફેરવી લો છો? ભીખ અને ભિખારી –વિશ્વભરના જનમાનસ માટે વણઉકેલ્યો કોયડો. આ સમસ્યાનો કોઈ ઉકેલ ખરો? ભીખ આપીને આપણે ભિખારીની સમસ્યા દૂર કરીએ છીએ કે વધારીએ છીએ? અને ભીખ ન આપીને આપણે આ સમસ્યાને નેસ્તનાબૂદ કરવામાં સહાયભૂત થઈએ છીએ? રસ્તે ભટકાઈ ગયેલા ભિખારીને બે પૈસા આપીને કોઈ એનું દળદળ ફિટવી શકનાર નથી પણ તોય ભિખારીને બે પૈસા આપીને લાખ રૂપિયાનું ‘પુણ્ય’ કમાવા માંગનાર અમીર ભિખારીઓનો તોટો નથી. દુનિયાના દરેક દેશમાં, અમેરિકા જેવા દેશમાં પણ ભિખારી સાથે તમારો ભેટો જરૂર થશે. ભીખ આપવી કે ન આપવીના ‘ટુ બી ઓર નોટ ટુ બી’ પ્રશ્નમાં અટવાતા જનમાનસને હચમચાવીને ભીખ મેળવી લેવાની ભિખારીઓની મૉડસ-ઑપેરન્ડી ક્યારેક આપણને વિચારતાં કરી દે છે. પણ ક્યારેક ભિખારી વેંત ઊંચેરો પણ સાબિત થઈ શકે છે. આવી જ કંઈ વાત લઈને આવી છે અરુણ કોલાટકરની આ કવિતા.

અરુણ બાલકૃષ્ણ કોલાટકર. ૦૧-૧૧-૧૯૩૨ કોલ્હાપુર, મહારાષ્ટ્રમાં જન્મ. ભોંયતળિયે પાંચ ઓરડા, પહેલા માળે ત્રણ અને એની ઉપર એક એમ નવ કમરાનું મકાન, જેને કવિ પત્તાના મહેલ સાથે સરખાવતા. મુંબઈની જે. જે. સ્કુલ ઑફ આર્ટ્સમાં ભણ્યા. પિતા શિક્ષણખાતામાં અફસર. પિતાનો કળાવારસો લોહીમાં ઊતર્યો. પાશ્ચાત્ય ચિત્રકારોએ એમને આકર્ષ્યા પણ પાશ્ચાત્ય સ્ત્રી-પુરુષોએ નહીં. ચિત્રકાર તરીકે હજી એકેય ચિત્ર વેચાયા ન હોવાથી બંને પરિવારોએ લગ્નનો વિરોધ પણ કર્યો હતો. દારૂની લત લાગી જવાના કારણોસર પ્રથમ પત્ની દર્શન છાબડાથી પારસ્પારિક સમજૂતીથી છૂટા પડી સૂનુ સાથે લગ્ન કર્યા. મુંબઈના શરૂના દિવસો દારુણ ગરીબીમાં વીત્યા. ‘ધ ટર્નઅરાઉન્ડ’ કવિતામાં એ લખે છે: ‘બોમ્બેએ મને ભિખારી બનાવી દીધો./મારા ધાબળાએ એક ખરીદાર શોધી કાઢ્યો/અને મેં સાદા પાણીની મિજબાની કરી.’ પણ પછી ગ્રાફિક ડિઝાઇનિંગ, માસ કમ્યુનિકેશન અને માર્કેટિંગના ક્ષેત્રમાં સ્થાપિત થયા. આંતરડાના કેન્સરથી ૨૫-૦૯-૨૦૦૪ના રોજ નિધન.

આઝાદીપશ્ચાતના પ્રમુખ દ્વિભાષી કવિ. મરાઠી અને ભારતીય અંગ્રેજી – એમ બંને ભાષામાં અગ્રણી. એમની મરાઠી કવિતા ૫૦ ને ૬૦ના દાયકાની ‘લિટલ મેગેઝિન મૂવમેન્ટ’ને અનુસરીને આધુનિકતાવાદના અર્ક સમ હતી. એમની કવિતાઓ ભારોભાર કટાક્ષ અને તિર્યક દૃષ્ટિના કારણે અળગી તરી આવે છે. રોજબરોજના પ્રસંગોમાંથી એ રમૂજ શોધી કાઢે છે. અચ્છા ચિત્રકાર હોવાના નાતે એમની રચનાઓમાં પણ મજાનાં ચિત્રો રજૂ કરે છે. શબ્દોની કરકસર અને કલમથી આબેહૂબ દૃશ્ય ઊભું કરી શકવાની સમર્થતાના નાતે એમની કવિતાઓ એઝરા પાઉન્ડની ‘ઇમેજીસ્ટ’ કવિતાઓની શ્રેણીમાં સ્વતંત્ર મૌલિક અવાજ સાથે બંધ બેસે છે. જાતીયતા અને કામુકતા પણ એમની કવિતામાં બિન્દાસ આવે છે. એક-એકથી ચડિયાતી મરાઠી-અંગ્રેજી કવિતા આપનાર આ કવિ મરાઠી કવિતાની વચ્ચે શુદ્ધ હિંદીમાં ‘दिखता नहीं मादरचोद दिखता नहीं’ લખીને ભાવકના સંવેદનતંત્રને ધરમૂળથી ઝંઝોડે પણ છે.

પ્રસ્તુત રચના કવિના સંગ્રહ ‘જેજુરી’માંથી છે. ‘જેજુરી’ ૩૧ કવિતાઓનો ગુચ્છ છે. અરવિંદ કૃષ્ણ મેહરોત્રા ‘જેજુરી’ વિશે કહે છે, ‘છેલ્લા ચાળીસ વર્ષમાં ભારતમાં લખાયેલી આ એકમાત્ર ઉત્તમોત્તમ કવિતા છે. આ ૩૧ કવિતા સડક જેમ સીધી દેખાતી હોવા છતાં એક જાદુઈ વર્તુળ રચે છે, જેમાંથી વાચક ઇચ્છે તોય છટકી શકતો નથી.’ આ સંગ્રહના બધાં શબ્દચિત્રો મહારાષ્ટ્રમાં પૂણે નજીકના ગામ જેજુરીમાં ખેંચવામાં આવ્યા છે. જેજુરી ગામ શિવનું સ્વરૂપ ગણાતા ખંડોબાનું ધામ છે. આજે તો એ મોટું તીર્થધામ બની ગયું છે. મહારાષ્ટ્રમાં ખંડોબા યાને મલ્લારી કે મલ્હારીનું સ્થાન ખૂબ અગત્યનું. અશ્વારુઢ ખંડોબાની આસપાસ મણિ અને મલ્લના વધની પરાક્રમગાથાઓ અને ચમત્કારો વણાયેલા છે. ખંડોબાની પ્રથમ બે પત્નીઓમાં મ્હાલસા સંસ્કૃતિનું તો બનઈ પ્રકૃતિનું પ્રતીક છે. બનઈને મેળવવા માટે ખંડોબા જુગારમાં મ્હાલસા સામે હારીને બાર વર્ષનો વનવાસ સ્વીકારે છે પણ વનવાસ બાદ મ્હાલસા બીજી પત્નીને સ્વીકારતી નથી એટલે જેજુરીમાં મહાભારત સર્જાય છે જેનાથી બચવા માટે ખંડોબાએ ટેકરીનું ઉપરનું અડધિયું મ્હાલસા અને નીચેનું બનઈને વહેંચી આપ્યું. આ પછી પણ ખંડોબાની બીજી ત્રણ પત્નીઓ થઈ. ‘જેજુરી’ને વિવેચકો ખંડોબા અને જેજુરી ગામની સાથે સાંકળી દે છે પણ આ કવિતાઓ હકીકતમાં શ્રદ્ધાના એક ગામ અને એક નામને પ્રતીક બનાવીને ભાવકને આગળ લઈ જતી કવિતાઓ છે. આ કવિતાઓમાં ઈશ્વર અને ધર્મ કરતાં વિશેષ માનવમનની ઊંડી અકળ દુવિધાઓ વધુ છતાં થાય છે. ‘જેજુરી’ હકીકતમાં માનવજીવન અને સંવેદનાઓના હૃદયંગમ ચિત્રો છે. એ ઇનકાર અને અવિશ્વાસ તરફનો સીધો અને બેબાક રવૈયો રજૂ કરે છે. કોલાટકર પોતે કહે છે કે, ‘હું નથી માનતો કે મારે એક યા બીજી રીતે ઈશ્વર વિષયક અભિગમ સ્પષ્ટ કરવાની જરૂર હોય.’

ફ્રેન્ચ નવલકથાકાર પ્રાઉસ્ટ કહે છે, ‘વસ્તુઓ ભગવાન છે.’ કોલાટકર પણ ‘અ સ્ક્રેચ’ કવિતામાં કહે છે: ‘શું ભગવાન છે/અને શું પથ્થર છે/વિભાજન રેખા/જો હોય તો/બહુ પાતળી છે/જેજુરીમાં/અને દર બીજો પથ્થર/ભગવાન છે કે એનો પિતરાઈ.’ એ કહે છે, ‘પથ્થરને કોતરો/અને એક દંતકથા ફૂટી નીકળશે.’ સાચી વાત છે. આપણો આખો દેશ આવા જેજુરીઓથી ભર્યો પડ્યો છે. જેજુરી તો પ્રતીક છે આપણી શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની નો-મેન્સ લેન્ડ પર ફૂટી નીકળતાં યુદ્ધોનું. ઈશ્વર મૂળે તો આપણા ડર અને/અથવા શ્રદ્ધામાંથી જન્મેલું તત્ત્વ છે. એનું અસ્તિત્વ પોતે મહાપ્રશ્ન છે. પણ કોલાટકરને ઈશ્વરની વાત નથી કરવી. એને તો ઈશ્વરના નામનું તરણું પકડીને સંવેદનાનો મહાસાગર પાર કરવો છે.

કવિતાનું જે શીર્ષક છે એનાથી જ કવિતાની શરૂઆત પણ થાય છે. સ્વરૂપની દૃષ્ટિએ રચના અછાંદસ છે, ત્રણ-ત્રણ પંક્તિઓ-ત્રિપદીના ફકરાઓમાં વહેંચાયેલું. અંગ્રેજીમાં મોટાભાગના શબ્દો એકપદીય (મોનોસિલેબિક) છે જેના લીધે કવિતા વધુ ઝડપી અને મર્મવેધી બને છે. કથન ત્રીજા વ્યક્તિની દૃષ્ટિએ છે. જેજુરી ગામની એક પહાડી પર એક વૃદ્ધ ભિખારણ નાયકની બાંય પકડી લે છે ને વણનોતરી સાથે ચાલવા માંડે છે. નાયકને એ ગમતું નથી. કોઈ તમારા અહમને ઝાલી લે એ તમને ગમશે? વૃદ્ધાને પચાસ જ પૈસાની જરૂર છે. બદલામાં એ નાયકને અશ્વનાળ મંદિર બતાવવા લઈ જશે. અશ્વનાળ મંદિર (હૉર્સશૂ શ્રાઇન) જેજુરીની ટેકરીઓ પર આવેલી એ જગ્યા છે જ્યાંથી એવું માનવામાં આવે છે કે ખંડોબા ઘોડા પર એકબાજુ થઈને બેઠેલી એની પત્નીને લઈને ટેકરી કૂદી ગયા હતા. કૂદતી વખતે ઘોડાએ પર્વત પરના જે પથ્થરનો સહારો કૂદવા માટે લીધો હતો ત્યાં એની ખરીનું નિશાન રહી ગયું છે, પરિણામે ભક્તો એને અશ્વનાળ મંદિર તરીકે પૂજે છે. કવિએ ‘The Horseshoe Shrine’નામથી જ રચનારીતિના સંદર્ભે મજાની એક અન્ય કવિતા પણ લખી છે: ‘પથ્થરમાંની એ ખાંચ/હકીકતમાં લાત છે ટેકરીની બાજુમાં./ત્યાં જ ખરી/અથડાઈ હતી/વીજળીની જેમ/જ્યારે ખંડોબાએ/ભૂરા ઘોડા પર/પાછળ એકબાજુ થઈ બેઠેલી પત્ની સાથે/ખીણ પર થઈને કૂદકો માર્યો હતો/અને ત્રણેય/એક થઈને/તણખાની માફક/ચકમકના પથ્થર પરથી કૂદી ગયા હતા./એ ઘરે જે રાહ જોતું હતું/પહાડીની બીજી બાજુએ ઘાસની/ગંજીની જેમ.’

આ અશ્વનાળ મંદિર નાયક અગાઉ જોઈ ચૂક્યો છે એટલે એ આગળ ધપે છે પણ વૃદ્ધા લંગડાતી ચાલે, શર્ટનો કેડો મૂક્યા વિના એને વળગી રહે છે. નાયક જાણે છે કે આ ભિખારણથી છૂટકારો આસાનીથી નહીં જ થાય એટલે એ એને અવગણીને આગળ વધવાનો પેંતરો પડતો મૂકીને સમસ્યાનો મુકાબલો કરવા કટિબદ્ધ થાય છે અને ફરીને એની સામો જ થાય છે. નાયકની આંખમાંનો પથ્થરિયો નકાર વાંચી ન લીધો હોય એમ વૃદ્ધા પોતે ભીખ માંગવા સિવાય અને પર્યટન કે તીર્થસ્થળો બતાવવા સિવાય બીજું તો શું કરી શકનાર છે એમ કહીને કદાચ નિઃસાસો નાંખે છે.

નાયક આકાશ તરફ જુએ છે. કદાચ ભગવાન સામે આ બિખારણની ફરિયાદ કરવા માટે જ. ભિખારણની આંખ ભાવશૂન્ય છે. સમય અને ગરીબીની થપાટો ખાઈને આ આંખો એટલી તો ઊંડી ઊતરી ગઈ છે કે નાયકને લાગે છે કે જાણે એની આંખોના બદલે ગોળીઓથી કોઈએ કાણાં પાડ્યાં છે ને પોતે એમાંથી સાફ આરપાર જોઈ શકે છે. ‘ખાલી’ હવાથી ‘ભરેલા’ બે કાણાં જાણે કે. વૃદ્ધાવસ્થાના કારણે એની આંખોની આસપાસ પડેલી કરચલીઓ નાયકને ગોળી ચાલતાં કાણાં ફરતે જન્મેલી તડ જેવી લાગે છે અને આ તડ જોતજોતામાં તો વયષ્ટિથી સમષ્ટિમાં ફેલાઈ જાય છે. આ તડ એની ત્વચાથી આગળ વધે છે અને ટેકરીઓમાં તડ પડે છે, મંદિરોમાં તડ પડે છે. આ તડ હકીકતે તો દયાહીન હૈયાના પથ્થરિયા ઈરાદાઓ અને નિરર્થક શ્રદ્ધામાં પડી રહી છે. વૃદ્ધાની નિઃસહાયતા, એકલતા અને ભીખ માંગીને આજીવિકા રળવાની મજબૂરી સમજાતાં જ નાયકને પોતાના નકારનું આકાશ પડી ભાંગતું અનુભવાય છે. સૃષ્ટિ આખી રસાતળે જતી હોય એવી તિરાડ પોતાના અસ્તિત્વમાં પડતી એ જોઈ શકે છે. વિશાળ કાચ ભાંગી પડે એમ આખું આકાશ જાણે ખણકાર સાથે ભાંગી પડે છે પણ વૃદ્ધા કોઈપણ કંપન વિના, અટૂલી પણ અતૂટ અને અખંડ ઊભી છે. કાચ પડે અને તૂટે એ જ રીતે નાયકની ચેતનાનો ચૂરેચૂરો થઈ જાય છે. પચાસ પૈસા જેવી નજીવી મદદના બદલે મંદિર બતાવવા લઈ જવાની મદદની ઓફર કરનાર વૃદ્ધા સમક્ષ નાયકને લાગે છે કે પોતે એના હાથમાંના પરચૂરણના નાના મૂલ્યના સિક્કાથીય વધુ નાનો થઈને રહી ગયો છે.

ભિખારણ જ્યારે ભીખ માંગે છે ત્યારે નાયકને પોતે આ ટેકરીઓ જેવો ઊંચો લાગ્યો હતો. પણ જ્યારે ‘વાસ્તવ’ સાથે પનારો પડે છે ત્યારે નાયકને તરત જ સમજાય છે કે એ હકીકતમાં કેટલો ‘વામણો’ છે! નાયકના વિશ્વમાં પ્રલય સર્જાય છે પણ વૃદ્ધા અડીખમ ઊભી રહે છે. સૃષ્ટિ ધ્રુજી ઊઠે છે, તમે ધ્રુજી ઊઠો છો પણ એ ધ્રુજતી નથી. પહાડીઓના પથ્થરોની વચ્ચે જીવતો આ ઉદાસીન દુઃખી ગરીબ એકલ આત્મા હકીકતમાં તો સમયના માર્ગ પર જીવનનિર્વાહ અને અસ્તિત્વના સામર્થ્યની પરાકાષ્ઠાનું પ્રતીક છે… ભિખારી હોવા છતાં એની સમક્ષ આપણું મૂલ્ય ઘટીને કોડી બરાબર અનુભવાય છે… આપણી નજરે એ આપણા સમય અને ધ્યાન –બંનેને લાયક નથી પણ એ તો આ પહાડીઓ વચ્ચે પહાડી થઈને જ જીવે છે. એ આ જગ્યા જેટલી જ પુરાતન છે. એ આ જગ્યા જેટલી જ અચલ છે. સામા પક્ષે આપણે આપણી પ્રાચીન સંસ્કૃતિને વળગી રહી શક્યા નથી. આપણે આપણા મૂળ, આપણી જમીન, આપણા વારસા સાથેનું જોડાણ ગુમાવી ચૂક્યાં છીએ.

2 replies on “ગ્લૉબલ કવિતા: ૬૧: એક ઘરડી સ્ત્રી – અરુણ કોલાટકર”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *