ગ્લૉબલ કવિતા: ૬૦ : એક ગીત – ક્રિસ્ટિના રોઝેટી

A song

When I am dead, my dearest,
Sing no sad songs for me;
Plant thou no roses at my head,
Nor shady cypress tree:
Be the green grass above me
With showers and dewdrops wet;
And if thou wilt, remember,
And if thou wilt, forget.

I shall not see the shadows,
I shall not feel the rain;
I shall not hear the nightingale
Sing on, as if in pain:
And dreaming through the twilight
That doth not rise nor set,
Haply I may remember,
And haply may forget.

– Christina Rossetti

એક ગીત
મારા વહાલા, હું જ્યારે પણ મૃત્યુ પામું
તું ગાતો ના એકે મરશિયા;
રોપીશ નહીં એકે ગુલાબ મારા માથે,
ના સરુવરની લગરિક છાયા:
લીલેરું ઘાસ બની ઊગજે તું મારા પર
જેને વાછટ ને ઓસભીના થાવું;
ને રાખવું જો હો, યાદ રાખજે મને,
ને ન રાખવું ન હો, તો ભૂલી જાવું.

છાંયડાને જોઈ નથી શકવાની હું,
નથી અનુભવવાની વરસાદ;
સાંભળી ક્યાં શકવાની હું વળી બુલબુલના
ગીતોમાં ભર્યો અવસાદ:
સપનાં સેવીશ એવા ભળભાંખળાંમાં
જેને ઉદય કે અસ્ત નહીં થાવું,
બનવાજોગ છે કે હું યાદ પણ રાખી લઉં
ને બની શકે કે ભૂલી જાઉં.

– ક્રિસ્ટિના રોઝેટી
(અનુ.: વિવેક મનહર ટેલર)

आप मुआ, पीछे डूब गई दुनिया

‘કાકા તો ગયા’ એવો ફોન આવે એટલે સૌથી પહેલો વિચાર શું આવે? ‘હાશ! આપણે તો હજી છીએ’ એ? આ વાત બહારથી તો આપણે ન જ સ્વીકારીએ પણ વાસ્તવિક્તા એ છે કે કોઈ ઓળખીતું મરણ પામે તો આપણી અંદર ‘આપણે બચી ગયા’નો છૂપો હાશકારો તરત જ આળસ મરડે છે. જનારો તો ચાલ્યો ગયો. એના માટે તો आप मुआ, पीछे डूब गई दुनिया પણ એની પાછળ જેઓ શોક મનાવે છે એ બહુધા જનાર માટેના પોતાના પ્રેમના સર્ટિફિકેટ પર લોકોના હસ્તાક્ષર જ ઊઘરાવતા હોય છે અને પોતાના મૃત્યુ પછીના શોકાચારનું એડવાન્સ બુકિંગ જ કરાવતા હોય છે. પણ મરનાર માણસ જો એની પાછળ છાતી કૂટનારાઓ, આંસુ વહાવનારાઓ ને અધમૂઆ થઈ જનારાઓને જોઈ શકતો હોય તો? લાશ થઈ ગયેલો માણસ પાછળ છૂટી ગયેલી દુનિયાના ઢોંગ વિશે શું વિચારે? પ્રસ્તુત રચનામાં ક્રિસ્ટિના રોઝેટી મૃતકની આંખોથી દેખાતી દુનિયા આપણને બતાવે છે.

ક્રિસ્ટિના જ્યૉર્જિના રોઝેટી. ૦૫-૧૨-૧૮૩૦ના રોજ લંડનમાં ઇટાલિયન મા-બાપને ત્યાં જન્મ. એના પિતા ગેબ્રિઅલ રોઝેટી કવિ હતા જેમની રાજકીય કારણોસર ઇટલીમાંથી હકાલપટ્ટી કરાઈ હતી. ભાઈ દાન્તે ગેબ્રિઅલ રોઝેટી પણ કવિ-ચિત્રકાર હતો, જે પ્રિ-રાફેલાઇટ બ્રધરહૂડના ત્રણ સ્થાપકોમાંનો એક હતો. અભ્યાસ મા-બાપના નેજા હેઠળ ઘરે જ. સાહિત્યિક વાતાવરણ. ૧૨ વર્ષની ઊંમરે કવિતા લખવી શરૂ કરી. એલન આલિનના છદ્મનામે પણ કવિતાઓ લખી. બાળપણ ખૂબ ઉત્તમ પણ નાની વયે પિતા ગુમાવ્યા એ પછી દારૂણ ગરીબીનો સામનો કરવો પડ્યો. માતાનો પડછાયો થઈને ધર્મ–એંગ્લો-કેથલિક-ના ઓછાયામાં જ જીવ્યાં. બે પુરુષો સાથે નિકટનો સંબંધ થયો પણ ધર્મના જ કારણોસર બંનેને જતા કર્યા. મિત્રો અને સ્નેહીઓના વિશાળ વર્તુળમાં એ જીવ્યાં. એમના જીવનકથાકાર જેન માર્શ તરુણાવસ્થામાં ક્રિસ્ટિના પિતા તરફથી કદાચિત જાતીય હુમલાનો શિકાર બન્યાં હોય. કારણ તરીકે તેઓ ક્રિસ્ટિના પર થતા રહેલ ડિપ્રેશનના અવારનવાર હુમલાઓ, પાપીપણાની આજીવન લાગણી, બચ્ચાંઓને ખાઈ જતાં મગરમચ્છની દુઃસ્વપ્નસમ કવિતાઓ, અને વારંવાર કરાતા અનામી રહસ્યના ઉલ્લેખને સામે ધરે છે. થાઇરોઇડ ગ્રંથિની બિમારી –ગ્રેવ્ઝ ડિસીઝ-ના કારણે એમની પાછલી જિંદગી ખાસ્સી ખરાબ ગઈ પણ સાહિત્યસર્જન, મુખ્યત્વે ધાર્મિક, ચાલુ રહ્યું. ટેનિસન પછી એમના રાજકવિ બનવાની શક્યતાઓ ખાસી ઊજળી હતી પણ જાનલેવા સ્તનકેન્સરની બિમારીએ આ માનપાન છિનવી લીધાં. ૨૯-૧૨-૧૮૯૪ના રોજ લંડનમાં જ દેહાવસાન.

વિક્ટોરિઅન યુગના પ્રમુખ કવિઓમાં એમનું સ્થાન કાયમ છે. નારીવાદીઓ એમને ઓગણીસમી સદીના કવિઓમાં મોખરે મૂકે છે. એ પોતે નારીવાદી તો નહોતાં પણ એમની કવિતાઓમાં થઈને સ્ત્રીનો બળવત્તર અવાજ ઊઠતો સતત સંભળાય છે. આ અવાજ પ્રવર્તમાન વિક્ટોરિઅન સ્ત્રીઓથી ઊફરો અને ઊંચો તરી આવે છે. ભાઈની પ્રિ-રાફેલાઇટ ચળવળથી એ દૂર જ રહ્યાં હોવાં છતાં એમની શરૂની રચનાઓ ‘પ્રિ-રાફેલાઇટ’ ગણાય છે. ક્રિસ્ટીના એના લોકગીતો અને રહસ્યવાદી ધાર્મિક ગીતો માટે જાણીતાં છે. જોકે એમની ધાર્મિકતાના ઓથા તળે અત્યંત ભાવુક અને કામુક સ્વભાવ તથા તીવ્ર આલોચનાત્મક દૃષ્ટિ અને જીવંત હાસ્યવૃત્તિ પણ નજરે ચડે છે. એમની કવિતાઓ લાગણીની તીવ્રતા અને પ્રતીકવાદથી રસાયેલી છે. બાળકો માટેની એમની રચનાઓ પણ ઉત્તમ છે. એમની રચનાઓના ભાવ-લય માધુર્યસભર અને પ્રવાહી છે. છંદ પરની પકડ અને પ્રચલિત ગીતસ્વરૂપમાં સફાઈપૂર્વકના કામથી એ અલગ તરી આવે છે. પ્રમાણમાં સરળ ભાસતી એમની કવિતાઓ જનમાનસને છેક ઊંડે જઈને જકડી લે છે ને કદાચ એટલે જ એ યુગના બીજા કવિઓની સરખામણીમાં કાળની થપાટો વચ્ચે પણ એમની પ્રસિદ્ધિની નૈયા સદનસીબે કાયમ તરતી જ રહી.

કવયિત્રીએ પ્રસ્તુત ગીતનું શીર્ષક ‘એક ગીત’ જ રાખ્યું છે, કદાચ આ ટૂંકા ગીતમાં પ્રવેશવા માટે શીર્ષકનો દરવાજો બિનજરૂરી છે એટલે. ગીતનો લય પ્રવાહી છે અને આઠ-આઠ પંક્તિના બે અંતરામાં બેકી સંખ્યાની પંક્તિઓ વચ્ચે કવયિત્રી પ્રાસ મેળવે છે. બંને અંતરામાં બીજા ચતુષ્કમાં સમાન પ્રાસ પ્રયોજીને કવયિત્રી ગીતની ગેયતા વધારવા સાથે પોતે જે કહેવું છે એ પ્રાસની દ્વિરુક્તિ વડે દૃઢીભૂત કરતા હોય એમ જણાય છે. મૃત્યુ વિશેનું આ પ્રકારનું ચિંતન સામાન્યરીતે જીવનસંધ્યાના આરે પહોંચેલી કલમ કે અકાળ પાનખરનો ભોગ બનવાનો અંદેશો આવી ગયો હોય એવી લેખિનીમાંથી પ્રકટતું જોવા મળે છે. રાવજી પટેલ, જગદીશ વ્યાસ જેવા કવિઓને જીવતેજીવ કાળનો સાક્ષાત્કાર થઈ ચૂક્યો હતો એટલે એમની કલમમાંથી મૃત્યુ ટપકે એ સાહજિક હતું પણ કોઈ ટીન-એજર કવિ મૃત્યુ વિશે આવું ચિંતન કરે ત્યારે સવિશેષ આશ્ચર્ય થાય. ક્રિસ્ટિનાએ આ ગીત લખ્યું ત્યારે એની ઊંમર માત્ર ૧૮ જ વર્ષની હતી. ૧૮ વર્ષની તરુણી પ્રેમના ટાયલા કૂટવાના બદલે પોતાના મૃત્યુ પછીની વાત ખૂબ સમજ અને ઊંડાણપૂર્વક કરે ત્યારે આપણી આંખ પહોળી ન થઈ જાય?

દોઢસો વર્ષ પહેલાં ઇંગ્લેન્ડમાં મૃત્યુદર ખાસ્સો ઊંચો હતો. ૧૮૩૦ના લંડનમાં પુરુષોનું અપેક્ષિત આયુષ્ય ૨૫થી ૪૫ વર્ષ જેટલું જ હતું. મજૂરવર્ગમાં તો ૧૦૦માંથી ૫૭ બાળકો પાંચ વર્ષના થાય એ પહેલાં જ મૃત્યુ પામતાં. આ કારણોસર વિક્ટોરિઅન યુગમાં મૃતક પાછળ શોક પાળવાની પ્રથા પૂરજોરમાં હતી. મૃતકના વરઘોડા પણ નીકળતા. શોક પાળવા માટે ખાસ કપડાં સીવડાવવામાં આવતા. સ્વયં વિક્ટોરિયાએ એના પતિ આલ્બર્ટના મૃત્યુ પછી ચાળીસ વર્ષ સુધી શોક પાળ્યો હતો, કાળાં કપડાં પહેર્યાં હતાં. આલ્બર્ટના રૂમમાં રોજ શેવિંગ માટે ગરમ પાણી મૂકાતું અને રોજ ચાદર પણ બદલાતી. બની શકે કે પોતાના પિતાના મૃત્યુના અનુભવ ઉપરાંત સમાજમાં છાશવારે થતા કમોતના કારણે જીવનની ક્ષણભંગુરતા અને મૃત્યુ તરફની એમની દૃષ્ટિ નાનપણથી આમ કેળવાયેલી હોય. ક્રિસ્ટિનાની ‘ગોબ્લિન માર્કેટ’ અને ‘રિમેમ્બર’ ખૂબ પ્રસિદ્ધ કવિતાઓ છે. ‘ગોબ્લિન માર્કેટ’ તો ૫૬૭ પંક્તિઓનું બહુચર્ચિત દીર્ઘ કાવ્ય છે, પણ ૧૯ વર્ષની ટીને-એજર છોકરી ‘રિમેમ્બર’ સૉનેટમાં કવિતામાં જે વાત કરી છે એ જ કરે છે. એ પહેલાં તો એના પ્રેમીને પોતે મરી જાય પછી યાદ રાખવા અનુગ્રહ કરે છે પણ કાવ્યાંતે કહે છે: ‘વધુ સારું તો એ છે કે તું મને ભૂલી જાય અને હસતો રહે, નહીં કે મને યાદ રાખે અને દુઃખી થાય.’

વિક્ટોરિઅન યુગના મોટાભાગના કવિઓએ મૃત્યુ, શોક અને પ્રિયજનને ગુમાવવાની વેદનાના નાનાવિધ આયામો કવિતામાં ઉજાગર કર્યા હતા. ટેનિસને એના મિત્ર હેલમ માટે લખેલી ‘ઇન મેમોરિઅમ’ સહિતની ઢગલાબંધ કવિતાઓ પણ આ જ શ્રેણીના સંતાન છે. થોમસ હાર્ડીની ‘આહ, આર યુ ડિગિંગ ઓન માય ગ્રેવ’ કવિતામાં દુનિયા મરનારના શરીરની સાથોસાથ જ મરનાર સાથેના સંબંધ પણ કેવી રીતે દફનાવી દેતી હોય છે એ વાત મૃતક અને એના કૂતરાના વાર્તાલાપ સ્વરૂપે રજૂ કરે છે. ક્રિસ્ટિના એમના શોકગીતોમાં જાતિ અને જાતીયતા કઈ રીતે શોક કરવાની રીતો પર અસર કરે છે એ નાણી જુએ છે. પ્રિયપાત્રની કાયમી વિદાય બાદના ઓસરી જતા પ્રેમને ધ્યાનમાં લઈને એ શોકાચાર અને લોકાચાર પર પ્રહાર કરે છે. ક્રિસ્ટિનાએ મૃતકના ચશ્માંમાંથી લોક અને શોકને જોયા છે, જેમાંથી આપણને મૃત્યુ ન પામનારી કવિતાઓ પ્રાપ્ત થાય છે. મૃત સ્ત્રીનો ‘પૉઇન્ટ ઑફ વ્યુ’ લઈને ક્ર્સ્ટિનાએ લખેલી ઘણી કવિતાઓ એને એક અલગ જ વર્ગમાં મૂકે છે.

નાયિકા એના પ્રિયતમને કહે છે કે એના મૃત્યુ બાદ એણે કોઈ શોકગીત ગાવાની જરૂર નથી. અંગ્રેજી પ્રથા મુજબ કબરના માથે ગુલાબનો છોડ રોપવાની કે કબરને તડકાથી બચાવવા સરુવૃક્ષ વાવવું પણ બિનજરૂરી છે. જૉન ડન ‘અ વેલિડિક્શન: ફોરબિડિંગ મૉર્નિંગ’માં છૂટા પડતી વખતે આવું જ કહે છે, ‘કોઈ અવાજ નહીં, કોઈ આંસુઓના પૂર નહીં, કોઈ નિઃસાસાઓના તોફાન નહીં’ નાયિકા ઇચ્છે છે કે શોકનો આવો દેખાડો કરવાના બદલે કબર પર લીલું ઘાસ થઈ ઊગજે. ઘાસ નમ્રતાનું પ્રતીક છે. એ નથી વધુ ઊંચે જતું કે નથી અક્કડ રહેતું. એ લવચિક છે અને એની લીલપ મૃતક સાથેના સંબંધની તાજપ ઈંગિત કરે છે. પોતાના મૃત્યુ પર રડવાની પણ એ આડકતરી રીતે ના કહે છે. કહે છે કે, કુદરત તરફથી સાંપડતાં વરસાદના આછાં ઝાપટાં કે પ્રભાતના ઝાકળબુંદો પૂરતાં છે. વિક્ટોરિઅન સ્ત્રીના પુરુષસમર્પિત નિઃસ્વાર્થતાના નિયમે એ પુરુષને આઝાદી આપે છે કે યાદ રાખવી હોય તો રાખજે ને ભૂલી જવી હોય તો ભૂલી જજે.

બીજા અંતરામાં એ કારણ આપે છે. નિધન બાદનો શોક નિરર્થક છે કેમકે મરનાર નથી છાંયડો જોઈ શકનાર કે નથી વરસાદ અનુભવનાર કે નથી બુલબુલ (નાઇટિંગલ)ના દર્દભર્યા ગીતો સાંભળી શકનાર. ખ્રિસ્તી વિચારધારાથી આ ઊલટી વાત છે. ખ્રિસ્તી વિચારધારા મુજબ મૃત્યુ પછીનું જીવન અસ્તિત્વ ધરાવે છે અને મરનાર પોતાની પાછળ રહી ગયેલા સગંઓને જોઈ-સાંભળી પણ શકે છે. ‘ડ્રીમલેન્ડ’ કવિતામાં ક્રિસ્ટિના આવી જ વાત કરતાં કહે છે કે, ‘પાર્થિવ અને અપાર્થિવ દુનિયા વચ્ચે અવાજની આપ-લે શક્ય છે, માટે બુલબુલના ગીતો કે પ્રિયજનના શોકગીતો જાયઝ છે.’ ગ્રીક પુરાણકથામાં એથેન્સની રાજકુમારી ફિલોમેલા પર એનો બનેવી ટેરેઉસ બળાત્કાર કરે છે અને જીભ કાપી નાંખે છે. ફિલોમેલાની પ્રાર્થના સાંભળીને ઈશ્વર એને નાઇટિંગલ બનાવી દે છે, જે દર્દભર્યા ગીતોમાં પોતાની વાત રજૂ કરે છે. ક્રિસ્ટિના આ કથાથી સુપરિચિત હતાં એટલે એ આ ગીતો જાણે દુઃખથી ભરેલાં ન હોય એમ કહે છે. પણ કહે છે કે એની કોઈ જરૂર નથી. અંગ્રેજી જગતમાં ટ્વાઇલાઇટ (ભળભાંખળું)નો સંદર્ભ આફ્ટર-લાઇફ (મૃત્યુ પછીના જીવન) સાથે સંકળાયેલો છે. આપણે ત્યાં પણ આ સમય પ્રેતાત્માઓના વિચરણનો ગણાય છે. નાયિકા માટે ટ્વાઇલાઇટની આ અવસ્થા કાયમી છે એટલે એના માટે આનો ઉદય કે અસ્ત નથી. પહેલા અંતરાની આખરી બે પંક્તિમાં પુરુષસમર્પિત સ્ત્રીનો સૂર કાવ્યાંતે બદલાય છે અને એક આઝાદ સ્ત્રી નજરે ચડે છે. એ કહે છે કે કદાચ હું મૃત્યુપર્યંતના શાશ્વત સ્વપ્નમાં તને યાદ રાખુંય ખરી ને બનવાજોગ છે કે ભૂલી પણ જાઉં. પહેલા અંતરામાં એ પુરુષને સ્મૃતિ-વિસ્મૃતિની આઝાદી આપે છે પણ બીજા અંતરામાં એ આ આઝાદી પોતાના હાથમાં લઈ લે છે. આખરી બે પંક્તિમાં કવયિત્રી જે વળાંક લે છે એ પ્રુરુષપ્રધાન સમાજ માટે આંચકા સમાન છે. ‘આફ્ટર ડેથ’ સૉનેટમાં ક્રિસ્ટીના ફરી એકવાર મરનાર સ્ત્રીની નજરે પ્રેમ અને દયાનો ડોળ કરનાર પ્રિયજન અને એ રીતે સંબંધની નશ્વરતા તરફ તીખો ઈશારો કરે છે. કદાચ ‘આફ્ટર ડેથ’ કવિતા પૂરી થાય છે ત્યાંથી આ ગીત શરૂ થાય છે…

અંગ્રેજીમાં એ Haply શબ્દ વાપરે છે જેને વસ્તુતઃ ‘બનવાજોગ’ તરીકે પણ લઈ શકાય, પણ ક્રિસ્ટિનાને કદાચ બીજો અર્થ Happily –આનંદપૂર્વક પણ અભિપ્રેત છે. કદાચ એટલે જે એ Haply શબ્દ બે વાર પ્રયોજે છે. ‘બનવાજોગ’ શબ્દ સ્ત્રીનો પુરુષ તરફનો લાપરવાહ તટસ્થ અભિગમ નિર્દેશિત કરે છે તો ‘આનંદપૂર્વક’ શબ્દ પુરુષને ભૂલી જવામાં સ્ત્રીને થતા આનંદની વાત કરીને રુઢિગત સંસ્કારોને ધક્કો આપે છે. અનુવાદની મર્યાદા અહીં નજરે ચડે છે. એવો કોઈ ગુજરાતી શબ્દ ખરો જે આ બે અર્થ એકમાં સમાવી શકે?

લોકો જેનો સ્વીકાર કરતાં ડરે છે એ વાત રોઝેટી પૂરી ‘મર્દાનગી’થી કહે છે કે મરનાર પાછળ કરાતા શોકાચારનો કોઈ અર્થ નથી. એનાથી મૃતકને કોઈ ફાયદો નથી. એ માત્ર જીવીત રહી ગયેલાઓ માટેનો લોકાચાર માત્ર છે. માણસ હોય ત્યારે સંબંધની પૂરી ગરિમા જાળવતાં આવડવું જોઈએ અને કાયમી વિયોગ બાદ એને એ જ ગરિમાથી ‘ગુડ-બાય’ કહેતાં પણ આવડવું જોઈએ પણ મનુષ્યજાત આદિકાળથી કદી દંભનો અંચળો ઊતારી શકી જ નથી. જીવતાંને આપણે ચાહી શકતા નથી ને મરેલાંને આપણે ભૂલી શકતાં નથી. જમાનો એ લોકો જેઓ ‘आज हम दार पे खींचे गये जिन बातों पर, क्या अज़ब कल वो ज़माने को निसाबों में मिले’થી ભર્યો પડ્યો છે. (દાર-શૂળી, નિસાબ-પાઠ્યપુસ્તક, અહમદ ફરાઝ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *