ગ્લૉબલ કવિતા : ૫૮ : ડેફોડિલ્સને – રૉબર્ટ હેરિક

To Daffodils

Fair Daffodils, we weep to see
You haste away so soon;
As yet the early-rising sun
Has not attain’d his noon.
Stay, stay,
Until the hasting day
Has run
But to the even-song;
And, having pray’d together, we
Will go with you along.

We have short time to stay, as you,
We have as short a spring;
As quick a growth to meet decay,
As you, or anything.
We die
As your hours do, and dry
Away,
Like to the summer’s rain;
Or as the pearls of morning’s dew,
Ne’er to be found again.

– Robert Herrick

ડેફોડિલ્સને
પ્રિય ડેફોડિલ્સ, અમે રડીએ એ જોઈ
ઝટ જવાની તમારી દોડ;
કેમકે આ ચડતા સૂર્યનું ભ્રમણ
હજીય પામ્યું ના એની બપોર.
થોભો, અટકો,
જ્યાં લગ આ દિવસ ઉતાવળો
દોડે પણ
આંબે ન કમ સે કમ સાંધ્ય-ગીત;
ને, સાથે જ પ્રાર્થનામાં જાતને પ્રોઈ,
આપણ સાથે જ જઈશું રે મીત.

તમારી પેઠે જ નથી ઝાઝો સમય
ને છે ટૂંકી અમારીયે વસંત;
તમારી જેમ જ ઝડપી છે વૃદ્ધિ
ને ઝડપી અમારોયે અંત.
અમેય મરીએ
સમય તમારો, કે કંઈ પણ મરે જે રીતે,
ઉનાળુ વૃષ્ટિ
પેઠે અમે પણ સૂકાઈ જઈએ ત્વરિત;
કે પછી પ્રભાતી ઝાકળના મોતીની જેમ જ
જડીએ ન ક્યારેય ખચીત.

– રૉબર્ટ હેરિક
(અનુ. વિવેક મનહર ટેલર)

कल हो न हो…

સુખી થવાની સૌથી અગત્યની રીત કઈ? તો કે આજમાં જીવો. ભૂતકાળના પડછાયા અને ભવિષ્યકાળના અંદેશા માણસના તકિયા પરથી ઊંઘ ચોરી લે છે. જે માણસ થઈ ગયેલા સૂર્યોદય અને આવનારા સૂર્યાસ્તની વચ્ચેની ધૂપછાંવનો જીવ છે એ જ સુખી છે. ‘આજની વાતો આજ કરે ને કાલની વાતો કાલ’ (મકરંદ દવે) કરનારને ઊંઘવા માટે કદી ગોળી લેવી પડતી નથી. ઇસુ પહેલાં એટલે આજથી લગભગ એકવીસસો વર્ષ પહેલાં થઈ ગયેલ લેટિન કવિ હોરસ એના સંગ્રહ ‘ઑડ્સ’ની એક કવિતામાં Carpe Diem (કાર્પે ડિએમ), અર્થાત્ ‘આજમાં જીવી લો’, ‘આજને ચૂંટી લો’ કહે છે. એ કહે છે: ‘જિંદગી ટૂંકી છે; શું આશા વધારે હોવી જોઈએ? આપણે વાત કરીએ છીએ એ ક્ષણે, ઈર્ષ્યાળુ સમય ઓસરી રહ્યો છે. આજને ચૂંટી લો; આવતીકાલનો કરી શકાય એટલો ઓછો ભરોસો કરો.’ પ્રસ્તુત રચનામાં રૉબર્ટ હેરિક આજ વાત કરે છે.

રૉબર્ટ હેરિક. એક એવો કવિ જેને ત્રણસો વર્ષ સુધી દુનિયા લગભગ ભૂલી જ ગઈ, નગણ્ય જ ગણતી રહી પણ વીસમી સદીમાં ઘડિયાળનું લોલક ગયું હો એટલા જ વેગથી પાછું આવે એમ જ દુનિયાએ એને લોકપ્રિયતાના ચરમ શિખરે આરુઢ કર્યો. જન્મ લંડનમાં. જન્મતારીખ તો કોઈ જાણતું નથી પણ ૨૪-૦૮-૧૫૯૧ના રોજ એને બાપ્ટાઇઝ્ડ કરાયા હતા. દોઢ વર્ષની પણ વય નહોતી ને એમના સોની પિતાએ બારીમાંથી કૂદીને આપઘાત કરી લીધો. થોડા વર્ષ રાજસોની કાકાને હવાલે રહ્યા. પણ સાચું સોનું એમને ત્યાં ન દેખાયું એટલે કેમ્બ્રિજ ગયા. નાણાંકીય ભીડના કારણે કેમ્બ્રિજ છોડીને ટ્રિનિટિ હૉલમાંથી કાયદામાં માસ્ટર્સની ડિગ્રી મેળવી. કાયદા અને સાહિત્યસ્વામીઓની સાથે રહીને એ અસ્તિત્ત્વ ટકાવવા મથ્યા. સત્તરમી સદીમાં મોટું માથું ગણાતા બેન જોન્સનના શિષ્યો- બેન્સ સન્સ-માંના એક પણ સૌથી વધુ મૌલિક અને પ્રભાવક. બેનને એ પિતા માનતા અને પૂજતા પણ. માણસ ભગવાનને પ્રાર્થે એમ એ કવિતામાં એમના ‘માનસપિતા’ બેન જોન્સનને પ્રાર્થતા. બકિંગહામના ડ્યુકના પાદરી બન્યા. ચેપ્લેઇનમાંથી વિકાર (વડા પાદરી) બન્યા. ધર્મોપદેશકની નોકરી લેખક માટે કપરી હતી પણ આર્થિક સવલત વધી એટલે વચ્ચેના એકાદ દાયકાને બાદ કરતાં અંત સુધી તેઓ દેવળ સાથે જ સંકળાયેલા રહ્યા. પાદરી હોવા છતાં એ જીવનના સુખાનંદથી વંચિત રહેવામાં માનતા નહોતા. કદી પરણ્યા નહીં અને એમની કવિતાઓ કોઈ એક સ્ત્રી સાથે અનુબંધ ધરાવતી દેખાતી પણ નથી. ૧૫-૧૦-૧૬૭૪ના રોજ નિધન.

સત્તરમી સદીની બીજી પચીસીમાં ગૃહયુદ્ધ દરમિયાન જે કવિઓ ચાર્લ્સ પહેલાને વફાદાર હતા એ કેવેલિઅર્સ કહેવાયા ને સંસદને વફાદાર હતા એ રાઉન્ડહેડ્સ કહેવાયા. એ યુગ મિલ્ટન અને મેટાઝિકલ પોએટ્રીનો પણ યુગ હતો. પાદરી હોવા છતાં હેરિક કવિતામાં લાઘવ, અસ્ખલિત લય, પ્રેમ અને કામકેલિપ્રચુર આકર્ષક ગીતો, તથા ‘કાર્પે ડિએમ’ શૈલીના કારણે કેવેલિઅર પોએટ કહેવાયા. બેન જોન્સનને અનુસરીને પ્રાચીન ક્લાસિકલ રોમન ગીતશૈલીને એમણે પુનર્જીવન આપ્યું. અલ્જેર્નન ચાર્લ્સ સ્વીન્બર્ન તો હેરિકને ‘અંગ્રેજી જાતિમાં જન્મેલ સર્વકાલીન સર્વશ્રેષ્ઠ ગીતકાર’ તરીકે ઓળખાવે છે. એમના ગીતોમાં પ્રેમાવેશને અડોઅડ ચિંતન રહેલું છે. હેરિકની કવિતાઓ જીવનને અને આજને ઉજવતી કવિતાઓ છે. એમાં ગ્રામ્યજીવન, ઉત્સવો, મિત્રો, મહેબૂબાઓ, રીતરિવાજો અને પ્રકૃતિ છલકે છે. એમના ગીતો તકનીકની દૃષ્ટિએ પણ સર્વાંગ સંપૂર્ણ છે. એ કદાચ પ્રથમ એવા કવિ હતા જેમણે સ્વરચિત તમામ રચનાઓ (૧૨૦૦થી વધુ) પદ્ધતિસર ગોઠવીને એક જ પુસ્તક હેસ્પેરિડ્સ (Hesperides)માં છપાવી. એની અનુક્રમણિકા –ધ આર્ગ્યુમેન્ટ ઑફ હિઝ બુક- પણ કાવ્યાત્મક છે અને કવિ અને કવિતા બંનેનો પરિચય આપે છે.

‘ડેફોડિલ્સને’ પણ એક કેવેલિઅર પોએમ છે, જે સલાહ આપે છે કે છે ત્યારે સમયનો મહત્તમ ઉપયોગ કરી લો કેમકે એ ત્વરિત ગતિએ ઊડી જાય છે. દસ દસ પંક્તિના બે અંતરા એની અનૂઠી પ્રાસરચના (ABCB DDC EAE)ના કારણે ધ્યાનાર્હ બને છે. વારાફરતી આવતા ગુરુ-લઘુ શબ્દાંશ, અનિયમિત લંબાઈની પંક્તિઓ, ‘હટ કે’ કહી શકાય એવી અંત્યાનુપ્રાસ-ગોઠવણી અને વર્ણસગાઈના કારણે કવિતાનો લય સતત વધઘટ થતો રહે છે અને કવિતાનો બાહ્યાકાર જીવનની અનિયમિતતા સાથે તાલમેલ પુરાવતો હોય એમ લાગે છે. બંને અંતરામાં પાંચમી અને સાતમી પંક્તિ બે જ શબ્દાંશની બની હોવાથી સમયની ઝડપનો અહેસાસ થાય છે. ગુજરાતી અનુવાદમાં પણ પ્રાસરચના અને પંક્તિ લંબાઈ મૂળ રચના મુજબ જાળવવાની કોશિશ કરવામાં આવી છે.

ઈસ્વીસનના બસો-ત્રણ વર્ષ પૂર્વે ડેફોડિલ્સની માહિતી મળે છે. છઠ્ઠી સદીમાં મુહંમદના લખાણમાં પણ ડેફોડિલ્સનો ઉલ્લેખ મળી આવે છે. વૈજ્ઞાનિક તથ્ય એવું છે કે ડેફોડિલના ફૂલ પાંચથી વીસ દિવસ ખીલેલાં રહે છે પણ આ કવિતા છે અને કવિનું સત્ય વિજ્ઞાનના સત્ય કરતાં અલગ હોઈ શકે એ સર્વસ્વીકૃત છે. અહીં એ ડેફોડિલના ફૂલને અલ્પજીવી કહીને પોતાની વાત ભારપૂર્વક કહે છે. કવિતાની શરૂઆત ડેફોડિલને સંબોધીને જ થાય છે. કવિ કહે છે, વહાલાં ડેફોડિલના ફૂલો, તમે જે ઝડપે મૃત્યુ તરફ દોડી રહ્યાં છો એ જોઈને અમને રડવું આવે છે. હજી તો પ્રભાતનો સૂર્ય મધ્યાહ્ન સુધી પણ પહોંચ્યો નથી ત્યાં જ તમે કરમાવું શરૂ કરી દીધું? કમ સે કમ સાંજ પડે ત્યાં સુધી તો રોકાવું હતું તો સાંધ્યગીતના સમયે સાથે પ્રાર્થના કરીને અમે પણ તમારી સાથે જ આવત… સમજી શકાય છે કે અહીં સવાર, બપોર અને સાંજ બાળપણ, યૌવન અને પ્રૌઢાવસ્થા ઈંગિત કરે છે.

‘ટુ બ્લૉસમ્સ’ કવિતામાં ઝડપભેર ખરી જતાં પાંદડાં વિશે અફસોસ કર્યા બાદ હેરિક કહે છે, ‘પણ તમે પ્યારા પાંદડાંઓ છો, જ્યાં અમે વાંચી શકીએ છીએ કે વસ્તુઓનો અંત કેટલો જલ્દી આવે છે!’ અહીં પણ હેરિક આજ વાત અલગ રીતે કરે છે. કહે છે, તમારી જેમ અમારી પાસે પણ ઝાઝો સમય નથી, અમારી જીવનવસંત પણ ક્ષણભંગુર જ છે. અમે પણ તમારી જેમ જ ઝડપભેર વધીએ છીએ અને ત્વરિતગતિએ અમારોય અંત આવી જાય છે. જે રીતે તમારો સમય મૃત્યુ પામે છે અથવા જે રીતે ઉનાળામાં વરસાદ પડે અને જે રીતે ધરતી તરત જ સૂકી થઈ જાય અને પ્રભાતે ઘાસ-પુષ્પ પર પથરાયેલ મોતી જેવું જાજવલ્યમાન ઝાકળ સૂર્યના આવતાં જ ઊડી જાય એ જ રીતે અમે પણ અલ્પજીવી છીએ. ‘કોરિનાઝ ગોઇંગ અ મેયિંગ’ કવિતામાં હેરિક આજ વાત કરે છે, ‘આપણું જીવન ટૂકું છે; અને આપણા દિવસો સૂર્યની જેમ જ જલ્દી પૂરા થાય છે; અને વરાળ, કે વરસાદના ટીપાની જેમ એક વાર જાય, પછી ફરી કદી જડતા નથી.’

ટૂંકમાં આ કવિતા વહી જતી ક્ષણમાં સ્નાન કરી લેવાની કવિતા છે. સમયનો સ્વ-ભાવ છે કે એ રહે નહીં, વહે. આપણું જીવન સમયના આ ‘રહે’ અને ‘વહે’ની વચ્ચેના કૌંસમાં છે. કૌંસમાંનું લખાણ કેટલું લાંબુ છે એ દેખાતું નથી પણ અનંત તો નથી જ એ સમજી શકાય છે. સમયના હાથ તો સોનાની ક્ષણોથી ભરેલા છે પણ હથેળી કાણી છે. સોનેરી ક્ષણની રજ કણ–કણ કરીને સતત આ કાણાંમાંથી સરતી જાય છે. જેટલી ક્ષણ તમે ગજવે ભરી શકો એટલી જ તમારી. સવારે ઊઠીને બ્રશ કરવાથી લઈને રાત્રે સૂઈ જવાની વચ્ચે કશું જ ઉપયોગી કામ ન કરનારના ખમીસમાં ખિસ્સાં જ નથી હોતાં જેમાં આ સોનું ભરી શકાય. જેમ વિદ્યા વાપરવાથી વધે છે એમ સમયના સોનાની કિંમત પણ વાપરો એમ વધે છે. ‘ટુ ધ વર્જિન્સ, ટુ મેક મચ ઑફ ટાઇમ’માં હેરિક આજે કહેવત બની ગયેલી પંક્તિ આપણને આપે છે: ‘Gather ye rosebuds while ye may’ (કરી શકો ત્યાં સુધી તમારા ગુલાબ એકઠાં કરી લો) જોકે ચોથી સદીમાં ઑસોનિયસ આજ વત કરી ગયો હતો: ‘collige, virgo, rosas’, અર્થાત્ ‘ગુલાબ એકઠાં કર, છોકરી’. હેરિકનો જ સમકાલીન કવિ એન્ડ્રુ માર્વેલ એની બહુખ્યાત ‘કાર્પે ડિએમ’ કવિતા ‘ટુ હિસ કોય મિસ્ટ્રેસ’માં નાયિકાને કહે છે કે તારા એક-એક અંગોપાંગની યોગ્ય પ્રસંશા કરવા માટે તો યુગોના યુગો જોઈશે પણ સમયનો સૂર્ય યૌવનના ઝાકળને ઝડપભેર શોષી રહ્યો છે એટલે સમય હાથ પર હોય ત્યારે જ જીવનનો યથાર્થ ઉપભોગ કરી લઈએ. આજ વાત આપણે ત્યાં કબીર કહી ગયા:

काल करे सो आज कर, आज करै सो अब|
पल में परलय होयगी, बहुरी करेगा कब॥

સમયની શીશીમાંથી જીવનની રેતી સતત સરી રહી છે. જામ ગળતું છે ને મદીરા ઓછી છે એટલે જ ‘મરીઝ’ જિંદગીના રસને પીવામાં જલ્દી કરવાનું કહે છે ને?! હેરિક ડેફોડિલના અલ્પાયુને જોઈને રડે છે પણ હકીકતમાં એ રૂદન ડેફોડિલ કરતાં વધારે જાત માટે જ છે. આયખાની ધૂપસળી સતત બળી રહી છે એનો કવિને અંદેશો છે જ. જવાનું નક્કી જ છે પણ થોડું રોકાઈને જઈ શકાય તો સારું. બીજું કશું ન થઈ શકે પણ ઢળતા સૂરજની સાખે દિલથી પ્રાર્થના કરી શકાય તોય જીવન ધન્ય છે. જતાં જતાં ઈશ્વરને યાદ કરી લેવાય એ જ સાફલ્ય. શી ખબર, આપણી ભીતર રહેલા અજામિલે અંતઘડીએ પાડેલો ‘નારાયણ’નો પોકાર મોક્ષના દ્વાર પણ ખોલી દે! સુરેશ દલાલ એક મજાના ગીતમાં ગાય છે:

ગઈકાલ પર મૂકો ચોકડી, આવતીકાલ પર છેકો,
આ ક્ષણમાં તો ફૂલ થઈને વૃક્ષ જેટલું મ્હેકો.

કેવી મજાની વાત! આમેય કહ્યું છે ને, आप मूआ, पीछे डूब गई दुनिया; તો છીએ ત્યાં સુધી આજની જ ફિકર કાં ન કરીએ? કાલ કોણે દીઠી છે એમ કહેનારા કહી ગયા ને સાંભળનારા સાંભળતા આવ્યા છે પણ જિંદગીની પોણાભાગની સફર તો કાલ તરફ ઉદગ્રીવ નજરે તાકવામાં જ પતી જાય છે. વરસાદનું જે ટીપું હજી પડ્યું જ નથી એની સામે તાકવામાં ચાતક બાજુમાં પડેલા પાણીમાં ચાંચ નાખવાનું વિસરી જાય છે. આપણા સૌના જીવનની આ જ કમનસીબ વાસ્તવિક્તા છે. ‘કાર્પે ડિઅમ’ શીર્ષકવાળી કવિતામાં રૉબર્ટ ફ્રોસ્ટ આ વાસ્તવિક્તાની વાત કરે છે: ‘એ (જિંદગી) આજમાં ઓછી ને હંમેશા ભવિષ્યમાં વધુ જીવે છે; અને ભૂતકાળમાં આ બંને કરતાં પણ ઓછી જીવે છે.’ બૌદ્ધ ધર્મમાં પણ અસ્તિત્વના ત્રણ મૂળ સિદ્ધાંતોમાં પહેલો સિદ્ધાંત છે, ‘અનિત્ય જ નિત્ય છે’. નશ્વરતા વિશેની સમજમાંથી જ શાશ્વતી જન્મી શકે છે.

હેરિક કહે છે કે ‘કવિતા જેવી બીજી કોઈ વાસના નથી’ પણ ‘કવિતાની સનાતન શક્તિ’માં પોતાની શ્રદ્ધા દોહરાવતા એ કહે છે કે ‘કવિતા કવિને શાશ્વત બનાવે છે’, ને એટલે જ એ અન્યત્ર કહે છે, ‘તો પછી સારી કવિતાઓ પર ભરોસો કરો; એ જ માત્ર ઊંચે જશે; જ્યારે પિરામિડો, માણસની જેમ, લુપ્ત થઈ જશે, અંતિમસંસ્કારની આગમાં.’ રૉબર્ટ હેરિકને પણ જમાનો ઉનાળાના વરસાદ કે પ્રભાતના ઝાકળબુંદની જેમ જ બબ્બે ત્રણ-ત્રણ સદીઓ સુધી ભૂલી ગયો હતો પણ એની કવિતાઓમાં દમ હતો એટલે ખરી ગયેલો આ તારો પુનઃ પ્રકાશ્યો… નશ્વરતાને સ્પર્શ્યો તો એ શાશ્વતીને પામ્યો. ગઈ કાલ અને આવતીકાલની ચિંતામાં સૂકાવાના બદલે આજમાં કંઈક એવું કામ કરીએ, કંઈક એવું સર્જન કરીએ જેથી આપણું હોવાપણું સમયના હાંસિયાની બહાર વિસ્તરે અને જીવન લેખે લાગેલું ગણાય… ખરું ને?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *