ગ્લૉબલ કવિતા : ૫૭ : જંગલીને – – એલ્ઝ લાસ્કર-શુલર (જર્મન)

To the Barbarian

I cover your face
With my body and soul at night.

I plant cedars and almond trees
On the steppe of your body.

Tirelessly I search your chest
For Pharaoh’s golden treasures.

But your lips are heavy,
My miracles cannot redeem them.

Why won’t you lift your snowy skies
From my soul –

Your diamond dreams
Are cutting my veins.

I am Joseph wearing a sweet belt
Around my gaudy skin.

You are delighted by my sea shell’s
Frightened sound.

But your heart no longer
Lets the sea come in.

– Else Lasker-Schuler
(Eng. Trans.: Johannes Beilharz)

જંગલીને

હું તારો ચહેરો ઢાંકી દઉં છું
રાત્રે મારા શરીર અને આત્માથી.

હું દેવદાર અને બદામના વૃક્ષો રોપું છું
તારા શરીરના મેદાન પર.

થાક્યા વિના હું તારા વક્ષસ્થળને ફંફોસું છું
ફેરોના સુવર્ણ ખજાનાઓ માટે.

પણ તારા હોઠ ભારી છે,
મારા ચમત્કારો તેમને છોડાવી શકતા નથી.

શા માટે તું તારાં હિમાચ્છાદિત આકાશો ઊઠાવી નથી લેતો
મારા આત્મા પરથી-

તારા હીરક સ્વપ્નો
મારી રગોને કાપી રહ્યાં છે.

હું જોસેફ છું. હું મીઠો પટ્ટો પહેરું છું
મારી ભભકદાર ત્વચા ફરતો.

તું ખુશ થાય છે
મારા દરિયાઈ શંખના ગભરુ અવાજથી

પણ તારું હૃદય હવે
સમુદ્રોને ભીતર આવવા દેતું નથી.
ઓહ તું!

– એલ્ઝ લાસ્કર-શુલર (જર્મન)
(અંગ્રેજી અનુ.: જોહેનિસ બૈલહાર્ઝ)
(અનુ. વિવેક મનહર ટેલર)

‘નો એન્ટ્રી’ના દરવાજે ટકોરા મારતી સ્ત્રીની કવિતા…

પ્રેમમાં સમર્પણ ભાગ્યે જ અપેક્ષાથી પર હોય છે. ઇચ્છીએ કે ન ઇચ્છીએ પણ સંબંધમાં આશાનો પુલ બંધાઈ જ જતો હોય છે. એક હાથ આપવા માટે લંબાવીએ ત્યારે બીજી હથેળી જાણ્યે-અજાણ્યે લેવા માટે ખુલી જતી હોય છે. નિઃસ્વાર્થ પ્રેમનો યુટોપિયા માત્ર નવલકથા અને ફિલ્મોમાં જ જોવા મળે છે. વાસ્તવિક જિંદગીમાં સમર્પણના કોઈ ચરણ સમીકરણથી પર હોતા નથી. સંબંધે સંબંધે અને સમયે સમયે દાખલા જુદા અને દાખલે દાખલે જવાબ પણ નોખા. પ્રેમ, સમર્પણ અને અપેક્ષાનો આવો જ એક દાખલો લાવ્યાં છે જર્મન કવયિત્રી એલ્ઝ લાસ્કર-શુલર.

એલિઝાબેથ (એલ્ઝ) લાસ્કર-શુલર. જન્મ ૧૧-૦૨-૧૮૬૯ના રોજ જર્મનીના એલ્બરફેલ્ડ (હાલના વુપતાલ)ના યહૂદી બેન્કર પરિવારમાં. પણ કવયિત્રી માટે એનું દુન્યવી અને માનસિક જન્મસ્થળ અલગ છે. એ કહે છે, ‘મારો જન્મ ઇજિપ્તના થીબ્સમાં થયો, જો કે દુનિયામાં હું એલ્ગરફેલ્ડમાં થઈને આવી.’ આ રીતે એ પોતાના અહેસાસમાં જીવતી કલ્પન અને વાસ્તવ, કળાત્મક અને મધ્યમવર્ગીય અસ્તિત્વ વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ કરે છે. ઓગણીસમી સદીના જર્મનીમાં યહૂદીઓના ચડતા સૂરજ સાથે એના પારિવારીક ઇતિહાસે તાલમેલ રાખ્યો હતો. સંપન્ન પરિવાર. છ સંતાનમાં સૌથી નાનાં. માના લાડકા અને માનો પ્રખર વાંચનશોખ લોહીમાં ઊતર્યો. એલ્ઝ કહેતાં કે મારી મા જ સાચી કવિ હતી, હું તો માત્ર એની કવિતાઓ જ કહું છું. ટીનએજમાં જ શાળા છોડી દીધી. ઘરે અભ્યાસ કર્યો. ૧૮૯૪માં બર્થોલ્ડ લાસ્કર સાથે લગ્ન. એ કહેતાં કે એના પ્રથમ સંતાન પૉલના પિતા એક ગ્રીક રાજકુમાર હતા પણ એ રાજકુમાર કદી જડ્યો જ નહીં. ૧૯૦૩માં વૉલ્ડન સાથે બીજાં લગ્ન. ૧૯૧૨માં ફરી છૂટાછેડા. બર્લિનના એક કેફેમાં એ પછીના ઘણા વરસો વીત્યાં. પ્રસિદ્ધિની ચરમસીમાએ પહોંચ્યા પછી એમણે ૧૯૩૩માં નાઝી સરકાર આવતા બર્લિન છોડી સ્વીટ્ઝર્લેન્ડ ભાગવું પડ્યું. ૧૯૩૯માં ઇઝરાઈલની ત્રીજી મુલાકાત દરમિયાન બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળતાં સ્વીસ સરકારે એમને પરત ફરવા ન દીધાં અને એ ત્યાં જ રોકાયાં. ૨૨-૦૧-૧૯૪૫ના રોજ જેરુસલેમ ખાતે આર્થિક મુશ્કેલીઓ અને લાંબા સમયની નાદુરસ્ત તબિયતે અંતે હાર્ટએટેકના રૂપે એમનો ભોગ લીધો. બહુ જૂજ લોકોને નસીબ એવા માઉન્ટ ઓલિવ્સ પર દફનાવીને એમનું બહુમાન કરાયું.

એલ્ઝ અભિવ્યક્તિવાદ (એક્સ્પ્રેશનિઝમ)ના રાણી ગણાય છે. અભિવ્યક્તિવાદના જુવાળમાં એ પહેલેથી અગ્રેસર હતાં અને કદાચ સૌથી વધુ નોંધપાત્ર પણ. લોકો એમને ‘ઇઝરાઈલની શ્યામ હંસિણી’ અને ‘આધુનિક જર્મનીની સર્વશ્રેષ્ઠ ગીતકાર’ પણ કહે છે. એકલતા, ગરીબી અને મા-ભાઈ-દીકરાના ઉપરાછાપરી મૃત્યુએ એમને વધુ ને વધુ અંતર્મુખી બનાવ્યાં. દીકરાને એ જમાનામાં અસાધ્ય ગણાતો ટીબી હતો અને એને બચાવવાના વૃથા યત્નોમાં એમણે વરસો વીતાવ્યાં. આ મુશ્કેલ વરસોમાં એની ચિત્રકળા અને કાવ્યકળા જ એમની આજીવિકા હતાં. એમના કાવ્યસંગ્રહની બસો પ્રતમાં તો એમણે હાથે રંગ ભર્યા હતા. પુસ્તકોના કવર પણ એ જ તૈયાર કરતાં. એમના ગદ્ય અને પદ્યની જેમ એના ચિત્રો પણ નિહાયત મૌલિક હતા. એમના લેખન કે ચિત્રણની કોઈની સાથે સરખામણી શક્ય નથી. એમનો ચિત્કાર પણ એ માટેનો જ હતો ને એની જિંદગી પણ સંપૂર્ણ સ્વતંત્ર પુરુષસમોવડી સ્ત્રીની જ હતી.

‘જંગલીને’ એક મજાનું પ્રેમકાવ્ય છે. એલ્ઝ આમેય પ્રેમકાવ્યો માટે જ સવિશેષ જાણીતાં છે. શીર્ષકનો દરવાજો જોતાં જ સમજી શકાય કે મકાન અંદરથી કેવું હશે! આ જ શીર્ષકથી કવયિત્રીએ એક બીજું કાવ્ય પણ લખ્યું છે એના પરથી સમજી શકાય છે કે પ્રેમ અને પુરુષોની બાબતમાં એમનો અનુભવ કેવો રહ્યો હશે! એલ્ઝની ઘણીબધી કવિતાઓ ગઝલના શેરની જેમ બબ્બે પંક્તિના ફકરા પાડીને લખાયેલી જોવા મળે છે. આમ કરવા પાછળ કદાચ કોઈ નક્કર કારણ નથી. એવું બની શકે કે પ્રેમ કરવા માટે બે જ જણની જરૂર છે એ વાત કદાચ આ પંક્તિઓની જોડ દ્વારા એ કહેવા માંગતા હોય. કારણ ગમે એ હોય પણ બબ્બે પંક્તિમાં ભાવક સામે આવતાં આ નાનાં-નાનાં વાક્યો સળંગ કવિતા કરતાં થોડી અલગ અને અણધારી ચોટ કરવામાં વધુ સફળ રહે છે એટલું ચોક્કસ છે.

કવિતામાંથી પસાર થતાં જ સમજાય છે કે પ્રેમની આવી અનુભૂતિ એક સ્ત્રીની જ હોઈ શકે. પુરુષ પ્રેમમાં ગમે એટલો ઊંડો કેમ ન ઊતર્યો હોય, સંવેદનાની ઋજુતાની બાબતમાં એ કદી સ્ત્રી જેટલો ઊંડે ઊતરી શકતો જ નથી, કેમકે એનું ગંતવ્ય પ્રેમથી શરીર તરફનું તો સ્ત્રીનું શરીરથી પ્રેમ તરફનું હોય છે. સ્ત્રી હંમેશા પ્રેમ મેળવવા માટે સમર્પિત થતી હોય છે એટલે જ એ રાતના અંધારામાં પુરુષના ચહેરાને પોતાના શરીર અને આત્માથી ઢાંકી દે છે. મૂળ જર્મન કવિતાની પંક્તિનો શબ્દશઃ અનુવાદ ‘હું સૂઈ જાઉં છું રાત્રે/તારા ચહેરા પર’ છે. જોહેનિસે અંગ્રેજીમાં અનુવાદ કરતી વખતે ‘આત્મા’નું ઉમેરણ કર્યું છે. અનુવાદ આમેય એક પ્રકારનું અનુસર્જન છે. ૧૪મી સદીમાં પેટ્રાર્કે કહ્યું હતું કે, ‘અનુવાદ (મૂળને) સમકક્ષ હોવો જોઈએ પણ અદ્દલોદ્દલ નહીં. એ ચિત્ર કે પૂતળાં જેવો આબેહૂબ હોવાના બદલે સંતાન જેવો હોવો જોઈએ જેને જોતાવેંત પિતા નજર સામે આવી ચડે.’ આત્મા શબ્દ ઉમેરવાથી કવિતાની ફ્લેવર વધુ આસ્વાદ્ય બની છે. એ જ પ્રમાણે કાવ્યાંતે આવતા ‘ઓહ તું!’નો જોહેનિસે અંગ્રેજી અનુવાદ કરતી વખતે બિનજરૂરી ગણી છેદ ઊડાવી દીધો છે, પણ ગુજરાતી અનુવાદમાં મૂળ કાવ્યને અનુસરીને ‘ઓહ તું!’ રહેવા દીધું છે. મૂળ કવિતામાં સમુદ્રો બહુવચનમાં વપરાયું છે, જ્યારે અંગ્રેજી અનુવાદમાં એ એકવચન થઈ ગયું છે. ગુજરાતી અનુવાદ અહીં પણ એલ્ઝના મૂળ જર્મન કાવ્યને વફાદાર રાખ્યો છે.

કવિતા ‘હું’થી શરૂ થાય છે ને ‘તું’ પર સમાપ્ત. આ સ્ત્રીના પ્રેમની ગતિ છે. પુરુષનો પ્રેમ ‘હું’થી શરૂ થઈ ‘હું’ સુધી જ જઈ શકે છે. સ્ત્રી નૈસર્ગિકરીતે પાણી જેવી છે, એક જગ્યાએથી બીજી તરફ વહે એવી જ્યારે પુરુષ ફુગ્ગામાં કેદ હવા જેવો, ફૂટી ન જાય ત્યાં સુધી પોતામાં જ ઘુમરાયા કરે. એક જગ્યાએ એલ્ઝ કહે છે, ‘મારા હાથ તને વીંટળાઈ વળે છે/નાજુક તાંતણાંઓની જેમ.’ તો પ્રસ્તુત કવિતાના શીર્ષકવાળી અન્ય એક કવિતામાં એ કહે છે, ‘હું તને એ રીતે ચાહું છું જાણે હું મરી ન ગઈ હોઉં/અને મારો આત્મા તને વીંટળાઈ વળ્યો હોય’ – આ સ્ત્રી છે! એ मैं तो मरकर भी मेरी जान, तुम्हें चाहूँगा નથી કહેતી, એ મર્યા પછી માત્ર પ્રેમ નહીં પણ ચોકોરથી વીંટળાઈને માની જેમ હૂંફ અને રક્ષણ બંને આપવા ઝંખે છે.

કવયિત્રીએ વાત કરવા માટે રાતનો સમય પસંદ કર્યો છે. દિવસે તો પુરુષ પોતાનામાં જ મગ્ન હોવાનો. દિવસે દુનિયાદારી અને કામધંધામાંથી કયા પુરુષને ફુરસદ મળતી હશે? રાત જ એક એવો સમય છે જ્યારે પુરુષને સ્ત્રી યાદ આવે. રાતના અંધારામાં જ પુરુષ પ્રકાશે છે. આ સમય સ્ત્રી-પુરુષની નિકટતમતાનો સમય છે એટલે કવયિત્રી રાતની વાત ખોલીને બેઠાં છે. નાયિકા પોતાના તન-મનથી નાયકના ચહેરાને ઢાંકી દે છે. એક કવિતામાં એલ્ઝ કહે છે: ‘રાત્રે હું ચોરી લેતી હતી/તારા મુખનું ગુલાબ,/રખે કોઈ બીજી સ્ત્રી ત્યાં પ્યાસ છિપાવવા આવે.’ શરીર શરીરમાં ઓગળવાની શરૂઆત થઈ છે. રાત જીવનમાં આવતાં દુઃખ-દર્દ, મુસીબતોની કાલિમાને પણ ઈંગિત કરે છે અને નાયિકાના આચ્છાદનને પુરુષને આ સૌ સામે રક્ષણ આપવા માટેના કમિટમેન્ટ તરીકે પણ જોઈ શકાય. પુરુષના અસ્તિત્વમાં એ પોતાની આશાઓ રોપે છે. એ પ્રેમ આપે છે ને બદલામાં પ્રેમ ઝંખે છે. પુરુષ તો મેદાન જેવો સપાટ અને સાફ છે. એની પાસેથી કંઈક પામવું હોય તો પહેલાં વાવવું પડશે. શરીર-આત્મા-અપેક્ષા –બધું જ સમર્પી દીધા બાદ સ્ત્રી પોતાની શક્યતાઓ ફંફોસે છે. કહે છે, હું તારા વક્ષસ્થળને ફંફોસું છું-કદાચ ત્યાંથી કોઈક જૂનો ખજાનો હાથ જડી આવે. કવિની કમાલ આ ફંફોસવામાં નથી પણ ‘થાક્યા વિના’ ફંફોસવામાં છે, કેમકે એ જાણે છે કે અથાક ધીરજનું ઘરેણું સ્ત્રી જ પહેરી શકે.

આટલું કર્યા પછી પણ પુરુષ તો ચુપ જ છે. સ્ત્રીના તન-મનની ભેટ સ્વીકારીને કદાચ એ સ્ખલન-સંતૃપ્ત થઈ પડ્યો છે ને સ્ત્રીની લાખ કોશિશ છતાં એણે જે સાંભળવાની ઇચ્છા છે, એ કહેતો નથી. સ્ત્રી તો પોતે જ એક ચમત્કાર છે. એનું અસ્તિત્વ કોઈ જાદુથી કમ નથી. પુરુષની અંદર ઓગળી જવાના એના જાદુ પાછળ એક ‘આઇ લવ યુ’ કે ‘આઇ કેર ફૉર યુ’થી વિશેષ એ ભાગ્યે જ ઝંખતી હોય છે પણ પુરુષના ભારી હોઠ સામે એના આ ચમત્કારો વિફળ છે. એક બીજી કવિતામાં આવા જ જાદુની વાત એલ્ઝા હકારાત્મક્તાથી કરે છે: ‘આપણે જ્યારે એકમેક સામે જોઈએ છીએ/આપણી આંખો ખીલી ઊઠે છે./અને આપણે ચકિત થઈ જઈએ છીએ/એ જાદુઓથી જે આપણે સર્જીએ છે./અને બધું જ નકરી મીઠાશ છે.’ પ્રસ્તુત કવિતામાં જાદુ એકપક્ષી છે એટલે મીઠાશ જન્મતી નથી.

સંભોગ સમાપ્ત થઈ ગયો છે. પુરુષની ઉત્તેજના સ્ખલન સુધી જ સીમિત હોવાની. એ બાદ તો ‘ગરજ સરી ને વૈદ વેરી’ જેવો જ ઘાટ હોય છે. સંભોગની બીજી જ ક્ષણે પુરુષ નસકોરાં બોલાવતો હોઈ શકે છે પણ સ્ત્રી સામાન્યરીતે આ મધમીઠી ક્ષણોને, આ સાયુજ્યને મમળાવ્યા વિના આંખ મીંચતી નથી. આપવાનું આપી દીધા બાદ હવે એ પોતાના અસ્તિત્વ, પોતાના સ્થાન વિશેના જવાબ ઝંખે છે. એ સવાલ કરે છે કે શા માટે તારો પ્રતિભાવ આવો ઠંડો છે? પોતાના આત્મા પર એ આ બરફ જેવા ઠંડા પ્રતિસાદના આકાશોનો બોજ અનુભવી રહી છે. પુરુષ તો એના સ્વપ્નોની દુનિયામાં ખોવાઈ ગયો છે કેમકે એના માટે એના સ્વપ્નો જ હીરા જેવા મૂલ્યવાન છે. પણ આ હીરાની ધાર સ્ત્રીના હોવાપણાંની રગોને ચીરી રહી હોવાનો એને કોઈ અહેસાસ જ નથી. એક કવિતામાં એલ્ઝ આવો જ ધારદાર પ્રશ પૂછે છે: ‘હું વિકસું છું તારી સાથે એક થવા માટે./તું શા માટે મને ચીરી નાંખે છે?’ પણ આ સવાલો રાતની ગુફામાં નિરુત્તર પડઘાતા રહેવાને જ જન્મ્યા છે.

નાયિકા કહે છે કે હું જોસેફ છું. પોતાના ઑલ્ટર ઇગો(આભ્યંતર અહમ્)ને સંતોષવા એલ્ઝે ઇજિપ્શ્યન જુસુફ, થીબ્સના રાજકુંવરનું સર્જન કર્યું હતું જે એમના લખાણ અને ચિત્રોમાં સતત ડોકા દે છે. પોતાના પત્રો નીચે પણ ક્યારેક એ એના નામથી સહી કરતાં. આ જુસુફ બાઇબલનો સ્વપ્નદૃષ્ટા કવિ જોસેફ જ છે જેને ઈર્ષ્યાળુ ભાઈઓએ ગુલામ તરીકે વેચી દીધો હતો ને આપબળે ફેરોનો વજીર બન્યો હતો. પોતાને જોસેફ કહીને કવયિત્રી કદાચ આટલું અવમાન થયા બાદ પણ જોસેફની જેમ રાખમાંથી ઊભા થયા હોવાની ખુમારી બતાવવા માંગે છે. પણ તરત જ સ્વીકારે છે કે હું મારી રંગબિરંગી ત્વચા ઉપર એક મીઠો પટ્ટો પહેરું છું. ગમે એટલા રંગ બદલે, ગમે એ સ્વરૂપે એ પુરુષ પાસે આવે, પુરુષ એના તરફ દુર્લક્ષ જ સેવે છે. શરીરે બાંધેલો પટ્ટો ભલે મીઠો કેમ ન હોય, સોનાનો કેમ ન હોય, બંધન તો બંધન જ છે ને નાયિકા એનાથી બચી નથી શકતી. સ્ત્રીના ગભરુપણાથી પુરુષ ખુશ છે. પણ એ સ્ત્રીના ભીતરનો શંખનાદ સાંભળવા તૈયાર નથી. કહે છે કે શંખને કાન પર માંડીએ તો ભીતરથી દરિયાના ઘુઘવાટા સંભળાય છે. પુરુષ સ્ત્રીની લાચારીથી ખુશ છે પણ શંખની ભીતરથી આવતી સ્ત્રીના ભૂતકાળની ચીસો તરફ દુર્લક્ષ સેવે છે. એનું હૃદય ‘નો એન્ટ્રી’નો દરવાજો છે જેના પર સ્ત્રીના અસ્તિત્વના ટકોરાનો કોઈ પ્રતિસાદ નથી મળ્યો, નથી મળવાનો. એનું હૃદય સ્ત્રીની સંવેદનાના સાગરોને પોતાની ભીતર કદી આવવા દેતું નથી એ વાસ્તવિક્તા છે. ‘ઓહ તું!’ના આર્તસ્વર સાથે કવિતા પૂરી થાય છે ને આપણી ભીતર કંઈક ચીરાવું પ્રારંભાય છે…

આમ, આ રચના કોઈપણ ભોગે પ્રેમીને સંપૂર્ણ પામવા માટેની તડપ અને સરવાળે સાંપડતી નિષ્ફળતાનું ગાન છે. પ્રેયસી પોતાનું સર્વસ્વ સોંપી દે છે. પ્રેમી ઉપર પોતાની જાત ન્યોછાવર કરી દે છે. પોતાની આશાઓ રોપે છે. પોતાની શક્યતાઓ ફંફોસે છે; પણ પ્રેમીજનના બીડાઈ ગયેલા હોઠ ખોલાવી શકતી નથી, એના ઠંડા પ્રતિભાવો અટકાવી શકતી નથી અને એના હૃદયની ભીતર જઈ શકતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *