ગ્લૉબલ કવિતા : ૫૫ : પાણીની કૂંચી -ઓક્ટાવિયો પાઝ

The Key of Water

After Rishikesh
the Ganges is still green.
The glass horizon
breaks among the peaks.
We walk upon crystals.
Above and below
great gulfs of calm.
In the blue spaces
white rocks, black clouds.
You said:
. Le pays est plein de sources.
That night I washed my hands in your breasts.

– Octavio Paz
(Trans.: Elizabeth Bishop)

પાણીની કૂંચી

ઋષિકેશ પછી
ગંગા હજીય લીલી છે.
કાચની ક્ષિતિજ
ટેકરીઓમાં તૂટી જાય છે.
અમે સ્ફટિક ઉપર ચાલીએ છીએ.
ઉપર અને નીચે
શાંતિની મહાન ખાડીઓ.
ભૂરા અવકાશમાં
સફેદ પથ્થરોમાં, કાળા વાદળોમાં.
તેં કહ્યું’તું:
. ये देश स्त्रोतों से भरपूर है।
એ રાત્રે મેં મારા હાથ તારા સ્તનોમાં ધોઈ લીધા હતા.

-ઓક્ટાવિયો પાઝ
(અનુ.: વિવેક મનહર ટેલર)

મન ચંગા તો કથરોટ મેં ગંગા

પ્રેમ. અનુભૂતિ તો એક જ છે પણ પ્રેમને નિરખવા માટે દરેકેની પાસે અલગ ચશ્માં છે અને દરેકના ચશ્માંમાંથી એ અલગ દેખાય છે અને વળી એક જ ચશ્માંમાંથી પણ અલગ અલગ સમયે એ અલગ અલગ નજર આવે છે. કેલિડોસ્કૉપ જ જોઈ લ્યો. જેટલીવાર જુઓ, નવી જ ભાત જોવા મળે. સ્ત્રી અને પુરુષને પોતપોતાની જાતીયતાની સમજણ આવી હશે એ પહેલાં આદિમાનવયુગમાં પણ પ્રેમનું અસ્તિત્વ હશે જ. લાગણી, ગમો, પ્રેમ, સમ્-ભોગ –આ બધું એક જ સમયરેખા પરના અલગ-અલગ બિંદુઓ જ છે માત્ર. ઑક્તાવિયો પાઝ એક નાનીઅમથી કવિતામાં એના ચશ્માંમાંથી એની નજરે આપણને એની પ્રેમની વિભાવના અહીં બતાવે છે.

ઑક્તાવિયો પાઝ લોસાનો. ૩૧-૦૩-૧૯૧૪ના રોજ મેક્સિકોમાં લેખક પરિવારમાં જન્મ. પિતા અને દાદા બંને રાજકીય પત્રકાર. દાદાની અંગત લાઇબ્રેરી લોહીમાં ઉતરી. ઑક્તાવિયોએ પારિવારીક પરંપરાનો નિર્વાહ કર્યો. ૧૯ વર્ષની વયે પ્રથમ કાવ્યસંગ્રહ. ૨૦ની ઉંમરે ‘બરાન્ડલ’ નામનું સાહિત્યિક સમીક્ષાનું સામયિક મિત્રો સાથે મળીને આદર્યું. ૨૪ની વયે ‘ટોલર’ નામનું સામયિક શરૂ કર્યું. કાયદાનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો. રાજદ્વારી સેવામાં જોડાયા. ૧૯૬૨થી છ વર્ષ એ ભારતમાં મેક્સિકોના એલચી બનીને રહ્યા પણ ભારત સાથેનો એમનો સંબંધ છેક ૧૯૫૧થી હતો. ભારતની સંસ્કૃતિ, સભ્યતા, તત્ત્વચિંતન, કળા અને લોકાચાર સાથે પાઝ જે રીતે ભળી શક્યા છે એ અદભુત છે. એલિયટ વાઇનબર્ગરે કહ્યું, ‘બીજો કોઈ પાશ્ચાત્ય કવિ ભારતમાં એટલો ઓગળી ગયો નથી, જેટલો પાઝ. ચાળીસ વર્ષ સુધી ઓક્ટાવિયો પાઝની જિંદગી અને કામમાં ભારત મેક્સિકોનું જોડિયું બનીને રહ્યું.’ ઓલિમ્પિક રમતોની સાંજે, ૦૨-૧૦-૧૯૬૮ના રોજ સરકાર દ્વારા કરાયેલ લગભગ ૨૦૦ જેટલા વિદ્યાર્થી દેખાવગીરોના નરસંહારના વિરોધમાં રાજીનામું આપ્યું. ભારત છોડતાં પહેલાં વડાપ્રધાન ઇંદિરા ગાંધીના આમંત્રણને માન આપીને એમના પરિવાર સાથે ભોજન પણ લીધું. એ પછી પ્રોફેસર અને સંપાદકની જિંદગી. ૧૯૩૭માં એલેના ગારો સાથે લગ્ન. એક પુત્રી. ૧૯૫૯માં છૂટાછેડા. ૧૯૬૫માં મેરી-જૉઝે ટ્રામિની સાથે બીજા અને આખરી લગ્ન. ૧૯૯૦માં સાહિત્ય માટેનું નોબલ પારિતોષિક. ૧૯-૦૪-૧૯૯૮ના રોજ મેક્સિકો ખાતે જ કેન્સરના પ્રતાપે દેહવિલય. એમના મૃત્યુની ઘોષણા મેક્સિકોના પ્રમુખે ખુદ કરી કરી હતી.

ઉત્તમ કવિ અને લેખક. પદ્યમાં ગદ્યના રંગ અને ગદ્યમાં પદ્યની છાયા સતત આવજા કરતા જોવા મળે એ એમની ખાસિયત છે. એમની કવિતાઓ મુખ્યત્વે અતિયથાર્થવાદ, અસ્તિત્વવાદ ઉપરાંત માર્ક્સવાદ, હિંદુત્વ અને બૌદ્ધત્વના રંગે રંગાયેલી જોવા મળે છે. પૂર્વ અને પશ્ચિમનો, કળા અને વિવેચનાનો અભૂતપૂર્વ સમન્વય એમની કૃતિઓમાં જડે છે. ઑક્તાવિયોની કવિતાઓ મેક્સિકોના સમાજ, પ્રેમ, કામપ્રાચુર્ય, સમય અને બૌદ્ધવાદથી રસાયેલી છે. ફિલસૂફી, ધર્મ, રાજકારણ, કળા, અને મનુષ્યજાત વિશે એ ઝીણું કાંતે છે. મેન્યુઅલ દુરાન કહે છે, ‘સ્વની અને એક જ સાંસ્કૃતિક પ્રથાની ખૂબ જ ધીમી, લગભગ સૂક્ષ્મદર્શક તપાસ અચાનક વિસ્તરીને સાર્વત્રિક બની ગઈ પણ પોતાની આગવી લાક્ષણિકતાનો ભોગ લીધા વિના.’ મેક્સિકો નામના દૂરબીનમાંથી એ બ્રહ્માંડદર્શન કરાવી શક્યા છે એટલે જ એમની કવિતા સર્વકાલીન, સર્વપ્રાંતીય અને સાર્વજનિક બની રહી. એ માનતા કે કવિતા ‘આધુનિક યુગનો ખાનગી ધર્મ’ છે.

પ્રસ્તુત રચનાના શીર્ષક વિશે ગુજરાતી કવિતાની સૌપ્રથમ અને સૌથી વિશાળ વેબસાઇટ લયસ્તરો.કોમ (layastaro.com)ના સ્થાપક ધવલ શાહ કહે છે, ‘પાણી આજે (અને હંમેશાથી) આધ્યાત્મિકતાની ચાવી રહ્યું છે. જેમ આપણે હિંદુઓ ગંગાને પવિત્ર ગણીએ છીએ અને એને મોક્ષનો દરવાજો ગણીએ છીએ, એમ મોટાભાગના ધર્મોએ વિશ્વ આખામાં જળાશયો સાથે આધ્યાત્મિક અર્થચ્છાયાઓ સાંકળી છે. માટે જ કવિએ પાણીને ચાવી (આધ્યાત્મિકતા માટેની) કહ્યું છે.’ એક રીતે જોઈએ તો શીર્ષકની આ સમજૂતિમાં જ આખી કવિતા પૂરી થઈ જાય છે. એક જગ્યાએ પાઝ કહે છે, ‘કવિતા વાંચવી મતલબ આપણી આંખોથી સાંભળવું; અને એ સાંભળવી મતલબ આપણા કાનોથી એને જોવી.’ એ એવું પણ પૂછે છે, ‘શું એ વધુ સારું નથી કે જિંદગીને કવિતા બનાવવા કરતાં જિંદગીમાંથી કવિતા બનાવાય? અને શું કવિતાનો પ્રાથમિક હેતુ, કાવ્યસર્જન હોવાના બદલે, કાવ્યાત્મક ક્ષણોનું સર્જન ન હોઈ શકે?’ તો આ કવિતાને કોરાણે મૂકીને આપણે પાઝે સર્જેલી કાવ્યાત્મક ક્ષણોને આંખથી સાંભળીએ અને કાનથી જોઈએ તો?

પાઝનું ભારત સાથેનું જોડાણ આ રચનામાં સાફ નજરે ચડે છે. સાવ નાની અમસ્તી રચના છે પણ ગાગરમાં સાગર જેવી. ઋષિકેશ અને ગંગાથી વાતની શરૂઆત થાય છે. ગંગા સાથેનો આપણો સંબંધ આદિથી જ પવિત્રતા, શુદ્ધિકરણ અને મોક્ષનો રહ્યો છે. વિષ્ણુએ વામનાવતારમાં બલિ પાસે માંગેલ ત્રણ પગલાં જમીન મેળવવા માટે સ્વર્ગમાં પગ લંબાવ્યો ત્યારે કહે છે કે બ્રહ્માએ જે પાણી વડે એમનું પાદપ્રક્ષાલન કર્યું હતું એ જ ગંગા. એટલે જ ગંગા બ્રહ્માની પુત્રી પણ ગણાય છે. પછી જ્યારે કપિલમુનિએ ક્રોધવશ સગરરાજાના સાંઠ હજાર પુત્રોને બાળી નાંખ્યા ત્યારે એમના વંશજ ભગીરથે પૂર્વજોના આત્માની મુક્તિ માટે તપશ્ચર્યા આદરીને ગંગાનું પૃથ્વી પર અવતરણ કર્યું અને ગંગાના આવેશથી પૃથ્વી-પાતાળને રક્ષવા માટે શંકર ભગવાને એને પોતાની જટામાં ઝીલી લીધી. ગંગામાં નહાવાથી જનમભરના પાપ ધોવાઈ જાય છે અને મુક્તિ મળે છે એ હિંદુ ધર્મની સનાતન માન્યતા છે. માણસ અવસાન પામે ત્યારે એના મુખમાં ગંગાજળ મૂકવાનો રિવાજ પણ આ જ કારણોસર પ્રચલિત થયો છે અને લાશ પણ મોક્ષાર્થે જ ગંગામાં વહાવવામાં આવે છે. ગંગાનું પાણી વર્ષો સુધી સાચવવા છતાં સડતું નથી એ એની લાક્ષણિકતા છે પણ આજે ગંગા વિશ્વની સૌથી પ્રદૂષિત નદીઓમાં પાંચમા ક્રમે આવે છે એ દુર્ભાગ્ય પણ વાસ્તવિક્તા છે.

કવિ કહે છે, ઋષિકેશથી આગળ નીકળ્યા પછી પણ ગંગા હજી લીલી જ છે. નિર્મળ આધ્યાત્મિકતા અને જાતીયતાના બે ધ્રુવ વચ્ચે સમતુલન જાળવતી આ લઘુરચનામાં કવિ રંગોની નાજુક પીંછી ફેરવીને એક મજાનું ચિત્ર ઊભું કરે છે. ગંદા કપડાં પાણીમાં ધોવામાં આવે તો પાણી ગંદુ થઈ જાય છે પણ ગંગા ઋષિકેશમાં હજારો-લાખો લોકોના પાપ ધોઈને આગળ વધે છે એ છતાં હજી લીલી છે. લીલો રંગ મોટાભાગે અહીં ફળદ્રુપતાની નિશાની છે. આટઆટલા પાપ ધોવા છતાંય ગંગા હજી પણ જેટલા શ્રદ્ધાળુઓ આવે એ બધાના પાપ ધોઈ શકે એટલી ફળદ્રુપ છે. એવુંય ગણી શકાય કે શહેર પૂરું થયા બાદ આરંભાતી વનરાજીનો હરિતવર્ણ ગંગાજણ ઝીલતું હોય. એક શક્યતા એવી પણ છે કે લીલો રંગ ગંગાનું પ્રદૂષણ ઈંગિત કરતો હોય. જો કે જોકે કવિતામાં આવતા બધા જ સંદર્ભો સ્વચ્છતા અને પવિત્રતા સાથે સંબદ્ધ છે એટલે આ અર્થઘટન સાચું નથી લાગતું. પાઝ ભારતીય સંસ્કૃતિથી વાકેફ હતા એટલે એવું પણ વિચારી શકાય કે લીલો રંગ આગળ નિર્દિષ્ટ થતી કામકેલિનો નિર્દેશ પણ કરતો હોઈ શકે. બને. કવિતાની મજા જ એ છે કે દરેક ભાવક એને પોતાની દૃષ્ટિએ મૂલવીને આનંદ લઈ શકે. પાઝ પણ કહે છે, ‘કવિતાનો હેતુ માનવજાતમાં આશ્ચર્યની શક્યતાને પુનર્સ્થાપિત કરવાનો છે.’

ઋષિકેશ પછી ગઢવાલ હિમાલય શરૂ થઈ જાય છે અને આ પર્વતોની ટેકરીઓમાં કાચ જેવી સ્વચ્છ ક્ષિતિજ જાણે ટુકડા-ટુકડા થઈ જતી હોય એમ લાગે છે. કાવ્યનાયક અને નાયિકાનો અહીં ‘અમે’થી કાવ્યપ્રવેશ થાય છે. બંને જણ સાથે સ્ફટિક ઉપર સાથે ચાલે છે. ‘સ્ફટિક’ શબ્દ શુદ્ધતા અને સૌંદર્ય છતા કરે છે. પ્રેમમાં બે જણ સાથે હોય ત્યારે સૃષ્ટિ આખી બદલાઈ જાય છે. પાઝ કહે છે, ‘પ્રેમ કરવો યાને યુદ્ધ કરવું, દરવાજા ખોલવા. દુનિયા બદલાઈ જાય જો બે જણ એકમેક સામે જોઈ શકે અને જુએ તો.’ પ્રેમ દુનિયા બદલી શકે છે. બે અલગ-અલગ વ્યક્તિ જેમ પ્રેમમાં એકમેકમાં ભળી જાય એમ ભારતની ગંગાની અડોઅડ મેક્સિકોની ખાડીઓ મૂકીને કવિ બે સંસ્કૃતિઓને એકમેકમાં ઓગાળી દે છે. જેમ ગંગા આપણા માટે પવિત્ર છે એમ કોઈપણ મેક્સિકન માટે એમના દેશની ખાડીઓ મહાન અને શાંતિદૂત જેવી પવિત્ર છે.

બંને પ્રેમીઓ સંબંધની શુદ્ધતામાં વિચરી રહ્યાં છે. ઉપર-નીચે, મનોમસ્તિષ્કમાં બધે જ સમુદ્રખાડી જેવી નિશ્ચલ શાંતિ પ્રવર્તી રહી છે. ભૂરો અવકાશ સંબંધની વિશાળતા, સફેદ પથ્થરો સાફ નિયતની દૃઢતા અને કાળાં વાદળો પ્રેમભર્યા વરસવા આતુર હૈયા સૂચવતા હોય એમ લાગે છે. પાઝના મતે ‘પ્રેમ અન્યના અસ્તિત્વ સોંસરા જવાની કોશિશ છે, પણ એ ત્યારે જ સફળ થાય જ્યારે સમર્પણ પારસ્પરિક હોય.’

આખી રચના સ્પેનિશ ભાષામાં છે પણ કવિએ સહેતુક એક પંક્તિ -‘ Le pays est plein de sources ’-ને ફ્રેન્ચ ભાષામાં લખીને અલગ તારવી છે. આ પંક્તિનો મતલબ છે, આ દેશ સ્ત્રોતોથી, ઝરણાંઓથી ભરપૂર છે. દેશ સર્વનામ હવે સરહદ વળોટી ચૂક્યું છે. પૂર્વ અને પશ્ચિમ હવે એક થઈ ચૂક્યાં છે. બે પ્રેમીઓ ‘અમે’ થઈને મ્હાલી રહ્યાં છે અને અહીં પુણ્યઝરાઓનો તોટો નથી. ખરાબ કામો, ખરાબ સ્વભાવ, ખરાબ ભૂતકાળ – બધું જ જેમાં ઝબોળીને શુભ્ર-શુદ્ધ થઈ શકાય એવા ઝરણાંઓથી આ દેશ ભરપૂર છે. આ વાક્ય આખી કવિતાને, બે ધ્રુવોને એકબિંદુએ લઈ આવે છે, એ અર્થમાં આ પંક્તિ પૂર્વાર્ધ અને એક પંક્તિના ઉત્તરાર્ધ વચ્ચેનો મિજાગરો છે. અને એટલે જ કવિએ અલગ ભાષા વાપરીને સચેત કવિકર્મની સાહેદી આપી છે. એટલે જ અનુવાદ કરતી વખતે આ પંક્તિને અલગ તારવવા માટે હિંદી ભાષાનો પ્રયોગ એટલા માટે કર્યો છે કે મૂળ કવિ અને કવિતાનો હેતુ માર્યો ન જાય.

પાઝ કહે છે, ‘પ્રેમ કરવો એટલે આપણા નામને અનાવૃત્ત કરવાં.’ એ એમ પણ કહે છે, ‘પ્રેમ એ સૌંદર્યની કામના નથી, એ સંપૂર્ણતા માટેની તડપ છે.’ આ વાત આખરી પંક્તિમાં નજરે ચડે છે. આખી વાત વીતી ગયેલી એક રાતની છે. કવિ કહે છે કે એ રાત્રે એમણે પોતાના હાથ તેણીના સ્તનોમાં ધોઈ નાખ્યા હતા. વાત તો સંભોગની જ છે પણ કવિ આ સંભોગને ગંગાની પવિત્રતા અને મેક્સિકોની ખાડીની મહાનતાની કક્ષાએ લઈ જાય છે. માનવ શરીરને કવિ એના શુદ્ધ સ્વરૂપમાં જુએ છે. પાઝ કહે છે, ‘મનુષ્ય ક્યારેય એ નથી જે એ છે, પણ એ છે જે એ શોધે છે.’ અહીં પણ કવિ સેક્સભૂખ્યો પ્રેમી નથી, એ પ્રેયસી સાથે સાયુજ્યતા ઝંખતો પૂજારી છે. ૧૯૮૪માં ઇંદિરા ગાંધીએ પાઝને ફરી આમંત્ર્યા હતા પણ ઇંદિરાની હત્યા થઈ. પછી ૧૯૮૫માં રાજીવ ગાંધીના આમંત્રણને માન આપીને પાઝ છેલ્લીવાર ભારત આવ્યા હતા. ભારત સાથેનો એમનો અનુબંધ એક પ્રવાસી કે રાજદ્વારીનો કદીય હતો નહીં. પહેલવહેલીવાર ભારત આવ્યા ત્યારે પહેલા જ દિવસે તાજ હોટલમાં કપડાં બદલીને એ સીધા શેરીઓમાં વસતા ભારતને આલિંગવા દોડી ગયા હતા. એક સમયે એમણે બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાનુંય વિચાર્યું હતું. લેટિન અમેરિકાની નસોમાં વહેતું ભારતીય રક્ત પ્રેમને પૂજાની કક્ષાએ લઈ આવે છે. પ્રેયસીના સ્તનમર્દનને ગંગાસ્નાન દરમિયાન પોતાની તમામ મલિનતાઓને ધોવા સાથે સરખાવીને પાઝ એક જ પંક્તિમાં સાવ સાદી લાગતી કવિતાને એવરેસ્ટની ઊંચાઈએ લઈ જાય છે.

ખ્રિસ્તી ધર્મમાં પણ પાણીનો એવો જ મહિમા છે. બાપ્ટિઝમ વિના ચર્ચપ્રવેશ શક્ય નથી. ધર્મસ્થળે પ્રવેશતાં પહેલાં કે પ્રાર્થના-ઉપદેશ પહેલાં અને પછી પાદરીઓ હાથ-પગ ધુએ છે. કહે છે: ‘હે પ્રભુ! મને મારા અધર્મમાંથી ધોઈ નાંખ અને મારા પાપમાંથી સાફ કર.’ પાઝનો પાક અભિગમ એમની વાતમાંથી પણ સાફ થાય છે: ‘કામકેલિ સહજ છે; તે પ્રકૃતિમાં એક ભૂમિકા ભજવે છે. વિચાર પરિચિત છે, પણ એમાં એક વિસંગતિ છે: કામવાસનાથી વધુ સાહજીક બીજું કંઈ નથી; અને બીજું કંઈ નથી જે એ સ્વરૂપો કરતાં ઓછું સાહજિક હોય જેમાં એ પ્રગટ અને સંતુષ્ટ થાય છે.’ સમજી શકાય છે કે પાઝ માટે મનની જિંદગી તનની જિંદગીથી બહુ અળગી કે અલગ નથી. કદાચ આજ ‘મન ચંગા તો કથરોટમેં ગંગા’ની વિચારધારા કાવ્યાંતે ઝળાંહળાં થાય છે જ્યારે સ્તનને પવિત્ર ગણીને નાયક એમાં પોતાના હાથ ધુએ છે.

અંતે પાઝની જ ‘સનસ્ટોન’ નામની દીર્ઘકવિતાનો એક અંશ મમળાવીએ:

કેમકે બે શરીર, નગ્ન અને વીંટળાયેલાં,
સમય પરથી કૂદી જાય છે, તેઓ અભેદ્ય છે,
કશું જ તેમને સ્પર્શી નહીં શકે, તેઓ મૂળ તરફ પરત ફરે છે,
ત્યાં કોઈ તું નથી, હું નથી, આવતીકાલ નથી,
ગઈકાલ નથી, નામ નથી, બે જણનું સત્ય
એક જ કાયામાં, એક જ આત્મામાં,
ઓહ સંપૂર્ણ હોવું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *