વ્યોમ સરોવરમાં ભમે દિવ્ય મકરનાં વૃંદ -નીનુ મઝુમદાર

આદરણીય કવિ, સ્વરકાર અને ગાયક શ્રી. નિનુ મઝુમદારને આજે એમના 102મા જન્મદિને આદરાંજલિ.વંદન


કવિના અક્ષરમાં લખેલી કવિતા

વ્યોમ સરોવરમાં ભમે દિવ્ય મકરનાં વૃંદ
મલય ત્યજી લાવે રવિ શીતળતાનો અંત;
અરુણે વાળ્યાં અશ્વને અલકાપુરીને પંથ
દક્ષિણથી ઉત્તર ફર્યાં ભાનુદેવ ભગવંત.

સચરાચર ચેતનનું મોતી એક પ્રગટી સનાતન જ્યોતિ
ચઢ્યાં મેઘ વિના મેઘધનુ રંગો દોડી આવી ગગનમાં પતંગો

પેલા ગેબનું રહસ્ય જઈ ખોલે, કોઈ બાકી છબીલી ડોલે,
કોઈ સંદેશો લઇ ધરતીનો, શોધે પ્રીતમ પ્રણય રંગભીનો
કોઈ રૂપેરી ફુમતાંવાળી તો કોઈ અંતરના રૂપથી રૂપાળી
જાણે ઉડે અનંતનાં ઉમંગો દોડી આવી ગગનમાં પતંગો

ફૂટી અંબરને લીલી પીળી પાંખો, ખૂલી મસ્તીની લાલ લાલ આંખો
અહી જામ્યો છે જંગી મેળો, એને બાંધે અખંડ દોર ભેળો
કોઈ ખેંચે ને કોઈ ઢીલ છોડે તો કોઈ ખેલે પવનને ઘોડે
જાણે જીવનનાં જીતવા જંગો દોડી આવી ગગનમાં પતંગો

કોઈ ઉત્તરને કોઈ દખ્ખણની કોઈ પૂરવને કોઈ પરછમની
મળી કોઈ ચતુર કોઈ ભોળી પૂરા આભમાં છવાઈ રંગટોળી
દીધી ઢાંકી સૂરજની જ્વાળા રચે દિગંતમાં નક્ષત્રની માળા
જાણે બ્રહ્માનાં મનનાં તરંગો દોડી આવી ગગનમાં પતંગો
—– નીનુ મઝુમદાર

—————————————————————

ઓલ્યા પહાડની પાછળ પરોઢિયે રાતો રાતો રંગ ઢોળાયો
વસ્તર જાતા રાતનું
જાણે આભને ગાલે શરમભર્યો શેરડો એક છવાયો. – ઓલ્યા …

રમતા’તા થોડા તારલા થોડી બાકી રહેલી રાતે
ભમતા’તા નભ મોરલા થઇ વાદળિયાં પરભાતે
પૂરવને ભરી અમરતનો સોનલ કૂપો પાયો. – ઓલ્યા…

એકદંડિયા મ્હેલથી કો’કે કુવરીને છોડાવી
હજાર હાથે લડે બાણાસુ, કાળસેના તેડાવી
સૂરજદાદો અગનરથે ચઢી ગગન ધાયો – ઓલ્યા …

કુદરતમાં નાહીને પશુપ્રાણીએ મંત્ર જગાવ્યો
ભૂલાઈ જાતા સામને પાછો પંખીઓએ ગવરાવ્યો
ઝાકળથી ધોઈ આકાશભૂમિ હવનને પ્રગટાવ્યો – ઓલ્યા ….
—– નીનુ મઝુમદાર

નેહા યાગ્નિકનો ખુબ આભાર.

5 replies on “વ્યોમ સરોવરમાં ભમે દિવ્ય મકરનાં વૃંદ -નીનુ મઝુમદાર”

  1. જયશ્રીબેન
    આ તો જાણે સંગ્રહીત કરવા જેવી નવા વર્ષની અમૂલ્ય ભેટ મળી.
    ખૂબ ખૂબ આભાર અને અભિનંદન!

  2. જયશ્રીબેન

    આ ટહુકો, આન્યા અને કાવ્યા જેટલો જ વહાલો હશે. બે દીકરીઓ માટે તો અમિતભાઇ પણ ગર્વ લઇ શકે પણ ક્યારેક મને એવું લાગે છે કે ટહુકો તો હૃદયમાંથી જન્મેલું સર્જન છે.પણ માવજત તો ત્રણેની પ્રેમાળ છે.

    ખુબ જ પ્રેમથી જતન કરો છો. મને આપની કાવ્યરસિકતાનો ગર્વ છે। ખુબ ખુબ જીવો સખી !!!

    સુરેન્દ્ર

  3. પંખીઓએ કલશોર કર્યો
    પંખીઓએ કલશોર કર્યો, ભાઈ! ધરતીને સૂરજ ચૂમ્યો,
    કૂથલી લઈને સાંજનો સમીર આજ વનેવન ઘૂમ્યો
    વનેવન ઘૂમ્યો.
    ખુલ્લી પડેલી પ્રીતનો અરથ કળી કળીએ જાણ્યો,
    શરમની મારી ધરણીએ કાળી રાતનો ઘૂમટો તાણ્યો
    ઘૂમટો તાણ્યો.
    પ્રગટ્યા દીવા કૈંક ચપોચપ ઊઘડી ગગન બારી,
    નીરખે આભની આતુર આંખો દોડી આવી દિગનારી
    આવી દિગનારી.
    તાળી દઈ કરે ઠેકડી તીડો, તમરાં સિસોટી મારે,
    જોવા તમાશો આગિયા ચાલ્યા બત્તી લઈ દ્વારે દ્વારે
    ફરી દ્વારે દ્વારે
    રાતડીના અંઘકારની ઓથે નીંદરે અંતર ખોલ્યાં,
    કૂંચી લઈ અભિલાષની સોનલ હૈયે સમણાં ઢોળ્યા
    સમણાં ઢોળ્યાં.
    નિનુ મઝુમદાર
    જીવનકાળ: નવેમ્બર 9, 1915 – માર્ચ 3, 2000

Leave a Reply to Suren J Kapadia Cancel reply

Your email address will not be published. Required fields are marked *