ગ્લૉબલ કવિતા : ૪૯ : ગુડ બાય, દોસ્ત – સર્ગે યેઝેનિન

Good-bye, my friend, good-bye.
My dear, you are in my heart.
This predestined separation
Promises of the meeting by and by.

Good-bye, my friend, without a hand, without a word,
Do not be sad, no furrowed brows, –
To die, in this life, is not new,
And living’s no newer, of course.

– Translated by Vivek Manhar Tailor

આવજે, મારા દોસ્ત, આવજે

આવજે, મારા દોસ્ત, આવજે.
મારા વહાલા, તું તો મારા હૃદયમાં છે.
આ નિર્ધારિત જુદાઈ વચન આપે છે
કે આપણે ફરી ક્યારેક નક્કી મળીશું.

આવજે, મારા દોસ્ત, ન હસ્તધૂનન, ન શબ્દ,
ન દુઃખ, ન તણાયેલી ભ્રૂકુટી, –
મરવું, આ જિંદગીમાં, કંઈ નવું નથી,
અને જીવવુંય કંઈ નવું નથી, અલબત્ત.

– સર્ગે એલેક્ઝાન્ડ્રાવિચ યેઝેનિન
(અનુ.: વિવેક મનહર ટેલર)

પરમ સખા મૃત્યુ…

દોરડું સ્કાર્ફની જેમ ગળે વીંટાળીને એક હાથે હિટિંગ પાઇપ પકડી રાખીને એણે જિંદગીના ટેબલને ધક્કો માર્યો અને મોતની આગોશમાં લટકી ગયો. એક મહિનો પાગલખાનામાં રહ્યા બાદ ક્રિસમસના દિવસે એને રજા અપાઈ હતી અથવા એ ભાગી છૂટ્યો હતો. ત્યાંથી ભાગીને સેંટ પિટર્સબર્ગની હોટલ એન્ગ્લેટેરમાં એ રોકાયો. બે દિવસ સતત વોડકા પીધો. મિત્ર વોલ્ફ હેર્લિચ સાથે એક રાત ગાળી. રૂમમાં શાહી પણ નથીની ફરિયાદ કરી. પોતાના બંને કાંડા કાપીને પોતાના લોહીથી પોતાની આખરી કવિતા –ગુડ બાય, માય ફ્રેન્ડ, ગુડ બાય- લખી. બીજા દિવસે ૨૮-૧૨-૧૯૨૫ના રોજ એની લાશ મળી. ઉંમર માત્ર ૩૦ વર્ષ. એના પોતાના શબ્દોમાં જ, ‘સામાન્યરીતે કહું તો, એક ગીતકવિએ લાંબુ જીવવું જોઈએ નહીં.’ એક કવિતામાં એ કહે છે: ‘હું મારી જાતને મારી બાંય પર લટકાવી દઈશ, એક લીલી સાંજે એ બનશે.’ એના મૃત્યુ પછી એની જ અદામાં આત્મહત્યા કરવાની નવી જ ફેશન જન્મી અને ઢગલાબંધ ચાહકો, ખાસ કરીને સ્ત્રીચાહકોની કતારબંધ આત્મહત્યાઓએ દુનિયાને ચોંકાવી દીધી.

સર્ગે એલેક્ઝાન્ડ્રાવિચ યેઝેનિન. રશિયામાં કોન્સ્ટાન્ટિનોવોના ખેડૂતને ત્યાં ૦૩-૧૦-૧૮૯૫ના રોજ જન્મ. મા-બાપ શહેરમાં રહેવા ચાલ્યા ગયા એટલે મોટાભાગનું બાળપણ દાદી સાથે વીત્યું. નવ વર્ષની કુમળી વયે કવિતા લખવી શરૂ કરી. સત્તર વર્ષની ઉંમરે મોસ્કો સ્થાયી થયા અને પ્રુફ-રિડર તરીકે કામ કરવું શરુ કર્યું. ૧૯૧૬માં એમનો પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ થયો. ૧૯૧૯માં પોતાની પ્રકાશન સંસ્થા શરૂ કરી અને પ્રયોગાત્મક બળવાખોર કવિતાઓ અને ચોપનિયાંઓ વડે લોકોની (અને સરકારની) ઊંઘ ઊડાડી નાંખી. શરૂમાં ઓક્ટોબર ક્રાંતિ/રેડ ઓક્ટોબરના હિમાયતી પણ સ્વપ્નભંગ થયા પછી એના ટીકાખોર. (ઓક્ટોબર અથવા બોલ્શેવિક ક્રાંતિ એટલે રશિયામાં સદીઓની ઝાર રાજાશાહીનો ઈ.સ. ૧૯૧૭માં વ્લાદિમીર લેનિનના નેતૃત્વ હેઠળ અંત થઈ સામ્યવાદી શાસનનો સૂર્યોદય થયો તે) ૧૯૧૩માં અન્ના ઇઝરિઆદનોવા સાથે પહેલાં લગ્ન. એક પુત્ર. ૧૯૧૭માં ઝિનૈદા સાથે બીજા લગ્ન. બે સંતાન. ૧૯૨૨માં ઇઝાડોરા ડન્કન નામની પોતાનાથી ૧૮ વર્ષ મોટી નૃત્યાંગનાને વર્યા. વળી એક સ્ત્રીના પ્રેમમાં પડ્યા ને વળી એક કવયિત્રી વોલ્પિન થકી લગ્નેતર પુત્રના પિતા બન્યા. એ કહેતા: ‘ઘણી સ્ત્રીઓએ મને ચાહ્યો, અને મેંય એકાધિકને ચાહી છે.’ ૧૯૨૫માં ટોલ્સ્ટોયની પૌત્રી સોફિયા સાથે ચોથા લગ્ન. દારૂની લતના શિકાર. ડ્ર્ગ્સના રવાડે પણ ચડ્યા. ડિપ્રેશન, નર્વસ બ્રેકડાઉનના શિકાર રહ્યા. નશામાં ચકચૂર થઈ હોટલના રૂમોમાં તોડફોડ કરતા એ કારણે અવળી પ્રસિદ્ધિ પણ બહુ મળી. સર્ગે એક કવિતામાં પૂછે છે: ‘શા માટે મારી ખ્યાતિ એક શાતિર ઠગ અને ઉપદ્રવી તરીકેની છે, સાચે?’

રશિયાના લોકપ્રિય ‘ઉપદ્રવી કવિ’ (‘hooligan poet’) સર્ગે નિઃશંક વીસમી સદીના ઉત્તમ રશિયન ગીતકવિ હતા. એઝરા પાઉન્ડના ઇમેજિઝમના અનુયાયી. એમની પ્રારંભની કવિતાઓ રશિયન લોકગીતોથી પ્રભાવિત હતી. ફિલ્મી અભિનેતા જેવા અત્યંત દેખાવડા સર્ગે કાચી વયનું મૃત્યુ, સ્ત્રીઓ સાથેના ચર્ચાસ્પદ સંબંધો, સમલૈંગિક સંબંધ, શરાબખોરી, ડ્રગ્સ, ઉગ્ર સરકાર વિરોધી સૂર, જાહેરમાં પત્ની સાથે લડાઈ, તોફાન-તોડફોડ વિ.ના કારણે સતત ચર્ચાસ્પદ અને ખૂબ લોકપ્રિય પણ રહ્યા. જો કે એમની કવિતામાં સંવેદનાની જે ધાર અને ઊર્મિની અનૂઠી અભિવ્યક્તિ અને નાવિન્ય જોવા મળે છે એ જ એમની સદાબહાર લોકપ્રિયતાનું ખરું કારણ છે. લાગણીઓની કાલિમા આલેખતી પીંછીથી લખાયેલી આ કવિતાઓ અલ્લડ પ્રાસરચના અને ઉદ્ધતાઈથી ભરી-ભરી હોવા છતાં સશક્ત સંવેદન, મનમોહક અદા અને કામુક સૌંદર્ય, પ્રકૃતિ માટેના અદમ્ય સ્નેહ, બેવફા જિંદગી તરફના બેફિકર અંદાજના કારણે ઉફરી તરી આવે છે. મૃત્યુ એમની કવિતાઓમાં ચારેતરફ ઘુરકિયા કાઢતું રહે છે. સરવાળે સર્ગેની કવિતાઓ ભાવકને વ્યથિત કરી મૂકે છે અને ભાવકના મન પર અમીટ છાપ મૂકી જવામાં સફળ રહે છે.

મૃત્યુના આગલા દિવસે પોતાના જ લોહીથી લખવામાં આવેલી આ કવિતા અમરપટો લખાવીને આવે છે. બે મિત્રો કે બે પ્રેમીઓના વિખૂટા પડવાનો સમય થયો છે. કારણ શું છે એ કવિ પહેલા અંતરામાં કહેતા નથી. કવિતાને કારણો સાથે નિસ્બત હોય પણ નહીં. કવિતાનું કામ અંતરના ભીતરતમ ખૂણામાંથી જ્વાળામુખીની જેમ બહાર ઊછળી આવતી લાગણીઓને યથાતથ ભાવક સુધી પહોંચાડવાનું છે. જે અનુભૂતિમાંથી કવિ પસાર થયો હોય એ જ અનુભૂતિ રચનામાંથી પસાર થતી વખતે ભાવક પણ અનુભવે તો કવિતા લેખે લાગી ગણાય. સર્ગેની આ સ્વરક્તલિખિત રચનાનો ઇતિહાસ ખબર જ ન હોય તો પણ બીજા અંતરા સુધી પહોંચતામાં તો રુંવાડા ઊભા થઈ જાય છે. એક ઠંડી કંપકંપી કરોડરજ્જુમાંથી પસાર થતી અનુભવાય છે. કવિતા એટલી બધી સહજ-સાધ્ય, બળકટ અને વેદનાસિક્ત છે કે એના વિશે લખવા જતી વખતે ન માત્ર આંગળાઓ, સમગ્ર સંવેદનતંત્રને લકવો મારી ગયો હોવાની લાચારી અનુભવાય છે.

જીવન અને મૃત્યુની જેમ જ મિલન અને વિયોગ એક સિક્કાની જ બે બાજુ છે. ભલેને આપણે ગાઈએ કે, ‘કિસ્મત માં કોઈના કદી એવી ન પ્રીત હો, જેમાં મિલનના હોઠે જુદાઈનાં ગીત હો’ (શૂન્ય પાલનપુરી), પણ આપણે જાણીએ જ છીએ કે, ‘लिखनेवाले ने लिख डाले, मिलने के साथ बिछोड़े’ (આનંદ બક્ષી). સર્ગેની કવિતા જુદાઈના ભાવને મૃત્યુના કાળા કફનમાં વીંટાળીને રજુ કરે છે. જુદાઈ હંમેશા તકલીફ આપે છે પણ આ જુદાઈ બેવફાઈની જુદાઈ નથી, આ તો કાયમ માટેની જુદાઈ છે. એક કવિતામાં સર્ગે કહે છે, ‘જે ચાલ્યું ગયું એ કદી પાછું મેળવી શકાતું નથી.’ પણ અહીં કવિ પુનર્મિલનની ખાતરી આપે છે. કહે છે, આજે આપણે ભલે જુદા થઈ રહ્યા છીએ પણ તારું સ્થાન તો સદાકાળ મારા હૃદયમાં યથાવત્ જ રહેનાર છે. શરીર ભલે અલગ થઈ રહ્યા છે પણ આત્મા તો ક્યારનો એક થઈ ચૂક્યો છે ને એક જ રહેવાનો. આ જુદાઈ ટાળી શકાય એમ નથી. આ જુદાઈ પૂર્વનિર્ધારિત છે કેમકે મૃત્યુનો જન્મ તો સજીવમાત્રના જન્મતાવેંત જ થઈ ગયો હોય છે. મૃત્યુની સન્મુખ ઊભેલા રશિયન યુવાકવિની ભાષામાં જાણે કે ગીતાપાઠ સંભળાય છે:

जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च।
तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि।। (ભગવદ્ ગીતા ૨:૨૭)
(જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મરનારનું ફરી જન્મવું પણ નિશ્ચિત છે, માટે આ અનિવાર્ય બાબતમાં શોક કરવો યોગ્ય નથી.)

वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि।
तथा शरीराणि विहाय जीर्णान्यन्यानि संयाति नवानि देही।। (ભગવદ્ ગીતા ૨:૨૨)
(જેવી રીતે મનુષ્ય જૂનાં વસ્ત્રો ત્યાગીને નવાં વસ્ત્રો ધારણ કરે છે, તેવી રીતે આપણાં વૃદ્ધ અને નકામાં શરીરો ત્યજીને આત્મા નવાં શરીર ધારે છે.)

જલાલુદ્દીન રૂમી આવી જ વાત કરે છે:

अज मौतो हयात चंद पुरसी मन ?
खुर्शीद अज रौजनी दर अफतादो बेरफ्त ।
(મોત અને હયાતી વિશે મને શું પૂછો છો? સૂર્યનો તડકો બારીમાંથી પ્રવેશ્યો અને ચાલ્યો ગયો.)

આદિ શંકરાચાર્ય પણ જન્મ-મૃત્યુ વિશે આવું જ કહે છે: ‘पुनरपि जननं पुनरपि मरणं पुनरपि जननी जठरे शयनम्।’ (ફરી પાછો જન્મ. ફરી પાછું મૃત્યુ. ફરી પાછું માતાના પેટમાં સૂવું)

ત્રીસ વર્ષની કુમળી વયે રશિયા જેવા સામ્યવાદી દેશમાં થઈ ગયેલો આ ‘કેસનોવા’ ફિતરતનો રંગીન મિજાજ કવિ પણ આ જ વાત કેટલી સહજતાથી કહે છે! મૃત્યુ તો પૂર્વનિર્ધારિત જુદાઈનું જ બીજું નામ છે. પણ આ જુદાઈ વચન પણ આપે છે એ વાતનું કે ક્યાંક, ક્યારેક, કોઈક રીતે પણ આપણું પુનર્મિલન અવશ્ય થશે જ થશે. અને આ અફર જુદાઈનો શોક પણ વળી શાને? કવિશ્રી હરીન્દ્ર દવે તો આ ઘટનાને મૃત્યુનું નામ આપવાની જ ના કહે છે:

મહેકમાં મહેક મળી જાય તો મૃત્યુ ન કહો
તેજમાં તેજ મળી જાય તો મૃત્યુ ન કહો
રાહ જુદો જો ફંટાય તો મૃત્યુ ન કહો
શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો.

બંનેનો રસ્તો અલગ ફંટાઈ રહ્યો છે પણ દિલમાં સ્થાન તો અવિચળ જ છે અને ફરી મળવાની ખાતરી પણ જડબેસલાક છે એટલે જ કવિ શોક કરવાની ના કહે છે. જેનું સ્થાન દિલમાં જ છે એનાથી છૂટા પડવાની આખરી વેળાએ કંઈ કહેવું-કારવવાનું બિનજરૂરી જ હોવાનું. કોઈ ઔપચારિક હસ્તધૂનન, આલિંગન, પ્રેમાડંબરયુક્ત શબ્દો કે આંસુ, દુખથી તણાયેલા ભંવા – આ કશાની અહીં જરૂર જ નથી. રૂમી પણ કહે છે, ‘જ્યારે મારો જનાજો નીકળે, તમે કદી એવું ન વિચારશો કે હું આ દુનિયાથી જઈ રહ્યો છું. એકપણ આંસુ સારશો નહીં, ન વિલાપ કરજો, ન તો દિલગીર થજો.’ જિબ્રાન કહે છે: ‘તમારા આંસુઓ સૂકાવી દો, મારા મિત્રો, અને માથાં ઊંચકો જેમ ફૂલ પરોઢને આવકારવા એમના મસ્તક ઊઠાવે છે. પાસે આવો અને મને વિદાય આપો; મારી આંખોને સસ્મિત હોઠોથી અડકો’ જન્મ કોઈ અલગ ઘટના છે જ નહીં. બાળકમાંથી કાળક્રમે જન્મતા વૃદ્ધ અને બાળકને આપણે સમયરેખા સિવાય કઈ રીતે અલગ પાડી જ શકીએ? મૃત્યુ તરફની અવિરત ગતિની શરૂઆતને જ આપણે જન્મ કહીએ છીએ. મૃત્યુ તો મંઝિલપ્રાપ્તિની ઘડી છે. એને વધાવવાનું હોય, એનો શોક કેમ? જયંત પાઠક કહે છે, ‘મૃત્યુ એટલે એક અજાણ્યું ઈંડું, ફૂટ્યા વગર એના ગર્ભને પામી શકાતો નથી.’

કવિનું મૃત્યુ આત્મહત્યા હતી કે હત્યા એ હજી સુધી ચર્ચાનો વિષય બની રહ્યું છે. એવું કહેવાય છે કે એમના સરકારવિરોધી વલણ અને ઉદ્દામ કવિતાઓના કારણે સોવિયટ યુનિયનની છૂપી પોલિસે જ એમની હત્યા કરી અને આત્મહત્યામાં ખપાવી દીધી. યેઝેનિનની કવિતાઓમાં રહેલી તાકાતથી ડરીને એમના મૃત્યુ બાદ છેક સ્ટાલિનના શાસનકાળમાં એમના કાવ્યો પર જડબેસલાક પ્રતિબંધ લાગ્યો હતો અને કવિના મૃત્યુના ચાર-ચાર દાયકા બાદ છે…ક ૧૯૬૬ની સાલમાં એમનું મોટાભાગનું સર્જન લોકોને પ્રાપ્ત થયું.

મોતનો ડર મોટાભાગનાને સતાવે છે. કવિ મોતથી ડરતા નથી કેમકે એ જિંદગીથી ડરતા નથી. એ જિંદગી અને મોતને અલગ સ્વરૂપે જોતા જ નથી.

મોત પણ આવે હવે તો દુઃખ નથી,
જિંદગીને જાણવાની આ ક્ષણે.

જિંદગી અને મોત એક જ રેખાના બે બિંદુ છે એ સમજણ આવી જાય તો ડર નીકળી જાય. કવિ ભલે કહે કે ‘મને ન મરવું ગમે છૂટક ટૂંક હપ્તા વડે’ (ચુનીલાલ મડિયા) પણ આ જીવન અને મરણ –બંનેમાં કંઈ જ નવું નથી, કંઈ જ અલગ નથી. જે જન્મ્યો છે એ મરવાનો જ છે. અને દુનિયાની ઘરેડમાં ઘૂસી ગયા પછી ઘાણીના બળદની જેમ જીવ્યા કરવામાં પણ વિશેષ શી નવીનતા છે, કહો તો! માણસ જીવીને મરે છે અને મરીને જીવે છે. જીવવામાં પૂરો થઈ જાય છે અને પૂરો થતાં-થતાં જીવે છે. જિંદગીના વરસો ગણવાના બદલે વરસોમાં રહેલી જિંદગી ગણતા આવડે એ જ સાચું ગણિત છે. જેટલો સમય તમે ભીતરથી આનંદિત થઈ શકો છો એટલું જ તમે જીવ્યા છો. બાકીનો સમય એટલે હાડ-ચામના ખોખામાં થયા કરતી અવરજવર નકરી, બસ. સર્ગે સંતુષ્ટ છે. એ આયુષ્યમાં છૂપાયેલ જિંદગી જીવી જાણે છે. કહે છે: ‘આપણી આ દુનિયામાં આપણે બધા નાશવંત છીએ. ખુશનસીબ છું હું કે ખીલવાનો સમય મળ્યો, મરી જતાં પહેલાં.’ જ્યારે જિંદગીના કપાળેથી મરણની નવાઈ ભૂંસાઈ જાય છે ત્યારે ચહેરો ગ્લાનિમુક્ત થઈ જાય છે. વધારાના શ્વાસનો બોજો જીવતરના ખભે નાંખી ઢસરડા કરવાની ગાડરિયા વૃત્તિ, જેને આપણે સહુ જિજિવિષાના નામનું સોનેરી વરખ ચડાવીને ખુશ થવા મથતા રહીએ છીએ, હવે બચતી નથી. એટલે લોહીના હસ્તાક્ષર કરીને લટકી જવામાં હિચકિચાહટ રહેતી નથી. આમેય વચ્ચે મૃત્યુના વિસામા પર થોભ્યા વિના એક જીવનમાંથી બીજા જીવન તરફ સરાતું નથી.

દેહ છોડી જીવ મારો ક્યાં જશે ? કોને ખબર ?!
એક પરપોટો પુનઃ પાણી થશે ? કોને ખબર ?! (ચિનુ મોદી)

ફૂટવાના કારણે વચ્ચે ભરાયેલી હવા નીકળતાવેંત પરપોટો પુનઃ પાણી બની જાય છે. આત્મા અલગ થઈ જતાવેંત શરીર માટી બની જાય છે, પંચમહાભૂતમાં ભળી જાય છે. સર્ગેને આ સમજાઈ ગયું છે એટલે એ સંપૂર્ણ સજાગાવસ્થામાં નિર્લેપભાવે કપાળ પર કરચલી પણ પાડ્યા વિના અને ન પાડવાની સલાહ આપીને વિદાયની વાત કરી શકે છે. જિબ્રાનની એક પંક્તિથી વાત પૂરી કરીએ: ‘કેમકે જિંદગી અને મૃત્યુ એક જ છે જેમ નદી અને સાગર એક જ છે. કેમ કે મરી જવું પવનમાં નગ્ન ઊભા રહેવું અને તાપમાં ઓગળી જવાથી વધુ બીજું શું છે?’

6 replies on “ગ્લૉબલ કવિતા : ૪૯ : ગુડ બાય, દોસ્ત – સર્ગે યેઝેનિન”

 1. જયેન્દ્ર ઠાકર says:

  યેઝેનિનનુ જિવન અને કવન ધુમકેતુ જેવું પ્રખર પ્રકાશિત અને પ્રચન્ડ હતુ. સર્જનાત્મક બળવાખોર અને anti-monarchist સ્વભાવ, સાથે સાથે પિવાની આદત અને ટુંક જિવન, ઘણાં સ્ત્રી સંબંધો વગેરે Manic-depressive વ્યક્તિત્વ દર્શાવે છે. તેનું મ્રુત્યુ કુદરતી નથી. તેને હોટલમાં શાહી ન મળી એટલે પોતાના લોહીથી છેલ્લી કવિતા લખી… યાદ આવી ગયું…
  કરીને ષિર્શનુ તુંબુ, નેત્રની નખલી કરી
  બજાવિ લે, બજાવિ લે, બીન તારું ફરી ફરી…

 2. Prof. K. J. Suvagiya says:

  અધમ વ્યક્તિત્ત્વમાંથી ઉત્તમ કૃતિત્વ કઈ રીતે જન્મે?
  -એ વ્યક્તિગત રીતે મને મૂંઝવતો પ્રશ્ન છે!

  રાજકીય વ્યવસ્થા સામે બંડ પોકારવાની હિંમતને દાદ આપવી ઘટે,
  પરંતુ એ સિવાય તેની તમામ પ્રવૃત્તિઓ નારકીય અને પાતકીય છે!
  માત્ર શબ્દોનાં જાળાં ગૂંથી સ્ત્રીઓના કોમળ ભાવોનો ગેરલાભ લેવો,
  એના દેહો ચૂંથવા, તમામ પ્રકારની બદીઓ ના શિકાર જાતે જ થવું,
  પાગલપણાના અતિરેકમાં આત્યંતિક પગલું ભરવું..! -આ બધું મહિમામંડિત કઈ રીતે કરી શકાય?

  એક ઉત્તમ કવિતાઓનો કવિ ગમે તેમ વર્તતો રહે અને સમાજ તેને પ્રશંસતો રહે, નવાજતો રહે, એ કેવું..?!
  તો પછી સાહિત્યકારના સામાજિક દાયિત્વની વાતો બધી અમસ્તી જ?!!
  -એ વ્યક્તિગત રીતે મને મૂંઝવતો પ્રશ્ન છે!
  શું હું સાવ ખોટી મૂંઝવણ અનુભવું છું..?

  • આપની મૂંઝવણ યથાર્થ છે, પ્રોફેસરસાહેબ… પણ નશા અને વ્યાભિચાર સમાજના તમામ સ્તરે એકસમાન જ વ્યાપક હોય છે. કળાકાર પણ મનુષ્ય જ છે અને મનુષ્યસહજ બદીઓથી મુક્ત નથી. ઇતિહાસ સાક્ષી છે કે મોટા ગજાના મોટાભાગના કળાકારો એક ખૂંટે ભાગ્યે જ બંધાઈ રહ્યા છે… ગાલિબની બાદાખોરી લઈ લ્યો કે પછી મરીઝની નશાખોરી જોઈ લ્યો… અગણિત દાખલાઓ છે. કદાચ એકાધિક દેહસંબંધ કળાકાર માટે પ્રેરણા બનતા હોય એવું પણ બને… સર્ગે વિશેની આપણી જાણકારી પણ ઉપરછલ્લી છે. કળાકારની કળા તરફ ધ્યાન આપી એમના અંગત જીવનને અવગણવું એ જ સુગમ રસ્તો છે એમ મારું માનવું છે…

 3. જયેન્દ્ર ઠાકર says:

  ગમતા નો કરો ગુલાલ, છોડો બીજો જિવનનો મલાલ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *