ગ્લૉબલ કવિતા : ૪૬ – ઓઝિમન્ડિસ – શેલી

Ozymandias

I met a traveller from an antique land,
Who said—“Two vast and trunkless legs of stone
Stand in the desert. . . . Near them, on the sand,
Half sunk a shattered visage lies, whose frown,
And wrinkled lip, and sneer of cold command,
Tell that its sculptor well those passions read
Which yet survive, stamped on these lifeless things,
The hand that mocked them, and the heart that fed;
And on the pedestal, these words appear:
My name is Ozymandias, King of Kings;
Look on my Works, ye Mighty, and despair!
Nothing beside remains. Round the decay
Of that colossal Wreck, boundless and bare
The lone and level sands stretch far away.”

– Percy Bysshe Shelley

ઓઝિમન્ડિસ

હું મળ્યો’તો પુરાતન મલકના એ પથિકને,
કહ્યું જેણે – “મોટા ધડહીન પગો બે, ખડકના
મરુમાં ઊભા છે… નિકટ રણમાં ત્યાં જ પડ્યું છે
તૂટ્યું માથું, અર્ધું ગરક રણમાં, તેવર તીખાં
અને વંકાયેલા અધર, ક્રૂર આદેશની હંસી,
કહે છે શિલ્પીએ અદલ જ ગ્રહ્યા ભાવ સહુ, જે
હજીયે બચ્યાં આ જડ ચીજ પરે અંકિત થઈ,
ટીકા સૌની જે હાથ થકી કરી ને પોષણ કર્યું
દિલે જે; ને કુંભી પર લિખિત છે ત્યાં શબદ આ:
મહારાજા છું, ઓઝિમનડિસ છે નામ મુજ, ને
જુઓ મારા કાર્યો, સબળ જન, થાઓ સહુ દુઃખી!
– હવે આજે મોટા ક્ષયગ્રસિત ભંગારથી વધુ
ન બીજું બચ્યું કૈં, નજર ફરકે ત્યાં લગ બધે
અટૂલી રેતી છે, સમથળ, ઉઘાડી, અસીમ ત્યાં.”

– પર્સી બિશ શેલી
(અનુ.: વિવેક મનહર ટેલર)

समय समय बलवान है|

સૌથી મોટો વિનાશક કોણ? સંહારના દેવતા શંકર? ના, ના, સમય જ! શિવનું તાંડવ તો ત્રીજું નેત્ર ખૂલે ત્યારે જ જોવા મળે પણ સમય તો ક્ષણ-ક્ષણના છીણી-હથોડા લઈ સતત સંહારતો રહે છે. એનું ટાંકણું ભલભલા ‘છે’ને ‘હતા’ બનાવી દે છે. સમય અવળો હોય તો મહાભારતનું આખું યુદ્ધ અંકે કરી લેનાર અર્જુન પણ મામૂલી ભીલના હાથે લૂંટાઈ જાય છે:

समय समय बलवान है, नहीं मनुष बलवान,
काबे अर्जुन लूंटियो, वही धनुष, वही बाण॥

સમયનું બુલડોઝર જિંદગીના રસ્તા પર સતત ફરતું રહે છે અને બધા જ ખાડા-ટેકરાને સમથળ બનાવતું રહે છે. સમયનો ન્યાય રાજા-રંક બંનેને ત્રાજવાના એક જ પલ્લામાં ઊભા કરી દે છે. સમયની આ અસીમ શક્તિ અને મનુષ્યના મિથ્યાભિમાનની ક્ષણભંગુરતા શેલીની પ્રસ્તુત રચનામાં બખૂબી ઉપસી આવે છે.

પર્સી બિશ શેલી. ૦૪-૦૮-૧૭૯૨ના રોજ ઇંગ્લેન્ડમાં જન્મ. વંશપરંપરાગત અમીર. પણ નાનપણથી જ ક્રાંતિકારી વિચારો, આઝાદ મગજ અને બૌદ્ધિક જિજ્ઞાસા દીવા જેવા સાફ. મુક્તપ્રેમના અને નાસ્તિકવાદના ચાહક. ‘નાસ્તિકતાની જરૂરિયાત’ શીર્ષકવળું પોતાનું લખાણ પરત ખેંચી લેવાની માંગણીના અસ્વીકારના કારણે એ ન માત્ર ઓક્સફર્ડમાંથી, ધનાઢ્ય પરિવારથી પણ અને એ રીતે આર્થિક મોકળાશથીય વેગળા થયા. ઓગણીસ વર્ષની ઉંમરે હેરિયટ વેસ્ટબ્રુકની સાથે ભાગી ગયા અને લગ્ન કર્યા. બે સંતાનના પિતા પણ થયા પણ પછી મેરી ગોડવિનના પ્રેમમાં પડી એની સાથે ભાગી નીકળ્યા અને ઇટાલીમાં સ્થાયી થયા. બાયરન સાથે ગાઢી દોસ્તી કરી. ૦૮-૦૭-૧૮૨૨ના રોજ શબ્દોના મહાસાગરને સફળતાપૂર્વક પાર કરી શકનાર શેલી ૨૯ વર્ષની નાની વયે ડોન જુઆન નામની યાટમાં તોફાનમાં ફસાઈને સ્પેઝિયાના અખાતમાં ડૂબી ગયા. શેલીના અકાળ અવસાનથી સાહિત્યજગતને પડેલી ખોટ પૂરી પૂરાય એમ નથી.

શેલી રોમેન્ટિસિઝમના અગ્રગણ્ય કવિ હતા. જે રીતે નાટ્યકાર તરીકે શેક્સપિઅર અતુલ્ય ગણાય છે એ જ રીતે ગીતકાર તરીકે શેલી નિર્વિવાદપણે બેજોડ છે. સ્વપ્નદૃષ્ટા પ્રબોધક કાવ્યો અને ઉત્તમોત્તમ નાના ગીતકાવ્યો –એમ શેલીને બે સાફ વિભાગમાં વહેંચી શકાય. શેલીની શૈલી સરળ, સહજ, લવચિક અને આવેશપૂર્ણ હતી. ભાષાની શુધ્ધતા, કલ્પનની ઊંચાઈ અને બયાનની પ્રવાહિતાના કારણે શેલી બધાથી અલગ તરી આવે છે. ટૂંકમાં શેલી સરળતા અને ગહનતાનો સુભગ સમન્વય હતા.

ઓઝિમન્ડિસ (અંગ્રેજી ઉચ્ચાર ઓઝિમન્ડિયાસ) શીર્ષક આપણા માટે આગંતુક છે. લગભગ ૩૩૦૦ વર્ષ પહેલાં (ઈ.પૂ. ૧૩૦૦) જન્મેલ રેમસિઝ બીજાનું ઇજિપ્શ્યન નામ User-maat-Re હતું જેનું ગ્રીક ઓઝિમન્ડિસ હતું. શેલી એ રેમસિઝ કે ઉસર-માત-રે પડતાં મૂકીને ઓઝિમન્ડિસની પસંદગી કરી કેમકે પ્રાચીન ગ્રીક ભાષા પર એમનું ખાસ્સંલ પ્રભુત્વ હતું. ઓઝિયમનો અર્થ શ્વાસ કે હવા થાય છે અને મેન્ડેટ અર્થાત્ શાસન કરવું. એ અર્થમાં ઓઝિમન્ડિસ મતલબ “શાસન કરવા માટે શ્વસવું (જીવવું).” ઓઝિમન્ડિસ ઇજિપ્તની ગાદી પર આરુઢ થયેલો ત્રીજો ફેરો હતો. તમામ ફેરોમાં એ સૌથી વધુ શક્તિશાળી હતો અને સૌથી લાંબા સમય સુધી શાસક રહ્યો. સવાત્રણ હજાર વર્ષ પહેલાં એણે લગભગ છ માળ ઊંચું ૫૭ ફૂટનું પૂતળું બનાવડાવ્યું હતું. એના વિશાળકાય પૂતળા નીચે કુંભી પર આ લખાણ હતું: ‘રાજાઓનો રાજા છું હું, ઓઝિમન્ડિસ. જે કોઈપણ એ જાણે કે હું કેટલો મહાન હતો અને ક્યાં સૂતો છું, એને મારા કાર્યોમાંથી એકને વટી જવા દો.’

મોટા દેખાવું, પ્રસિદ્ધ થવું કોને નથી ગમતું પણ પોતે હોઈએ એનાથીય વધુ વિરાટ દેખાવાની ઝંખના જ્યારે બિમારીની કક્ષાએ પહોંચે ત્યારે એને મેગાલોમેનિયા કહે છે. મેગાલોમેનિઆક સ્વથી આગળ વધી શકતો નથી. આ બિમારી હાલ નાર્સિસિસ્ટીક પર્સનાલિટી ડિસઓર્ડર (NPD) તરીકે ઓળખાય છે. મેગાલોમેનિઆકના હાથમાં ઓઝિમનડિસ જેવી સત્તા આવી જાય એનું એક ઉદાહરણ આ ગંજાવર પૂતળું છે. પણ જે રીતે અંધારું નાના-મોટા વચ્ચેનો ભેદ ભૂંસી નાંખે છે એ જ રીતે સમય પણ ખોટી મોટાઈને ભૂંસીને નીરક્ષીરન્યાય કરી જ દે છે. કહ્યું છે ને:

અહમ્ સામે ઝૂકેલા સૃષ્ટિ ઝૂકાવી નથી શકતા,
સિકંદર હો કે હો ચંગીઝ, કો’ ફાવી નથી શકતા.

૧૯૧૭માં લંડનના બ્રિટિશ મ્યુઝિયમ દ્વારા ઇ.પૂ. ૧૩મી સદીનું રેમસિઝ બીજાનું જંગી પૂતળું (જે ૧૯૨૧માં લંડન પહોંચ્યું) પ્રાપ્ત કરાયું હોવાના સમાચારે આ રચના માટે પ્રેરણા આપી હોવાનું મનાય છે. મિત્ર હોરાસ સ્મિથ સાથેની સ્પર્ધામાં શેલીએ આ સૉનેટ લખ્યું હતું. સ્મિથે પણ આજ શીર્ષકથી સૉનેટ લખ્યું છે. સ્મિથના સૉનેટમાં શેલીએ જે વાત કરી છે એની સાથોસાથ લંડન શહેરની શિકારી દોડ અને શક્તિશાળી પ્રાચીન જાતિઓ વિશેનું આશ્ચર્ય વ્યક્ત થયું છે.

ઓઝિમન્ડિસ સૉનેટ અષ્ટક-ષટક સ્વરૂપે બહુધા આયમ્બિક પેન્ટામીટરમાં લખાયું છે પણ શેલીએ ટ્રોકી (trochee) પણ અનિયમિતતાથી વચ્ચે વચ્ચે પ્રયોજીને કોઈ કે છંદને વળગી રહેવાનો વિરોધ કર્યો છે. સૉનેટ સ્વરૂપ પેટ્રાર્કન છે પણ પ્રથમ ચાર પંક્તિમાં શેક્સપિરિઅન પ્રકારની અને એ પછી બિલકુલ અનિયમિત પ્રાસરચના (ABABACDC EDEFEF) પ્રયોજાઈ છે. આ અટપટી પ્રાસરચના કાવ્યને કોઈ રીતે ઉપકારક ન હોવાથી શિખરિણીમાં ગુજરાતી અનુવાદ કરતી વખતે એ પ્રકારની પ્રાસરચના જાળવવી અનિવાર્ય લાગી નથી.

શેલીની આ રચના એની ખરી શૈલીની દ્યોતક નથી. પ્રમાણમાં આખી કવિતા એક જ લીટીમાં ચાલે છે અને કોઈપણ ગૂઢાર્થ ખિસ્સામાં છુપાવી રાખીને ભાવકને મળતી નથી. તરત જ સમજી શકાય એવી સરળ હોવા છતાં જનમનને તરત જ સ્પર્શી જાય એવું સાર્વત્રિક ભાવકેન્દ્ર ધરાવતી હોવાના કારણે એ શેલીની સૌથી વધુ લોકપ્રિય થયેલી અને ટંકાયેલી રચના બની છે. આખી રચના બે સ્તરે ચાલતા એકતરફી સંવાદ સ્વરૂપે છે. એક બાજુ, કવિ વાચક સાથે એકતરફી વાત કરે છે અને બીજી બાજુ, એક વટેમાર્ગુ કવિની સાથે વાત કરે છે અને પ્રથમ સવા લીટીને બાદ કરતાં આખો મોનોલોગ વટેમાર્ગુ તરફથી જ કરવામાં આવ્યો છે. એક રીતે આ ઓઝિમન્ડિસની સરમુખત્યારીનું પણ દ્યોતક ગણી શકાય.

કાવ્યારંભે કવિ કહે છે કે એ કોઈક પ્રાચીન સ્થળ, અહીં ઇજિપ્ત તરફથી આવેલા મુસાફરને મળ્યા હતા. અને એ મુસાફરે કવિને જે બયાન આપ્યું એ બયાન એટલે બાકીનું આખું સૉનેટ. ઇજિપ્તના રણમાં નજર પહોંચે ત્યાં સુધી ચારે તરફ અફાટ રેતી જ રેતી ફેલાઈ પડી છે. મુસાફરી કરતી વખતે મુસાફર રેતીના સમુદ્રની વચ્ચોવચ ઊભા એક પૂતળા પાસે આવે છે. સમયની થપાટો ખાઈ ખાઈને પૂતળું હતું-ન હતું થઈ ગયું છે. માત્ર એક કુંભી પર બે વિરાટકાય પગો ઊભેલા રહી ગયા છે. માથું તૂટીને રણમાં પડ્યું છે ને અડધું રેતીમાં ગરકાવ પણ થઈ ગયું છે. ધડનું તો ક્યાંય નામોનિશાન રહ્યું નથી. મુસાફર ચહેરા પર કોતરવામાં આવેલા ભાવો ચિવટાઈથી નિહાળે છે. ભવાં તણાયેલા છે, હોઠ વંકાયેલો છે અને ઠંડા કલેજે અપાતા આદેશનો ઉપહાસ કહી રહ્યો છે કે શિલ્પી રાજાના મનોભાવોને બખૂબી યથાર્થ વાંચી શક્યો છે અને પથ્થર પર કંડારી શક્યો છે જે હજી પણ આ જીવનહીન વસ્તુઓ પર એમનેમ ટકી રહ્યા છે. સમજી શકાય છે કે રાજા ભરે જુલમી અને સરમુખત્યાર હશે. જે હાથે રાજાના આવા હાવભાવ કોતરીને હાંસી ઊડાવી એ શિલ્પી પોતે અને આવા જુલ્મો સહન કરનાર, પોષનાર હૃદય અર્થાત્ પ્રજા – આમાનું કંઈ હવે બચ્યું નથી. પગ નીચે કુંભી પર લખ્યું છે, ‘હું રાજાઓનો રાજા છું. મારું નામ ઓઝિમન્ડિસ છે. હે શક્તિશાળી લોકો! મારા કાર્યો તરફ જુઓ અને નિઃસાસા નાંખો.’ પણ આજે ત્યાં આ તૂટ્યા-ફૂટ્યા તોય વિશાળકાય ભંગાર સિવાય કંઈ જ બચ્યું નથી. ચારે તરફ એકલી-અટૂલી, નગ્ન, અસીમ અને બધાને સમથળ કરી દેતી રેતી સિવાય બીજું કંઈ જ નથી.

શેલીનું સૉનેટ ‘I’ (હું)થી શરૂ થાય છે એ પણ સૂચક છે. વળી શેલીએ mockedને પણ બે અર્થમાં પ્રયોજ્યો હોવાનું સમજાય છે. એક, શેક્સપિઅરની જેમ ‘વર્ણવવું’ના અર્થમાં તો બીજું, સર્વમાન્ય ‘હાંસી ઊડાવવું’ તરીકે. ગુજરાતી અનુવાદ માટે આવો શબ્દ જડવો અશક્ય હોવાથી ‘ટીકા’ શબ્દ વાપર્યો છે, જેનો એક અર્થ ‘સમાલોચના’ અને બીજો સર્વમાન્ય ‘હાંસી’ થાય છે જેથી મૂળ કૃતિની બને એટલા નજીક રહી શકાય.

જૈનાચાર્ય શય્યમ્ભવ ‘દશવૈકાલિક સૂત્ર’માં કહે છે : ‘माणो विणयनासणो|’ (માન વિનયનો નાશ કરે છે.) આપણે વાતવાતમાં ‘નામ તેનો નાશ’ અને ‘અભિમાન તો રાજા રાવણનું પણ નથી રહ્યું’ બોલતા હોઈએ છીએ. પ્રસ્તુત સૉનેટ આજ વાતનો બોલતો અરીસો છે. કબીર યાદ આવે:

कबीर गर्व न किजीये, चाम लपेटी हाड़।
एक दिन तेरा छत्र सिर, देगा काल उखाड़॥

શેકસપિઅરનું મેક્બેથ આખું નાટક અહંકાર અને એનાથી સર્જાતી દુર્દશાનું કથાનક છે. ‘એઝ યુ લાઇક ઇટ’માં એ કહે છે, ‘મારું અભિમાન મારા સદભાગ્યની સાથે જ જમીનદોસ્ત થયું.’ ‘ટ્રોઇલસ અને ક્રેસિડા’માં શેક્સપિઅર જ કહે છે, ‘જે અભિમાન કરે છે એ પોતાની જાતને જ ખાઈ જાય છે’ ઓઝિમન્ડિસનો પણ સમયે એ જ હાલ કર્યો.

ભગવદ્ગીતામાં કહ્યું છે: ‘अहङ्कारविमूढात्मा कर्ताहमिति मन्यते| (અધ્યાય:૩, શ્લોક ૨૭) (અહંકારથી ભ્રમિત જીવ પોતાની જાતને સમગ્ર કાર્યોનો કર્તા માની લે છે.) હકીકત એ છે કે ન માત્ર ઓઝિમન્ડિસ, પણ એ શિલ્પી જેણે એના ક્રૂર ભાવો શિલ્પાંકિત કર્યા એ શિલ્પી અને એ પ્રજા જેણે રાજાના જુલમો સહન કરીને અન્યાયને પોષ્યો, એ બધા જ સમયની રેતીમાં ક્યારે ગરકાવ થઈ ગયા એય કોઈ જાણતું નથી. મહાન જર્મન તત્ત્વચિંતક નિત્શેએ સાચું જ કહ્યું’તું: ‘જ્યારે પણ હું ઊંચે ચડું છું, અહમ નામનો કૂતરો મારો પીછો કરે છે.’

શેલી કહે છે, ‘કવિઓ દુનિયાના અસ્વીકૃત કાનૂનનિર્માતા છે.’ સાચી વાત છે. તહસનહસ થઈ ગયા બાદ પણ ૩૩૦૦ વર્ષોથી ટકી રહેલ ઓઝિમન્ડિસની કુંભી પરના લખાણની નિરર્થક વાસ્તવિકતા સામે કવિ જ અરીસો ધરી શકે. શેલીના મતે ‘કવિતા એવો અરીસો છે જે વિરૂપનેય સુંદર બનાવે છે.’ સમયની છીણીથી ભગ્નાવશેષ બની ગયેલ ઓઝિમન્ડિસનું તૂટેલું પૂતળું પણ શેલીના સૉનેટમાં ખૂબસૂરત, અ-ક્ષત, અ-મર બની ગયું છે. કળા સિવાય બાકી બધાને સમય ઇતિહાસ બનાવી દે છે. મનુષ્યના મિથ્યાભિમાન પર આખરી હાસ્ય એનું જ હોય છે, શું એટલે જ એને ઇતિ-હાસ કહે છે?

2 replies on “ગ્લૉબલ કવિતા : ૪૬ – ઓઝિમન્ડિસ – શેલી”

  1. Vivekbhai:

    Whatever little I have read and known about Shelly has made him one of my very favorites. One of my other favorite is John Keats off-course! Years back, when I read this one it impressed me a lot. ( I graduated from college in 1961!) However, your description and explanation made it much more meaningful for me. Thanks a lot.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *