શરદપૂનમ Special: સાગર અને શશી – મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’

આજે શરદપૂનમના દિવસે આ ગીત… અને સાથે અમરભાઇના સ્વર – સ્વરાંકન… બીજુ શું જોઇએ? સૌને શરદપૂનમની હાર્દિક શુભેચ્છાઓ સાથે માણીએ આ ગીત, અને સાથે અમરભાઇએ કરેલી આ ગીત વિષેની થોડી વાતો…

દર વર્ષે શરદપૂનમના દિવસે આપણી ભાષા તરફથી વિશ્વને મળેલું ભવ્યતમ સંગીતકાવ્ય યાદ આવે છે- કવિ કાન્તનું ઝૂલણા છંદમાં નિબદ્ધ ‘સાગર અને શશી‘. વર્ષો સુધી આ કાવ્યના પઠનની મજા લીધી.‘ઉદય – હૃદય‘, ‘વિમલ પરિમલ’, ‘ ગહન નિજ ગગન’- શબ્દો બોલીને નાદ માધુર્ય અને એનું અંતર્ગત સંગીત માણ્યું.
‘પિતા! કાલના સર્વ સંતાપ શામે’ માં ‘કાલ‘ એટલે સમય કે ગઈ કાલ ની વ્યથા કે આવતી કાલની ચિંતા! – આ પ્રશ્ન જ કેવળ – હજુ પણ માણું છું.
આજે આ કાવ્ય ગાન સ્વરૂપે વહેંચવું છે. કાવ્યમાંના ‘ચંદ્ર’ શબ્દ પરથી રાગ ચંદ્રકૌંસનો આધાર લઈને થયેલું આ સ્વરાંકન છે અને ઝૂલણા છંદ- પંચકલ સંધિનો છંદ- એટલે 10 માત્રાનો તાલ. રાજેન્દ્ર શુક્લ કહે છે તેમ-
‘લે આ મને ગમ્યું તે મારું
પણ જો તને ગમે તો તારું’
અમર ભટ્ટ

સ્વરાંકન અને સ્વર – અમર ભટ્ટ
સંગીતઃ અમિત ઠક્કર 
આલ્બમ: શબ્દનો સ્વરાભિષેક –  5

.

પઠન : વિનોદ જોશી

.

આજ, મહારાજ! જલ ઉપર ઉદય જોઈને
ચંદ્રનો, હૃદયમાં હર્ષ જામે

સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન,
નિજ ગગનમાંહી ઉત્કર્ષ પામે;
પિતા, કાલના સર્વ સંતાપ શામે!
નવલ રસ ધવલ તવ નેત્ર સામે,
પિતા, કાલના સર્વ સંતાપ શામે!

જલધિજલદલ ઉપર દામિની દમકતી,
યામિની વ્યોમસર માંહી સરતી,
કામિની કોકિલા કેલી કૂંજન કરે,
સાગરે ભાસતી ભવ્ય ભરતી;
પિતા, સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી!

તરલ તરણી સમી સરલ તરતી,
પિતા, સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી!

-મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’

6 replies on “શરદપૂનમ Special: સાગર અને શશી – મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’”

  1. આજે આઠમી વખત આત્રણે ગીત સાંભળ્યાં. ટહૂકો ખોલતાં ફડકો પડે , ક્યાક ભક્તાબાએ ઉપાડી લીધાં હશે તો? માનું છું
    તમને પણ કોઇ ટેકનીકલ કારણનું દબાણ હશે. તો પછી ચોરીને લઇ લેવાની રીત શિખવો . ભલે અમે ચોરમાં ખપશું !
    પણ લાંબા સમય સુધી સાંભળી તો શકશું ! રામ નામ રટવામાં હજી બરાબર રસ નથી પડ્યો. મન હજી આવાં સુંદર ગીતોના
    ગાન અને કવન માટે તલસે છે.આગળપણ આવાં સુંદર ગીતો ઘણા ગુમાવ્યાં છે. પેલાં એક બેને (હવે તો નામ પણ ભુલી ગયો) મધમીઠા કંઠે ગાયેલાં ગીતો તો નજર સામે આવે પણ કાનમાં પડઘો ન પડે, એ વખતે હૈયાંની શી હાલત હશે? કોઈક
    તો રસ્તો કાઢો ? ! !

  2. આ કાવ્ય ભણાવનાર , અને કવિના ભત્રિજા ભટ્ટ સાહેબ , 75 વર્ષ પછી નજર સમક્ષ થયા.નવસારીની મદ્રેસા હાઇસ્કુલના
    એ ખંડમાં જાણે આજે બેઠો છું. તે દા’ડે આ કંઠ અને સ્વરાંકન નો’તાં.હવે આ પાકાં ફળ અમને પ્રસાદરુપે રાખવા દો.
    જીવનને સામે કાંઠે બેઠેલાં કાંઇક તો માણીયે ?

  3. મિષ્ટાન્ન જમતી વખતે વાત કરવી ન ફાવે એમ ત્રણેય ગીતો સાંભળતી વખતે અને સાંભળ્યા પછી તરત લખવાનું
    ન ફાવે ન ગમે.ખૂબ ઉત્તમ છે.કવિ, સ્વરકાર. ગાનાર કોને ન વખાણુ ?

  4. વાહ … અદભુત, ખુબજ આનંદ થયો. ગુજરાતી ભાષાના ગૌરવ જેવી અદભુત સુંદર કૃતિ – કેટલી સરસ કવિતા ! કેવા સરસ કવિ અને કાવ્યને સમજીને એનો ભાવાર્થ અભિવ્યક્ત કરતું સરસ સ્વર-સંયોજન અને એમના મિત્ર તરીકે મેં એક અંગ્રેજી શબ્દપ્રયોગ કરેલો, “અમરભાઇનો અવાજ ઋજુ છે”…(મેં એક કાર્યક્રમમાં એને “mellifluous” કહેલો)…એમને સાંભળ્યા કરવા ગમે એવા સમર્થ ગાયક છે અને વ્યક્તિ તરીકે એથી પણ વધુ સરસ છે….આપ સહુનો, “ટહુકો”નો ઋણી રહીશ। આભાર। – હિમાંશુ ત્રિવેદી, ઑક્લેન્ડ, ન્યૂઝીલેન્ડ
    (mellifluous
    adjective
    (of a sound) pleasingly smooth and musical to hear.
    “her low mellifluous voice”
    synonyms: sweet-sounding, sweet-toned, dulcet, honeyed, mellow, soft, liquid, soothing, rich, smooth, euphonious, lyric, harmonious, tuneful, musical

  5. સુંદર કાવ્ય છે. શરદપૂનમની રાતે ચંદ્રનો ઉદય ઉરમાં કેટકેટલી ભાવના અને આશા જગાવે છે, અને એ સાથે આ કાવ્યનું સ્મરણ એક અદભુત ભાવ જગાડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *