ગ્લૉબલ કવિતા: ૪૧: બર્ફિલી સાંજે જંગલ પાસે થોભતાં – રૉબર્ટ ફ્રોસ્ટ (અનુ વિવેક મનહર ટેલર)

Stopping by woods on a snowy evening

Whose woods these are I think I know.
His house is in the village, though;
He will not see me stopping here
To watch his woods fill up with snow.
My little horse must think it queer
To stop without a farmhouse near
Between the woods and frozen lake
The darkest evening of the year.
He gives his harness bells a shake
To ask if there is some mistake.
The only other sounds the sweep
Of easy wind and downy flake.
The woods are lovely, dark, and deep,
But I have promises to keep,
And miles to go before I sleep,
And miles to go before I sleep.

– Robert Frost

બર્ફિલી સાંજે જંગલ પાસે થોભતાં

કોનાં છે આ વન ? હું માનું, મને જાણ છે,
પણ એનું તો પણે ગામમાં, રહેઠાણ છે.
જોતો એના વન ભરાતાં હિમવર્ષાથી
મને થોભતો એ ક્યાં જોશે? એ અજાણ છે.

નાના અશ્વને મારા લાગશે વિચિત્ર નક્કી
ત્યાં જઈ થંભવું, જ્યાં નજીકમાં ઘર ના કોઈ
વન અને આ થીજી ગયેલા તળાવ વચ્ચે,
વર્ષ આખાની સૌથી કાળી સાંજ ઝળુંબતી.

જરા હલાવી ધુરા ઉપરની ઘંટડીઓને
ક્યાંક કશી કંઈ ભૂલ નથી ને? – એ પૂછે છે
હિમ-ફરફર ને હળવે વાતી મંદ હવાના
અવાજ સિવાય બીજા અહીં કો’ અવાજ ક્યાં છે?

વન છે કેવાં પ્યારાં-પ્યારાં, ગાઢ ને ઊંડા,
પણ મારે તો વચન દીધાં તે નિભાવવાના
અને મીલોના મીલો જવાનું સૂઉં એ પહેલાં
અને મીલોના મીલો જવાનું સૂઉં એ પહેલાં

– રૉબર્ટ ફ્રોસ્ટ
(અનુ. વિવેક મનહર ટેલર)

And miles to go before I sleep

जीवन चलनेका नाम, चलते रहो सुबहो-शाम। ગતિ જ જીવન છે. ગતિ વિના પ્ર-ગતિ પણ શક્ય નથી. દુનિયા ગમે એટલી સોહામણી કેમ ન હોય, અકબર ઈલાહાબાદી કહે છે એમ, दुनिया में हूँ दुनिया का तलबगार नहीं हूँ; बाज़ार से ग़ुज़रा हूँ ख़रीदार नहीं हूँના ન્યાયે થોડું થોભીને, થોડું માણીને એમાંથી માત્ર પસાર થઈ જવા શું આપ તૈયાર છો? મૃત્યુ જિંદગીનું ગળું દબોચવા ટાંપીને જ બેઠું છે એ જાણતા હોવાથી નિતનવા જોખમો ખેડવાનું શું આપને મન થાય છે? ટી.વી., સ્માર્ટફોન, ફેસબુક, વોટ્સ-એપ, sms, ઇમેલ- આ બધી જંજાળ ફગાવી દઈને ક્યાંક ભાગી નીકળવાનું આપને મન થાય છે કદી? જો હા, તો રૉબર્ટ ફ્રૉસ્ટની આ કવિતા તમારા માટે છે.

રૉબર્ટ ફ્રોસ્ટ. એક નહીં, બે નહીં, ચાર-ચાર વાર પુલિત્ઝર પ્રાઇઝના વિજેતા. ૪૦થી વધુ માનદ્ પદવીઓ. ૨૬-૦૩-૧૮૭૪ના રોજ સાન ફ્રાન્સિસ્કોમાં જન્મ. મા-બાપ બંને શિક્ષક પણ ૧૧ વર્ષની વયે ટીબીના કારણે પિતા ગુમાવ્યા. ૧૮૯૪માં પહેલી કવિતા ‘માય બટરફ્લાય: એન એલિજી’ લખી. આ કવિતા ધ ઇન્ડિપેન્ડન્ટમાં છપાઈ અને એ જમાનામાં ૧૫ ડોલર મળ્યા એથી પોરસાઈને ફ્રોસ્ટે જે સહપાઠી –એલિનોર વ્હાઇટ- સાથે ગ્રેજ્યુએટ થયા એને પ્રપોઝ કર્યું પણ અભ્યાસ બાકી હોવાથી એલિનોરે પ્રસ્તાવ નકાર્યો. એની કોલેજ પત્યા બાદ ફ્રોસ્ટે ફરીથી પ્રસ્તાવ મૂક્યો જે સ્વીકરાયો અને બંને લગ્નગ્રંથિથી જોડાયા અને છ સંતાનોના મા-બાપ બન્યા. એક પુત્ર કોલેરામાં મૃત્યુ પામ્યો, એકે આત્મહત્યા કરી, એક પાગલ થઈ ગયો, એક પ્રસૂતિ દરમિયાન મૃત્યુ પામી અને એક જન્મના થોડા જ અઠવાડિયામાં બાય-બાય કહી ગઈ. સંતાનોનું આવું કારમું દુઃખ ઓછું હોય એમ ખેતી-મરઘાંપાલન – બધા જ વ્યવસાયોમાં પણ ફ્રોસ્ટને નિષ્ફળતા જ મળી. બધું વેચી-સાટીને ફ્રોસ્ટ પરિવારભેગા ૧૯૧૨માં ઇંગ્લેન્ડ પહોંચ્યા જ્યાં એઝરા પાઉન્ડ અને એડવર્ડ થોમસ સાથેનો પરિચય બહુ મોટો ભાગ ભજવનાર બન્યો. જિંદગીના પહેલા ચાળીસ વર્ષ સુધી કોઈ એમનું નામ પણ જાણતું નહોતું. અમેરિકાના કવિની કવિતાઓ ઇંગ્લેન્ડમાં પ્રકાશિત થઈ. પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત વખતે ૧૯૧૫માં ઇંગ્લેન્ડથી અમેરિકા પરત ફર્યા ત્યારે પ્રસિદ્ધિના આકાશમાં એમના નામનો સૂર્યોદય થઈ ચૂક્યો હતો. એમના પહેલાં એમની કીર્તિ અમેરિકા પહોંચી ચૂકી હતી. ખેતરો અને ગામડાંનું નિષ્ફળ જીવન એમની કવિતાને ફળ્યાં અને કવિતા એમને ફળી. કવિતા અને ભાષાશિક્ષક બન્યા અને નાનાવિધ યુનિવર્સિટીઝમાં સેવા આપી. પણ દુઃખ કેડો છોડતું નહોતું. ૧૯૩૮માં કેન્સરના કારણે એલિનોર અવસાન પામી. અમેરિકાના પ્રમુખ જ્હોન કેનેડીના ઉદઘટન સમારોહમાં કાવ્યપાઠ માટે એમને ખાસ આમંત્રિત કરાયા હતા. કેનેડીએ એમના માટે કહ્યું હતું, ‘એણે એન દેશને અવિનાશી કવિતાનો એવો વારસો આપ્યો છે જેમાંથી અમેરિકનો હરહંમેશ આનંદ અને સમજણ મેળવતા રહેશે.’ અનધિકૃત રીતે તેઓ અમેરિકાના રાજકવિ હતા. પ્રોસ્ટેટની શસ્ત્રક્રિયાના કોમ્પ્લિકેશન્સના કારણે ૨૯-૦૧-૧૯૬૩ના રોજ ૮૮ વર્ષની જૈફ વયે બોસ્ટન ખાતે એમનું નિધન થયું.

ફ્રોસ્ટ એક જીવંત પાઠશાળા બનીને જીવ્યા. સદીના શ્રેષ્ઠ અમેરિકન કવિ ગણાયા. કવિતામાં સંદિગ્ધતા એ ફ્રોસ્ટનો સિક્કો છે. એમની કવિતામાં હંમેશા એક પડની નીચેથી બીજું પડ નીકળે છે. ફ્રોસ્ટ એમની બહુખ્યાત રચના ‘ધ રોડ નોટ ટેકન’માં કહે છે, ‘મેં જેના પર બહુ લોકો નહોતા જતા એ માર્ગ મેં લીધો અને આ બધો તફાવત એન જ કારણે છે.’ એમની કવિતમાં પણ ‘રોડ લેસ ટ્રાવેલ્ડ’ પર ચાલવાની જ મજા છે. સામાન્ય જનજીવન અને ગ્રામ્યજીવન વિશે એમના જેવું અને જેટલું ભાગ્યે જ કોઈ કવિએ લખ્યું હશે. ફ્રોસ્ટની કવિતા ઓગણીસમી સદીની અમેરિકન કવિતા અને આધુનિકતાના દોરાહા પર ઊભેલી છે. પારંપરિક છંદો અને કાવ્યસ્વરૂપો સાથે તોડફોડ કરવાના બદલે એમણે કાવ્યત્ત્ત્વ પર જ વધુ ધ્યાન આપ્યું. એકલતા, કશાકની શોધ, જીવનની અંધારી બાજુ અને માનવમનની સંકુલતાઓ એમણે વાતચીતની ભાષામાં જે રીતે રજૂ કરી છે એ અમેરિકાના ઇતિહાસમાં न भूतो, न भविष्यति ગણાય છે. ફ્રોસ્ટ કહે છે, ‘મને મોટાભાગના વિચારો પદ્યમાં જ આવે છે. કવિતાની તાજગી સંપૂર્ણપણે પહેલાં વિચારીને, પછી પદ્યમાં ગોઠવીને ને પછી પદ્યને સંગીતમાં ઢાળવામાં નથી. કવિતાનો ‘મૂડ’ જ નક્કી કરે છે કે કવિએ કયો છંદ અને પંક્તિલંબાઈ વાપરવા.’ એક જગ્યાએ એ કહે છે, ‘સંપૂર્ણ કાવ્ય એ છે જ્યાં એક લાગણીને વિચાર મળે અને વિચારને શબ્દો.’

પ્રસ્તુત રચના પણ પારંપારિક છંદને જ પકડીને ચાલે છે. આયમ્બિક ટેટ્રામીટર અહીં પ્રયોજાયેલ છે. પણ પ્રાસ-રચના ધ્યાનાર્હ બની રહે છે. ચાર-ચાર પંક્તિના ચારેય અંતરામાં પહેલી, બીજી અને ચોથી પંક્તિમાં પ્રાસ મેળવવામાં આવ્યા છે અને દરેક અંતરાની ત્રીજી પંક્તિનો પ્રાસ આવનાર અંતરાની પહેલી, બીજી અને ચોથી પંક્તિનો પ્રાસ બને છે. બીજી રીતે કહીએ તો પર્શિયન ‘રૂબાઈ’ના છંદ અને રૂપ-રચના ફ્રોસ્ટે અપનાવ્યા છે.

તેરમી સદીમાં થઈ ગયેલા ઇટાલીના દાન્તેની ‘ઇન્ફર્નો’ની પણ થોડી અસર અહીં નજરે ચડે છે. એ સિવાય ત્રણેક જગ્યાએ અન્ય કવિઓની પંક્તિની અસર સાફ નજરે ચડે છે: સ્કોટની ‘ધ રોવર’: ‘He gave the bridle-reins a shake’ ~ ‘He gives his harness bells a shake’; થોમસ લવેલ બેડોસની ‘ધ ફેન્ટમ વુઅર’: ‘Our bed is lovely, dark, and sweet’~ ‘The woods are lovely, dark and deep’ અને કીટ્સની ‘કીન ફિટફુલ ગસ્ટ્સ’: ‘And I have many miles on foot to fare’ ~ ‘And miles to go before I sleep.’ જો કે એય હકીકત છે કે દુનિયાના કોઈપણ વિવેચકે આને ઊઠાંતરી કહી નથી. ફ્રોસ્ટનું આ કાવ્ય ઉત્તમોત્તમ મૌલિક કવિતા ગણાયું છે.

આ કવિતાને ફ્રૉસ્ટે ખુદ ‘યાદગીરી માટેની મારી શ્રેષ્ઠ બોલી’ ગણાવી છે. કવિતા પણ કવિતામાંના પ્યારાં પણ ગાઢ અને ઊંડા જંગલોની જેમ જ ગહન છે. પહેલી નજરે તો અહીં ખૂબ સરળ ભાસતી વાર્તા સિવાય કંઈ નથી પણ આખી કવિતામાં એકમાત્ર પંદરમી પંક્તિ જ્યારે આખીને આખી જ પુનરાવર્તિત થાય છે ત્યારે સરળ ભાસતી કવિતામાંથી ગહનતાના પડઘા ઊઠતા સંભળાય છે.

વર્ષ આખાની સૌથી અંધારી અને ભયાનક શિયાળુ -ડિસેમ્બરના અંતભાગની- સાંજે નાયક એના નાનકા ઘોડા પર સવાર થઈ જંગલોમાંથી પસાર થઈ રહ્યો છે અને કોઈકના વાડી-જંગલ પાસે આવી ઊભો રહે છે. જ્યાં નજીકમાં કોઈનું ઘર પણ નથી એવી અવાવરૂ જગ્યા પર એક તરફ વન, બીજી તરફ થીજી ગયેલું તળાવ, માથે ઊતરી રહેલાં વર્ષની સૌથી અંધારી અમાસની રાતના ડરામણા ઓળા, ગાત્રો ગાળી નાંખે એવી ઠંડી શ્યામલ રાત્રે બરફનો વરસાદની વચ્ચે નરી એકલતા ઓઢીને નાયક ઊભો ઊભો બરફચ્છાદિત થતા વનોનું સૌંદર્યપાન કરી રહ્યો છે. જેના આ વાડી-જંગલ છે એ પણ આવા સમયે અહીં રહેવાનું જોખમ જાણતો હોવાથી જંગલ છોડીને ગામમાં રહે છે. વન એ સમાજની પેલે પારનું વિશ્વ છે. વન જોખમ, અસામાજિકતા, તર્કશૂન્યતા, જંગલીપણું, પાગલપન – શું શું નથી સૂચવતું?! વન તરફનું નાયકનું ખેંચાણ પણ એ જ રીતે એકાંતપ્રિયતા, સાહસિકતા, જવાબદારીઓમાંથી આઝાદી અને જોખમ તરફનું દુર્દમ્ય આકર્ષણ- શું શું નથી સૂચવતું?! જો કે કવિતામાં જે વનની વાત છે એ કોઈકની માલિકીનું હોવાથી એટલું ખરાબ તો નહીં જ હોય. જે હોય તે, પણ વન સમાજની લક્ષ્મણરેખાની પેલે પારનો જ વિસ્તાર છે. ઘોડો કદાચ સભ્ય સમાજનું પ્રતીક છે. એને કદાચ આવા સમયે આવામાં એકલપંથીનું આમ થોભવું વિચિત્ર લાગે છે અને એ ધુરા પર બાંધેલી ઘંટડી હલાવીને કોઈ ભૂલ તો નથી થઈને એમ પૂછે છે અથવા સંભવ છે કે નાયકને ઘોડો આમ પૂછી રહ્યાનો ભાસ માત્ર પણ થતો હોય!

આછી હવાની મર્મર અને હિમવર્ષાની ફર્ફર સિવાય અન્ય કોઈ અવાજ પણ નથી એવી નિઃશબ્દતામાં ઘંટડીનો રણકાર નાયકને પુનર્જાગૃત કરે છે. ભલેને આ જંગલો ગાઢ, ઊંડા ને પ્યારાં કેમ ન હોય, જીવનની જવાબદારીઓ પૂરી કરવાની છે, દીધેલાં કોલ નિભાવવાના છે અને ઊંઘ આવી જાય એ પૂર્વે દૂર-સુદૂર પહોંચવાનું છે. પંદરમી પંક્તિ પહેલી નજરે મુસાફરીની અનિવાર્યતા નિર્દેશિત કરે છે પણ જ્યારે એનું પુનરાવર્તન થાય છે ત્યારે ઊઠતો પડઘો વધુ ગાઢ અને ઊંડો લાગે છે. નિશ્ચિત મૃત્યુ આવે ચડે એ પહેલાં જિંદગી જીવી લેવાની છે, અટકવાનું નથી, અટવાવાનું નથી પણ સતત આગળ ને આગળ વધતા રહેવાનું છે. આ memento mori (યાદ રાખો, મૃત્યુ નિશ્ચિત છે.) આ ભયાવહ અને લલચામણાં વનમાં અટકવાની વાતને, સૌંદર્યને માણી લેવાના ઈરાદાની પુષ્ટિ કરે છે. જીવન ક્ષણભંગુર છે એટલે જોખમ ઊઠાવવા અને કરી શકાય તો સત્યની શોધ કરવી એવો ધ્વનિ સરવાળે ઊઠે છે. મરીઝ યાદ આવે:

‘જિંદગીના જામને પીવામાં કરો જલ્દી મરીઝ,
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.’

ફ્રોસ્ટ કહે છે, ‘મારા શોખ (avocation) અને વ્યવસાય (vocation)ને એક કરવા એ મારો જીવવાનો હેતુ છે.’ એ એમ પણ કહે છે, ‘જિંદગી વિશે હું જે કંઈ પણ શીખ્યો છું એ ત્રણ જ શબ્દમાં કહી શકું છું – ઇટ ગોઝ ઓન.’ કાવ્યારંભે જેમ નાયક ક્યાંથી આવ્યો છે, ક્યાં જવાનો છે વિ. ગોપિત રખાયું છે, એમ જ કાવ્યાંતે નાયક આગળ વધવું શરૂ કરે છે કે કેમ એ વાત પણ કવિએ કરી નથી. નાયકની જેમ જ ભાવક પણ આ કવિતાના ગાઢ, ઊંડા, પ્યારા વનની શાંત પણ જોખમી એકલતા પાસે આવી ઊભો રહી સૌંદર્યનું આકંઠ પાન પણ કરી શકે છે અથવા આગળ પણ વધી જઈ શકે છે…

14 replies on “ગ્લૉબલ કવિતા: ૪૧: બર્ફિલી સાંજે જંગલ પાસે થોભતાં – રૉબર્ટ ફ્રોસ્ટ (અનુ વિવેક મનહર ટેલર)”

  1. Robert Frost has always impressed with the LAST STANZA of these mesmerizing poetry.

    You have done a heart ~ beating translation of the same with highly admirable words.

  2. સ્વ. ઉમાશંકર જોશીનો છેલ્લી ચાર પન્કતિ નો અનુવાદ થોડો યાદ આવે છે…૫૦ વર્ષ પહેલા વાંચેલ…..
    ……………. વન છે પ્યારા શ્યામ ઉંડા
    પણ મારે તો ….(કંઈક કંઈ રે).. વાયદા પુરવાના,
    ને જાવાના કંઈક કંઈ રે કોસ આ નિંદ પહેલા,
    ને (હા) જાવાના કંઈક કંઈ રે કોસ આ નિંદ પહેલા,

    • પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર…

      ઉમાશંકર જોશીનો આખો અનુવાદ આપ અહીં માણી શકશો: http://layastaro.com/?p=980

      આખરી ચાર પંક્તિ આ રહી:
      વનો છે શ્યામલ, ગહરાં, મજાનાં,
      પરંતુ મારે છે વચન પાળવાનાં.
      સૂતાં પ્હેલાં ગાઉ કૈં કાપવાના,
      સૂતાં પ્હેલાં ગાઉ કૈં કાપવાના.

      -રોબર્ટ ફ્રૉસ્ટ (અંગ્રેજી)
      અનુ.: ઉમાશંકર જોશી

  3. I enjoy tremendously all the poems in English as well as its translation. Thank you very much for giving what the poet thinks and back ground of each poet.

  4. સરસ,સરસ,સરસ…….અભિવ્યક્તિ અને સરસ વિવરણ……

Leave a Reply to Maheshchandra Naik Cancel reply

Your email address will not be published. Required fields are marked *