ગ્લૉબલ કવિતા: ૪૦ : તિરુક્કુરલ – તિરુવલ્લુવર (તમિલ) ( અનુ. વિવેક મનહર ટેલર)

સૌ કક્કામાં જોઈ લો, ‘અ’ જ કરે પ્રારંભ,
ઈશ્વરથી જ આ વિશ્વમાં પણ થાય શુભારંભ. ॥ ૦૧॥

વર્ષા છે સર્વસ્વ, એ સઘળું કરે બરબાદ,
ફરી ફરીને એ જ તો, બધું કરે આબાદ. ॥૧૫॥

પુત્રજન્મ પર માને મન આનંદનો નહીં પાર,
ઓર ખુશી જબ પુત્રનું નામ લિયે સંસાર. ॥ ૬૯ ॥

એવું કોઈ તાળું છે જે કરે પ્રેમને કેદ?
ખોલી નાંખે નાનકુ આંસુ સઘળા ભેદ. ॥ ૭૧ ॥

સત્કર્મોને ભૂલવું, દુષ્કર્મ એ જ મોટું,
દુષ્કર્મને ન ભૂલવું તુર્ત જ, બસ એ ખોટું. ॥ ૧૦૮ ॥

સામો હો બળવાન તો ગુસ્સાના શા દામ?
નબળાની આગળ કરો, એ મોટું બદકામ. ॥ ૩૦૨ ॥

ઊંડી ખોદો રેતને, પાણી લાગે હાથ,
ઊંડું વાંચો જેમ-જેમ, ડહાપણ વધતું જાય. ॥ ૩૯૬ ॥

અજવાળામાં માત દે ઘુવડને પણ કાગ,
જીતી લેશે શત્રુને જો સમય વર્તે રાજ. ॥ ૪૮૧ ॥

દુ:ખમાં રત છો હોય પણ દુઃખી કદી ના થાય,
દુઃખ ખુદ એના ઘેરથી દુઃખી થઈને જાય. ॥ ૬૨૩ ॥

એક રીતે વરદાન છે, આ આપત્તિનો શાપ,
ફૂટપટ્ટી છે, એ વડે મિત્રોને તું માપ. ॥ ૭૯૬ ॥

શાલિનતા ક્યાં રૂપની? ને ક્યાં એની આંખ?
જીવન પી લે એનું, જે માંડે સામે આંખ. ॥૧૦૮૪॥

આસવ ચાખો તો જ એ આપે છે આનંદ,
પ્રેમમાં એક દૃષ્ટિ પણ દે છે પરમાનંદ. ॥૧૦૯૦॥

દુઃખ અને દુઃખની દવા, હોવાનાં નોખાં જ, હે સુંદરી! આશ્ચર્ય છે: તું દર્દ, તું ઈલાજ! ॥૧૧૦૨॥

ફરી ફરી ભણતી વખત, જ્ઞાત થાય અજ્ઞાન,
ફરી ફરી સંભોગથી દિવ્યાનંદનું ભાન ॥૧૧૧૦॥

-તિરુવલ્લુવર
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)

બબ્બે મિલેનિયમથી સળગતી રહેલી અગરબત્તી…

બાવીસસો વર્ષ પહેલાં આપણા જ દેશની ધરતીના કોઈ એક ખૂણેથી એક અવાજ ઊઠ્યો હોય અને એ અવાજ આજદિન સુધી વિશ્વભરના દેશોમાં અલગ-અલગ ભાષાઓમાં એકધારો પડઘાઈ રહ્યો હોય, અભ્યાસુઓને સતત ચકિત કરી રહ્યો હોય એવી આપણને જાણ થાય તો આપણને કેવી અનુભૂતિ થાય! ભારતવર્ષ તો રત્નોનો ખજાનો છે. વ્યાસ, વાલ્મિકી, કબીર, મીરાં, નરસિંહ, તુલસી, ધ્યાનેશ્વર, તુકારામ, લલ્લેશ્વરી, વિદ્યાપતિ, બુલ્લેશાહ, શંકરાચાર્ય, અમીર ખુશરો, જયદેવ – કયા ખૂણેથી ને કઈ ભાષાથી આદરીને ક્યાં જવું એ કોયડો થઈ પડે એવા ને એટલા સંતકવિઓ આ દેશના ખૂણેખૂણેથી પાક્યા છે. તામિલનાડુની ધરતી પર થઈ ગયેલા સંતકવિ તિરુવલ્લુવર આવા જ એક રત્ન છે. ૨૨૦૦ વર્ષ પહેલાં તામિલનાડુના એક ખૂણામાં પ્રગટેલી અગરબત્તી આજે પણ વિશ્વ આખાના ખૂણે-ખૂણામાં અવિરત ખુશબૂ ફેલાવી રહી છે…આપણા આ અમર અને અકલ્પનીય સાંસ્કૃતિક વારસામાંથી કેટલાક મૌક્તિક આપણે માણીએ

તિરુવલ્લુવર. તામિલનાડુમાં આશરે ૨૧૦૦થી ૨૪૦૦ વર્ષ પહેલાં જન્મ. વ્યવસાયે કહે છે કે એ વણકર હતા અને એમના કહેવાતા ઘરને આજે મંદિરમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે. પત્નીનું નામ વાસુકિ. સંતકવિ હોવા ઉપરાંત તિરુવલ્લુવર ઉત્તમ મનોવિજ્ઞાની અને ફિલસૂફ પણ હતા. મનુષ્યમનની સંકુલતાઓને જે સહજતા અને સરળતાથી કવિતાના કેમેરા વડે બબ્બે પંક્તિની ફ્રેમમાં કેદ કરી શક્યા છે એ न भूतो, न भविष्यति છે. કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક પર જનાર તિરુવલ્લુવરના પૂતળાથી અભિભૂત થયા વિના રહેતો નથી. તિરુક્કુરલમાં ૧૩૩ કુરલ છે એટલે એમની પ્રતિમા ૧૩૩ ફૂટ ઊંચી છે અને ત્રણ વિભાગ છે એટલે પ્રતિમામાં સંતને ત્રણ આંગળી બતાવતા નિર્દેશાયા છે. પોંગલના તહેવારમાં ૧૫ જાન્યુઆરીના દિવસે કવિના નામથી તહેવાર પણ ઉજવાય છે. ભાગ્યે જ કોઈ કવિને સરકાર અને નાગરિકો દ્વારા આવું બહુમાન મળ્યું હશે.

મહાભારતની જેમ જ ‘તિરુક્કુરલ’ વિશે પણ કહેવાય છે કે એમાં બધું જ સમાવિષ્ટ છે અને એવું કશું નથી જે અહીં સમાવવાનું રહી ગયું હોય. ‘તિરુ’ એટલે પવિત્ર. ‘કુરલ’ એટલે ટૂંકાણ. તિરુક્કુરલ એટલે પવિત્ર શ્લોક. બબ્બે પંક્તિના ટૂંકા શ્લોકને ‘કુરલ’ કહે છે. દરેક કુરલમાં કુલ સાત શબ્દ (સર) હોય છે, પહેલી પંક્તિમાં ચાર અને બીજીમાં ત્રણ. એક અથવા એકથી વધુ શબ્દો જોડાઈને જે શબ્દ બને એને સર કહે છે. તિરુક્કુરલ એ તિરુ અને કુરલ બે શબ્દ ભેગા થવાથી બનતો એક સર ગણાય છે. ધર્મ, અર્થ અને કામ – આ ત્રણ મુખ્ય વિભાગોમાં લગભગ ૧૩૩જેટલા પેટાવિષયો પર દરેક પર ૧૦, એમ કુલ ૧૩૩૦જેટલા કુરલ આ પુસ્તકમાં ઉપલબ્ધ છે.બાવીસસો વર્ષ પહેલાં કવિતાને ત્રણ ભાગ અને ૧૩૩ પેટાભાગમાં વહેંચીને દરેક પર દસ-દસ કુરલની રચના કરવા જેટલું પદ્ધતિસરનું કામ કરવું એ પોતે જ કવિની વિચક્ષણતાનું દ્યોતક છે. પ્રાચીન તામિલ કવિ અવ્વલ્યરે કહ્યું હતું, ‘તિરુવલ્લુવરે અણુમાં છિદ્ર કરીને એમાં સાત સમુદ્ર ભરી દઈને એને સંકોચી દીધા છે ને પરિણામે આપણને જે મળ્યું એ છે કુરલ.’

તિરુક્કુરલ એ સમાજના ઊંચ-નીચ, ધનિક-ગરીબ તમામ વર્ગના તમામ મનુષ્યોની રોજબરોજની જિંદગીની સમસ્યાઓ અને એના વાસ્તવિક ઉકેલ સાથે સંકળાયેલ મહાકાવ્ય છે. મનુષ્યજીવનના દરેક પાસાંઓનો પદ્ધતિસર અભ્યાસ અને વિવરણ અહીં જોવા મળે છે. ખેડૂતને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. આશ્ચર્યની વાત છે પણ મહાત્મા ગાંધીજીનો તિરુક્કુરલ સાથેનો પરિચય જર્મન અનુવાદ વાંચી એમાંથી અહિંસાનો સિદ્ધાંત તારવનાર ટોલ્સ્ટોયે કરાવ્યો હતો. જો કે આપણી કરુણતા જ એ છે કે પશ્ચિમના વિવેચકો વખાણે નહીં તો આપણને આપણી દૂંટીમાં રહેલી કસ્તૂરીની કિંમત સમજાતી નથી. મુનશીએ આ ગ્રંથને જીવન જીવવાની કળા શીખવતો ઉત્તમોત્તમ મહાગ્રંથ તરીકે ઓળખાવ્યો હતો.

અનુવાદ કદી મૂળ કૃતિને સંપૂર્ણ ન્યાય આપી શકે નહીં. કદાચ એટલે જ અંગ્રેજી જેવી એક જ ભાષામાં પણ તિરુક્કુરલના નવા નવા અનુવાદો હજી પણ થયા જ કરે છે. કુરલના સાત શબ્દોના સ્વરૂપ અને તામિલ સંગીતના લયને યથાવત્ રાખીને તો ગુજરાતીમાં અનુવાદ શક્ય જ નથી એટલે દોહરા તરીકે કેટલાક કુરલનો અનુવાદ અહીં પ્રસ્તુત કર્યો છે.

(૦૧) કોઈપણ કક્કાની શરૂઆત ‘અ’થી જ થવાની. એ જ રીતે ઈશ્વર જ સૃષ્ટિનું પ્રારંભબિંદુ છે. એ જ સૃષ્ટિનું સર્જન કરે છે અને એનાથી જ સૃષ્ટિની શરૂઆત પણ થાય છે.

(૧૫) વરસાદ સર્વસ્વ છે, સર્વેસર્વા છે. એ વધુ માત્રામાં પડે તો બધું જ બરબાદ કરી નાંખે છે. પણ પછી એ જ વરસાદ ધરતીને સીંચીને નવજીવન નવપલ્લવિત કરે છે. ‘જે પોષતું તે મારતું, એવો દીસે ક્રમ કુદરતી.’(કલાપી)

(૬૯) પુત્રનો જન્મ થાય ત્યારે મા હર્ષથી ફૂલી સમાતી નથી. પોતાના શરીરમાંથી એક બીજા સજીવને જન્મ આપવાથી મોટી ઘટના મનુષ્યના જીવનમાં બીજી કઈ હોઈ શકે? પણ જ્યારે એ જ દીકરાનું નામ દુનિયા સન્માનભેર લે, એ જ દીકરો સિદ્ધિ હાંસિલ કરે ત્યારે પુત્રજન્મની ખુશીથીય અનેક ગણી ખુશી માને થતી હોય છે.

(૭૧) પ્યાર છૂપાવ્યો છૂપતો નથી. છાપરે ચડીને પોકારે છે. એવું કોઈ તાળું જ નથી બન્યું જે પ્રેમને ભીતર સંતાડી દઈને બહાર મારી દઈ શકાય? સાચા પ્રેમીની આંખમાંથી એક નાનુ સરખુ આંસુ ટપક્યું નથી કે પ્રેમના તમામ પર્દાફાશ થયા નથી.

(૧૦૮) કોઈએ કરેલા સારા કામને કદી ભૂલવું જોઈએ નહીં. સત્કાર્યને ભૂલવાથી વધુ ખરાબ કંઈ ન હોઈ શકે પણ કોઈ કંઈ ખરાબ કરે અને આપણે એને તાત્ક્ષણિક ભૂલી જઈ શકીએ એનાથી મોટું સત્કર્મ તો બીજું કોઈ જ નથી.

(૩૦૨) તમારો ગુસ્સો ગમે એટલો વ્યાજબી કેમ ન હોય પણ તમારાથી વધુ શક્તિશાળી કે સત્તાસંપન્ન માણસની આગળ એ વાંઝિયો જ પુરવાર થશે. એનો કંઈ જ અર્થ નહીં સરે. એ જ રીતે તમારાથી નબળા માણસ પર ગુસ્સો કરવાથી શો ફાયદો? ટૂંકમાં, કોઈપણ સ્વરૂપે ને કોઈની પણ આગળ ગુસ્સો કરવાનો કોઈ અર્થ નથી. ગુસ્સા પર કાબૂ મેળવવો એ જ મોટો ગુણ છે.

(૩૯૬) જમીન ભલે રેતાળ કેમ ન હોય, ઊંડે સુધી ખોદવાથી પાણી જરૂર હાથ લાગે છે અને જેમ વધુને વધુ ઊંડુ ખોદાણ કરીએ તેમ વધુ ને વધુ પાણી જડે છે, એ જ રીતે કોઈપણ વસ્તુનો જેમ વધુ ને વધુ ઊંડો અભ્યાસ કરતા જઈએ તેમ તેમ વધુને વધુ ડહાપણ પ્રાપ્ત થાય છે.

(૪૮૧) ઘુવડ જેવું શક્તિશાળી પક્ષી પણ દિવસના અજવાળામાં લાચાર છે. કાગડા જેવો કાગડો પણ દિવસે તો એને હંફાવી દઈ શકે. એ જ રીતે સમય વર્તીને શત્રુ પર હુમલો કરે એ માણસ જ યુદ્ધ જીતીને રાજા બની શકે છે. समय समय बलवान है, नहीं मनुष बलवान; काबे अर्जुन लूंटियो, वो ही धनुष, वो ही बाण।

(૬૨૩) દુઃખ કોના માથે નથી પડતું? પણ જે માણસ લાખ દુઃખ પડવા છતાં દુઃખી થવાના બદલે એનો સામનો કરે છે, દુઃખમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધવા મથે છે એ માણસના ઘરે આવીને તો દુઃખ પોતે દુઃખી થઈ જાય છે અને સત્વરે ચાલતી પકડે છે. જીવનનો જંગ જે હારવામાં માનતો નથી એ જ જીતતો હોય છે.

(૭૯૬) જીવનમાં સમસ્યા કોને નથી આવતી?અને સમસ્યા આવે તો કોને ગમે ? પણ તિરુવલ્લુવર સમસ્યાઓ-તકલીફો-દુઃખોની પોઝિટીવ બાજુથી અવગત કરે છે. દુઃખોના થર્મોમીટરનો ફાયદો જ એ છે કે એનાથી મિત્રો-સ્વજનોનું સાચું તાપમાન ખબર પડી જાય છે. કવિ પણ દુઃખની ફૂટપટ્ટીથી મિત્રોને માપવાનું કહે છે. મરીઝ યાદ આવે: ‘મિત્રો ખુદાપરસ્ત મળે છે બધા ‘મરીઝ’,સોંપે છે દુઃખના કાળમાં પરવરદિગારને.’ ઘણાબધા સુભાષિતોમાંથી પણ આ વાત મળી આવે છે: ‘વિપદા જેવું સુખ નથી, જો થોડે દિન હોય;બંધુ મિત્ર અરુ તાત જગ, જાન પડત સબ કોય.’

(૧૦૮૪) એની આંખોની કાતિલતા અને રૂપની શાલિનતાનો મેળ પડે એમ નથી. દેખાવે તો એ એકદમ સુંદર અને સૌમ્ય લાગે છે પણ એની આંખ સામે જે આંખ માંડે છે એનું તો એ જીવન જ પી લે છે. બિચારો પ્રેમમાં ગિરફ્તાર અને શમા પર પરવાના પેઠે ફના થઈ જાય છે. ‘કસુંબલ આંખડીના એ કસબનીવાત શી કરવી! કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી.’ (ઘાયલ)

(૧૦૯૦) દારૂ ગમે એટલો આનંદ કેમ ન આપતો હોય પણ એના આનંદની અનુભૂતિ કરવા માટે એને ચાખવો ફરજિયાત બને છે પણ પ્રેમનો નશો એનાથીય અદકેરો છે. પ્રેમને હોઠોથી ચાખવાનીય જરૂર પડતી નથી. આંખ આંખથી મળે એટલામાં જ બત્રીસ કોઠે દીવા થઈ જાય છે.

(૧૧૦૨) ઝેર અને ઝેરનું મારણ કદી એક ન હોઈ શકે. દુઃખ અને દુઃખ મટાડવા માટેની દવા –બંને અલગ જ હોવાના. પણ સૌંદર્ય, ઈશ્કનો કાનૂન અજબ છે. અહીં જે દર્દ જન્માવે છે એ જ એનો ઈલાજ પણ કરે છે. બે’ક શેર જોઈએ:

ખુદ દર્દ આજ ઊઠી દિલની દવા કરે છે,
જે કામ વૈદનું છે તે વેદના કરે છે. (ઘાયલ)

ઉન્માદ! આ તે કેવું દરદ બેઉને ગ્રસે !
કે જ્યાં પરસ્પરે જ ચિકિત્સાલયો વસે ! (મુકુલ ચોક્સી)

(૧૧૧૦) પુનરાભ્યાસ વિના સાચું જ્ઞાન શક્ય નથી. પુનરાવર્તન જેમ જેમ કરતાં જઈએ તેમ તેમ એક જ વસ્તુમાંથી નવું નવું જ્ઞાન પ્રાપ્ત થતું રહે છે અને આપણને અહેસાસ થાય છે કે અરે! આ તો આપણને આગલી વખતે સમજાયું જ નહોતું. એ જ રીતે સમાગમ પણ ફરી ફરીને કરવાથી પરમાનંદના નિતનવા અને ઉત્તુંગ શિખરો સર થતા હોવાનો સાક્ષાત્કાર થાય છે.

બે મિલેનિયમથીય પુરાણો આ જ્ઞાનનો ખજાનો હજી આજેય એવોને એવો જ તાજો છે ને મિલેનિયમના મિલેનિયમ સુધીય તાજો જ રહેશે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *