ગ્લૉબલ કવિતા:૩૯: ઘર વિશે, વિદેશથી – રોબર્ટ બ્રાઉનિંગ (અનુ. વિવેક મનહર ટેલર)

Home-thoughts, from abroad

Oh, to be in England
Now that April’s there,
And whoever wakes in England
Sees, some morning, unaware,
That the lowest boughs and the brushwood sheaf
Round the elm-tree bole are in tiny leaf,
While the chaffinch sings on the orchard bough
In England—now!

And after April, when May follows,
And the whitethroat builds, and all the swallows!
Hark, where my blossomed pear-tree in the hedge
Leans to the field and scatters on the clover
Blossoms and dewdrops—at the bent spray’s edge—
That’s the wise thrush; he sings each song twice over,
Lest you should think he never could recapture
The first fine careless rapture!
And though the fields look rough with hoary dew,
All will be gay when noontide wakes anew
The buttercups, the little children’s dower
—Far brighter than this gaudy melon-flower!

– Robert Browning

આહ, હમણા હોવું ઇંગ્લેન્ડમાં
એપ્રિલ આવ્યો છે ત્યાં જ્યારે,
અને જાગશે જે પણ કોઈ ત્યાં ઇંગ્લેન્ડમાં
એ જોશે કે, જાણબહાર જ, કો’ક સવારે,
નીચામાં નીચી ડાળીઓ ને ગુચ્છા ઝાડીઝાંખરાના
વિશાળ એલ્મ વૃક્ષની ફરતે ફૂટી રહ્યાં છે પાંદડા નાના,
જ્યારે ફળવાટિકાની ડાળોમાં કોયલ ગીતો ગાઈ રહી છે,
ઇંગ્લેન્ડમાં -અત્યારે!

અને આ એપ્રિલ જશે પછી જે વસંત લઈને મે આવશે,
અને આ સઘળા અબાબિલો ને આ શ્વેતકંઠો ગળું ગજવશે!
સાંભળ, વાડામાંનાંમારાંફુલ્લ કુસુમિત નાસપતિ જ્યાં
ખેતની ઉપર લચી પડીને ઘાસની ઉપર વિખેરે છે
ફૂલ ને ઝાકળ – સ્પ્રેની વક્ર નળીના છેડે બેસીનેત્યાં-
જો ને કેવી ડાહી ચકલી, ગીત દરેક જે દોહરાવે છે,
ક્યાંક આપ એવું ન વિચારો, ઝીલી ન શકશે ફરી એ ક્યારેક
એ પહેલો બેફિકર હર્ષોદ્રેક!
અને ભલેને જીર્ણ તુષારેમેદાનો નિષ્પ્રાણ લાગતા,
બધું જ આનંદિત ભાસશે, બપોર જ્યારે જગાડશે નવલાં
બટરકપ્સના પીળાં ફૂલો, બચ્ચાંઓના ખરા ખજાના
– આ ભદ્દા તડબૂચના ફૂલો કરતાં તો ભઈ, લાખ મજાના!

– રોબર્ટ બ્રાઉનિંગ
(અનુ. વિવેક મનહર ટેલર)

‘ઘરને ત્યજી જનારને મળતી વિશ્વ તણી વિશાળતા’વાળી વાત ગમે એટલી સાચી કેમ ન હોય, ‘ધરતીનો છોડો ઘર’ જ હોવાનો. ઘર-ઝુરાપો અને વતન-ઝુરાપો ખરેખર શું છે એનો અનુભવ મોટા ભાગના મનુષ્યોને જીવનના કોઈકને કોઈક તબક્કે તો થતો જ હોય છે. રોબર્ટ બ્રાઉનિંગની આ રચના ઘરઝુરાપાની જ વ્યથા છે. કવિતામાં ભલે અઢારમી સદીના ઇંગ્લેન્ડનું વાતાવરણ છે પણ કવિતાનું હાર્દ કાળાતીત અને સ્થળાતીત છે. કોઈપણ સદીના કોઈપણ શહેરને આ કવિતા પૂરેપૂરી તાજગી સાથે સ્પર્શે છે.

રોબર્ટ બ્રાઉનિંગ. ૦૭-૦૫-૧૮૧૨ના રોજ કેમ્બરવેલ, લંડનમાં જન્મ. પિતાના અંગત પુસ્તકાલયમાં એ જમાનામાં ૬૦૦૦થી વધુ પુસ્તકો હતા. એટલે સાહિત્યની ગલીઓમાં જ મોટા થવાનું થયું. વિપુલ સર્જનશક્તિના માલિક. કહે છે કે પાંચ વર્ષની વયે તો બ્રાઉનિંગ સડસડાટ લખતા-વાંચતા શીખી ગયા હતા. ૧૨ વર્ષની ઉંમર તો કવિતાનું પુસ્તક લખી નાખ્યું પણ કોઈ છાપનાર મળ્યું નહીં. અડધું સ્કૂલે, અડધું ઘરે એમ ભણ્યા ને અડધું ઇંગ્લેન્ડમાં, અડધું ફ્રાંસ-ઇટાલીમાં એમ જીવ્યા. કવિતા સિવાયની કોઈ આજીવિકા સ્વીકારવી ફાવી નહીં. શેલીથી ખાસ્સા પ્રભાવિત-એમની જેમ જ નાસ્તિક અને શાકાહારી બન્યા. ઉંમરમાં છ વર્ષ મોટાં કવયિત્રી એલિઝાબેથ બેરેટ સાથેની એમની પ્રણયથી પરિણય સુધીની કથા –ખાનગી લગ્ન કરીને ભાગી જવું વિ.- એ અંગ્રેજી સાહિત્યના યાદગાર ‘રિઅલ લાઇફ રોમાન્સિસ’માંની એક છે. એમની કવિતાઓનું આખરી પુસ્તક પ્રગટ થયું એ જ દિવસે ૧૨-૧૨-૧૮૮૯ના રોજ વેનિસ, ઇટાલીમાં નિધન.

વિક્ટોરિયન યુગ (૧૮૩૦-૯૦) એ ભૌતિકવાદની ચરમસીમા હતી. ગામડાંઓનો વિધ્વંસ, શહેરીકરણ અને બાળમજૂરી આ યુગના સૌથી મોટા નાસૂર બની રહ્યા. વાંચન શોખ બન્યું. પુસ્તકો અને લેખકોની વાત કરવી એ સ્ટેટસ સિમ્બૉલ ગણાતું. ‘અતિ’ કહી શકાય એ માત્રામાં સાહિત્ય લખાવા-છપાવા-વંચાવા માંડ્યું. સ્ત્રી સાઇકલ ચલાવે તોય હાહાકાર મચી જતો. ‘વિક્ટોરિયન’ યુગ એ ઇંગ્લેન્ડનો કદાચ સૌથી વધુ દંભપ્રચુર ગાળો હોવાથી એ ગાળાના સર્જકોને વીસમી સદીના અર્ધભાગ સુધી અવગણવામાં આવ્યા હતા. બ્રાઉનિંગ પણ એમાંથી બચ્યા નહોતા પણ કાળક્રમે એમની કાવ્યશક્તિ અને મૌલિકતા વધુને વધુ પ્રસંશા પામતા ગયા અને આજે એ નિઃશંકપણે મહાન સર્જકોમાંના એક ગણાય છે. નાટ્યાત્મક એકોક્તિ (Dramatic monologue) યુક્ત કથનશૈલીના એ ખાં હતા. રોમાન્ટિસિઝમ કાવ્યશૈલીના એ હિમાયતી હતા.એમના સમયની શૃંગારુ-કાવ્યશૈલીની સામે સરળતા અને લયાત્મક્તાને એમણે પ્રાધાન્ય આપ્યું. પ્રેમ, ફિલસૂફી, રમૂજ-કાળો કટાક્ષ, સામાજિક નિસ્બત અને ઇતિહાસ એમની કવિતાઓમાં વેરાયેલા જોવા મળે છે. પ્રેમકાવ્યોમાં ટૉ બ્રાઉનિંગની કાવ્યશક્તિ શીર્ષસ્થ છે. જિંદગીમાં પહોંચબહારનું કંઈક ‘ઉચ્ચ’ હાંસિલ કરવા સતત પ્રયત્નશીલ રહેવું જોઈએની એમની માન્યતા એમના સર્જનમાં સતત દેખાય છે. એ કહે છે, ‘આપણી મહત્ત્વકાંક્ષાઓ જ આપણી શક્યતાઓ છે.’ છંદોલયની રમતના એ બેતાજ બાદશાહ હતા. એમના શબ્દભંડોળ અને ભાષકર્મની નજીક ભાગ્યે જ કોઈ પહોંચી શકે. એ કહેતા, ‘ધ્યેય, હાંસિલ થાય કે ન થાય, જિંદગીને મહાન બનાવે છે: શેક્સપિઅર બનવા મથો, બાકીનું કિસ્મત પર છોડી દો.’

સ્વરૂપની દૃષ્ટિએ જોઈએ તો પ્રસ્તુત કવિતા બે અંતરામાં વહેંચાયેલી છે. પહેલો અંતરો નાનો ૮ પંક્તિનો છે, જેમાં ટ્રાઇ, ટેટ્રા અને પેન્ટામીટર, ૩-૩-૪-૪-૫-૫-૫-૩ મુજબ પ્રયોજાયા છે. બીજો લાંબો અંતરો ૧૨ પંક્તિનો, જેમાં આઠમી પંક્તિના ટેટ્રામીટરને બાદ કરતાં લગભગ બધી જ પંક્તિમાં પેન્ટામીટર પ્રયોજાયા છે. પ્રાસરચના બંને અંતરામાં અલગ-અલગ અને અટપટી લાગે છે પણ કવિતાને ૮-૧૨ના બદલે ૧૦-૧૦ના બે ભાગમાં વહેંચી નાંખીએ તો વિચિત્ર લાગતી પ્રાસરચના સરળ ભાસવા માંડે છે: અ-બ-અ-બ/ક-ક/ખ-ખ/ગ-ગ. બે અસમાન અંતરાઓ, બંનેમાં અસમાન પંક્તિલંબાઈ –પહેલા અંતરામાં વધઘટ તો બીજામાં લગભગ સમાન પંક્તિઓમાં એક જ ટૂંકી પંક્તિ અને અસમાન પ્રાસરચના – બ્રાઉનિંગ જેવા માસ્ટર-પોએટને શું છંદ અને પ્રાસમાં સમજ નહીં હોય ? કે પછી હોમ-સિકનેસથી વ્યથિત માનવીની અસ્તવ્યસ્ત મનોદશાનો તાદૃશ ચિતાર આપવા માંગે છે કવિ?ખેર, મૂળ કવિતાના સ્વરૂપને વફાદાર રહીને પંક્તિસંખ્યા અને પ્રાસરચના ગુજરાતી અનુવાદમાં પણ યથાવત્ રાખવા સાથે મૂળ રચનાની સમાંતરે જ માત્રામાં પણ વધઘટ કરીને છંદ પ્રયોજવાનો વ્યાયામ અહીં કર્યો છે.

‘હોમ-થોટ્સ ફ્રોમ અબ્રોડ’ લખનાર બ્રાઉનિંગે જ સાત જ પંક્તિની એક કવિતા ‘હોમ-થોટ્સ ફ્રોમ ધ સી’ પણ લખી છે, જેનો ધ્વન્યાર્થ જોકે અલગ જ છે. જો કે એમાં પણ “Here and here did England help me: how can I help England?” (અત્રે-તત્રે બધે ઇંગ્લેન્ડ મને મદદરૂપ થયું હતું, હું શી રીતે ઇંગ્લેન્ડને મદદ કરી શકું?)–એમ વતન માટેની પ્રેમભરી ચીસ તો નીકળે જ છે. જો કે અડધી જિંદગી ઇટાલીમાં વિતાવનાર બ્રાઉનિંગ અન્ય એક કવિતા -De Gustibus- માં આમ પણ લખે છે: ‘મારું હૃદય ઊઘાડો અને તમે જોઈ શકશો કે અંદર કોતર્યું છે, ‘ઇટાલી’. અમે એટલા જૂના પ્રેમી છીએ: એ પહેલાં પણ કાયમ જ (કોતરેલું) હતું, અને કાયમ જ (કોતરેલું) રહેશે.’

શીર્ષક ન આપ્યું હોય તોય કવિતા શેની છે એ તરત સમજી શકાય છે એટલે શીર્ષક અહીં કવિતામાં પ્રવેશવાનો ઉંબરો બનવાના બદલે ઘર કોનું છે એ નિર્દેશતી નેઇમ્પ્લેટ માત્ર બનીને રહી જાય છે. આપણામાંથી બહુ ઓછા એવા હશે જે ઇચ્છતા હોય કે એમની જન્મભૂમિ અને કર્મભૂમિ અલગ હોય. પણ અભ્યાસ, આજીવિકા કે અન્ય કોઈપણ કારણોસર ઘણાં લોકોને ટૂંકા-લાંબા ગાળા કે કાયમી ધોરણે પણ ઘર યા વતનવિચ્છેદ ભોગવવાનું નસીબ થતું હોય છે. બ્રાઉનિંગ કહે છે, ‘જેટલા આઝાદ આપણે દેખાઈએ છીએ, એટલા જ વધુ સાંકળથી બંધાયેલા છીએ!’ ખલિલ જિબ્રાન કહે છે, ‘અને એકલા અને માળા વગર જ ગરુડે સૂર્ય તરફ ઊડવાનું છે.’

માળો ત્યજી ગયેલા આવા કોઈક પંખીને માળો ફરી યાદ આવ્યો છે. કેલેન્ડરનું પાનું ફર્યું છે અને એપ્રિલ દૃષ્ટિગોચર થયો નથી કે નાયક વતનની યાદોમાં ખોવાઈ જાય છે. એપ્રિલ એટલે વસંતની શરૂઆત અને ઇંગ્લેન્ડની આબોહવાની વિષમતા જેણે વેઠી હોય એ જ સમજી શકે છે કે ઇંગ્લેન્ડમાં વસંત એટલે શું અને એવામાં ઇંગ્લેન્ડમાં હોવું એટલે શું ! ‘ઍઝ યુ લાઇક ઇટ’માં ‘આહ, હવે જ્યારે હું આર્ડનમાં છું, હું વધુ પાગલ છું; જ્યારે હું ઘરે હતો, હું વધુ સારા સ્થળે હતો; પણ મુસાફરોએ સંતોષી હોવું જોઈએ’ કહેતો શેક્સપિઅર ‘કિંગ હેનરી પાંચ’માં ‘…તો પછી ઇંગ્લેન્ડ તરફ’ જ કહે છે. વસંત એવો સમય છે જ્યારે વિશાળકાય એલ્મ વૃક્ષની નીચામાં નીચી ડાળીઓ કે એની છાંયમાં ઊગી આવેલ ઝાડી-ઝાંખરાં પણ નાનીનાની પાંદડીઓથી નવપલ્લવિત થઈ રહ્યાં છે. કોકિલ પંચમસૂર આલાપી રહ્યા છે. પણ આ બધું જે કોઈ પાસે નાયક જેવી પારખુ નજર હોય કે બ્રાઉનિંગ જેવા રોમાન્ટિસિઝમના આરાધકને જ નજરે ચડે છે.

મે મહિનામાં તો વસંત પરાકાષ્ઠાએ પહોંચશે. નાના-મોટા પંખીઓ સૂરાવલિઓ રેલાવશે. ‘સાંભળ’ કહીને કવિ ભાવકને કાન સરવા કરવા ઇજન આપે છે. ફળોથી લચી પડેલું નાસપતિનું ઝાડ નીચે ફૂલ અને ઝાકળ પાથરીને શોભામાં અભિવૃદ્ધિ કરે છે એવામાં ખેતરમાં દવા છાંટવાના પંપની વાંકી નળી પર બેઠેલી ચકલી હર્ષવિભોર થઈ ગીત ગાય છે અને ક્યાંક તમે એમ ન માની બેસો કે એ વસંતના વૈભવથી અને આનંદથી બેફિકર છે એટલે એ ગીત ફરીથી દોહરાવે પણ છે. ઝાકળ સૂકાઈ રહ્યું હોય કે થીજી રહ્યું હોય તો બપોર સુધીમાં તો વાસી લાગવા માંડે છે પણ બપોર થતાં જ બટરકપના નાનાં-નાનાં પીળાં ફૂલો –જે ભેગાં કરવાં બાળકોની પ્રિય રમત છે- ખીલી ઊઠીને ખેતરનું વાતાવરણ જ આખું બદલી દે છે. ઇંગ્લેન્ડથી દૂ…ર કવિ જ્યાં છે, ત્યાં પણ તડબૂચના પીળાં ફૂલ ખીલ્યાં જ છે પણ વતનના ફૂલ અને વતનની ધૂળ… ‘વતનની ધૂળથી માથું ભરી લઉં ‘આદિલ’, અરે! આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.’ ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી?!

જિબ્રાન કહે છે, ‘તમારું ઘર લંગર નહીં, કૂવાથંભ હોવું જોઈએ; ઘાને ઢાંકી દેતું ચળકતું પડ નહીં પણ આંખનું રક્ષણ કરતું પોપચું હોવું જોઈએ.’ જી.કે. ચેસ્ટરટને ખૂબ સરસ વાત કરી હતી, ‘હવે એ એનું ઘર હતું. પણ એ એનું ઘર નહીં બની શકે જ્યાં સુધી એ ત્યાંથી ગયો નથી અને પરત ફર્યો નથી.’ ઘર છૂટે ત્યારે જ એની કિંમત સમજાય. જિબ્રાનના કહેવા મુજબ ‘પ્રેમ એની ઊંડાઈ જાણતો જ નથી, જ્યાં સુધી જુદાઈની ઘડી આવતી નથી.’ વતનથી દૂર થવાનું થાય ત્યારે જ વતન શું હતું એની સમજણ પડે છે.

ગીત લખાયું એ અરસો ઇંગ્લેન્ડના ઔદ્યોગીકરણ અને શહેરીકરણનો તબક્કો હતો અને સેંકડો-હજારો લોકોએ પેટિયું રળવા ઘરબાર છોડ્યા હતા અને આ બધા પોતાની કલ્પનાના એ જ ‘ગામઠી’ અને વધુ ‘પ્રાકૃતિક’ ઇંગ્લેન્ડની યાદોમાં જ જીવતા હતા, જીવવા માંગતા હતા. બ્રાઉનિંગ જો કે આ ગાડરિયા પ્રવાહનો હિસ્સો નહોતા અને એમની રચના અને વતનપ્રેમ વધુ નૈસર્ગિક હોવાનું પણ અનુભવાય છે. આ વતનપ્રેમ જોકે એટલો પ્રબળ પણ નથી કે સાંકળ તોડીને વતન પરત ફરી શકાય. ‘નામ’ ફિલ્મનું ‘ચિઠ્ઠી આઈ હૈ’ ગીત, કહે છે, જ્યારે વિદેશી થિએટરમાં ભારતીયો જોતાં ત્યારે આખું થિએટર ધ્રુસકે ચડતું, લોકો પૈસા ફેંકતા, પણ કેટલા લોકો વિદેશ છોડીને સ્વદેશ પરત ફર્યા હશે?

2 replies on “ગ્લૉબલ કવિતા:૩૯: ઘર વિશે, વિદેશથી – રોબર્ટ બ્રાઉનિંગ (અનુ. વિવેક મનહર ટેલર)”

  1. ભાવાર્થ અને શબ્દાર્થ ગમ્યા માત્રામાં લય અને લયમાં માત્રા જંગલના ફૂલ અને બગીચાના ફૂલ સુંદર સુગન્ધિત બંને પણ કવિની હથોટી પરખાઈ ગઈ.
    ફક્ત એક વાક્યમાં સંદર્ભ /સમજ ન પડી ” ક્યાં રાજા ભોજ ક્યાં ગાંગો ટેલી?
    ભાવવાહી કવિતાનું ગણિતજ્ઞ રીતે વિશ્લેષણ કરાવવા બદલ સૌનુ આભાર

    • આભાર, મિત્ર… આવા એક-બે પ્રોત્સાહક પ્રતિભાવ જ કલમને અટકવા દેતા નથી…

      ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી?! – અર્થાત્ ક્યાં વતનનાં ફૂલો અને ક્યાં પરદેશનાં ફૂલો? બેની કોઈ સરખામણી જ નથી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *