ગ્લૉબલ કવિતા : ૩૧ : પ્રેમ પછી પ્રેમ (ડેરેક વૉલ્કોટ)

સમય આવશે
જ્યારે, ઉત્તેજના સાથે,
તમે તમારી જાતને આવકારશો
તમારા પોતાના દરવાજે, તમારા પોતાના અરીસામાં,
અને બંને જણ સ્મિત કરશે પરસ્પરના આવકાર પર,

અને કહો, અહીં બેસો. આરોગો.
તમે ફરીથી એ અજાણ્યાને ચાહશો જે તમારી જ જાત હતો.
ચા-પાણી આપો. ખાવાનું આપો. પાછું આપો તમારું હૃદય
તમારા હૃદયને જ, એ અજાણ્યા શખ્સને જેણે તમને ચાહ્યો છે

તમારું આખું જીવન, જેને તમે અવગણ્યો છે
બીજા માટે, જે તમને જાણે છે દિલથી.
અભરાઈ પરથી પ્રેમપત્રો ઉતારો,

ફોટોગ્રાફ્સ, વિહ્વળ નોંધો,
ઉતરડી નાંખો તમારું પોતાનું પ્રતિબિંબ અરીસામાંથી.
બેસો. તમારી જિંદગીને ઉજવો.

-ડેરેક વૉલ્કોટ
(અનુ. વિવેક મનહર ટેલર)

જાત સુધીની જાતરા…

જેના વિશે બધી જ ખબર હોય એ વ્યક્તિને ચાહી શકાય? પતિ-પત્ની એકમેકને જેમ વધુ ઓળખતા જાય તેમ દામ્પત્યનો રંગ ફીકો નથી પડતો જતો? અરીસામાં રોજ આપણે જેને જોઈએ છીએ એ વ્યક્તિને તો આપણે પૂરેપૂરો ઓળખીએ છીએ. આપણી ખામી-ખૂબીથી આપણે પૂરેપૂરા વાકેફ છીએ ને કદાચ એટલે જ આપણે જાત સાથે વાત કરવાનું બહુધા ટાળીએ છીએ. પણ જે ખુદને ન ચાહી શકે એ અન્યને કદી ‘સાચા’ અર્થમાં ચાહી શકે? એરિસ્ટોટલ કહ્યું હતું, ‘બીજાને મિત્ર બનાવતા પહેલાં મનુષ્યે પોતાની જાતને મિત્ર બનાવવો જોઈએ. સ્વની ઓળખ બધા જ ડહાપણની શરૂઆત છે.’ સદીઓ પહેલાં ભગવાન બુદ્ધે જે કહ્યું, ‘તમારી પોતાની જાત, સમસ્ત સંસારમાં, અન્ય કોઈનીય જેમ તમારા પ્રેમ અને સ્નેહની અધિકારી છે,’ એ જ વાત ડેરેક વૉલ્કોટ લઈને આવ્યા છે.

સર ડેરેક ઑલ્ટન વૉલ્કોટ. જન્મ ૨૩-૦૧-૧૯૩૦ના રોજ સેન્ટ લુસિયા, વેસ્ટ ઇંડિઝ ખાતે. મૃત્યુ ૮૭ વર્ષની ઊંમરે આ વર્ષે જ ૧૭-૦૩-૨૦૧૭ના રોજ. એક વર્ષની ઊંમરે તો ચિત્રકાર પિતા ગુમાવ્યા. માતા આચાર્યા હતી. એક બહેન અને બે જોડિયા ભાઈઓમાં ડેરેક એક. દાદી અને નાની-બંનેના મૂળિયાં ગુલામોમાંથી ઊતરી આવ્યાં હતાં. ડેરેક કહેતા કે પિતામાં જે અધૂરું રહી ગયું એ જ મારામાં આગળ વધ્યું. તાલીમ ચિત્રકારની મળી પણ ચિત્રો પીંછીના બદલે કલમથી દોર્યાં. ૧૪ વર્ષની ઊંમરે પહેલી કવિતા. ૧૮ વર્ષની ઊંમરે બસો ડૉલર ઉધાર મેળવીને પોતાનો પહેલો કાવ્યસંગ્રહ છાપી નાંખ્યો, મિત્રોને અને શેરીઓમાં વેચીને પૈસા પરત પણ મેળવી લીધા ને ૧૯ની ઊંમરે તો બીજો કાવ્યસંગ્રહ.

બૉસ્ટન, ન્યુ યૉર્ક અને લુસિયા વચ્ચે એમનો જીવનકાળ વહેંચાયેલો રહ્યો પરિણામસ્વરૂપે એમના સર્જનમાં કરેબિઅનની લોકલથી લઈને આંતરરાષ્ટ્રીયની ગ્લૉબલ ફ્લેવર એકમેકમાં ભેળસેળ થઈને એક નવી જ સોડમ જન્મી. સ્વીકૃત અંગ્રેજીમાં લખવા બદલ એમને ઓછા ‘બ્લેક’ ગણતા બ્લેક પાવર મૂવમેન્ટવળાઓએ એમના પર પસ્તાળ પણ પાડી, પણ ડેરેકે કહ્યું, “I have no nation now but the imagination.” (મારે હવે કોઈ દેશ નથી, માત્ર કલ્પના જ છે) ૧૯૮૨ અને ૯૬માં એમના પર બે વિદ્યાર્થીનીઓએ જાતીય કનડગતનો આરોપ મૂક્યા જેને મિડિયાએ ખૂબ ચગાવ્યા હતા જેની કિંમત ડેરેકે ઓક્સફર્ડ પ્રોફેસર ઑફ પોએટ્રીના પદ માટેની ઉમેદવારી ખેંચી લઈને ચૂકવવી પડી. ત્રણવાર લગ્ન અને ત્રણવાર છૂટાછેડા.

સાહિત્ય માટેનું નોબલ પારિતોષિક (૧૯૯૨) મેળવનાર એ બીજા કરેબિઅન સર્જક હતા. કમિટિએ ડેરેકના સર્જન માટે કહ્યું, ‘ઉત્તમ તેજસ્વિતાવાળી એક કાવ્યાત્મક કળાકૃતિ, જે ટકી રહી છે બહુસાંસ્કૃતિક પ્રતિબદ્ધતાના પરિણામસ્વરૂપ ઐતિહાસિક દૃષ્ટિ વડે.’ હૉમરના ઑડિસીને આધુનિક કરેબિઅન માછીમાર સાથે સાંકળી લેતું ‘ઓમેરોસ’ નામનું આધુનિક મહાકાવ્ય એમના મુગટમાંનું ઉત્કૃષ્ટ પીંછુ. ‘અનઅધર લાઇફ’ એમનું આત્મકથનાત્મક દીર્ઘકાવ્ય. વિવેચક, પત્રકાર અને કવિતાના શિક્ષક. બહુપુરસ્કૃત ખ્યાતનામ નાટ્યકાર. એમનો અવાજ ઇતિહાસમાં સતત ગૂંજતો રહેનારો છે. જોસેફ બ્રોડ્સ્કીએ કહ્યું, ‘ભરતીના મોજાં જેવી એમની કવિતાઓ વિના આધુનિક સાહિત્ય વૉલપેપર બનીને રહી જાત. ભાષામાં લપેટીને એમણે આપણને અનંતતાની ભાવના આપી છે.’ વૉલ્કોટ કહેતા, ‘કવિતા જ્યારે તમારી પાસે આવે છે ત્યારે તમે આસપાસની આખી દુનિયાથી કપાઈ એકલા થઈ જાવ છો. તમે કાગળ ઉપર જે કરી રહ્યા છો એ તમારી ઓળખનું નહીં, પણ ગુમનામીનું નવીનીકરણ છે.’

પ્રસ્તુત કવિતાનું સ્વરૂપ જોઈએ તો એ મુક્ત પદ્યમાં લખાઈ છે એટલે કોઈ નિયત છંદ કે પ્રાસરચના દેખાતા નથી પણ યતિનો પ્રયોગ ધ્યાનાર્હ છે. વોલ્કૉટ યતિ(caesura)ના શોખીન હતા. એ કહેતા કે યતિનો અયોગ્ય પ્રયોગ રેવાળ ચાલે ચાલતો ઘોડો અધવચ્ચે ફસડાઈ પડી પગ તોડે એના જેવો હોય છે. એકતરફ અવારનવાર આવતા અલ્પવિરામ અને વાક્યની વચ્ચે આવતા પૂર્ણવિરામ વડે કવિતાની ગતિ તેઓ નિયત માત્રામાં અવરોધીને ભાવકને ઝડપભેર આગળ દોડી જતો અટકાવે છે તો બીજી તરફ ઓછી-વત્તી પંક્તિના ચાર ફકરા, લાંબા-ટૂંકા વાક્યોમાં અપૂર્ણાન્વયરીતિ (enjambment)થી મોટાભાગના વાક્યોને એક પંક્તિમાંથી બીજીમાં ઢોળી દઈને તેઓ ગતિ વધારી દે છે. જીવનની ગતિ સાથે આ રીતે કાવ્યગતિ સુસંગત બને છે અને જાત વિશે-જિંદગી વિશે મીમાંસા કરવાનો સમય કવિતાની વચ્ચે જ કવિ પૂરો પાડે છે.

કવિતાનું શીર્ષક વિચારતાં કરી દે છે. આપણે જે અર્થમાં ‘દિવસ પછી દિવસ’ કહીએ છીએ એ જ અર્થમાં ‘પ્રેમ પછી પ્રેમ’ પ્રયોજાયું હશે? કવિતામાં સ્વ-પ્રેમની વાત છે એ તો સમજાય છે પણ શું આ પ્રેમ કાવ્યાંતે આવતા પ્રેમપત્રોવાળા પ્રેમ પછીનો પ્રેમ છે? બીજાઓ સાથેના પ્રેમથી પરવારી જઈને ‘સમય આવશે’ ત્યારે જાત સાથે જે પ્રેમ કરવાનો છે એ કવિ કહેવા માંગતા હશે?

કવિતા વાંચતા જ ડેલ વિમ્બ્રૉની ‘ધ મેન ઇન ધ ગ્લાસ’ કવિતા યાદ આવે. જેમાં અરીસામાં દેખાતો માણસ શું કહે છે એના પર ધ્યાન આપવાની અને એના તમારા માટેના ચુકાદાને સર્વોચ્ચ ગણવાની, એને જ ખુશ રાખવાની વાત આવે છે. સત્તરમી સદીમાં જ્યૉર્જ હર્બર્ટની ‘લવ’ કવિતાના અંશ પણ નજરે ચડે જેમાં પ્રેમ ગુનાહિત ભાવથી પીડાતા અને એક અતિથિની રાહ જોતા કાવ્યનાયકને સમજાવે છે કે એ અતિથિ તું પોતે જ છે અને પોતાની સાથે ખાવા-પીવા બેસાડે છે.

જાત તરફની જાતરાની આ કવિતા છે. ‘સમય આવશે’ કહીને કવિતા શરૂ થાય છે. મતલબ આ સમય આવવાનો જ છે એની ખાતરી છે અને આ સમય દરેકની જિંદગીમાં આવતો જ હોય છે જ્યારે માણસ પોતાની જાત સાથે જ મુખામુખ થતો હોય છે. હરિવંશરાય બચ્ચન કહે છે એમ, ‘जीवन की आपाधापी में कब वक्त मिला/ कुछ देर कहीं पर बैठ कभी यह सोंच सकूँ’ની જેમ જીવનની દોડમાં ને અન્યોને ચાહવાની હોડમાં આપણે મોટાભાગે જાતને ચાહવાનું ભૂલી જતાં હોઈએ છીએ. જાત સાથે વાત કરવાનો સમય જ રહ્યો નહીં. અને જે જાતને નથી ચાહી શકતો એ અન્યને શી રીતે ચાહી શકે? પણ ક્યારેક એવો સમય જરૂર આવે છે જ્યારે તમારી પોતાની જાત તમને આગંતુક બનીને તમારા ઘરના દરવાજે, તમારા અરીસામાં મળે છે. તમારું હૃદય જીવનભર તમને ચાહે છે. હવે, તમારે એને ચાહવાનો સમય આવી ગયો છે. એને પ્રેમથી, ઉત્તેજનાસહિત આવકારો. એને ચાહો. મનની અભરાઈ પરથી જૂની યાદો, જૂના સંબંધોથી ઉભરાઈ ગઈ છે. આ બધાને ઉતારી દઈ મન સાફ કરી દો. જે આભાસી જિંદગી તમે જીવતા આવ્યા છો એને જીવનના અરીસામાંથી ઉતરડી નાંખો. કહો કે, ‘ખુદ મને જ મારી સાક્ષાત્ કર, તું પાંચ મિનિટ બેસીને વાત કર.’ હોવાની મહેફિલ કરી દો. જિદગીની ઉજાણી કરો. તમારું પોતાનું હોવું ઉજવો…

ધર્મ અને ખ્રિસ્તીપણાનાં સંદર્ભ પણ નજરે ચડે છે. ‘Love thy neighbour’ (તારા પાડોશીને પ્રેમ કર), ‘Eat. Drink’ (ખાઓ. પીઓ.) વાઇન, બ્રેડ – બાઇબલના આ સંદર્ભ અછતા નથી રહેતા. દરવાજો, અરીસો અને પ્રેમને એ સંદર્ભમાં પણ જોઈ શકાય.વૉલ્કોટ હંમેશા પોતાના અશ્વેતપણાંને શ્વેત સાથે એકાકાર કરવા મથતા. કલમના લસરકાથી રંગભેદ ભૂસવાની મથામણ કરતા. પ્રસ્તુત રચનાનું રૂપક જરા વિસ્તારીએ તો એમ પણ લાગે કે બે અલગ સંસ્કાર, બે અલગ રંગોનું એકમેકમાં પુનર્ગઠન કરવા કવિ ચહે છે.

અંગ્રેજી ‘I’ (હું) લેટિન શબ્દ ‘ઇગો’ પરથી ઉતરી આવ્યો છે. ફિલસૂફીમાં ઇગોઇઝમનો સિદ્ધાંત કહે છે કે વ્યક્તિની પોતિકી ક્રિયાઓની પ્રેરણા અને ધ્યેય પોતાની જાત જ છે અથવા હોવી જોઈએ. પ્રખ્યાત લેખિકા એન રેન ‘ધ વર્ચ્યુ ઓફ સેલ્ફિશનેસ’માં સ્વાર્થને પ્રાપ્ત કરવા માટેનો યોગ્ય સદગુણ લેખાવી તર્કસંગત અહંભાવની તરફેણ કરે છે. અંગ્રેજીમાં બિમારીની હદ સુધી વકરેલી સ્વરતિને narcissism કહે છે, જેનાં મૂળ રોમન કથાના નાર્સિસસમાંથી ઉતરી આવ્યાં છે. યુવાન નાર્સિસસ તળાવમાંથી પાણી લેવા જતાં પોતનું પ્રતિબિંબ જોઈ પોતાના જ પ્રેમમાં ઘેલો થઈ જાય છે અને પ્રતિબિંબને યથાવત રખવાની લાલસામાં તરસે મોતભેગો થઈ જાય છે. સત્તરમી સદીમાં પાસ્કલે “l’amour propre” (સ્વ-પ્રેમ)ને તમામ અનિષ્ટોની જડ ગણાવી હતી. તો સોળમી સદીમાં શેક્સપિઅરે ‘હેનરી ૫’માં કહ્યું, ‘Self-love, my liege, is not so great a sin as self-neglect.’ (જાતની અવગણના એ જાતને પ્રેમ કરવાથી મોટું પાપ છે) લ્યુસિલી બૉલે કહ્યું હતું, ‘સૌપ્રથમ જાતને ચાહો અને બીજું બધું બરાબર થઈ જશે.’ કેમકે ‘આપણી અંદર જે છે એની આગળ આપણી પાછળ જે છે અને સામે જે છે એ બધું બહુ ક્ષુલ્લક છે.’ (રાલ્ફ વાલ્ડો ઇમર્સન) ‘જ્યારે હું શોધી લઈશ કે હું કોણ છું, હું મુક્ત હોઈશ’ (રાલ્ફ એલિસન) કેમ કે ‘જાતના અનુમોદન વિના મનુષ્ય આરામદેહ નથી અનુભવતો.’ (માર્ક ટ્વેઇન) આજ વાત લાઓ-ત્ઝુ કહી ગયા, ‘જે જાતને સ્વીકારે છે એને દુનિયા સ્વીકારે છે.’

જમાનો સેલ્ફીનો છે પણ સેલ્ફનો ફોટો લેવાનું આપણે ભૂલી ગયાં છીએ. જાત સાથે વાત કરતાં આવડી જાય તો સંસાર સરળ બની જાય. અન્ય સંબંધોની આંટીઘૂંટી અને ગાંઠ ઉકેલવાને બદલે સૌપ્રથમ સ્વ સાથે સંધાન સધાવું જોઈએ. માણસ પોતાની સાથે comfortable થતાં શીખી લે એટલે જિંદગી નિરાંતની મહેફિલ જ છે… આવો, બેસો. ખાઓ, પીઓ. જિંદગીને ઉજવો.

Love After Love

The time will come
when, with elation
you will greet yourself arriving
at your own door, in your own mirror
and each will smile at the other’s welcome,

and say, sit here. Eat.
You will love again the stranger who was your self.
Give wine. Give bread. Give back your heart
to itself, to the stranger who has loved you

all your life, whom you ignored
for another, who knows you by heart.
Take down the love letters from the bookshelf,

the photographs, the desperate notes,
peel your own image from the mirror.
Sit. Feast on your life.

– Derek Walcott

2 replies on “ગ્લૉબલ કવિતા : ૩૧ : પ્રેમ પછી પ્રેમ (ડેરેક વૉલ્કોટ)”

  1. “I have no nation now but the imagination.” Wow! Very nice poem and poet’s brief history. Liked. Thanks.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *