ગ્લૉબલ કવિતા : 29 : મને યાદ છે જ્યારે – માઇકલ હેટિચ

મને યાદ છે જ્યારે

મારા પિતા પશ્ચિમનો પર્વત ચડ્યા હતા.
દરરોજ એ વધુ કાપતા હતા
એનું શિખર જેથી અમે વધુ સૂર્યપ્રકાશ
મેળવી શકીએ અમારું અન્ન ઊગાડવા માટે, અને જ્યારે એણે
પૂરતું કાપી નાખ્યું કે જેથી ભરઉનાળે અમને મળી શકે
સૂર્ય વધારાની એક મિનિટ માટે, જે,
બિલકુલ, અતિશયોક્તિ જ છે, એમણે
જાણ્યું કે એમણે કંઈક નક્કર કરી લીધું છે, અને અમને જોવા બોલાવ્યા
સૂર્યને તિરાડમાં ઢળતો
અને અદૃશ્ય થતો.

બીજા દિવસે સૂર્ય હટી ગયો હતો, પણ એમણે ખોદવો ચાલુ રાખ્યો
એ જ ખાડો, વરસમાં એક દિવસ મેળવવા માટે.
એક દિવસ, એમણે અમને કહ્યું, પર્વત
બે ભાગમાં કપાઈ જશે અને
એક આખો દિવસ મળશે
પહેલાં કદી નહોતો એવા લાંબા કલાકોવાળો.

શહેરના લોકો પણ એમને ‘‘પિતા’’ જ કહેતા.
કેટલાકે મદદ કરવા તૈયારી પણ બતાવી, પણ ના,
એ એમનો, એમનો ખાડો હતો, એમનો પ્રકાશ હતો; તેઓ નસીબદાર હતા
કે એ વહેંચવા તૈયાર હતા. રાત્રે નવા તારા પણ ઊગ્યા.

– જ્યારે એમણે એક ઝરણું ખોદ્યું અને પાણી ધસી આવ્યું
ધોધ બનીને, ખીણ, શહેરને ભરી દેતું
એક સુંદર તળાવ બનાવતું, ઊંડું,
ઠંડું, અને કયાંય જોવા ન મળે
એવી માછલીઓથી ભરપૂર, પ્રાણીઓએ જેઓ પર્વત પર
જંગલી ફરતા હતા, હર્ષોલ્લાસ કર્યો, અને વધુ
જંગલી થયા, બધુ આવેશપૂર્ણ. એમણે હર્ષોલ્લાસ કર્યો!
અમે આજે પણ કરીએ છીએ.

– માઇકલ હેટિચ
(અનુ. : વિવેક મનહર ટેલર)

I Remember When

My father climbed the western mountain
Every day he chopped more
of its peak off so we could have more
daylight to grow our food in, and when he’d
chopped deep enough that in midsummer we had
sun for an extra minute, which
is, of course an exaggeration, he
knew he had done something real, and called us
to watch the sun settle
in the chink and disappear.

Next day the sun had moved, but he kept digging
the same dent, wanting one day a year.
One day, he told us, the mountain would be
chopped in two and there would be
one complete day
hours longer than there’d ever been.

People in the town called him “father” too.
Some volunteered to help, but no,
It was his, his dent and his light; they were lucky
he was willing to share. At night there were new stars.

-When he hit a spring and the water gushed out
a waterfall, flooding the valley, the town,
to form a beautiful lake, deep,
cold, and full of fish found
nowhere else, the animals that lived
wild on his mountain rejoiced and grew
wilder, more passionate. They rejoiced!
We still do.

– Michael Hettich

માય ડેડી સ્ટ્રોંગેસ્ટ !!

દુનિયાનો પહેલો સુપરમેન કોણ ? તો કે’ પપ્પા! છોકરા માટે તો કાયમ ‘માય ડેડી સ્ટ્રોંગેસ્ટ’ જ હોવાના. મૂછ અને સમજણના દોરા ન ફૂટે ત્યાં સુધી તો દીકરો હંમેશા બાપના પેંગડામાં પગ ઘાલવાની મથામણમાં જ રહેવાનો. ‘પપ્પા, હું તમારામાંથી ઊંચો’ એવું કહ્યા વિના કયો દીકરો મોટો થઈ ગયો હશે, કહો તો? અમેરિકન કવિ માઇકલ હેટિચની આ રચના એક દીકરાના વિપુલદર્શક કાચમાંથી દેખાતું આવું જ એક બાપનું ચિત્ર છે.

માઇકલ હેટિચનો જન્મ ૧૯૫૩માં ન્યૂયૉર્કના બ્રુકલિનમાં થયો. ન્યુયૉર્કમાં જ મોટા થયા. અંગ્રેજી અને અમેરિકન સાહિત્યમાં પી.એચ.ડી. માયામીની કોલેજમાં પચ્ચીસથી વધુ વર્ષોથી અંગ્રેજીના પ્રોફેસર છે. ધર્મપત્ની કોલિન સાથે રહે છે. બે સંતાનોના પિતા છે. કવિતાના બારથી વધુ નાનાં-મોટાં પુસ્તકો એમણે પ્રગટ કર્યાં છે. સાહિત્યને લગતી જર્નલ્સમાં તથા સંપાદનોમાં એમની કવિતા અને લેખો સતત પ્રગટ થતા રહે છે અને ઢગલાબંધ પુરસ્કાર પણ મેળવી ચૂક્યા છે. કવિતા વિશેનું એમનું અધિકારત્વ નમ્ર પણ છે અને પૂર્ણતયા આધારભૂત પણ છે. એમની કવિતાઓનો શાંત કરિશ્મા દંગ કરી દે એવું ઊંડાણ ધરાવે છે. કુદરત તરફની એમની દૃષ્ટિ અનોખી છે અને માનવજાત માટે એમના શબ્દોમાં અથાક કરુણા ભરી પડી છે. ડહાપણ અને કામણ એ એમના હુકમના પત્તા છે અને એ એમને બરાબર રમી પણ જાણે છે.

કોઈકે કહ્યું છે કે, પિતાના માથે પડેલી કરચલીઓના કારણે જ આજે તમે ઈસ્ત્રી કરેલા કપડાં પહેરી શકો છો; પિતા એટલે પર્વત જેવડા વિશાળ વ્યક્તિત્વમાંથી નીકળતી પ્રેમની ખળખળતી નદી; આપણા નસીબના કાણાં બાપ એના ગંજીમાં લઈ લે છે. રમણલાલ સોનીએ તો પિતાને પહેલો ગુરુ કહ્યું છે. દેવકી અને યશોદાને આપણે યાદ કરીએ છીએ પણ કાજળકાળી રાતે મુશળધાર વરસાદમાં ઘોડાપૂરે ચડેલી યમુના નદી ઓળંગવા વાસુદેવે કરેલું સાહસ બહુ યાદ કરતા નથી કેમકે બાપ તો આ બધું કરે જ એવી આપણી સર્વસ્વીકૃત માન્યતા છે. રામાયણમાં પણ રામના વિયોગમાં દશરથ પ્રાણ ત્યજે છે, કૌશલ્યા નહીં. શ્રવણના વિયોગમાં પણ માત્ર મા જ પ્રાણત્યાગ નથી કરતી, પિતા પણ કરે છે. મા પાલવમાં ઢાંકીને વહાલ કરે છે, બાપ ખભે બેસાડીને વિશ્વદર્શન કરાવે છે. મા પ્રેમ સીંચે છે, બાપ આત્મવિશ્વાસ. મા લાગણીના સિક્કા પૂરા પાડે છે, બાપ માંગણીની કરન્સી નૉટ્સ. બાપ રુક્ષ નથી, વૃક્ષ છે જેની છાયામાં સંતાન નામનો છોડ મહોરે છે. દીકરાની સાઇકલ પાછળનો હાથ છોડવાની હિંમત બાપ જ કરે છે અને એમ કરીને દીકરાને દુનિયામાં સહારા વિના અને પડ્યા વિના આગળ વધવાનો પ્રથમ પાઠ ભણાવે છે.

પિતા શબ્દ ‘पा’ ધાતુ પરથી ઊતરી આવ્યો છે, જેનો અર્થ રક્ષણ કરવું થાય છે. ‘यः पाति स पिता।’ (જે રક્ષા કરે છે તે પિતા છે.) પિતાનો એક અર્થ પરમેશ્વર પણ છે. મનુસ્મૃતિ કહે છે: ‘उपाध्यायान्दशाचार्य आचार्याणां शतं पिता। (દસ ઉપાધ્યાયથી વધીને એક આચાર્ય અને સો આચાર્યથી વધીને એક પિતા હોય છે.) ઋષિ યાસ્કાચાર્યના ‘નિરુક્ત’સૂત્રમાં પણ पिता पाता वा पालयिता वा। અને पिता-गोपिता અર્થાત, પિતા રક્ષણ કરે છે અને પાલન કરે છે એમ લખ્યું છે. મહાભારતમાં વનપર્વમાં મરણાસન્ન ભાઈઓને બચાવવા યુધિષ્ઠિર યક્ષપ્રશ્નોના જવાબ આપે છે. યક્ષના એક પ્રશ્ન, ‘का स्विद् गुरुतरा भूमेः स्विदुच्चतरं च खात्।’ (કોણ પૃથ્વીથી ભારી છે? કોણ આકાશથી ઊંચું છે?)ના જવાબમાં યુધિષ્ઠિર કહે છે, ‘माता गुरुतरा भूमेः पिता चोच्चतरं च खात्।’ (માતા પૃથ્વીથી ભારી છે, પિતા આકાશથી ઊંચા છે). મહાભારતમાં જ લખ્યું છે: ‘पिता धर्मः पिता स्वर्गः पिता हि परमं तपः। पितरि प्रीतिमापन्ने सर्वाः प्रीयन्ति देवता।।’ (પિતા જ ધર્મ છે, પિતા જ સ્વર્ગ છે અને પિતા જ સૌથી શ્રેષ્ઠ તપસ્યા છે. પિતાના પ્રસન્ન થવાથી બધા દેવ પ્રસન્ન થઈ જાય છે.) પદ્મપુરાણમાં લખ્યું છે: ‘सर्वतीर्थमयी माता सर्वदेवमयः पिता।’ (મા સર્વ તીર્થસ્વરુપ અને પિતા સર્વ દેવતાસ્વરુપ છે.)
માની સરખામણીએ પિતાના ગુણગાણ જોકે બહુ ઓછા જ ગવાયા છે. ‘બા’નો ‘પા’ ભાગ એટલે ‘બાપા’ એમ મારા પપ્પા કાયમ કહેતા. પપ્પાનું ટી-શર્ટ પહેલવહેલીવાર બંધબેસતું આવે એ દિવસ દીકરાની જિંદગીનો સૌથી યાદગાર દિવસ હોવાનો. આવો જ એક દીકરો પોતાના પિતાને કઈ નજરે જુએ છે, પોતના પિતા માટે કેવા વિચારો ધરાવે છે એ વાત લઈને આ કવિતા આવે છે. કવિતા આત્મકથાનકસ્વરૂપે છે પણ એનો અર્થ એ નથી કે આ વાત માઇકલ હેટિચના પિતાની જ છે. આત્મકથાનકસ્વરૂપ કાવ્યમાં આવતા કાવ્યનાયક/નાયિકા માટે વિલિયમ બટલર યીસ્ટ ‘Mask’ (મહોરું) શબ્દ વાપરતા પણ કવિતામાં આવતા આવા અર્ધકાલ્પનિક (Quasi-fictional) પાત્રોને કવિતાનો ‘Persona’ (લેટિન Person-વ્યક્તિ પરથી) કહેવાય છે. જેમ કવિ એ એની કવિતા પોતે નથી એમ જ કવિતામાં આવતી આ વ્યક્તિ એ કવિ પોતે જ હોય એવું જરૂરી નથી. આત્મકથાનકસ્વરૂપે કહેવાયેલી કવિતા શુદ્ધ આત્મકથાનક પણ હોઈ શકે, અર્ધઆત્મકથાનક પણ હોઈ શકે અને બિલકુલ કપોળકલ્પિતકથાનક પણ હોઈ શકે. કવિતામાં કવિને કે કવિની જિંદગીને શોધવાને બદલે કવિતા જ શોધવી વધુ હિતકારી છે.

હેટિચ આજની તારીખના કવિ છે. પ્રવર્તમાન ચીલા મુજબ એમણે આ કવિતામાં છંદોના બંધન ફગાવી દીધા છે. છંદ નથી એટલે પ્રાસ પણ નથી. ચાર ફકરાઓમાં પંક્તિ સંખ્યા અને લંબાઈ પણ અનિયમિત છે, જાણે કપાઈ રહેલા પર્વતનો આકારાભાસ ન કરાવતી હોય!

કવિતાનું શીર્ષક એ જ કવિતાની પ્રથમ પંક્તિ પણ છે એ જોઈને પહેલી નજરે આશ્ચર્ય થાય પણ પછી આગળ જતાં ખ્યાલ આવે છે કે આ એક બાળકની સ્વગતોક્તિ છે અને બાળક પાસે શીર્ષક અલગ પાડીને કવિતા કરવા જેટલી પુખ્તતાની અપેક્ષા કેમ કરાય આવી સમજ પડે ત્યારે કવિકર્મને દાદ આપવાનું મન થાય. બાળક યાદ કરે છે એના વધુ નાનપણના દિવસોની, ગઈકાલની. અને કવિતા બાળકની યાદદાસ્ત પર આગળ વધે છે એટલે જ બાળસહજ ચંચળતાના ન્યાયે કવિતામાં પણ ભાવ અને વિચારના કૂદકાઓ જોવા મળે છે.

બાળક પિતાને પર્વતનું શિખર કાપીને ખાડો કરી બે ભાગમાં વહેંચવાની મથામણ કરતાં જુએ છે જેથી કરીને સૂર્ય વધુ સમય માટે મળે. કવિતામાં જાતે જ કહ્યું છે કે ‘જે, બિલકુલ, અતિશયોક્તિ જ છે’ અને ન કહ્યું હોય તોય સમજી શકાય છે કે અતિશયોક્તિ પણ વામણી લાગે એવી આ વાત છે. પિતા શું કામ કરે છે એ વાતથી અણજાણ બાળક કલ્પનાની છલાંગ ભરીને ‘મહામાનવ’ પિતાના ‘અતિમાનવ’ કાર્યો નક્કી કરે છે. એક મિનિટ જેટલો જ સૂર્યપ્રકાશ મેળવવા માટેની મહેનત છેવટે રાબેત કરતાં વધુ કલાકોવાળા એક આખા દિવસનો વધારો મેળવવાની આશા સુધી લંબાય છે. ‘નવા તારા’, ‘ક્યાંય જોવા ન મળે એવી માછલીઓ’ – પરિકલ્પના વધુને વધુ ઊંડી થતી જાય છે. બાળક પોતાના ‘ફાધર’ને આખા ગામના પણ ‘ફાધરફિગર’ તરીકે અને કોઈની મદદેય ન લે એવા સ્વાભિમાની તરીકે જુએ છે. વળી એના પિતા યથોચિત ઉદાર પણ ખરા જ. જાતમહેનતથી એકલપંડે હાંસિલ કરેલો વધારાનો સૂર્યપ્રકાશ, તારા, પાણી, માછલીઓ – આ બધું એ પોતાના હકનું જ હોવા છતાં બધાને વહેંચવા તૈયાર છે.

ટૂંકમાં, કવિતા બે સ્તરે વિહાર કરે છે. એક, વાંચવી ગમે એવી મજાની પરીકથા. બીજું, બાળમાનસ. બંનેની મજા છે. બીજો કોઈ અર્થ શોધવા ન જઈએ તો પણ કવિતા આનંદ આપે છે અને એટલું પૂરતું છે. वाक्यम् रसात्मकम् काव्यम्। (વિશ્વનાથ). શૅલીએ પણ કવિતાને Expression of imagination જ કહી છે. પણ, કવિતા જે તમને કહે છે એ જ કહેતી હોય એ જરૂરી નથી. ખરી કવિતા ઘણીવાર બે શબ્દોની વચ્ચેની જગ્યામાં કે બે લીટીઓ વચ્ચેના અવકાશમાં લખાયેલી હોય છે અને ભાવક પોતાના જે-તે સમયની ભાવાવસ્થા મુજબ એનું યથેચ્છ અર્થઘટન કરી શકે છે. સપાટીની નીચે, બીજા સ્તરે બાળસહજ મનોભાવો ઉદ્ધ્રુત થાય છે. જે કુશળતા-કાબેલિયતથી આ ભાવ સુવાંગ આલેખાયા છે એ જ ખરી કવિતા છે. ‘જે, બિલકુલ, અતિશયોક્તિ જ છે’ એમ કહી દેવાયા બાદ પણ આ અતિશયોક્તિ વાસ્તવિક લાગે છે. પર્વતના કપાવાની વાત, લાંબા કલાકોવાળા વધારાના દિવસની વાત, નવા તારા, નવી માછલીઓ, જળાશય – આ બધું જ સાચું લાગે છે અને એ જ સર્જકનો જાદુ છે. અને આ બધું આપણને એટલા માટે સાચું લાગે છે કે આપણે બધા બાળપણમાં સતત આવા સુપરમેનને જોઈ-જોઈને જ મોટા થયા છે. પિતા માટેની આપણી કલ્પનામાં યથેચ્છ રંગો ભરાતાં અનુભવાતાં હોવાથી રચના દિલની વધુ નજીક અનુભવાય છે. ‘મને યાદ છે જ્યારે’ની અનિશ્ચિતતાથી આરંભાતી રચના જ્યારે ‘અમે આજે પણ કરીએ છીએ’ની નિશ્ચિતતાને સ્પર્શે છે ત્યારે આપણું હૈયું પણ વધુ જંગલી બનીને, વધુ હર્ષોલ્લાસ પોકારી ઊઠે
છે!

2 replies on “ગ્લૉબલ કવિતા : 29 : મને યાદ છે જ્યારે – માઇકલ હેટિચ”

Leave a Reply to HITESH Cancel reply

Your email address will not be published. Required fields are marked *