ગ્લૉબલ કવિતા : 27 : દિલ, ભલા – એમિલિ ડિકિન્સન

દિલ ભલા, આપણે એને ભૂલી જશું,
તું ને હું, આજ રાતે જ જો!
તુંય ભૂલી જજે, એણે જે હૂંફ આપી હતી,
હું ભૂલી જઈશ અજવાસ, હોં!

જ્યારે પરવારે તું, યાદ રાખીને હા, ખાસ કહેજે મને,
મોળા પાડી દઈશ, મારા વિચાર સૌ,
જલ્દી કર! તું રખેને પડી જાય પાછળ અને
ક્યાંક હું યાદ એને કરી લઈશ તો!

-એમિલી ડિકિન્સન
(અનુ. વિવેક મનહર ટેલર)

Heart, we will forget him

Heart, we will forget him,
You and I, tonight!
You must forget the warmth he gave,
I will forget the light.

When you have done pray tell me,
Then I, my thoughts, will dim.
Haste! ‘lest while you’re lagging
I may remember him!

– Emily Dickinson

જિંદગીના મકાનમાં સૌથી વહાલો કોઈ ઓરડો હોય તો એ ભૂતકાળનો ઓરડો છે. મન જરા નવરું પડ્યું નથી કે ભૂતકાળના ઓરડામાં ઘૂસ્યું નથી. એક પછી એક સ્મરણના પટારા ખૂલતા જાય અને જીવી જવાયેલી જિંદગી ક્યારેક સ્મિત પણ બહુધા ઉદાસીનો વજનદાર ડચૂરો થઈને ગળામાં ભરાઈ પડતી હોય છે. ભૂલવા જેવું ભૂલી શકાતું નથી એમાં જ જિંદગી ભારઝલ્લી બનીને રહી જતી હોય છે. સ્મરણનું મરણ કરતાં આવડી જાય તો સંસાર સ્વર્ગ ન બની જાય? પણ સ્મરણનું મરણ કે મારણ કરવાનું કોઈ શીખવે ખરું?

પ્રસ્તુત રચના ભૂતકાળના આવા જ એક કમરામાં આપણને લઈ જાય છે. જીવનનો નેવુ ટકાથી વધુ હિસ્સો એક જ મકાનમાં એકાંતવાસમાં વિતાવનાર અમેરિકન કવયિત્રી એમિલિ એલિઝાબેથ ડિકિન્સન (૧૦-૧૨-૧૮૩૦થી ૧૫-૦૫-૧૮૮૬: એમર્સ્ટ, મેસાચુસેટ્સ )ની આ રચના છે. ટીનએજમાં જ શાળા-કોલેજ છોડીને એમણે વિશાળ ઘર–ધ હૉમ્સ્ટેડ-ને જ પોતાની દુનિયા બનાવી દીધી. મેધાવી વિદ્યાર્થિની હોવા છતાં અભ્યાસ ત્યાગવા પાછળ કદાચ એમની નાજુક સંવેદનશીલતા જવાબદાર હતી. જમાનાથી ઉફરા ચાલીને એ આજીવન કોઈ પણ ચર્ચ કે સંપ્રદાયમાં જોડાયાં નહીં. માઉન્ટ હોલિઓકમાં જ્યારે આચાર્યાએ ખ્રિસ્તી બનવા માંગનારને ઊભા થવા કહ્યું ત્યારે આખી કોલેજમાં એમિલિ જ ઊભાં નહોતાં થયાં.
એમિલિનો ભાઈ એની જ ખાસ સહેલી ગિલ્બર્ટને પરણ્યો પણ એમિલિ અને બહેન લેવિનિયા આજીવન કુંવારા અને સાથે જ રહ્યાં. ઘરના એકાંતવાસમાં સ્વયં કેદ થઈને પરિવાર અને મિત્રોથી બિલકુલ ખાનગીમાં એમણે સર્જનપ્રવૃત્તિ ચાલુ રાખી. બની શકે કે ઘણાબધા પ્રિયજનોના અકાળ અવસાન જોઈને એમણે દુઃખદાયી દુનિયાથી અળગા જીવવાનું પસંદ કર્યું હોય. કોઈ સર્જકે જાત સાથે વાત ન કરી હોય એટલી એમિલિએ કરી હશે. એમિલિએ લખ્યું હતું, “Parting is all we know of heaven/ And all we need of hell.” હંમેશા જાતે સીવેલાં શ્વેત વસ્ત્રો જ પરિધાન કર્યાં. મુલાકાતીઓને ભાગ્યે જ મળતાં. એકલાં હતાં પણ અકડુ કે અતડાં નહોતાં. પરિચિતોના કહેવા મુજબ એમિલિનો સ્વભાવ વિનમ્ર, હૂંફાળો અને મજાકિયો હતો. એમનાં પત્રોમાં રોમાન્સ અને ફ્લર્ટ પણ નજરે ચડે છે. પંચાવન વર્ષની નાની વયે કિડનીની બિમારીથી એ ઘરમાં જ મૃત્યુ પામ્યાં. એમની કબર પર લખવામાં આવ્યું: “Called back”

કોશેટામાં ઈયળ જીવે એવી જ હટ કે જિંદગી જીવી જનાર એમિલિની કવિતા પણ લાઘવ, મર્મભેદકતા, અપ્રતિમ મૌલિકતા ઉપરાંત કાવ્યસ્વરૂપ અને શૈલીના અભિનવ પ્રયોગોથી એકદમ હટ કે બની રહી, જેણે વીસમી સદીની કવિતા પર ખાસ્સો પ્રભાવ પાડ્યો. કોશેટો ખતમ થાય અને સીધીસાદી ઈયળ મેઘધનુષી પતંગિયું બનીને ઊડી નીકળે એ જ રીતે એમિલિના મૃત્યુપર્યંત બહેન લેવિનિઆએ જીવનપર્યંત છુપાવી રખાયેલ ઢગલોક કવિતાઓ અને પત્રોનો અમૂલ્ય ખજાનો શોધી કાઢ્યો અને વિશ્વને અમેરિકાના ટોચના સાહિત્યકારોમાંના એકની ભેટ મળી. બે વર્ષથી ઓછા ગાળામાં એમની કવિતાઓની અગિયાર આવૃત્તિ બહાર પડી. કમનસીબે એમિલિની ઇચ્છાને વળગી રહીને લેવિનિઆએ પત્રો સળગાવી નાંખ્યા નહિંતર એક મહાન એકાંતવાસી સર્જકના મનોજગતની અંધારકોટડીઓમાં થઈ શકનાર પ્રકાશ આવનાર જગતને ઘણું શીખવી શક્યો હોત.

કવિતાની પ્રથમ પંક્તિ જ એનું શીર્ષક છે અને એ કાવ્યવસ્તુ પણ ઈંગિત કરી દે છે. દિલ ભલા, આપણે એને ભૂલી જઈશું… પ્રેમીને ભૂલી જવાની વાત છે પણ ભૂલવાનું કામ એકલપંડે કરી શકાય એટલું સરળ-સહજ નથી. સ્મરણના ભારીખમ્મ પથરાને વિસ્મૃતિની ગર્તામાં ધકેલવા માટે નાયિકાને સાથ જોઈએ છે. અને આવી તદ્દન અંગત વાતમાં પોતાના જ દિલથી વધીને અવર કોણ સહાયક હોઈ શકે? વળી ભૂલવાનું કામ માત્ર દિલે પણ તો કરવાનું છે. એટલે જ એક સે ભલે દો.

ભૂલવાના કોઈ નિયમ હોય? કદાચ એટલે જ મૂળ કવિતામાં કોઈપણ પંક્તિમાં છંદ સ્થાયી નથી. બે જ ફકરા અને આઠ જ પંક્તિની સાવ ટૂંકીટચ કવિતામાં બંને ફકરામાં બીજી અને ચોથી પંક્તિમાં પ્રાસ જળવાયા છે પણ પંક્તિઓની લંબાઈ મનની અનિયમિત અવસ્થા જેવી જ વધઘટ થયા કરે છે. નાયિકા હૃદયનું personification (સજીવારોપણ) કરી એની સાથે સંવાદે છે. એમિલિની આ ખૂબી છે.
પ્રેમની ખરી તાકાતનો અંદાજ વિરહમાં મળે છે, મિલનમાં નહીં. પ્રેમભગ્ન થયા પછી નાયિકા પોતાના હૃદય સાથે સંવાદ સાધે છે અને બેવફા પ્રેમીને ભૂલી જવાનું નક્કી કરે છે. આમ તો,

વ્હાલી બાબાં! સહન કરવું એય છે એક લ્હાણું!
મ્હાણ્યું તેનું સ્મરણ કરવું એય છે એક લ્હાણું! (કલાપી)

ને તેમાં વળી આ તો સ્ત્રી ! એની તો ફિઝિયોલોજી જ ચોપડી બહારની. બાલમુકુન્દ દવે સાચું જ કહી ગયા:

બ્રહ્મા! ભારી ભૂલ કરી તેં સર્જી નારી ઊર:
ઊરને દીધો નેહ, ને વળી નેહને દીધો વ્રેહ!

એક તો હૈયું ને તે વળી સ્ત્રીનું… એમાં પાછો પ્રેમ અને ઉપરથી વ્રેહ યાને વિરહ! બ્રહ્માને પણ લાગતું હશે કે ક્યાંક કાચું તો નથી કપાઈ ગયું ને? પુરુષ જિંદગીની ગઈકાલને બહુ આસાનીથી ભૂલી જઈ શકે છે. સંબંધમાંથી હાથ પણ સરળતાથી ધોઈ કાઢતો હોય છે પણ સ્ત્રી માટે તો વીતેલ દિવસોની યાદ એક અસ્ક્યામત છે. ‘સિક્કા ખિસ્સામાં છે તારી યાદના, રોજ થોડા થોડા લઉં છું કામમાં’ – આ સ્ત્રી છે! એ કહે છે:

ભલે તું જાય છે પણ યાદ પરનો હક તો રહેવા દે,
‘સ્મરણ’ના ‘સ’ વિના તો થઈ જશે મારું ‘મરણ’ તુર્ત જ.
‘સ્મરણ’નો અડધો ‘સ’ સ્ત્રીનો પ્રાણવાયુ છે. પુરુષ તો સનમની ગલીના નાકે જ બીજી શોધી લે. સ્ત્રીને વાર લાગે છે. સંબંધના અવસાનમાંથી બહાર એ મોડેથી જ આવી શકે છે. હા, હાથ ખંખેરીને ઊભી થઈ જનાર સ્ત્રીઓ પણ જોવા મળશે અને તૂટેલા સગપણનો બોજ આજન્મ વેંઢારતા પુરુષો પણ જડી આવશે પણ અપવાદ હંમેશા નિયમની પુષ્ટિ જ કરતા હોય છે. નસીમ શાહજહાનપુરીનો એક શેર છે:

तर्के-उल्फ़त को ज़माना हुआ लेकिन ऐ दोस्त
दिलमें यादोंके चराग अब भी जला करते हैं
(પ્રેમત્યાગને જમાનો થઈ ગયો છતાં, એ દોસ્ત! દિલમાં યાદોના દીપક હજી સળગ્યા કરે છે.)

સ્ત્રી યાદ પણ મિટાવી દઈ શકે પણ પ્રેમ ત્યજી/ભૂલી શકતી નથી. એ કહે છે:

અટ્ક્યું છે દિલ કશેક, તું વિશ્વાસ કર, મરણ !
હું તો પ્રયત્ન અહીંથી જવાનો કરું છું રોજ.

આ સ્ત્રી છે. પણ દરેક ધીરજ, દરેક પ્રતીક્ષા, દરેક વિશ્વાસનો એક અંત હોય છે. નાયિકાને આખરે ખાતરી થઈ છે કે બેવફા પ્રેમી પરત નહીં જ ફરે એટલે એ હવે હૃદયનો સધિયારો મેળવીને સહિયારો ત્યાગ કરવાનું નિર્ધારે છે. એકલાથી ભૂલવું કપરું છે, તો બે જણ ભેગા મળીને જોર કરીએ અને ભૂલી જઈએ. ને વળી ટાઇમલિમિટ પણ નક્કી છે. આજે રાત્રે જ. દિવસ ઊગી નીકળ્યો તો આશા પણ ઊગી નીકળવાની. યેનકેન પ્રકારે આજે રાત્રે જ આ વાતનો ઘડોલાડવો એક કરવાનો છે. પણ ભૂલવાની પ્રક્રિયા કેટલી તો વસમી છે કે નાયિકા પહેલી ચાર લીટીમાં જ ત્રણ-ત્રણ વાર ‘ભૂલી’ શબ્દ દોહરાવે છે!

પ્રેમ અજવાળેય છે ને હૂંફેય બક્ષે છે. (પ્રેમમાં અજવાળું અને હૂંફ પર એક લેખ લખી શકાય પણ અહીં વાત વિસ્મરણની કરવાની છે.) આ બંને છોડવું પડશે. હૃદય જેવું એને સોંપેલું કામ પૂરું કરી દે કે તરત એણે નાયિકાને જાણ કરવાની છે. બશર નવાઝ કહે છે, ख़ुश्क पत्तों से छुडा लेती है शाखें दामन,
किसने यादों से निभाई है यहां दिलके सिवा? તો દિલ યાદોથી જેવું અળગું થવામાં સફળ થશે કે તરત જ નાયિકા પણ પ્રણયવિચારવાયુને મોળો પાડી દેશે. મજા તો ત્યાં છે જ્યારે નાયિકા હૃદયને મીઠો ઉપાલંભ આપે છે કે એને ભૂલવામાં જલ્દી કરજે. નાહક તું ધીમું પડશે અને હું એને યાદ કરી બેસીશ. કેવી વિવશતા ! ‘કેવી મજાની પ્રેમની દિવાનગી હશે, કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો.’

હકીકતમાં બેવફા યારને ભૂલી ન શકવાની પોતાની કમજોરીનો ટોપલો હૃદયના માથે ઢોળી દઈને, હૃદયને જ ગુનેગાર સાબિત કરીને ભૂલી ન શકવામાં પોતાનો તો કોઈ વાંક છે જ નહીં કહીને નાયિકા પોતાની જાતને પણ છેતરવા મથે છે. ‘આજે રાત્રે’ જ આ કામ કરવાનું છે એમાં પણ છટકબારી સિવાય બીજું કંઈ નથી. સમયની ફ્રેમ ગોઠવીને નાયિકા ફરી-ફરીને ખુદને જ છેતરે છે. ભૂલવાની ‘કોશિશ’ કરવી પડે એનાથી બળવત્તર યાદનું બીજું કયું સબૂત હોઈ શકે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *