ગ્લૉબલ કવિતા : મર્યાદાઓ – હોર્હે લૂઈસ બોર્હેસ (સ્પેનિશ)

એક પંક્તિ મરીઝની જે હું ફરી યાદ નથી કરવાનો,
એક નજીકની જ શેરી જે હવે મારા ચરણ માટે છે વર્જ્ય,
એક અરીસો જેણે બસ, છેલ્લી જ વાર મને જોયો,
એક દરવાજો જે મેં બંધ કરી દીધો પ્રલયના દિવસ સુધી,
મારા પુસ્તકાલયમાંના પુસ્તકો (જે મારી સામે જ પડ્યા છે)
એમાંના કેટલાક હું હવે ક્યારેય ઊઘાડવાનો જ નથી.
આ ઉનાળે મેં પચાસ પૂરાં કર્યાં;
મૃત્યુ અનવરત મને કોરી રહ્યું છે.

– હોર્હે લૂઈસ બોર્હેસ (સ્પેનિશ)
અનુ. વિવેક મનહર ટેલર

* 

એકા’વન’ –વાત વનપ્રવેશની વિટંબણાની

વનપ્રવેશ – જીવનની પચાસ વસંત પૂરી કરી એકા‘વન’માં પ્રવેશવાની ઘડી ઘણાલોકો માટે યુ-ટર્ન બની રહે છે. જેટલાં ગયાં એટલાં હવે બાકી નથીનો નક્કર અહેસાસ ભલભલાને ધ્રુજાવી દે છે. ચરણ થાકવા માંડે ને સ્મરણ ઝાંખા પડવા માંડે એટલે મરણ ઢૂંકડું ભાસે… મર્યાદાઓ નજરે ચડવા માંડે… વય તનમાં બેસે એના કરતાં મનમાં પેસે ત્યારે આ ‘વન’ની ઘડિયાળમાં મિનિટ કાંટો સેકન્ડકાંટાની ઝડપે ફરવા માંડે છે. પચાસ વસંત પૂરી કરી એકાવનમાં પ્રવેશેલ માણસની કવિતા લઈને આર્જેન્ટિનાના સ્પેનિશ કવિ હોર્હે લૂઈસ બોર્હેસ આવ્યા છે.

હોર્હે ફ્રાન્સિસ્કો ઈસિડોરો લૂઈસ બોર્હેસ એકિવેડો જેવું લાંબુ-અટપટું નામ ધરાવતા આ સર્જક જીવન પણ લાંબુ જ જીવ્યા. (૨૪-૦૮-૧૮૯૯થી ૧૪-૦૬-૧૯૮૬). સુશિક્ષિત મધ્યમવર્ગીય પરિવારમાં જન્મ અને પરિવાર સાથે યુરોપમાં ખાસ્સું ફરવા મળ્યું. માત્ર નવ વર્ષની લખોટી રમવાની ઉંમરે ઓસ્કાર વાઇલ્ડની ‘ધ હેપ્પી પ્રિન્સ’નો એમણે સ્પેનિશમાં અનુવાદ કર્યો પણ મિત્રોને લાગ્યું કે એના પપ્પાએ જ કરી આપ્યો હશે. હકીકત એ હતી કે પિતા એક વકીલ અને મનોશાસ્ત્રના શિક્ષક હતા પણ લેખક થવાની કોશિશમાં નિષ્ફળ નીવડ્યા હતા. બાર વર્ષની ઉંમરે તો બૉર્હેસ શેક્સપિઅર વાંચતા હતા. પણ આર્જેંટિનાની આઝાદીના જે યુદ્ધમાં પરિવારના ફાળાની વાતો જે માતા સગર્વ કરતી હતી, એમાં પોતામાં રહેલા પુસ્તકિયા કીડાને પામી ગયેલા બોર્હેસ કદી ભાગ લઈ શક્યા નહોતા. ઘરમાં હજારેક પુસ્તકોની વસ્તી વચ્ચે બોર્હેસનો માંહ્યલો ઘડાયો. લાઇબ્રેરિઅન. નેશનલ પબ્લિક લાઇબ્રેરીના ડિરેક્ટર. અંગ્રેજીના પ્રોફેસર. ક્રિસમસની રાતે માથામાં ગંભીર ઈજા પછી ચેપ શરીરમાં ફેલાતા માંડ મરતા બચેલા લેખકની કલમમાં મૃત્યુને લગભગ અડી લેવાની ભયાવહ અનુભૂતિના પરિણામે એક નવો વળાંક આવ્યો. ત્રીસની ઉંમરે એમની દૃષ્ટિ પિતાની જેમ પાંખી થવા માંડી અને પચાસસુધીમાં એ સાવ આંધળા બની ગયા. બ્રેઇલ લિપિ શીખ્યા વિના જીવનના આખરી સાડા ત્રણ દાયકા અંધત્વ સાથે વીતાવ્યા. એક કવિતામાં એ લખે છે: ‘‘નામદાર ઈશ્વરના આ વિધાનમાં કોઈએ આત્મદયા કે ઠપકો વાંચવા જોઈએ નહીં, કે જેણે મને પુસ્તકો અને રાત્રિ એક જ સ્પર્શમાં આપી દઈને આવો ઉત્કૃષ્ટ વ્યંગ કર્યો.” પહેલું લગ્નજીવન ત્રણ વર્ષ ચાલ્યું, બીજું ત્રણ મહિના કેમકે ત્રણ મહિનામાં જ લીવર કેન્સરના કારણે ૮૬ વર્ષની વયે એમનું દેહાવસાન થયું.

ટૂંકી વાર્તાઓ એમની ખરી ઓળખ. એ સિવાય કવિતા, નિબંધ, અને અનુવાદ એમના અન્ય કાકુ. ઓગણીસમી સદીમાં વ્યાપ્ત વાસ્તવવાદ અને નિસર્ગવાદ સામે પરીકથા અને ફિલસૂફીના અનુઆધુનિક સંમિશ્રણવાળા જાદુઈ વાસ્તવ (મેજિકલ રિઆલિઝમ)ના એ અગ્રણી પ્રણેતા બન્યા. સર્વાન્ટિસ પછીના કદાચ સૌથી નોંધપાત્ર સ્પેનિશ સર્જક. કઉંમરનો અંધાપો કદાચ એમની કલ્પનાઓને ઈશ્વરે પહેરાવેલી પાંખ હતી. વાંચી શકવાની અશક્તિના લીધે તર્ક સાથેનું અનુસંધાન કદાચ એમણે ગુમાવ્યું. ‘લેખક વાર્તા લખે છે કે વાર્તા લેખકને લખે છે’ એ મીમાંસાવાદી પ્રશ્ન એમના નામથી borgesian conundrum તરીકે ઓળખાય છે, જે સર્જકને વિશ્વકક્ષાએ મળેલ સન્માનનું દ્યોતક છે.

પ્રસ્તુત કાવ્ય ‘મર્યાદાઓ’ શીર્ષકથી જ બોર્હેસની એક બીજી રચના પણ જોવા મળે છે જે ખાસી લાંબી છે અને આ કવિતામાં કરાયેલી ઘણી વાતો એમાંય છે પણ સવિસ્તાર છે. બંનેમાંથી કઈ મૂળ કે બંને જ મૂળ એ આપણે કદાચ ન જાણી શકીએ પણ પ્રસ્તુત કવિતાનું મૂળ સ્પેનિશ કાવ્ય નેટ પરથી જડી આવ્યું હોવાથી અને ‘મર્યાદાઓ’ કદાચ ટૂંકી જ સારી લાગે એમ માનીને આગળ વધીએ.

મૃત્યુ જેને સતત કોરી ખાઈ રહ્યું છે એવા માણસની આ કવિતા છે એટલે સ્વાભાવિક જ અહીં છંદ-લય, પ્રાસ-નિયમ પણ ખવાઈ ચૂક્યા છે. અનુઆધુનિક સાહિત્યની સ્વરૂપરીતિમાં બંધબેસતું આ મુક્તકાવ્ય છે…ક છેલ્લી પંક્તિમાં જઈને મુઠ્ઠી ખોલે છે જ્યારે કવિ ઉંમર અને મૃત્યુની વાત કરે છે. મૃત્યુનો રંગ સ્વાભાવિક જ ઘેરો-કાળો હોવાનો. કવિતા પણ એવા જ ઘેરા-કાળા રંગના વિષાદથી શબ્દે-શબ્દે રંગાયેલી છે.

પોતે શા માટે આવું કરે છે- અથવા નથી કરવાના એનું કારણ કહ્યા વિના કવિ શરૂઆત કરે છે કે મરીઝની એક પંક્તિ હવે એ કદી યાદ કરનાર નથી. (મૂળ રચનામાં ફ્રેન્ચ કવિ વર્લેઇનનો ઉલ્લેખ છે. પૉલ વર્લેઇન ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં વિશ્વકવિતાનું બહુ મોટું નામ છે.) કવિતામાં જેને રસ છે એવા નાયકની આ વાત છે. Poetry is not everyone’s cup of tea. કવિતા ટોળાની કે બહોળાની નહીં, થોડાની ને ઠરેલાની વસ્તુ છે. જેને કવિતામાં રસ પડે છે માણસ સ્વાભાવિક જ વધુ વિચારશીલ, વધુ સંવેદનશીલ, વધુ ઠાવકો હોવાનો કેમ કે મહાન જર્મન ફિલસૂફ કેન્ટે કહ્યું તેમ Of all the arts, poetry maintains the first rank. હેગલે પણ બધી કળાઓમાં કવિતાને સર્વોત્તમ ગણી છે. નાયકનો કાવ્યપ્રેમ પ્રદર્શિત કરી કવિ એક લીટીમાં એનું ચારિત્ર્ય ઉપસાવે છે. નજીકની એક શેરી, જે કદાચ નાયકની પ્રિય રહી હોય એય એના ચરણો માટે હવે વર્જ્ય છે. નરસિંહ મહેતાએ કહ્યું તેમ, ‘ઉંબરા ડુંગરા થઈ ગયા છે.’ અરીસામાં જોવાની ઇચ્છા પણ મરી પરવારી છે. અને જાત માટેનો પ્રેમ પૂરો થાય ત્યારે સમજવું કે જિંદગી સાથે કરવા માટે હવે કોઈ વાત બચી નથી. દરવાજો શક્યતાનું પ્રતિક છે. સૃષ્ટિના અંતકાળ સુધી એક દરવાજો બંધ કરી દેવાયો છે મતલબ કોઈપણ શક્યતાની તાજી લહેરખીની હેરફેર પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. નિરાશાની આ ચરમસીમા છે. ईस रातकी सुबह नहीं. સામાન્યરીતે મોટાભાગના લોકોથી શંકરાચાર્ય કહે છે એમ કાળ ક્રીડા કરે છે, આયુષ્ય ઘટતું જાય છે છતાં આશાવાયુ છૂટતો નથી(कालः क्रीडति गच्छत्यायुःतदपि न मुञ्चत्याशावायुः)પણ અહીં વાત ઊલટી છે. સુરેશ દલાલ યાદ આવે:

આંખ તો મારી આથમી રહી, કાનના કૂવા ખાલી,
એક પછી એક ઇન્દ્રિય કહે: હમણાં હું તો ચાલી.

નાયક કદાચ ઘરના પુસ્તકાલયમાં જ બેઠો છે. ઘરમાં પુસ્તકાલયની ઉપસ્થિતિ નાયકના ચારિત્ર્ય વિશે પહેલી પંક્તિમાં જે છાપ ઉપસી આવી છે એના પર હાઇલાઇટર ફેરવી આપે છે. સમાજમાં કેટલા માણસો નિયમિત પુસ્તકો ખરીદતા હશે? અને એમાંથી કેટલાના ઘરમાં પુસ્તકો માટે એક અલાયદો કમરો હશે? ઘરમાં પુસ્તકનું હોવું એ સુખદ ઘટના છે અને પુસ્તકોની આખી વસ્તીનું હોવું એ સંસ્કારિતાનો સીધો અરીસો છે. આ પુસ્તકોમાંના કેટલાક હવે એ કદી ઊઘાડનાર નથી. આખા કાવ્યમાં કવિ દરેક વસ્તુને ‘જે’થી ઈંગિત કરે છે પણ પુસ્તકોની વાત આવે છે ત્યારે આ ‘જે’ને કૌંસમાં મૂકીને વાત કરે છે. આ કૌંસ હવેથી કાયમ માટે ‘બંધ’ રહેનાર પુસ્તકો તરફ ઈશારો નથી કરતો? જીવતરના કેટલાક પાનાં હવે કદી ખૂલનાર નથી.

હમણાં જ નાયકની પચાસમી વર્ષગાંઠ ગઈ છે. પચાસમા વર્ષે સામાન્યતઃ માણસ હજી આશાવંત હોય છે, પોતાને વૃદ્ધ લેખતો હોતો નથી પણ પચાસમા વર્ષ સુધીમાં કવિને તો અંધત્વ આવી ગયું હતું. એ અંધકાર મૃત્યુની પ્રતીતિથી શું ઓછો હશે? સતત નજીક સરતા મૃત્યુની નિરાશાએ નાયકને મૃત્યુ કરતાંય વહેલો ગ્રસી લીધો છે. મરણ આવતાં પહેલાં જ મરી જવાની આ વાત છે. ખરતી જતી ઇચ્છાઓની ઉધઈ જીવનવૃક્ષને ક્ષણેક્ષણ ભીતરથી કોરી ખાય પછી થડનું જમીનદોસ્ત થવું એ તો મૃત્યુની ઔપચારિક્તા માત્ર છે. “કાંગરે કાંગરે વેરાણો, રે જીવણ મારા! કાયાનો ગઢ આ ઘેરાણો.”” (સુરેશ દલાલ)

આ કવિતાના ઉપસંહારમાં કવિ પોતે લખે છે કે, “માણસ પોતાની જાતને દુનિયા ચિતરવાનું કામ સોંપી દે છે. વરસો સુધી એ એક અવકાશને પરગણાં, રાજ્યો, પર્વતો, ખાડીઓ, જહાજો, ટાપુઓ, માછલીઓ, ઓરડાઓ, સાધનો, તારાઓ, ઘોડાઓ અને લોકોથી વસાવતો રહે છે. મૃત્યુના થોડા જ સમય પૂર્વે એ શોધી કાઢે છે કે એ રેખાઓનો ધૈયશીલ ગૂંચવાડો તેના જ ચહેરાની છબીની નિશાની છે.”

બીજી રીતે જોઈએ તો આ કવિતા મરણના શાંતિપૂર્ણ સંપૂર્ણ સ્વીકારની છે. સામાન્યરીતે તો બળવંતરાય ઠાકોર કહે એમ, ‘કશુંય નહિ કાબૂમાં, ન મન, નો’ર્મિ, દેહે નહીં’ જેવી પરિસ્થિતિ હોય પણ કવિની અવસ્થા સ્થિતપ્રજ્ઞતાની છે. પવનના એક ઝોકે કમળ પાણી ખેરવી નાંખે એમ મરણના પગસંચારમાત્રથી કવિ એક પછી એક ઇચ્છાઓ ખંખેરી જંજાળમુક્ત થવું આદરે છે. એક ઘર છોડીને બીજા ઘર તરફ જવાની આ તૈયારી છે. આખી મનુષ્યજાતિ યયાતિ બનીને જીવતી હોય એવામાં ‘કોઈ ઇચ્છાનું મને વળગણ ન હો; એય ઇચ્છા છે, હવે એ પણ ન હો’ (ચિનુ મોદી)નું આ વલણ સમાધિસ્થ સંતનું સ્મરણ પણ કરાવે છે.

*

Limits

There is a line in Verlaine I shall not recall again,
There is a street close by forbidden to my feet,
There’s a mirror that’s seen me for the very last time,
There is a door that I have locked till the end of the world.
Among the books in my library (I have them before me)
There are some that I shall never open now.
This summer I complete my fiftieth year;
Death is gnawing at me ceaselessly.

-Jorge Luis Borges
(English trans. Julio Platero Haedo)

6 replies on “ગ્લૉબલ કવિતા : મર્યાદાઓ – હોર્હે લૂઈસ બોર્હેસ (સ્પેનિશ)”

  1. Vivekbhai..Poem was too good..Same time the description you gave is very beautiful..I enjoyed reading..Enjoying poets their creation and lovely explanation by you…

    nayana-jitoo.

  2. આંખ તો મારી આથમી રહી, કાનના કૂવા ખાલી,
    એક પછી એક ઇન્દ્રિય કહે: હમણાં હું તો ચાલી….

    સુંદર …

    નયનાં -જીતું

  3. હોર્હે લૂઈસ બોર્હેસ આમ તો વિદ્વાન અને સમજદાર વ્યક્તિ હશે પણ જ્યારે આ કાવ્ય લખ્યુ ત્યારે અંધાપાથી અકળાય અને નિરાશ થઈ ગયો લાગે છે. કાવ્યમાં વિષાદ અને બેબસીનો તોર છે. આ વાંચતા વાચતા ગાલીબ યાદ આવી ગયા,
    Gamehastii kaa ‘Asad’ kis se ho juz marg ilaaj
    shamm’a har rang men jalatii hai sahar hone tak

    માણસની જિંદગી એક દુખની દાસ્તાં છે. કદાચ એનો અંત એટલે કે મ્રુત્યુ જ એનો ઇલાજ છે. હતાષાના અંધકારમા કવિને આવો આભાસ જ થયો હશે. તેને બિચારાને શંકરાચાર્યના ભજ ગોવિંદમ વિષે માહિતિ નથી લાગતી. પુસ્તકાલય કે જે તેનું મંદિર હતું તેના દરવાજા પણ બંધ કરી દિધા છે.પુસ્તકો કે તેના દેવ સમાન હતા તેનો સાથ પણ મુકી દિધો. મ્રુત્યુના ડરથી તે કેટલો હતાશ થઈ ગયો છે, કે ગભરાયો છે!
    એ જાણે કહે છેઃ
    Tang aa chuke hain kashmakash-e-zindagi se hum
    Thukra na dein jahan ko kahin be-dili se hum…
    Lo aaj humne tod diya, rishta-e-ummeed…
    …Ab tak yeh zulm sehte rahe khamoshi se hum
    (લાઈટ હાઉસ ફિલ્મનું ગાયન)
    Guzaar rahi hai zindagi imtehan ke daur se kab khatam hogi vo khuda jane..

    આ સાથે સુરેશ દલાલને યાદ કર્યા અને તેના ભજગોવિંદમનો આસ્વાદ આપ્યો તે પણ એક સરસ લ્હાવો છે. આમં જ તેણે કહ્યું છે કે …કાળને નાથે એવો કોય ક્રષ્ણ નથી અવતરિયો! અને આગળ કવિ દેવાનંદને ટાંક્યો છે…
    અજ્ઞાની તારા અંતરમાં દેખ વિચારી, તું માને છે તું જ્ઞાની છે , પણ ભીતરમાં દેખ – તો ભિખારી.

    વિવેકભાઈ દવા અને દુવાનો તોર જારી રાખશો.

Leave a Reply to વિવેક ટેલર Cancel reply

Your email address will not be published. Required fields are marked *