ગ્લૉબલ કવિતા: આંગળાં દરવાજામાં – ડેવિડ હૉલબ્રુક

ક્ષણાર્ધ બેદરકાર અને મેં મારી બાળકીના આંગળા બારસાખમાં કચડી નાંખ્યા. એણે
શ્વાસ રોકી લીધો, આખેઆખી અમળાઈ ઊઠી, ભ્રૂણ-પેઠે,
પીડાની બળબળતી હકીકત સામે. અને એક પળ માટે
મેં ઇચ્છ્યું કે હું વિખેરાઈ જાઉં સેંકડો હજાર ટુકડાઓ થઈ
મૃત ચળકતા તારાઓમાં. બચ્ચી આક્રંદી ઊઠી,
એ મને વળગી પડી, અને મને સમજાયું કે તે અને હું કઈ રીતે
પ્રકાશ-વર્ષો વેગળાં છીએ કોઈ પણ પારસ્પરિક સહાય કે આશ્વાસનથી. એના માટે મેં બી વેર્યાં’તા
એની માના ગર્ભમાં; કોષ વિકસ્યા અને એક અસ્તિત્વ તરીકે આકારાયા:
કશું જ એને મારા હોવામાં પુનઃસ્થાપિત નહીં કરે, અથવા અમારામાં, કે એની માતામાં પણ જેણે
પોતાની અંદર
એને ધારી અને અવતારી, અને જે એના નાળવિચ્છેદ પર રડી હતી, મારી તમામ ઇર્ષ્યા ઉપરાંત,
કશું જ પુનઃસ્થાપિત નહીં કરી શકે. તેણી, હું, મા, બહેન, વસીએ છીએ વિખેરાઈને મૃત ચળકતાં તારાઓ વચ્ચે:
અમે છીએ ત્યાં અમારા સેંકડો હજાર ટુકડાઓમાં !

– ડેવિડ હૉલબ્રુક
અનુ. વિવેક મનહર ટેલર

માનવસંબંધની જાંઘ ઉઘાડી પાડતી તેજાબી કવિતા

પ્રેમ સાચો હોય, સંબંધ પાકા હોય પણ શું પીડામાં સહભાગી થઈ શકાય ખરું? એક સ્નેહીજનની તકલીફ બીજો અનુભવી શકે? એક આપ્તજનના સંવેદનમાંથી બીજો પસાર થઈ શકે? સાચો જવાબ મેળવવા જઈએ તો કદાચ ફૂરચેફૂરચા થઈને આપણે હજારો ટુકડાઓમાં હજારો માઈલ દૂર ફંગોળાઈ જઈએ. સંબંધ, પ્રેમ, લાગણીની બાબતોમાં આપણે સહુ હજારો વરસોથી બુરખામાં મોઢું સંતાડીને જ જીવતાં આવ્યાં છીએ એટલે સંબંધની વાસ્તવિક્તાની જાંઘ ઉઘાડી પાડતી ડેવિડ હૉલબ્રુકની આ તેજાબી કવિતા આપણામાંથી મોટાભાગના પચાવી નહીં શકે.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મન નાઝીઓના કબ્જા હેઠળના યુરોપને મુક્ત કરાવવા માટે પાશ્ચાત્ય દેશોનું સંગઠન છઠ્ઠી જુન, ૧૯૪૪ના રોજ દરિયાઈ માર્ગેથી ફ્રાન્સના નોર્માન્ડીમાં ઘુસ્યું જે ઇતિહાસની સૌથી મોટી ઘૂસણખોરી ગણાય છે. આ દિવસ D-day કહેવાયો. ડેવિડ હૉલબ્રુક દોઢ લાખથી વધુ હમલાવર સૈનિકોમાંના એક હતા અને બે અઠવાડિયા પછી ઘવાઈને દૂર કરાયા ત્યાં સુધી એ લડ્યા. યુ.કે.ના નોરિચમાં ૦૯-૦૧-૧૯૨૩ના રોજ જન્મ. અઠ્ઠ્યાસીની ઉંમરે ૦૫-૦૯-૨૦૧૧ના રોજ દેહાવસાન. રેલ્વે ક્લર્કના પુત્ર. કેમ્બ્રિજના સ્નાતક. અત્યંત ફળદ્રુપ લેખક. ૬૦થી વધુ પુસ્તકો. ૬૦થી વધુ વર્ષનું લગ્નજીવન માર્ગોટ ડેવિસ-જોન્સ સાથે. ચાર સંતાન. શેહ-શરમ રાખ્યા વિનાના લખાણો, કવિતાઓ- બધામાં એમની આત્મકથાની ઝાંય સાફ તરવરતી. લગ્નજીવન, બાળકો અને પોતીકી રોજિંદી સમસ્યાઓ સતત એમાંથી ડોકાતા રહેતા. “ફ્લેશ વુન્ડ્ઝ” (૧૯૬૬) પણ D-day ફરતે વણાયેલ લગભગ આત્મકથનાત્મક નવલક્થા છે. સારા નવલકથાકાર ઉપરાંત એ કવિ, વિવેચક, સંપાદક, વિવાદાસ્પદ ચર્ચાપત્રી, ચિત્રકાર અને ખાસ તો શૂન્યવાદ સામેના અહર્નિશ યોદ્ધા હતા. માનવજીવનના મૂલ્યોના પ્રખર હિમાયતી. કળાના પ્રિઝમમાંથી એણે માનવતાના દર્શન કર્યા. પણ સૌથી ચડીને કંઈ હોય તો એ ઉત્તમ શિક્ષક અને શિક્ષણવિષયક ઉત્તમોત્તમ અને સાવ જ નોખી ઘરેડના પુસ્તકોના લેખક હતા. કવિતા શીખવવી એ જ ભાષા શીખવવાનું ખરું હાર્દ છે એમ એ માનતા કેમકે કવિતામાં જ ભાષાના ઊંડામાં ઊંડા અને સચોટ હેતુ સર થઈ શકે છે. પોતાના જ લોહીમાં આંગળી ડૂબાડીને લખાયેલા એમના પુસ્તકો એટલે જ અનેકાનેકના માર્ગદર્શક-સાથી બની શક્યાં છે.

પ્રસ્તુત રચનામાં दो जिस्म, एक जानની આપણી સદીઓ જૂની ફેન્ટસી પર હૉલબ્રુક સીધો જ કુઠારાઘાત કરે છે. અહીં બાપ-દીકરીના સંદર્ભમાં ગમે તેટલાં નજીક જણાતાં સંબંધમાં મા-સંતાનના સંબંધમાં પણ રહેલી પ્રકાશવર્ષો જેટલી અલગતા વિશે વાત થઈ છે. ગમે એટલા સ્નેહાસિક્ત કેમ ન હોઈએ, પીડા કે એ સંદર્ભમાં અન્ય કોઈપણ અનુભૂતિ આપણે પરસ્પર સહિયારી શકતાં નથી. રોબર્ટ બ્રાઉનિંગની “ટુ ઇન કોમ્પોનિયા” યાદ આવે જેમાં નાયકની પ્રિયપાત્ર સાથે સંપૂર્ણ સાયુજ્ય ન પામી શકવાની પીડા મનુષ્યજાતની મર્યાદા પર પ્રકાશ ફેંકે છે.

સંબંધના સમીકરણ મૂળમાં તો ચોકઠાં બેસાડી દઈને મેળવી લેવાયેલા તાળાથી વિશેષ કંઈ નથી. પાંચ હજાર વર્ષ પહેલાં એક લૂંટારાને એના મા-બાપ, પત્ની-સંતાનોએ ઘસીને ના કહી દીધી હતી કે તારા પાપમાં અમે ભાગીદાર નથી એ જ વખતે સંબંધોનું ખરાપણું તો જગત સામે આવી જ ગયું હતું. यावद्वित्तोपार्जन सक्तस्तावन्निजपरिवारोरक्तः। (શંકરાચાર્ય) (જ્યાં સુધી તું ધન કમાવા સમર્થ છે ત્યાં સુધી જ તારા પરિવારજનો તારા પ્રત્યે આસક્ત રહે છે.) સંબંધના આ ખરાપણાંને સ્વીકાર્યું એ વાલ્મિકી બની ગયા, બાકીના વાલિયા બનીને હજી વનમાં જ ભટકી રહ્યા છે. રામ જેવા રામે લોકબોલીને વશ થઈ ચારિત્ર્યની બાબતે પોતાનાથીય ચાર આંગળ ચડે એવી સીતાનો ત્યાગ કર્યો હતો. પોતાનું માથું પાણીમાં ડૂબવા ન માંડે ત્યાં સુધી જ વાંદરી બચ્ચાને માથા પર બેસાડી બચાવવા મથશે. એટલે આપણા દુન્યવી સંબંધ તો दिलके खुश रखनेको गालिब ये खयाल अच्छा है જેવા જ હોવાના. સંબંધોની વાસ્તવિક્તા જાણતા હોવા છતાં આપણી જિંદગી સંબંધોના મિજાગરા પર જ કિચૂડ કિચૂડ થતી આવી છે, થતી રહેશે કેમ કે आँखोंमें जो भर लोगे तो काँटोंसे चुभेंगे, ये ख्वाब तो पलकोंपे सजानेके लिए है (જાંનિસાર અખ્તર). મોટા ભાગના સંબંધો પોલા જ હોય છે. પણ હા, આ પોલાણમાં મોકળાશના, અભિવ્યક્તિના છિદ્ર રાખ્યા હશે તો સમયની હવા પસાર થયે સૂર જરૂર રેલાવાના. ખલિલ જિબ્રાને કહ્યું છે, “તમારા સાયુજ્યમાં અવકાશ રહેવા દેજો. સાથે ગાવ અને નાચો અને ખુશ થાવ પણ તમારા બંનેમાંના દરેકને એકલો રહેવા દેજો, અને સાથે ઊભા રહો પણ બહુ નજીક નહીં; કેમ કે મંદિરના આધારસ્તંભ દૂર ઊભા રહે છે.”

આદિ શંકરાચાર્ય કહે છે:

का ते कांता कस्ते पुत्रः, संसारोऽयंअतीव विचित्रः।
कस्य त्वं कः कुत अयातः तत्त्वं चिन्तययदिदं भ्रातः॥
(કોણ તારી પત્ની? કોણ તારો પુત્ર? આ સંસાર વિચિત્ર છે. તું કોણ? કોનો? ક્યાંથી આવ્યો? હે ભાઈ! જે આ તત્ત્વ છે એનો વિચાર કર)

ભર્તૃહરિના નામે ચડી ગયેલો પણ હકીકતમાં પ્રક્ષિપ્ત હોવાનો મનાતો આ શ્લોક પણ સંબંધોની વાસ્તવિક્તાના પરિપ્રેક્ષ્યમાં જોવા જેવો છે:

यां चिन्तयामि सततं मयि सा विरक्ता
साप्यन्यमिच्छति जनं स जनोऽन्यसक्तः।
अस्मत्कृते च परिशुष्यति काचिदन्या
धिक्तांच तं च मदनं च इमां च मां च॥
(જેનું હું સતત ચિંતન કરું છું, તે (પિંગળા)ને મારા પર પ્રેમ નથી. તે બીજા પુરુષ(અશ્વપાળ)ને ઇચ્છે છે અને એ વળી બીજી સ્ત્રી(નર્તકી)માં આસક્ત છે. એ સ્ત્રી મારી ઇચ્છા સેવે છે. તેથી રાણીને, તેના પ્રેમીને, પ્રેમી જેને ચાહે છે એ વેશ્યાને અને મને, તથા આ દુષ્ચક્ર ચલાવનાર કામદેવને સહુથી વધુ ધિક્કાર છે.)

વિલ્યમ ગોલ્ડિંગની ‘લૉર્ડ ઑફ ફ્લાઇઝ’ પણ યાદ આવે જેમાં બાર-તેર વર્ષના થોડા છોકરાંઓ એક નિર્જન ટાપુ પર એકલાં પડી જાય છે અને અસ્તિત્વની લડાઈમાં માનવસંબંધો- માનવમૂલ્યોનો કઈ રીતે અને કઈ હદ સુધી હાસ થાય છે એ લોહી થીજાવી દે છે.

હૉલબ્રુકનું આ કાવ્ય માનવસંબંધોનો આવો જ પણ આધુનિક દસ્તાવેજ છે. આધુનિક કાવ્યજગત સાથે એ તાલમેલ ધરાવે છે. અહીં કોઈ પ્રચલિત છંદોલય કે પ્રાસરચના નથી. દર્દની લાગણીનો શું આકાર હોઈ શકે? બસ, એના જેવું જ આ નિરાકાર મુક્તકાવ્ય છે. જે ઘટના અહીં બને છે એ અથવા એના જેવી ઘટના આપણામાંથી ઘણાંના જીવનમાં બની જ હશે. અનુભવના પોતીકાપણાના કારણે વાચક આ કવિતા સાથે તત્ક્ષણ કનેક્ટ થઈ શકે છે.

બાપની જરા અમથી લાપરવાહીના કારણે અજાણતાં જ ફૂલ સમી બાળકીની આંગળીઓ દરવાજામાં આવી જતાં બાળકી જે રીતે શ્વાસ લેવાનું પણ ભૂલી જઈને, અમળાઈને, આક્રંદી ઊઠે છે એ જોઈને બાપને પોતાની જાત પર કેવો ગુસ્સો આવ્યો હશે! પોતાના ફુરચેફુરચા કરી દઈ મૃત તારાઓમાં વિખેરાઈ જવાની લાગણી વ્યક્ત થાય છે. એકતરફ પ્રેમની આ પરાકાષ્ઠા છે તો બીજી તરફ સગો બાપ હોવા છતાં અને દીકરીને જી-જાનથી ચાહતો હોવા છતાં દીકરીના દર્દને જરા જેટલું પણ સહિયારી નથી શકાતું એ લાચારીનો તીવ્રતમ દુઃખદ પણ સત્ય અહેસાસ છે. રડતી દીકરી તરત જ વ્યથિત બાપને વળગે છે. શરીર તો એકમેકને ચસોચસ વળગી પડ્યાં છે. વચ્ચે એકાદ સેન્ટિમીટર જેટલો પણ અવકાશ નથી. પણ મન? બંનેના મનની તકલીફો-પીડા-લાગણીઓ વચ્ચે પ્રકાશવર્ષોનું અંતર હોય એવી અમાપ દૂરી અનુભવાય છે. મા-બાપે એક થઈને એનું સર્જન કર્યું હતું એ અલગ વાત છે પણ હવે એ સ્વતંત્ર અસ્તિત્વ છે, મા-બાપ બંનેથી સાવ વેગળું. અસ્તિત્વની ગાડીમાં કોઈ રિવર્સ ગિઅર આવતું નથી. સંતાનને બાપ તો ઠીક, જે માએ નવ મહિના ગર્ભમાં સ્થાન આપ્યું હતું એનામાં પણ પુનઃસ્થાપિત નહીં કરી શકાય. જિબ્રાન યાદ આવે:

તમારા બાળકો તમારા બાળકો નથી.
તેઓ તમારા થકી આવ્યાં છે, તમારામાંથી નહીં,
અને ભલે તેઓ તમારી સાથે હોય પણ તમારા નથી.

મા જે કરી શકે છે એ બાપ કરી નથી શકયો માટે એને માની ઈર્ષ્યા પણ આવી હતી. દીકરીના આંગળા દરવાજામાં કચડાઈ જવાની ક્ષણ એ સંબંધની વાસ્તવિક્તાના સાક્ષાત્કારની ક્ષણ છે. પરાકાષ્ઠાએ જ સત્યનો પ્રકાશ લાધે છે. સાથે-સાથે હોવાની અનુભૂતિના આશ્વાસન સાથે આપણામાંના મોટાભાગના વચ્ચેના વાસ્તવિક અંતર અને તીવ્ર જુદાપણાની લગરિક જાણકારી વિના જ જીવી લેતાં હોય છે. આપણે જેને દિલોજાનથી ચાહતા હોઈએ એમના દુઃખદર્દને દૂર કરી શકવાની સંપૂર્ણ અશક્તિનો પૂર્ણતયા અહેસાસ, પ્રેમની નિઃસહાયતા અને વિચ્છેદની વાસ્તવિક્તાનું આ કાવ્ય આપણા સંબંધોમાં બે તારાઓની વચ્ચે રહેલી અમાપ દૂરતા જેવી અંધારી વાસ્તવિક્તાની અસીમ અનુભૂતિ કરાવે છે…

*

Fingers in the Door

Careless for an instant I closed my child’s fingers in the jamb. She
Held her breath, contorted the whole of her being, foetus-wise against the
Burning fact of the pain. And for a moment
I wished myself dispersed in a hundred thousand pieces
Among the dead bright stars. The child’s cry broke,
She clung to me, and it crowded in to me how she and I were
Light-years from any mutual help or comfort. For her I cast seed
Into her mother’s womb; cells grew and launched itself as a being:
Nothing restores her to my being, or ours, even to the mother who within her
Carried and quickened, bore, and sobbed at her separation, despite all my envy,
Nothing can restore. She, I, mother, sister, dwell dispersed among dead bright stars:
We are there in our hundred thousand pieces!

– David Holbrook

4 replies on “ગ્લૉબલ કવિતા: આંગળાં દરવાજામાં – ડેવિડ હૉલબ્રુક”

  1. મારા બાળકો તમારા બાળકો નથી.
    તેઓ તમારા થકી આવ્યાં છે, તમારામાંથી નહીં,
    અને ભલે તેઓ તમારી સાથે હોય પણ તમારા નથી.

    સત્ય કટુ હોય તો પણ સ્વિકારવુ તો પડે જ્..
    સબધ નો આટલો સચોટ પરિચય અદભુત
    નયના-જિતુ.

  2. વાહ… અદભુત રસાસ્વાદ. . કવિ દેવીડની વાતને વાલ્મીકિ સાથે જોડી સંબંધના સત્યનું સચોટ નિશાન સાધ્યું. અસ્તિત્વમાં મોકલાશના છિદ્ર… સચ્ચાઈની આવી સરસ રજુઆત… કહેવું પડે વિવેકભાઈ.. અભિનંદન..

Leave a Reply to nayana bhuta Cancel reply

Your email address will not be published. Required fields are marked *