ગ્લૉબલ કવિતા : એક ગીત – હેલન મારિયા વિલિયમ્સ


નાના અમથા ખજાનામાંથી,
મારો પ્રિયતમ લાવે પણ શું?
દિલ દઈ દીધું, એથી વધીને
વર અવર કોઈ, ભાવે પણ શું?


દિલનો દોલો, એની દોલત
મારે હૈયે કંપ જગાવે,
મેં માંગ્યું જ્યાં સુખ ધરાનું,
ચાહ્યું’તું બસ, સ્નેહ એ લાવે.


મારા માટે કંઈક લાવવા
કાંઠે કાંઠે ઘુમી રહ્યો છે,
શીદ ભટકે, શા માટે ભટકે?
પ્રેમને જ્યાં મેં સકળ કહ્યો છે.


સસ્તું ભોજન, ભોંય તળાઈ,
તારા સાથથી ધન્ય થયાં હોય,
આ ઝીણકી પરમ કૃપા પણ
વધુ છે મુજ મન, દોલતથી કોઈ.


કરે છે એ સર દુર્ગમ દરિયા,
આંસુ મારાં વૃથા વહે છે,
દયા છે શું શ્રદ્ધાહીન લહરમાં,
મુજ ઉર જેને વ્યથા કહે છે?


રાત છે ઘેરી, પાણી ઊંડા,
હા, મોજાંઓ ઊઠે હળવાં:
હાય! રડું હર વાયુઝોલે,
છે આંધી મારી ભીતરમાં

– હેલન મારિયા વિલિયમ્સ
(અનુ. વિવેક મનહર ટેલર)

खुदा करे कि कयामत हो और तू आए…

પ્રેમથી ચડિયાતી બીજી કોઈ સંપત્તિ છે જ નહીં એ જાણવા છતાં, સમજવા છતાં, ને વારે-તહેવારે બીજાને સમજાવવા છતાં આપણમાંથી મોટાભાગનાનું જીવન ભૌતિક સંપત્તિ પાછળ દોડવામાં જ પૂરું થઈ જતું હોય છે. ‘જગતની સૌ કડીમાં સ્નેહની સર્વથી વડી’ એ વાત પાઠ્યપુસ્તકના પાનાં વળોટીને જીવનપોથીમાં કદી પ્રવેશતી નથી એ યક્ષપ્રશ્ન ગણી શકાય. હેલન મારિયા વિલિયમ્સની આ કવિતા પ્રેમની સંપત્તિનું જ મહિમાગાન છે.

પણ હેલન પોતે આવો પ્રેમ કદી પામી શકી નહીં. જીવનના દરેક વળાંકે એનું જીવન મુસીબતોને જ ભેટતું રહ્યું. અઢારમી સદીના ઉત્તરાર્ધ અને ઓગણસમી સદીના પૂર્વાર્ધમાં (જન્મ-૧૭૫૯? ૧૭૬૧? લંડન, મૃત્યુ: ૧૫-૧૨-૧૮૨૭, પેરિસ) થઈ ગયેલ હેલન બ્રિટિશ કવયિત્રી, નવલકથાકાર, નિબંધકાર અને નોંધપાત્ર અનુવાદક હતી. આમ ભલે ને બ્રિટનના રોમેન્ટિસિઝમ યુગની ઝાંય એના સર્જનમાં કેમ ન વર્તાતી હોય, એ મુખ્યત્વે સામાન્ય સ્ત્રી સર્જકોથી ઉફરી હતી. પ્રવર્તમાન ફ્રેન્ચ ક્રાંતિની એ આખાબોલી ચાહક હતી. વિલિયમ્સનું સલૂન ફ્રેંચ ક્રાંતિકારીઓ –જીઓર્ડિન્સ માટે મુલાકાતનું હોટ-પ્લેસ બની રહ્યું હતું. ઘણીવાર જેલવાસ ભોગવ્યો હોવા છતાં એણે કોઈ પણ જાતના ડર વિના, નાસી છૂટવાના બદલે ફરી-ફરીને ફ્રાંસમાં જ રહેવા આવીને એ જ લખ્યું જે એ લખવા ચાહતી હતી. સ્ત્રીસર્જકોમાં આ ગુણધર્મ જવલ્લે જ જોવા મળે છે.જે નેપોલિયને પોતાના સૈનિકોને ગામ લૂંટવાની છૂટ આપતી વખતે સમાજની સાચી ધરોહર સમા કવિઓને નુકશાન પહોંચાડવાથી દૂર રહેવાની ચેતવણી આપી હતી એ જ નેપોલિયને મીઠામાં બોળેલા ચાબખા જેવા શબ્દો સહન ન થતાં હેલનને કેદ કરી હતી.

એના માર્ગદર્શક ડૉ. એન્ડ્રુ કિપ્પિસે શરૂઆતના લખાણોના પ્રકાશનમાં અગત્યનો ભાગ ભજવ્યો. જૉન સ્ટોન સાથેના એના સંબંધો કદી લગ્નમાં પરિણમ્યા કે નહીં એ તો કોઈ જાણતું નથી, પણ આ સંબંધોના કારણે એની ભયંકર વગોવણી થઈ હતી. લોકો એને વ્યભિચારિણી પણ કહેતા. પ્રખર સામાજીક આલોચના, યુદ્ધ, ગુલામી, ધર્મ, રાજકીય ક્રાંતિ જેવા પાસાંઓને ખુલ્લેઆમ સ્પર્શતી આ સ્ત્રીએ પુરુષસર્જક અને સ્ત્રીસર્જકના સર્જનો વચ્ચેની ભેદરેખા બખૂબી ઓગાળી નાંખી હતી. એ છતાંય એની રચનાઓમાં સહજ નારીગત ઋજુ સંવેદનો પણ પ્રસંશનીય ઢબે આલેખાયાં છે. એના પત્રો અને રેખાચિત્રો ખૂબ વખણાયાં છે. ફ્રેન્ચ ભાષામાંથી એણે અંગ્રેજીમાં કરેલા ઉત્તમ ગણાતા અનુવાદોએ પ્રવર્તમાન ફ્રાંસ અને એની સમસ્યાઓને દુનિયાની સામે મૂકવામાં બહુ મોટો ફાળો ભજવ્યો. રોબર્ટ બર્ન્સ અને વર્ડ્સવર્થ જેવા એની કવિતાના ચાહકો હતા. વર્ડ્સવર્થે તો હેલન પર એક સૉનેટ પણ લખ્યું.

ગીતનું શીર્ષક ‘એક ગીત’ કેમ આપ્યું હશે? કાવ્યપ્રકાર ગીત છે એ તો કોઈપણ સમજી શકે. વિષય પ્રેમના મૂલ્યાંકનનો છે તો શીર્ષકમાં આવી વેઠ કેમ ઉતારી હશે? કે પછી એક પ્રોષિતભર્તૃકાના દિલના સાગરમાં ઊઠતાં હજારો-લાખો મોજાંઓમાંનું આ એક છે એમ એણે કહેવું હશે? હશે. ગીત પ્રસિદ્ધ બૅલડ (કથાકાવ્ય) મીટરમાં લખાયું છે, જેમાં ચાર-ચાર પંક્તિના ફકરામાં એકી પંક્તિ આયમ્બિક ટેટ્રામીટર અને બેકી પંક્તિ આયમ્બિક ટ્રાઇમીટરમાં લખવામાં આવે છે. સામાન્યરીતે બૅલડ મીટરમાં પ્રાસરચના અ-બ-ક-બ પ્રમાણે હોય છે પણ હેલન એક કદમ આગળ વધીને અ-બ-અ-બ, ક-ખ-ક-ખની ચુસ્ત પ્રાસરચના વાપરીને ગીતની રવાનીમાં ચાર ચાંદ લગાવે છે.

દિલની ખરી અસ્ક્યામતનું આ ગીત છે. દિલની ખરી સંપત્તિ એટલે પ્રેમ. અને પ્રેમની દૌલત એટલે ખરું સોનું, જેટલું વધારે વાપરો, વધુ ચળકે. દુનિયા માપપટ્ટી પર ચાલે છે, પ્રેમ અમાપપટ્ટી પર! જ્યાં કેલ્ક્યુલેટરની ગણતરી પૂરી થાય છે ત્યાંથી જ લવલેટર શરૂ થાય છે. પ્રિયતમ પાસે કોઈ સવિશેષ દુન્યવી સંપદા નથી પણ એણે દિલ દઈ દીધું એથી વિશેષ કોઈ વરદાન કાવ્યનાયિકાને અપેક્ષિત પણ નથી. આશિક દિલનો દોલો છે. ને આ સદગુણો જ નાયિકાના હૈયાને ધડકાવે છે. એણે સુખ તો મતલબ સ્નેહ માંગ્યો પણ પ્રિય દુન્યવી અર્થની તલાશમાં દૂર દેશાવર નીકળી પડ્યો.

दोनों जहान दे के वो समझे, ये खुश रहा,
यां आ पडी ये शर्म कि तक़रार क्या करें? (ગાલિબ)
(પ્રેમને સંપત્તિની ભાષામાં તોલનાર પ્રિયજન બંને દુનિયાની ભેટ ધરીને સામું પાત્ર ખુશ છે એવું સમજી બેસે છે પણ સામાની સમસ્યા તો એ છે કે આવા મટિરિઆલિસ્ટિક આશિકની સાથે હવે ઝઘડો શો કરવો?)
પ્રેમ જ સર્વસ્વ છે એમ કહેવા છતાંય કસ્તૂરીમૃગ જેવો પ્રેમી કઈ કસ્તૂરીની શોધમાં આ દેશ-પેલે દેશ રઝળી-રખડી રહ્યો છે એ નાયિકાની સમજણ બહારનું છે. પામી જનારા માટે પ્રેમ સકળ છે, બાકીના માટે અકળ. તુલસીદાસને નદીના ધસમસતા પૂરને મડદાંના સહારે પાર કરીને સાપને દોરડું સમજીને પકડીને પ્રિયાના કક્ષમાં પહોંચ્યા હતા. પ્રેમમાં કથીર પણ કંચન થઈ જાય છે. સ્નેહીના સાથનું ઐશ્વર્ય હોય તો હલકી ગુણવત્તાનું ભોજન અને પલંગના બદલે ભોંય પર પાથરેલી રજાઈ પણ ધન્ય થઈ જાય. (પરદેશમાં જમીન પર સૂવાનો રિવાજ નથી એ વાત ધ્યાનમાં રહે). કિંમત સાથની છે, સાથ કેવા સંજોગોમાં છે એની નહીં. રૉમિયો જુલિયેટને મળવા એરકન્ડિશન્ડ ઑફિસમાં નહોતો જતો. ‘बिजली नहीं है, यही इक ग़म है’ની ફરિયાદ થાય અને ‘तेरी बिंदिया क्या बिजली से कम है’નો જવાબ મળે એ ખરો પ્રેમ. પ્રેમ સાચો હોય તો એંઠા બોર પણ પકવાન લાગે.

પણ અબુધ પ્રેમી પ્રિયાએ કહેલા સુખને દુનિયામાં શોધવા નીકળ્યો છે. અને અઢારમી સદીમાં આ કવિતા લખાઈ ત્યારે मेरे पिया गये रंगून,किया है वहां से टेलिफ़ून જેવી કોઈ સુવિધા પણ નહોતી. જિંદગી આશંકાના તાંતણે બંધાયેલી છે. એ દુર્ગમ દરિયાઓ સર કરી રહ્યો છે ને અહીં આંખેથી દરિયા વહી નીકળ્યા છે. तिरे छुटने से छोडा आंसुओं ने साथ आंखो का, गले मिल-मिल के आपस में चले आते हैं दामन तक। (નસીમ દેહલવી) मर-मर के अगर शाम, तो रो-रो के सहर की; यूं ज़िन्दगी हमने तिरी दूरी में बसर की। (જોશ લખનવી) આમેય આંસુના દરિયા તરવા કાચાપોચાનું કામ નહીં. દરિયા તરી જનારા આંસુમાં ડૂબી જતા હોય છે:

મહાસમુદ્રના પેટાળ મોટી વાત નથી,
છે આ તો આંસુનું ઊંડાણ, ઝંપલાવ નહીં.

જૉન ડનની ‘એ વેલિડિક્શન ઑફ વિપિંગ’ યાદ આવે જેમાં આંસુમાં પ્રિયતમાનો ચહેરો, દુનિયા, સમુદ્ર અને શ્વાસની ગતિ વધી જાય તો આંસુના સમુદ્રમાં ઊઠતું તોફાન સામાના મૃત્યુનું કારણ બનવા સામેની ચેતવણી પ્રણયની ચરમસીમાનું અદભુત નિરુપણ કરે છે.

રડીરડીને નાયિકા પ્રિયજનને સલામત રાખવા જેટલી દયા મોજાંઓ પાસે માંગે તો છે પણ રુદ્ર મોજાંઓના દિલમાં એ છે ખરી? પ્રતીક્ષાની રાત હંમેશા તોફાની હોય છે. વળી, इस रातकी सुबह नहीं। કાળી રાત જેવી મુસીબતો અને ઊંડા પાણી જેવા દુશ્મનોથી બચીને શું પ્રિયતમ પરત ફરશે ખરો? ઇંતેજારી અને અનિશ્ચિતતાનું કોક્ટેઇલ ભલભલાના હોંશ ઊડાડી દે છે. ભીતરનું તોફાન એવું પ્રબળ બન્યું છે કે પત્તાના મહેલ જેવું પોકળ બની ગયેલું અસ્તિત્ત્વ હચમચી ઊઠે છે. હવાનો નાનો અમથો હડસેલો પણ કંપાવી દે છે…દિલમાંથી તો કદાચ સાહિરનો જ અવાજ ઊઠતો હશે:

हम इंतिज़ार करेंगे तिरा कयामत तक,
खुदा करे कि कयामत हो और तू आए।

*

A Song

I
No riches from his scanty store
My lover could impart;
He gave a boon I valued more —
He gave me all his heart!

II
His soul sincere, his generous worth,
Might well this bosom move;
And when I asked for bliss on earth,
I only meant his love.

III
But now for me, in search of gain
From shore to shore he flies;
Why wander riches to obtain,
When love is all I prize?

IV
The frugal meal, the lowly cot
If blest my love with thee!
That simple fare, that humble lot,
Were more than wealth to me.

V
While he the dangerous ocean braves,
My tears but vainly flow:
Is pity in the faithless waves
To which I pour my woe?

VI
The night is dark, the waters deep,
Yet soft the billows roll;
Alas! at every breeze I weep —
The storm is in my soul.

– Helen Maria Williams

15 replies on “ગ્લૉબલ કવિતા : એક ગીત – હેલન મારિયા વિલિયમ્સ”

  1. દુનિયા માપપટ્ટી પર ચાલે છે, પ્રેમ અમાપપટ્ટી પર! Tru… (Y)

  2. અત્યન્ત સુન્દર કાવ્ય અને રસ્દર્શન્.

  3. વિવેકભાઈ, અજબ વાત છે કે ખુબ પ્રચલિત જગાઓમાં આ વિષે ઉલ્લેખ નથી. પણ મને આ એક
    રેફરન્સ મળ્યોઃ
    http://www.freepressjournal.in/mind-matters/surdas-saint-singer-and-poet/613138. મારો પ્રતિભાવા પણ મારા પ્રાથમિક શાળાના અભ્યાસ પરથી હતો(૧૯૪૭).

    • આપની વાત સાચી લાગે છે… પણ આ રેફરન્સ સાચો છે કે નહીં એની હું મારી રીતે પણ ચકાસણી કરી જોઈશ અને જરૂર પડે તો સુધારો પણ કરી લઈશ… આપ આટલું ધ્યાન આપો છો અને દોરો છો એ જ મારું સૌભાગ્ય…

  4. હેલન મારિયા વિલિયમ્સે આ કવિતા દ્વારા પોતાનો પ્રેમ પ્રગટ કર્યો છે ને આ પ્રેમ વાંઝીયો છે. તેનો પ્રેમી તો દુર દુર સાગર ખેડવા ગયો છે. અને હ્રદય ઝ્ંખન અને એકલપણાની વ્યાધિથી વલોવાય છે. કદાચ તે વિચારતી હશેઃ
    Jaati Nai Aankhon Se Surat Teri,
    Na Jaati Hai Dil Se Mohabbat Teri,
    Tere Jaane Ke Baad Hota Hai Mehsoos Yu,
    Humein Aur Bhi Jyada Hai Zaroorat Teri… અથવા તો

    ….Akelepan se khauf aata hain mujhko
    Kaha ho aye mere khwab-o-khayaalo

    Bahut masum baithi hoon main tumse
    Kabhi aakar mujhe hairat mein dalo…

    આ સાથે વિવેકભાઈ થોદો અવિવેક લાગશે પણ…
    “તુલસીદાસને નદીના ધસમસતા પૂરને મડદાંના સહારે પાર કરીને સાપને દોરડું સમજીને પકડીને પ્રિયાના કક્ષમાં પહોંચ્યા હતા”… આ વાત સુરદાસના જિવનનો પ્રસંગ હતો. રચના રજુકરવા બદલ આભાર!

Leave a Reply to જયેન્દ્ર ઠાકર Cancel reply

Your email address will not be published. Required fields are marked *