ગ્લૉબલ કવિતા: અતિથિગૃહ – રૂમી (અનુ. વિવેક મનહર ટેલર)

This being human is a guest house.
Every morning a new arrival.

A joy, a depression, a meanness,
some momentary awareness comes
as an unexpected visitor.

Welcome and entertain them all!
Even if they’re a crowd of sorrows,
who violently sweep your house
empty of its furniture,
still, treat each guest honorably.
He may be clearing you out
for some new delight.

The dark thought, the shame, the malice,
meet them at the door laughing,
and invite them in.

Be grateful for whoever comes,
because each has been sent
as a guide from beyond.

– Rumi
(English Translation by Coleman Barks)

અતિથિગૃહ

આ મનુષ્ય હોવું એ એક અતિથિગૃહ છે.
દરેક સવારે એક નવું આગમન.

એક આનંદ, એક હતાશા, એક હલકટાઈ,
કેટલીક ક્ષણિક જાગૃતિ
આવે એક અણધાર્યા મુલાકાતી તરીકે.

સર્વનું સ્વાગત કરો અને મનોરંજન પણ!
ભલે તેઓ દુઃખોનું એક ટોળું કેમ ન હોય,
જે હિંસાપૂર્વક તમારા ઘરના
રાચરચીલાંને પણ સાફ કરી નાંખે,
છતાં પણ, દરેક મહેમાનની સન્માનપૂર્વક સરભરા કરો.
એ કદાચ તમને સાફ કરતા હોય
કોઈક નવા આનંદ માટે.

ઘેરો વિચાર, શરમ, દ્વેષ,
મળો એમને દરવાજે સસ્મિત
અને આવકારો એમને ભીતર.

જે કોઈ આવે એમના આભારી બનો,
કારણ કે દરેકને મોકલવામાં આવ્યા છે
એક માર્ગદર્શક તરીકે પેલે પારથી.

– રૂમી
(અનુ. વિવેક મનહર ટેલર)

*
આવકારો મીઠો આપજે રે…
“આ જુઓ, સાગરની પાછળ મહાસાગર આવી રહ્યો છે” બાર વર્ષના છોકરાને એના બાપની પાછળ ચાલતો આવતો જોઈને એ જમાનાના રાજકવિ ફરીદુદ્દીન અત્તારે બાળકમાં રહેલી શક્તિ અને સંભાવનાઓનો ક્યાસ કાઢીને આમ કહ્યું. આઠસો વર્ષ પહેલાંની આ વાત. આ ભૌતિકતાવાદી જગતમાં ફસાઈ પડેલા આત્માને લગતું પોતાનું પુસ્તક અત્તારે બાળક જલાલુદ્દીનને આપ્યું. આજના અફઘાનિસ્તાનના બલ્ખી (ત્યારના પર્શિયા)માં બહાઉદ્દીન વાલદને ત્યાં જલાલુદ્દીન મુહમ્મદ રુમી/બલ્ખીનો જન્મ થયો. (૩૦-૦૯-૧૨૦૭ થી ૧૭-૧૨-૧૨૭૩) બહાઉદ્દીને મનુષ્યના પરમાત્મા સાથેના જોડાણમાં બતાવેલ ચોંકાવનારી કામુકતાસભર આઝાદીએ જિજ્ઞાસુઓને હચમચાવી નાંખ્યા. પિતાના મૃત્યુ બાદ રુમીએ દરવેશ સમાજમાં શેખનું સ્થાન લીધું પણ તબ્રીઝના શમ્સે એનું જીવન બદલી નાંખ્યું.

શમ્સે પોતાના મટે કોઈ સાથી-સંગાથી શોધતા ફરતા હતા. રુમીએ પૂછ્યું કે બદલામાં શું આપશો? શમ્સે કહ્યું, મારું મસ્તક. અને રુમીએ પોતાની જાત ધરી દીધી. એવી વાયકા છે કે શમ્સે પૂછેલા “કોણ વધુ મહાન, મુહમ્મદ કે બિસ્તમી?” (અબુ યઝિદ અલ-બિસ્તમી ઈશાન પર્શિયામાં જન્મેલા મહાન સૂફી સંત હતા) પ્રશ્નમાં રહેલું ઊંડાણ પારખતાવેંત રુમી બેહોશ થઈ ઢળી પડ્યા હતા. એ પછીએ રુમી અને શમ્સ સાચા અર્થમાં જિસ્મ-જાન બનીને રહ્યા. એમની વચ્ચેનો સંબંધ પણ હંમેશા રહસ્યમય બની રહ્યો. રુમી સાથેના સંબંધથી સર્જતી સમસ્યાઓનો અંત આણવા શમ્સ ભાગી છૂટ્યા. રુમીએ કવિતા કરવી શરૂ કરી પણ શમ્સની શોધખોળ ચાલુ રાખી. શમ્સ ફરી મળ્યા અને ફરી બંને વચ્ચેનો સંબંધ ચર્ચાની ચકડોળે ચડ્યો. કહે છે કે રુમીના દીકરાની મદદથી એમની હત્યા કરવામાં આવી. આમ, શમ્સે સાચે જ દોસ્તીના નામ પર પોતાનું મસ્તક કુરબાન ભેટ ધર્યું. રુમીની કવિતામાં શમ્સ માટેની તરસ સતત વ્યક્ત થતી જોવા મળે છે. રુમી કહે છે, “હું શા માટે શોધું છું? હું એ જ છું. એનું જ અસ્તિત્વ મારામાં થઈને બોલે છે. હું મારી જ જાતને શોધી રહ્યો છું.” શમ્સના ગયા પછી એનું સ્થાન પહેલાં સલાદ્દીન ઝારકુબે અને પછી હસમ ચેલેબીએ લીધું.

રુમીની કવિતાઓ આત્માની શોધને દેહની તરસરૂપે વ્યક્ત કરે છે. રુમીની અલગ-અલગ કવિતાઓમાં પણ એક સળંગસૂત્રીતા છે. ઈશ્વર સિવાય કશું સત્ય નથી, બધું ઈશ્વર જ છેનો સૂર તમને એની રૂબાઇ, ગઝલ, મથ્નવી-બધામાં સુપેરે વ્યક્ત થતો સંભળાશે. દરેક કવિતામાં દરિયાનો આછો આછો સાદ સંભળાતો રહે છે. વિશ્વના સર્વોત્તમ આધ્યાત્મિક કવિ ગણાતા રુમી આજે વિશ્વભરમાં કદાચ સહુથી વધુ વંચાતા કવિ છે.આમસ્તમૌલા સૂફી સંતકવિની રચનાઓની બરાબરી કરે એવા કવિ આજે પણ જડવા મુશ્કેલ છે.

રુમીની કવિતાઓમાં સેક્સનો જરાય છોછ નથી. શિશ્ન, યોનિ, વીર્ય, સંભોગક્રિયાના બેબાક વર્ણનો છડેચોક જોવા મળે છે. રુમી કહે છે કે જે આવેગ આવે છે એને જીવી લેવો, નહીં કે ક્યાંક અટકી પડવું, સડી જવું. દરેક ખેંચાણ આપણને સાગર તરફ લઈ જાય છે. જ્યારે તમે કોઈ વસ્તુ આત્માથી કરો છો, નદી જાતે તમારી ભીતર થઈને વહે છે. હસ્તમૈથુન વગેરે વિશે રુમી કહે છે કે કરવા દો. જે યુવાન આ બધી ક્રિયાઓમાંથી પસાર થતો નથી એ પીંછા ઊગ્યા વિનાનું પંખી છે, માળામાંથી નીકળ્યું નથી કે શિકાર થયું નથી. સમાગમની ચરમસીમા એ સમર્પણની પરાકાષ્ઠા છે, સમાધિની ક્ષણ છે. રુમી આ ઊર્જાને જ ઉપર તરફ ગતિશીલ કરવાના મતના છે. દેહથી એહ તરફની ગતિ સાફ અનુભવાય છે.

આ કવિતા માટે એક લીટીમાં કહેવું હોય તો લેટિનભાષામાં આમ કહી શકાય: res ipsa loquitur (It speaks for itself) (એ સ્વયંસ્પષ્ટ છે)

રૂમીની આ કવિતા જીવનને વિધાયકરીતે-પોઝિટિવિટિથી જોતાં શીખવે છે એટલું જ નહીં, સમ્યક દૃષ્ટિની હિમાયત પણ કરે છે. જિંદગી તમારા દરવાજે ટકોરા મારીને નથી આવતી, એ તો બસ પ્રવેશી જાય છે. પણ જિંદગીનો સાંતાક્લૉઝ નાતાલવાળા કરતાં અલગ છે. પેલાની ઝોળીમાં નવા વર્ષના આગમનની ખુશાલીમાં ચોકલેટ્સ, ભેટો અને આનંદ જ છે પણ જિંદગીની ઝોળીમાં તો બધું જ છે. આનંદ, દુઃખ, હલકટાઈ, ક્ષણિક જાગૃતિ-બધું જ. જાગૃતિ માટે ક્ષણિક શબ્દ કેમ પ્રયોજ્યો હશે? રૂમી આપણી મનુષ્યગત નબળાઈઓથી વાકેફ છે. એ જાણે છે કે જાગૃતિ કાયમી રહી જાય તો માણસ બુદ્ધ બની જાય અને બુદ્ધ હજારો વરસે એક જ થાય છે. રૂમી બધાને આવકારવાનું તો કહે જ છે, આગતાસ્વાગતામાં કાંઈ મના ન રહી જાય એ માટે પણ ટકોર કરે છે. અર્થાત્ જે મળે એને સાચા દિલથી સ્વીકારવાની આ વાત છે.

આ નથી ને તે નથીની વાત પર દુર્લક્ષ દઈ
મેં બધામાં જે મળ્યું તે બેય હાથે લઈ લીધું.

જીવનમાં ક્યારેક દુઃખોનું ત્સુનામી પણ આવતું હોય છે જે તમને અંદર-બહાર બધેથી તદ્દન સાફ પણ કરી નાંખે. આખેઆખું અસ્તિત્વ શૂન્ય બની જાય એવું પણ બને. જીવનનો એકડો ફરી શરૂથી ઘૂંટવાનો આવે એવું પણ થાય. રૂમી તો આવા હિંસક દુઃખોનું પણ સન્માનપૂર્વક સરભરા કરવા કહે છે. સંપૂર્ણ ખાલી થવું એ નવેસરથી ભરાવા માટેની પૂર્વશરત છે. સુન્દરમ્ નું ‘ઘણ ઉઠાવ’ કાવ્ય યાદ આવે:

ઘણુંકઘણુંભાંગવું, ઘણઉઠાવ, મારીભુજા !
ઘણુંકઘણુંતોડવું, તુંફટકારઘા, ઓભુજા !

તોડીફોડીપુરાણું,
તાવીતાવીતૂટેલું.
ટીપીટીપી બધું તે અવલનવલત્યાંઅર્પવાઘાટએને
ઝીંકી રહે ઘા, ભુજા ઓ, લઇ ઘણ, જગને ઘા થકી ઘાટદેને.

મલિન વિચાર, શરમ, દ્વેષ – જે કંઈ જિંદગી આપણા આંગણે લઈ આવે એ તમામને ખુલ્લા હાથે અને મોકળા મને સસ્મિત આવકારો કેમ કે આ બધું જ નિતનવા અનુભવના સ્વરૂપે ‘એ’ના તરફથી તમને મોકલવામાં આવેલા માર્ગદર્શક-ભોમિયા છે.

કવિ દુલા ભાયા ‘કાગ’નું ગીત યાદ આવ્યા વિના નહીં રહે:

તારા આંગણિયાં પૂછીને કોઈ આવે રે,
આવકારો મીઠો આપજે રે.
“કેમ તમે આવ્યા છો ?”એમ નવ કહેજે રે,
એને માથું રે હલાવી હોંકારો તું દેજે રે.

6 replies on “ગ્લૉબલ કવિતા: અતિથિગૃહ – રૂમી (અનુ. વિવેક મનહર ટેલર)”

  1. Equanimity ….. can be cultivated….. by BEING
    HUMAN, with HUMANITARIAN OUTLOOK & APPROACH. Cohesiveness …. helps SELF-GROWTH….. It has to be EXPERIENCED WITHIN,& FELT….INSIDE US ,IN THE CORE CENTER OF OUR ” BEI NG.

  2. Rumi what a wonderful human being! Looking it to his life one may feel that everything one wants is there within once self. Yet his presentation takes one beyond the life. He is so simple yet very complex. Vivekbhai thanks for presenting this poem and the related thoughts. Enjoyed! The English title of the poem is “The Guest House”. A PDF version of Rumi’s poem translation by Coleman Barks is available here: https://docs.google.com/file/d/0B2GU1ZyPbqVlQmhBV1ZRT0dFREU/edit

    • સાચી વાત છે… અનુવાદ ફક્ત શબ્દોનો જ થઈ શકે… અનુવાદ કદી મૂળ કૃતિની સમકક્ષ જઈ જ ન શકે કેમકે કવિના ભાવજગત, કવિની લાગણીઓ અને કવિની સાંપ્રત પરિસ્થિતિનો કોઈ અનુવાદ થઈ જ ન શકે…

      અનુવાદ ફક્ત એ લોકો માટે હોય છે જે લોકો જે-તે ભાષાની દીવાલ ઓળંગવા માટે અસમર્થ હોય છે…

Leave a Reply to વિવેક ટેલર Cancel reply

Your email address will not be published. Required fields are marked *