ગ્લૉબલ કવિતા: કેમકે હવે કોઈ મદદ શક્ય નથી – માઇકલ ડ્રેઇટન અનુ. વિવેક મનહર ટેલર

Since there’s no help, come let us kiss and part.
Nay, I have done, you get no more of me;
And I am glad, yea glad with all my heart,
That thus so cleanly I myself can free.

Shake hands for ever, cancel all our vows,
And when we meet at any time again,
Be it not seen in either of our brows
That we one jot of former love retain.

Now at the last gasp of Love’s latest breath,
When, his pulse failing, Passion speechless lies;
When Faith is kneeling by his bed of death,
And Innocence is closing up his eyes—

Now, if thou wouldst, when all have given him over,
From death to life thou might’st him yet recover!

– Michael Drayton

કેમકે હવે કોઈ મદદ શક્ય નથી, ચાલ ચુંબન કરીએ અને છૂટા પડીએ-
ના, બસ. પત્યું. હવે તું મને લગરિક વધુ નહીં મેળવી શકે;
અને હું ખુશ છું, હા, ખુશ છું હૃદયના ઊંડાણથી,
કે આમ આટલી સફાઈપૂર્વક હું મારી જાતને આઝાદ કરી શક્યો.

હાથ મેળવી દે હંમેશને માટે, રદ કરી દે આપણા બધા સોગંદ,
અને ક્યારેક કોઈ સમયે આપણે મળી જઈએ ફરીથી,
તો બેમાંથી એકેયના કપાળ પર એ નજરે ન ચડે
કે આપણામાં એક અંશ પણ પ્રેમ ભૂતકાળનો બચી ગયો છે.

હવે પ્રેમના આખરી શ્વાસના આખરી ડચકે,
જ્યારે, એની નાડી બંધ પડી રહી છે, ધબકાર વાચાહીન સૂતો છે,
જ્યારે શ્રદ્ધા એની મૃત્યુશય્યા પર ઘુંટણિયે પડી છે,
અને નિર્દોષતા એની આંખ બીડી રહી છે,

– હવે, જો તું ધારે તો, એના માટેની બધી આશા જ્યારે મૂકી દીધી છે,
મૃત્યુના મુખમાંથી કદાચ તું જ એને પરત આણી શકે.

– માઇકલ ડ્રેઇટન
અનુ. વિવેક મનહર ટેલર

*

જબ તવક્કો હી ઉઠ ગઈ ગાલિબ,
ક્યુઁ કિસી કા ગિલા કરે કોઈ?

– પોણી બસો વર્ષ પહેલાં ગાલિબ કહી ગયા કે જ્યારે બધી અપેક્ષાઓ મરી જ પરવારી હોય ત્યારે કોઈની ફરિયાદ કરીને પણ શું? બુદ્ધ પણ એ જ કહી ગયા કે અપેક્ષા દુઃખનું કારણ છે… પણ બુદ્ધ કવિ નથી, એ ચેતનાનો સાક્ષાત્કાર પામી ચૂકેલ મહામાનવ છે. એ આગળ કહે છે કે એ કારણનું નિવારણ પણ છે જે વળી શક્ય છે. માઇકલ ડ્રેઇટનની આ કવિતા ગાલિબના નિરાશાવાદથી શરૂ થઈ બુદ્ધના આશાવાદ સુધી વિસ્તરે છે. ના-નાથી શરૂ થઈ હા-હા તરફ ગતિ કરતું આ સૉનેટ સમજી શકાય તો આપણા બે જણના સગપણના સમીકરણમાં પ્રવેશી ગયેલા રણ દૂર કરવાની ખરી સમજણ પૂરી પડે છે.

સોળમી-સત્તરમી સદીમાં થઈ ગયેલ માઇકલ ડ્રેઇટનના ૨૭ વર્ષની વયે પ્રગટે થયેલા પહેલા પુસ્તક ‘ધ હાર્મની ઓફ ધ ચર્ચ’ની ચાળીસ પ્રત કેન્ટરબરીના મુખ્ય પાદરી દ્વારા અને બાકીની આખી આવૃત્તિ નાગરિક ધારા દ્વારા નષ્ટ કરી દેવામાં આવી હતી. પણ પછી મહારાણી એલિઝાબેથના દરબારમાં એમણે મોભાનું સ્થાન શોભાવ્યું. આપણે જેને ઊર્મિગીત કહીએ છીએ અને અંગ્રેજીમાં જેને ‘ઓડ’ કહેવાય છે, તેના એ મુખ્ય પ્રણેતા અને લોકપ્રિયતા અપાવનાર હતા. જે છોકરીને રિઝવવા એમણે ચોંસઠ સૉનેટનો સંપુટ ‘આઇડિયાઝ મિરર’ લખી કાઢ્યો એ અથવા કોઈ પણ છોકરી કવિના નસીબમાં કદી આવી નહીં. ડ્રેઇટનના નસીબમાં રાજદરબારમાં હોવા છતાં કુંવારા મરવું જ લખાયું હતું. ડ્રેઇટનના સૉનેટ એમની સીધી પ્રત્યાયનક્ષમતા અને સાર્વત્રિક અપીલના કારણે વધુ લોકપ્રિય થયા.

પ્રસ્તુત સૉનેટ પણ આ સંપુટમાંનું જ એક છે. શેઇક્સપિરિઅન શૈલીમાં લખાયેલું આ સૉનેટ મૂળ અંગ્રેજીમાં ત્રણ ચતુષ્ક અને યુગ્મરચના તથા ‘અ-બ-અ-બ’ની પ્રાસરચના ધરાવે છે. આખી કૃતિ આયંબિક પેન્ટામીટરમાં લખાયેલી છે પણ છેલ્લી બે પંક્તિઓમાં દસના બદલે બાર અને અગિયાર સિલેબલ્સ વપરાયા છે જે વાક્યની લંબાઈ-લયમાં અર્થસભર ઉમેરણ કરે છે.

‘કેમકે હવે કોઈ મદદ શક્ય નથી’થી થતી શરૂઆત હચમચાવી દે છે. સમજી શકાય છે કે બધી જ કોશિશ કદાચ કરી દેવામાં આવી છે પણ હવે આ સંબંધ ટકી શકે એમ જ નથી. સંબંધનો અંત કદી સરળ હોતો નથી. એમાં હંમેશા એક ઘેરી દ્વિધા સમાયેલી હોય છે. માણસ એ છેલ્લું ડગલું હજાર વાર ભરે છે અને હજાર વાર પાછો ફરે છે. પ્રેમની નિષ્ફળતાની અસમંજસનું આ મહાકાવ્ય છે.

કાયમ માટે છૂટા પડી જવાનો અડીખમ નિર્ણય કદાચ કેટકેટલાં મનોમંથનો પછી લેવાયો હશે… છૂટાં પડતી વખતે એક ઔપચારિક ચુંબન અને કાયમની ગુડ-બાય. જીરવી ન શકાતા બંધનમાંથી આઝાદ થતી વખતે હૃદય કેવો હર્ષ અનુભવતું હશે. એક-મેક સાથે ખુલાસાઓ થઈ રહ્યા છે. બધી યાદ, બધા સોગંદ-બધું જ હવે કાયમ માટે ભૂલી જવાનું છે. ક્યારેક જોગાનુજોગ ક્યાંક ભટકાઈ જવાય તો એકેયના ચહેરા પરની કરચલીઓમાં ભૂતકાળનો પ્રેમ નજરે પણ ન ચડવો જોઈએ એવી સમજૂતિ સાથે છૂટા પડવાનું છે, કેમકે પ્રેમ હવે આઇસીસીયુમાં છેલ્લા શ્વાસ ભરી રહ્યો છે.

સંબંધ જન્મે છે, વિકસે છે અને મૃત્યુ પામે છે. પણ સંબંધનું મૃત્યુ આપણામાંથી કેટલા સ્વીકારી શકે છે? મરેલા સંબંધને બાળવા-દાટવા કેટલા આગળ વધી શકે છે? દીર્ઘકાલિન સંબંધની પૂર્વધારણાને ભાગ્યે જ કોઈ પ્રમેયરૂપે સાબિત કરી શકતું હશે.… આપણામાંના મોટાભાગના રાજા વિક્રમની જેમ સંબંધની લાશ ખભે વેંઢાર્યે રાખ્યે છીએ. કોશિશ ન કરીએ તો દરેક સંબંધ ધીમેધીમે કરમાવા જ માંડે છે… ખાતર-પાણી-માવજતની કોશિશ કરતાં રહીએ તો મનભેદ-મતભેદની ઉધઈ સંબંધના છોડને જરા ઓછું નુકશાન કરે એ સાચું પણ બધા જ છોડને બધી જ વાર બચાવી શકાતું નથી…

અહીંયા સુધીની ઘટના વધતે-ઓછે અંશે આપણે સહુએ જીવનમાં ક્યાંક ને ક્યાંક અનુભવી છે. પણ ખરી કવિતા અને સૉનેટની ચોટ છે આખરી બે કડીઓમાં. કવિ કહે છે કે તેં આ પ્રેમનો પૂર્ણપણે ત્યાગ કર્યો છે પણ હજી કદાચ તું પાછી ફરે… એક નજર આ તરફ કરે.. એક સ્મિત મારા તરફ ફેંકે… એક હાથ લંબાવે… તો કદાચ આ પ્રેમ ફરીથી એવોને એવો જીવિત થઈ ઊઠે… કવિતાની શરૂઆતમાં અડીખમ દેખાતો નાયક કાવ્યાંતે કેવો વિહ્વળ નજરે ચડે છે… આ આશા જ પ્રેમ છે… આ પ્રેમ જ જિંદગી છે… સંબંધ તૂટી જવા પર છે કારણ કે એમાં પ્રયત્નનો અભાવ છે. અને પ્રયત્ન કરો તો ફરી એ બેઠો થઈ શકે. પ્રયત્ન મોટી વાત છે. કોશિશ અદભૂત બળ છે. સંબંધ નથી કારણ કે કોશિશ નથી. કોશિશ કરો તો મરેલો સંબંધ પણ ઊભો થઈ શકે. બાકી તો,

છે સંબંધ કાંઠાની માટી સમા સહુ,
ઊડે ભેજ થોડો, બની જાય રેતી….

3 replies on “ગ્લૉબલ કવિતા: કેમકે હવે કોઈ મદદ શક્ય નથી – માઇકલ ડ્રેઇટન અનુ. વિવેક મનહર ટેલર”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *