Global કવિતાઃ જેલીફિશ – મરિઆન મૂર (અનુ.: વિવેક મનહર ટેલર)

15078723_10153937594646367_3759833220121636356_n

A Jellyfish

Visible, invisible,
A fluctuating charm,
An amber-colored amethyst
Inhabits it; your arm
Approaches, and
It opens and
It closes;
You have meant
To catch it,
And it shrivels;
You abandon
Your intent—
It opens, and it
Closes and you
Reach for it—
The blue
Surrounding it
Grows cloudy, and
It floats away
From you.

– Marianne Moore

જેલીફિશ
દૃશ્ય, અદૃશ્ય,
વધઘટ થતું કામણ,
એક સોનેરી પીળા રંગનો નીલમણિ
એનો નિવાસ; તમારો હાથ
નજીક પહોંચે છે, અને
એ ખુલે છે અને
એ બીડાય છે;
તમે ધાર્યું હતું
એને પકડવાનું,
અને એ સંકોચાઈ જાય છે;
તમે પડતો મૂકો છો
તમારો ઈરાદો –
એ ખુલે છે, અને એ
બીડાય છે અને તમે
એને પકડવા જાવ છો-
એની ફરતે વીંટળાયેલી
ભૂરાશ
ડહોળી થઈ જાય છે, અને
એ દૂર સરી જાય છે
તમારાથી.

મરિઆન મૂર
(અનુ.: વિવેક મનહર ટેલર)

કવિતાને ડુંગળી સાથે સરખાવી શકાય… એક પડ ઉખેડો કે બીજું નીકળે… એક અર્થ કાઢો અને તરત બીજો અર્થ જડી આવે. બીજું પડ ઉખેડો ને અંદરથી ત્રીજું… ત્રીજા પછી ચોથું, પાંચમું… અને એક પછી એક બધા જ પડ ઉખેડી નાંખો… એકાધિક અર્થ એ કવિતાનું સાચું સૌંદર્ય છે. એક જ કવિતા અલગ અલગ ભાવક માટે અલગ અલગ અર્થ ધરાવે છે તો એક જ કવિતા એક જ ભાવક માટે પણ અલગ અલગ મનોસ્થિતિમાં અલગ અલગ અર્થ ધરાવતી હોઈ શકે. કોઈ પણ કળાની ખરી કમાલ જ આ છે. ડુંગળીના બધા જ પડ એક પછી એક ઊખેડી નાંખીએ એ પછી હાથમાં જે શૂન્ય આવે છે એ જ કદાચ કવિતાની સાચી ઉપલબ્ધિ છે. પડ પછી પડ ઉખેડવાની આ પ્રક્રિયા કવિતાનું સાર્થક્ય છે અને અંતે જે શૂન્યનો સાક્ષાત્કાર થાય છે એ જ એનો અર્થ. કવિતા વિશે કહેવાયું છે કે, A poem should not mean but be. અર્થાત્ કવિતાનું હોવું એ જ એનું સાર્થક્ય છે, ન કે એનો મતલબ. મરિઆન મૂરની આ કવિતા કવિતાની વિભાવના સમજવામાં મદદરૂપ થાય છે.

જેલીફિશ તો બધાએ જોઈ જ હશે. દૂધની પારભાસક કોથળી જેવી જેલીફિશ સતત આકાર બદલતી રહે છે. હૃદયના સંકોચન-વિસ્તરણની જેમ જ એનું મસ્તક અને એના તંતુઓ સતત વધ-ઘટ થતા રહે છે. દેખાવે નિર્દોષ અને અત્યંત મનમોહક દેખાતી જેલીફિશ હકીકતમાં તો ઝેરીલી હોય છે. પોતાના રક્ષણ માટે જેલીફિશ ભૂરા રંગના પ્રવાહીનો સ્ત્રાવ કરે છે જેથી એની આસપાસનું પાણી ડહોળું બની જાય અને એને ભયસ્થાનથી દૂર સરકી જવાની તક મળે.

ચાલો તો, આપણે આ ડુંગળીનું પહેલું પડ ઉખાડીએ. કવિતા વાંચીએ. શું સમજાય છે? પહેલી નજરે આપણે જોઈ શકીએ છીએ કે કવયિત્રી જેલીફિશના કામણગારા અને સતત તરલ-ચંચળ સૌંદર્યનું, એના નિવાસસ્થાનનું અને તમે એને પકડવા નજીક જાવ અને પકડવાનો ઈરાદો ત્યજી દૂર જાવ, વળી નજીક જાવ ત્યારે એના આકારમાં એકધારા થતા પરિવર્તનનું સરળ ભાષામાં વર્ણન કરે છે. આ થયો પ્રાથમિક અર્થ.

બીજું પડ ખોલીએ? ચાલો, કવિતાના આકારની વાત કરીએ. જેમ આપણે ત્યાં સૉનેટ મંદાક્રાંતા, શિખરિણી જેવા સંસ્કૃત વૃત્તોમાં લખાય અને ગઝલ-ગીતના પણ પોતીકા છંદ-લય હોય એમ વિદેશી કવિતાઓ પણ બહુધા છંદમાં લખવામાં આવે છે પણ આ કવિતા જરા ઉફરી ચાલે છે. જેમ જેલીફિશ સતત આકાર બદલતી રહે છે એમ આ કવિતા પણ વધતા-ઘટતા કદના અનિયમિત વાક્યો, પ્રાસવિહીન, તાલવિહીન, છંદવિહીન છે. એમ કહી શકાય કે કવયિત્રીએ અહીં કવિતાના આકારની મદદથી જેલીફિશની મૂળભૂત પ્રકૃતિને ચિત્રાંકિત કરી છે. તમારા ઈરાદા પણ અહીં જેલીફિશ અને એ રીતે કાવ્યાકાર જેવા જ છે. તમે જેલીફિશને પકડવા આગળ વધો છો, પાછા વળો છો, વળી આગળ વધો છો… તમે પકડવા જાવ અને એ સંકોચાય છે, તમે પાછા વળો છો અને એ ખુલે છે. તમે વળી પકડવા જાવ છો અને એ પાણીને ડહોળીને તમારી પહોંચની બહાર સરી જાય છે. કવયિત્રી કાવ્યાકાર અને મુક્ત કાવ્યરચનાની મદદ લઈને કેવી સિફતથી જેલીફિશ અને એની મદદથી મનુષ્યમાત્રના સ્વભાવને મૂર્ત કરે છે ! આ છે કવિતાની બીજી કમાલ.

ડુંગળીનું ત્રીજું પડ? શું આ કવિતા ખરેખર જેલીફિશ અંગેની જ છે? શું કવયિત્રીની ખરી મથામણ જેલીફિશ ચિત્રિત કરવાની જ છે કે એ કોઈ બીજું જ નિશાન તાકવા માંગે છે? હકીકતમાં તો જેલીફિશનું પ્રતીક લઈને કવયિત્રી કવિતા અને એ રીતે તમામ પ્રકારની કળાની જ વાત કરે છે. કવિતા હોય કે અન્ય કોઈ પણ કળા, તમે જેમ જેમ આયાસપૂર્વક એને સમજવાની કોશિશ કરશો, એમાંથી કોઈ નિશ્ચિત અર્થ તારવવાની કે નિષ્કર્ષ પામવાની ચેષ્ટા કરશો, તેમ તેમ કવિતા અને કળાનું હાર્દ તમારી પહોંચની બહાર સરતું જશે. કેમ કે કોઈ પણ કળા હકીકતે તો માત્ર અનુભૂતિની વસ્તુ છે… અર્થ નહીં, અનુભૂતિ જ સાચી કવિતા છે. કવિતામાંથી પસાર થતી વખતે આપણે જે સમજીએ છીએ એ તો ખરું જ પણ એથીય વધારે જે આપણે અનુભવીએ છીએ એ સંવેદના જ કવિતાનો સાચો અર્થ છે. એક શેર મને યાદ આવે છે:

ભલે શબ્દો હો જાણીતા, ભલે હો અર્થથી અવગત,
કવિતા તે છતાં પણ જ્ઞાનથી સમજાય તો સમજાય.

હવે જેલીફિશને ભૂલી જાવ, કવિતા/કળાને પણ ભૂલી જાવ અને જેલીફિશની જગ્યાએ જિંદગીનો સંદર્ભ મૂકી જુઓ, માનવ-સંબંધોનો સંદર્ભ મૂકી જુઓ, અરે ! સ્ત્રીનો સંદર્ભ મૂકી જુઓ… એ પણ આવી જ અકળ ને !!!

One reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *