ગઝલ – મિલિન્દ ગઢવી

દિવસોનો કચરો બાળીને રાતે અજવાળાં રાખ્યાં છે,
તારો ખાલીપો સાચવવા સુઘરીના માળા રાખ્યા છે.

થોડો અવકાશ જરૂરી છે, સૌ જાણે છે, સૌ માને છે,
તેથી તો રેલના પાટા સમ સગપણમાં ગાળા રાખ્યા છે.

તું પણ બીજાની જેમ અરે! આંખોની પાર ન જોઇ શકી ?
આ ગરમાળાની પાછળ જે ઘેઘૂર ઉનાળા રાખ્યા છે !

તોરણમાંથી ટપકે રાખે છે આખા ઘરની નીરવતા,
ઘરડાં દ્વારોને યાદ નથી કે કોણે તાળાં રાખ્યાં છે.

ત્યાં દૂર ક્ષિતિજ પર સોનેરી એક ધજા ફરકતી રાખીને,
રસ્તાના અર્થો વિસ્તારી અમને પગપાળા રાખ્યા છે.

– મિલિન્દ ગઢવી ‘ગ.મિ.’

5 replies on “ગઝલ – મિલિન્દ ગઢવી”

 1. “તારો ખાલીપો સાચવવા સુઘરીના માળા રાખ્યા છે.
  થોડો અવકાશ જરૂરી છે, સૌ જાણે છે, સૌ માને છે,”
  સરસ !
  “પાત્રતા” =ખાલીપણું ……. ‘કંઈક’ સમાવવાની ત્રેવડ-શક્યતા !
  સ્પેસ= ખાલી જગા ….છે ,એટલે તો , ઘણું બધું જે દેખાય છે તે છે ને?
  આ થઇ સ્થૂળ વાત ….પણ ” ખાલીપો ” તો મનનો-ભીતરનો ….. કશાકનો અભાવ !
  જે કનડે -સતાવે-પજવે ….. ‘ત્યાં દૂર ક્ષિતિજ પર સોનેરી એક ધજા ફરકતી રાખીને,’
  મૂકીને કવિ ” એક અમર આશા’ સોનેરી-રૂપેરી લકીર,શક્યતાને ઈંગિત કરી
  ચાલવાનું-દોડવાનું ….કર્તવ્ય -ફરજ કરતા રહેવાનું તો નથી સૂચવતા ને?
  -લા’ કાન્ત ‘કંઈક’ / ૨૮.૪.૧૬

 2. ઉમદા રચના… ફરી ફરીને માણવી ગમે એવી….

 3. ViRAL Gadhavi says:

  સુંદર👌👌👌👌🍔

 4. ViRAL Gadhavi says:

  સુંદર👌👌👌

 5. Ashwin Gohel says:

  અદભુત રચના…👏👏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *