દિવાળી – ચંદ્રવદન મહેતા

આજે ભાઇબીજ… રક્ષાબંધન પર જેટલો ભાઇ-બહેનના હેતનો મહિમા ગવાય છે, એટલે ભાઇબીજ પર નથી સંભળાતો… કદાચ દિવાળીની મઝા માણી, ચકરી ઘુઘરા ખાઇને અથવા વેકેશન માણીને લોકો થાકી જતા હશે? 🙂

ખાસ નોંધઃ આ કવિતા મોકલનાર શ્રી વસંતભાઇ શેઠનો ખૂબ ખૂબ આભાર. દિવાળી વિષેના ગીતની માંગણી બે વર્ષ પહેલા ટહુકો પર કરી હતી, એમણે એ જાણીને ખાસ દિવાળીના દિવસે આ ગીત મોકલ્યુ!

આજે ટહુકો પર – દિવાળી અને ભાઇ-બહેનને સાથે યાદ કરીએ.. અને ગીતની પ્રસ્તાવના – ઇલાકાવ્યો વિશેની થોડી વાત – ધવલભાઇના શબ્દોમાં સીધેસીધું (આભાર – લયસ્તરો.કોમ – જ્યાં બીજા ઇલા કાવ્યો પણ માણવા મળશે)

ભાઈ-બહેનના સ્નેહને ચં.ચી.એ ઈલા કાવ્યો દ્વારા જેટલો ગાયો છે એટલો ગુજરાતીમાં બીજા કોઈએ ગાયો નથી. એમના ઈલા કાવ્યો ગુજરાતી ભાષાનું અનેરું ઘરેણું છે. મુગ્ધ સ્વપ્નસૃષ્ટિ અને કોમળ ભાવવિહારથી આ ગીતો શોભી ઊઠે છે. ઈલા કાવ્યોની પ્રસ્તાવનામાં ચં.ચી. આ કાવ્યો પાછળનો પોતાનો હેતુ એટલા સરસ શબ્દોમાં રજૂ કર્યો છે કે એ અહીં ટાંકવાનો મોહ જતો કરી શકતો નથી. – ધવલ શાહ

હું કુબેરદેવ હોઉં તો ઠેકઠેકાણે ઇમારતો બાંધી એને ‘ઈલા’ નામ આપું; (અરે હું વિશ્વકર્મા હોઉં તો -કે બ્રહ્મા જ હોઉં તો- નવી સૃષ્ટિ રચી એને ‘ઈલા’ નામ નહિ આપું ?); હું શિખરિણી હોઉં તો એકાદ ભવ્ય અને સુંદર ગિરિશૃંગ શોધી, ત્યાં ચડી એને ‘ઈલાશિખર’ નામ આપું; હું કોઈ મોટો સાગરખેડુ હોઉં તો એકાદ ખડક શોધી વહાણોને સાવચેત રહેવા ત્યાં એક નાજુક પણ મજબૂત દીવાદાંડી બાંધી એને ‘ઈલા દીવી’ નામ આપું અથવા તો હું એક મહાન વૈજ્ઞાનિક થાઉં તો જગતજ્યોતિમાંથી એકાદ નવું રશ્મિ શોધી એને ‘ઈલાકિરણ’ નામ આપું કે ખગોળમાં નવો જ ‘ઈલાતારો’ શોધું.

પરંતુ અત્યારે સંતોષે એવું તો આ જ છે. એક સ્મારક. આ તો રંક પ્રયાસ, ભગિનીહેતના ભવ્ય કર્મકાંડના ઉપનિષદ-સાહિત્યમાંથી એકાદ નજીવા શ્લોકનો ઉચ્ચારમાત્ર, ધ્વનિમાત્ર, શબ્દમાત્ર… – કવિ ચંદ્રવદન મહેતા

‘ઈલા, દિવાળી ! દીવડા કરીશું;
તારા સર્યા વ્યોમ થકી અહીં શું ?
કેવા ફટાકા આ અહીં ફૂટે છે !
આ કાનના તો પડદા તૂટે છે.’

‘સુણ્યા નથી તેં વીજના કડાકા ?
એ સ્વર્ગમાંના ફૂટતા ફટાકા !
ત્યાં વાદળવાદળીઓ અફાળી
સૌ દેવબાલો ઊજવે દિવાળી.’

‘તું બ્હેન જ્યારે કદી લે અબોલા,
ઝીલું ન તારાં વચનો અમોલાં;
મૂંગા ફટાકા દિલમાંહી ફૂટે
ને એ સમે તો ઉરતંતુ તૂટે.’

– ચંદ્રવદન મહેતા

4 replies on “દિવાળી – ચંદ્રવદન મહેતા”

  1. ખુબ ખુબ આભાર.

    ઈલા કાવ્ય ખુબ જ ગમ્યુ.

    સાલ મુબારક સૌ વાચક વ્રુન્દ ને અને ઈલા કાવ્ય આપવા બદલ વસન્ત્ભાઈ નો પન આભાર….

  2. વાહ !
    જે વ્યક્તિએ તમને આ કાવ્ય મોકલ્યુ તેના નામનો પણ ઉલ્લેખ નહીં.
    લગભગ વરસ બે વરસ પહેલાં આપે દિવાળી કાવ્યની માગણી કરી હતી.

    • માફ કરજો વસંતભાઇ! તમારા નામનો ઉલ્લેખ અને આભાર રહી ગયો હતો. પોસ્ટમાં એ વિગત હમણાં જ ઉમેરી.

  3. ચાન્દા મામા …. ન ભુલય એવિ યાદ્ગાર વિભુતિ વલસાડ અએમનુ બાલ્પન્. કદિ ન ભુલ્યા.. સદા એ સ્મ્રિત મા રહેશે.

Leave a Reply to Jayshree Bhakta Cancel reply

Your email address will not be published. Required fields are marked *