જેવું લાગે છે – મનોજ ખંડેરિયા

વૃક્ષ ઊભું યાદ જેવું લાગે છે
કોઇ લીલા સાદ જેવું લાગે છે.

કેમ ફૂલો ભરવસંતે આથમતાં ?
બાગમાં વિખવાદ જેવું લાગે છે.

સાવ ઓચિંતા ફૂટ્યાં તૃણો બેહદ,
માટીમાં ઉન્માદ જેવું લાગે છે.

આમ તો ખાલીપણું રડ્યા કરતું,
જે નગારે નાદ જેવું લાગે છે.

ભયસૂચક થઇ આ સપાટી સ્મરણોની
ક્યાંક બહુ વરસાદ જેવું લાગે છે.

– મનોજ ખંડેરિયા

2 replies on “જેવું લાગે છે – મનોજ ખંડેરિયા”

  1. ભયસૂચક થઇ આ સપાટી સ્મરણોની
    ક્યાંક બહુ વરસાદ જેવું લાગે છે..Superb…

  2. કેમ ફૂલો ભરવસંતે આથમતાં ?
    બાગમાં વિખવાદ જેવું લાગે છે.
    વાહ્……વાહ્….

Leave a Reply to vimala Cancel reply

Your email address will not be published. Required fields are marked *