Global કવિતા : (દોઢ લીટીની અમર કવિતા) મેટ્રો સ્ટેશન પર – એઝરા પાઉન્ડ (અનુ.: વિવેક મનહર ટેલર)

In a Station of the Metro

The apparition of these faces in the crowd;
Petals on a wet, black bough.
– Ezra Pound

મેટ્રો સ્ટેશન પર
ભીડમાં ઓછાયા આ ચહેરા તણા;
પાંદડીઓ ભીની, કાળી ડાળ પર.

– એઝરા પાઉન્ડ
(અનુ. વિવેક મનહર ટેલર)

કવિતા લાઘવની કળા છે એમ સિદ્ધહસ્ત પંડિતો કહે અને આપણે બસ સાંભળી રહેવાનું. સામો પ્રશ્ન પૂછીએ કે દાખલો આપો તો આપણે તો ઠોઠ જ ઠરીએને? પણ એઝરા પાઉન્ડની આ ટૂંકીટચ કવિતા વાંચીએ તો તરત વાત સમજાઈ જાય. માત્ર દોઢ જ લીટીની કવિતા. સત્તર જ શબ્દો. પણ વિશ્વકવિતાના ઈતિહાસમાં દોઢ લીટીની આ કવિતા ઇમેજીસ્ટ પોએટ્રીના ઉદાહરણ તરીકે સૌથી વધુ ટંકાયેલી અને ચર્ચાયેલી કવિતા છે. આ દોઢ લીટીના કાવ્ય પર આખું દળદાર પુસ્તક થઈ શકે એટલા લેખ-સંશોધન થયા છે, થતા રહે છે.

પહેલાં તો ઇમેજીસ્ટ પોએટ્રી એટલે કે દૃશ્ય-કાવ્ય શું છે એ જરા સમજી લઈએ. ઓગણીસમી સદીના અંતભાગ સુધીમાં કવિતાની નાજુક લવચિક ડોક ભારીખમ્મ શબ્દાડંબર, દુષ્કર વર્ણાનુપ્રાસ, અને ક્લિષ્ટ અલંકારોના ઘરેણાંઓના બોજથી લચી પડી હતી. છંડોના બંઢન ફગાવીને મુક્તકાવ્ય (ફ્રી વર્સ) તરફ વળેલા કવિઓ સાહજિક રીતે આ કવિતાની કૃત્રિમતાથી અકળામણ અનુભવતા હતા. એટલે વીસમી સદીની શરૂમાં સુનિશ્ચિત દૃશ્ય-ચિત્રની મદદથી અભિવ્યક્તિની સુસ્પષ્ટતા તરફ વળ્યા. 1912ની સાલમાં એઝરા પાઉન્ડે અધિકૃતતાપૂર્વક ‘ઇમેજીસ્ટ મૂવમેન્ટ’ની સ્થાપના કરી. જેના જાહેરનામાનો પહેલો સિદ્ધાંત હતો, ‘સામાન્ય વાતચીતની જ ભાષા, પણ હંમેશા ચોક્કસ શબ્દનો જ પ્રયોગ, લગભગ-ચોક્કસ કે અલંકૃત શબ્દો નહીં જ.’ જીઓર્જીઅન રોમેન્ટિસિઝમની ઢીલી, પ્રમાદી ‘એબ્સ્ટ્રેક્ટ’ ભાષા અને બેદરકાર વિચારધારા સામેની આ પ્રતિક્રિયા હતી. ભાષાની કરકસર, તાદૃશ ચિત્રાંકન અને યથાર્થ રૂપક એ ઇમેજીસમની કરોડરજ્જુ હતી. કવિતામાં એક પણ શબ્દ વધારાનો ન જ હોવો જોઈએ આ પૂર્વશરત સાથે શરૂ થયેલી આ ચળવળ 1917માં તો પૂર્ણ થઈ ગઈ પણ આ અડધા દાયકામાં જે યાદગાર રચનાઓ મળી છે એણે આજપર્યંત સુધીની તમામ કવિતાઓને પ્રભાવિત કરી છે.

આ કવિતાની રચનાનો ઈતિહાસ પણ એવો જ રસપ્રદ છે. Imagist poetryના અગ્રણી પ્રણેતા એઝરા પાઉન્ડની આ કવિતા, પહેલાં તો ૩૬ પંક્તિની હતી. પણ કવિને બિનજરૂરી લંબાણ ખટક્યું અને એમણે કવિતાની સાઇઝ અડધી કરી દીધી. છત્રીસમાંથી અઢાર પંક્તિ. પાઉન્ડને હજી સંતોષ નહોતો. છેવટે કવિતાની સર્જરી કરતાં-કરતાં કવિતામાં માત્ર દોઢ લીટી અને ચૌદ શબ્દો બચ્યા ત્યારે કવિએ શ્વાસ લીધો. પણ આ છત્રીસ પંક્તિમાંથી દોઢ પંક્તિ સુધીની યાત્રા કાપવા માટે કવિએ એક આખા વરસ જેટલો સમય લીધો… એક આખા વરસની મથામણ માત્ર સાચા શબ્દ સાચી રીતે ગોઠવી શકાય એ માટે કેમકે ઇમેજિસમનો મૂળ સિદ્ધાંત જ તમામ બિનજરૂરી શબ્દોનો નિર્મમ ત્યાગ કરીને એક પ્રામાણિક ચિત્ર માત્ર જ ભાવકની સામે મૂકી દેવું તે છે.

લગભગ સો વર્ષ પહેલાં ૧૯૧૨માં લખાયેલી આ કવિતા લાઘવની દૃષ્ટિએ સુન્દરમની ખંડ શિખરિણીમાં લખાયેલ દોઢ લીટીની કવિતાની યાદ અપાવે: “તને મેં ઝંખી છે/ યુગોથી ધીખેલા સહરાની પ્રખર તરસથી” સુંદરમની આ કવિતા તો દોઢ લીટીમાં પ્રેમનો આખેઆખો ઉપનિષદ જ છે, જાણે !

પાઉન્ડની ચૌદ શબ્દોની આ કવિતાને કેટલાક સૉનેટ સાથે પણ સરખાવે છે. સૉનેટ કાવ્ય ચૌદ પંક્તિનું બનેલું હોય છે જેમાં પંક્તિઓની એક ગોઠવણી અષ્ટક (આઠ પંક્તિઓ) અને ષટક (છ પંક્તિઓ) સ્વરૂપે હોય છે. પાઉન્ડની આ રચનામાં પહેલી પંક્તિમાં આઠ શબ્દો (અષ્ટક?) અને બીજીમાં છ શબ્દો(ષટક?) છે, એ જોતાં પાઉન્ડની આ કૃતિને વિદ્વાનોએ નોખા પ્રકારના સૉનેટ તરીકે પણ બિરદાવી છે. વિદ્વાનો આ કવિતાને હાઇકુ પણ ગણે છે. પાઉન્ડે જાતે કહ્યું છે કે આ કવિતા ટૂંકી કરવા માટેની પ્રેરણા એમને જાપાનીઝ હાઇકુમાંથી મળી હતી. આ કાવ્ય આધુનિક (મૉડર્નિસ્ટ) કવિતાના આવણાંનું રણશિંગુ પણ ફૂંકે છે. આખી રચનામાં એકપણ ક્રિયાપદ વાપરવામાં આવ્યું નથી. બંને પંક્તિઓને જોડતું કોઈ પૂરક પદ પણ વપરાયું નથી.

પેરિસના લા-કૉન્કર્ડ મેટ્રો સ્ટેશન પર ટ્રેનમાંથી બહાર આવતી વખતે પાઉન્ડ સુંદર ચહેરાઓની આવજાવમાં ખોવાઈ ગયા અને આખો દિવસ આ દૃશ્યને જોતી વખતે જે લાગણી અનુભવી એને કેવી રીતે વ્યક્ત કરવી એની મથામણમાં રહ્યાં. આ લાગણીને કાગળ પર ઢાળવા માટે એમની પાસે શબ્દો નહીં, રંગો હતા પણ એ રંગો ચિતારાના નહીં, કવિના હતા. પોતાને જે અનુભૂતિ થઈ છે એ અનુભૂતિ એવીને એવી જ રીતે ભાવક સુધી પહોંચે એની મથામણ એટલે આ શબ્દચિત્ર…

પેરિસના અન્ડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન પરની અધધધ ભીડ… ભૂતની જેમ ઉપસી આવતા અને તરત ખોવાઈ જતા હજારો ચહેરાઓ… આ ચહેરાઓની કોઈ ઓળખ નથી, જાણે કે ઓછાયા જ. નજરે ચડતા અને અલોપ થતા, ફરી દેખાતા અને ફરી ગાયબ થઈ જતા ચહેરાઓની ક્ષણભંગુરતા જાણે કે પૃથ્વી પરનું આપણું આવાગમન સૂચવે છે. લેટિન Memento Mori અર્થાત્ યાદ રાખો કે તમારે મરવાનું છે એ આ કવિતાનો મુખ્યાર્થ છે. કાળી ડાળી ભીની છે. મતલબ વરસાદ પડી ચૂક્યો છે અને વરસાદના મારથી ફૂલની પાંદડીઓ ખરી પડી છે. કેટલીક રંગબેરંગી પાંદડીઓ આ કાળી અને ભીની ડાળ પર હજી ચોંટી રહી છે. પણ સમજી શકાય છે કે થોડા સમય બાદ ડાળી સૂકાશે અને પવન વાશે ત્યારે આ પાંદડીઓ પણ ત્યાં નહીં હોય.

મેટ્રો સ્ટેશન પરના એ ચહેરાઓ હોય કે ન હોય, ભીની ડાળ પર ચોંટેલી પાંદડીઓ હોય કે ન હોય પણ આ કવિતા વિશેની ચર્ચા ચાલુ જ રહેશે…

3 replies on “Global કવિતા : (દોઢ લીટીની અમર કવિતા) મેટ્રો સ્ટેશન પર – એઝરા પાઉન્ડ (અનુ.: વિવેક મનહર ટેલર)”

  1. ફૂલનો ભાર ક્યારેય દાળીઓને લાગતો નથી
    અત્તરનુ પુમડું અને તમે
    છાનું રે છપ્નું કઈ થાય નહિ થાય નહીં
    ઝણકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહિ
    તને ઝંખી મેં
    સહરા ની તરસથી છે
    આપણી કવિતાઓ

Leave a Reply to Amriut Kotecha Cancel reply

Your email address will not be published. Required fields are marked *