ગઝલ – મઘુમતી મહેતા

સ્વપ્નો જગાડવાને કંઇ પણ બચ્યું નથી;
આંખો સજાવવાને કંઇ પણ બચ્યું નથી.

આજે છું બિંબમાં તો કાલે છું આયનો,
ઓળખ ટકાવવાને કંઇ પણ બચ્યું નથી.

છે આપણા સંબંધો પર્યાય મૌનનો,
ઘૂંઘટ હટાવવાને કંઇ પણ બચ્યું નથી.

ને હારની ક્ષણોમાં થીજી ગયા અમે,
એને વધાવવાને કંઇ પણ બચ્યું નથી.

ચારે તરફ ઉદાસી છે મોતની અને
શ્વાસો મનાવવાને કંઇ પણ બચ્યું નથી

છે ક્યારનાં હવામાં પગલાં શમી ગયાં,
દ્વારો ઉઘાડવાને કંઇ પણ બચ્યું નથી.

ને ઝેરનો કટોરો હું પી ગઇ પછી,
આતશ બુઝાવવાને કંઇ પણ બચ્યું નથી.

 

4 replies on “ગઝલ – મઘુમતી મહેતા”

  1. સુંદર ગઝલ…

    “છે ક્યારનાં હવામાં પગલાં શમી ગયાં” – આ એક પંક્તિ જરા કઠી… વાક્યાંતે આવતો છે વાક્યારંભે આવતો હોવાથી વાક્ય થોડું ક્લિષ્ટ બનતું હોય એમ લાગે છે…

  2. ને હારની ક્ષણોમાં થીજી ગયા અમે,
    એને વધાવવાને કંઇ પણ બચ્યું નથી.
    સરસ શેર
    યાદ આવી
    એટલે તો વેલ પણ મોહી હશે વાડ કાંટાથી પછી સોહી
    … લાગે છે જ્યારે કંઈ જ જીવનમાં બચ્યું નથી; .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *