જુદી જિંદગી છે – મનુભાઇ ત્રિવેદી ‘ગાફિલ’

જુદી જિંદગી છે મિજાજે – મિજાજે;
જુદી બંદગી છે નમાજે – નમાજે.

છે એક જ સમંદર, થયું એટલે શું ?
જુદા છે મુસાફર જહાજે – જહાજે.

ભલે હોય એક જ એ અંતરથી વહેતા,
છે સૂરો જુદેરા રિયાજે – રિયાજે.

જુદા અર્થ છે શબ્દના બોલવા પર,
છે શબ્દોય જુદા અવાજે – અવાજે.

જીવન જેમ જુદાં છે કાયામાં જુદી,
છે મૃત્યુય જુદાં જનાજે – જનાજે.

હઠી જાય ઘૂંઘટ, ઢળી જાય ઘૂંઘટ,
જુદી પ્રીત જાગે મલાજે – મલાજે.

તમે કેમ ‘ગાફિલ’ હજીયે છો ગાફિલ ?
જુઓ, બદલે દુનિયા તકાજે – તકાજે.

12 replies on “જુદી જિંદગી છે – મનુભાઇ ત્રિવેદી ‘ગાફિલ’”

  1. ખરી વાત છે, શાળા સમયે તો શું સમજણ હોય.
    જીંદગી સમજાવે ત્યારે જ સાચી સમજણ આવે છે

  2. જુદી જિંદગી છે મિજાજે – મિજાજે;
    જુદી બંદગી છે નમાજે – નમાજે.

    છે એક જ સમંદર, થયું એટલે શું ?
    જુદા છે મુસાફર જહાજે – જહાજે

    very good

  3. ભણવામાં આવતી … ખુબજ પ્રિય થઇ ગયેલી એવી પ્રથમ કવિતા – ગઝલ – એ વખતે એક કાચું-પાકું composition રચીને મિત્રો અને સ્નેહીઓ પાસે ગાવાનો પણ પ્રયત્ન કરેલો … સુખદ સંભારણા જીવનના – વાહ – આપનો આભાર – ભૂતકાળની મનગમતી ક્ષણોના સાક્ષાત્કાર માટે – હિમાંશુ

  4. તારું હોવું મારું હોવું સાવ અલગ અલગ
    જાવું સાચું એક જ કાંઠે નાવ અલગ અલગ

    માણસ છીએ અમ ઈબાદત છે એજ પ્રભુ
    મંદિરે મસ્જિદે ના અજમાવ અલગ અલગ

    બદલાય સમય તો શું શું બદલાય પુછ ના
    એની એ હો વાત પણ હો પ્રભાવ અલગ અલગ

  5. ગુજરાતી અભ્યાસ ક્રમમા આવતી આ ગઝલ એ વર્ષોમા ગમતી હતી અને આજે જ્યારે તેનો ભાવાર્થ સમજાયો ત્યારે કઈક વધારે ગમી.

  6. ખુબ સરસ ગમ્યુ
    જુદી જિંદગી છે મિજાજે – મિજાજે;
    જુદી બંદગી છે નમાજે – નમાજે.

    છે એક જ સમંદર, થયું એટલે શું ?
    જુદા છે મુસાફર જહાજે – જહાજે.

  7. મે નાનપણ મા વાચલી રચના – ફર ઘણા દી ઐ વાચ. ગમી

  8. આ પંક્તિઓ ગમી
    તમે કેમ ‘ગાફિલ’ હજીયે છો ગાફિલ ?
    જુઓ, બદલે દુનિયા તકાજે – તકાજે.

  9. શાહબુદ્દીનભાઈ રાઠોડના અવાજમાં તેમની એક સુપ્રસિદ્ધ રજુઆત – કદાચ “વનેચંદનો વરઘોડો” માં એમણે કેટલીક પંક્તીઓ સાંભળી ત્યારથી આ રચના ગમતેલી, આભાર!

Leave a Reply to lalit rajyaguru bagdana Cancel reply

Your email address will not be published. Required fields are marked *