ત્યારે ખબર પડી કે છે દરિયા રમેશમાં – રમેશ પારેખ

રમેશ પારેખની આ ‘રમેશમય’ ગઝલ – પ્રથમ ગઝલ જે રમેશ પુરોહિતના પુસ્તક ‘અહેસાસ’ માંથી લીધી છે – એની સાથે note  છે કે આ ગઝલ 2 દાયકા પહેલા લખાઇ હતી અને પુસ્તકમાં પ્રસ્તુત ગઝલ થોડા ‘સુધારા-વધારા’ સાથેનું નવું version છે. 

 

શોધું છું પણ રમેશ મળે ક્યાં રમેશમાં
મળતા નથી રમેશના રસ્તા રમેશમાં.

જાણે ઊનાળુ સૂર્ય તપ્યા હોય સામટા
એવા પડે છે કારમા તડકા રમેશમાં

ખોદો તો નીકળે જેમ દટાયેલું કોઇ શહેર
એમ જ મળે રમેશના ચહેરા રમેશમાં.

અર્ધો રમેશ કાળા અનાગતમાં ગુમ છે
અર્ધા રમેશના છે ધુમાડા રમેશમાં.

આખ્ખું રાજપાટ હવે સૂમસામ છે
કારણ કે મૃત્યુ પામ્યો છે રાજા રમેશમાં

રહેતું’તુ હા, રમેશની સાથે બીજુંય જણ,
આજે ઝૂલે છે એકલાં જાળાં રમેશમાં.

ઈશ્વર, આ તારી પીળી બુલંદીનું શું થશે?
નાખ્યા છે જેના સાવ તેં પાયા રમેશમાં

જ્યારે રમેશ નામનો એક ખારવો ડૂબ્યો
ત્યારે ખબર પડી કે છે દરિયા રમેશમાં

—————————

અને રીડગુજરાતી પરથી આ ગઝલ થોડા અલગ સ્વરૂપમાં મળી – તો એ આ ગઝલનું original version હશે. બરાબર ને?
શોધું છું પણ રમેશ મળે ક્યાં રમેશમાં
મળતા નથી રમેશના રસ્તા રમેશમાં.

ગુલમ્હોર પણ લટાર કદીક મારતા હશે
એનાં હજુયે ટમટમે પગલાં રમેશમાં

ખોદો તો દટાયેલું કોઈ શહેર નીકળે
એમ જ મળે રમેશનાં સપનાં રમેશમાં

અર્ધો રમેશ કાળા અનાગતમાં ગુમ છે
અર્ધા રમેશના છે ધુમાડા રમેશમાં

આખ્ખું રાજપાટ હવે સૂમસામ છે
કારણ કે મૃત્યુ પામ્યો છે રાજા રમેશમાં

ફરતું હશે કોઈક વસંતી હવાની જેમ
આજે ઝૂલે છે એકલાં જાળાં, રમેશમાં

ઈશ્વર, આ તારી પીળી બુલંદીનું શું થશે ?
ખોદ્યા કરે હમેશ તું ખાડા રમેશમાં

જ્યારે રમેશ નામનો એક ખારવો ડૂબ્યો
ત્યારે ખબર પડી કે છે દરિયા રમેશમાં

 

4 replies on “ત્યારે ખબર પડી કે છે દરિયા રમેશમાં – રમેશ પારેખ”

 1. pragnaju says:

  ઈશ્વર, આ તારી પીળી બુલંદીનું શું થશે ?
  ખોદ્યા કરે હમેશ તું ખાડા રમેશમાં

  જ્યારે રમેશ નામનો એક ખારવો ડૂબ્યો
  ત્યારે ખબર પડી કે છે દરિયા રમેશમાં
  કેટલું સરસ

 2. ર.પા.ના ‘છ અક્ષરનું નામ’ (સમગ્ર કવિતા)માં આ ગઝલનું બીજું વર્ઝન આપવામાં આવ્યું છે. એ જોતાં એ જ સાચી ગઝલ ગણી શકાય…

 3. રમેશની કોઈપણ રચના જ્યારે જ્યારે વાંચવા મળે છે ત્યારે એ “શબદના સૌદાગર”ના શબ્દવૈભવનો અનેરો અનુભવ યાદગાર બની રહે છે.
  આફ્રિન બોલાઈ જવાયછે.

 4. kalpesh solanki "kalp" says:

  ખુબ સરસ

  જ્યારે રમેશ નામનો એક ખારવો ડૂબ્યો
  ત્યારે ખબર પડી કે છે દરિયા રમેશમાં

  ખરેખર શ્રી રમેશ પારેખે ગુજરાતી ગઝલ અને ગહનતાને પ્રાધાન્ય આપીને નવી દિશા બતાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *