સાંભળ્યું છે કે.. – સુધીર પટેલ

સાંભળ્યું છે કે હજી એ સાંભળે છે
ભેદ ખોટા ને ખરાનો પણ કળે છે

સાંભળ્યું છે આ ગલીથી નીકળે છે
રાહ જોનારાઓને કાયમ મળે છે

સાંભળ્યું છે ક્યાંય દેખાતા નથી પણ
આમ જુઓ તો બધે એ ઝળહળે છે

સાંભળ્યું છે કે નર્યો અવકાશ છે એ
પણ હલે તો ચૌદ ભુવન ખળભળે છે

સાંભળ્યું છે વજ્ર થી પણ છે કઠણ એ
જાત સળગે મીણ જેવું પીગળે છે

સાંભળ્યું છે કે છે નિરાકાર ‘સુધીર’
તો ય ધારો એ રૂપે તમને ફળે છે

 

5 replies on “સાંભળ્યું છે કે.. – સુધીર પટેલ”

  1. સાંભળ્યું છે કે નર્યો અવકાશ છે એ
    પણ હલે તો ચૌદ ભુવન ખળભળે છે
    કુદરત ના અસતિત્વ ની ઓળખ કવિ એ ખુબ સરસ રીતે આપી છએ

  2. સાંભળ્યું છે ક્યાંય દેખાતા નથી પણ
    આમ જુઓ તો બધે એ ઝળહળે છે

    સુધીરભાઇની ઝળહળતી ગઝલ !

  3. સરસ ગઝલ
    ગમી
    યાદ આવી
    સાંભળ્યું છેકે જંગલોમાં પણ કોઇ આચાર સંહિતા હોય છે,
    સાંભળ્યું છે કે જ્યારે સિંહનું પેટ ભરાઇ જાય ,
    તો તે હુમલો નથી કરતો,
    સાંભળ્યું છે કે કોઇ નદીના જળમાં,
    સુઘળીનો ઘઉં વર્ણ માળો ધ્રૂજી ઉઠે,
    ત્યારે નદીની મત્સિકાઓ એને, પહેલાંપાડોશી માની લીયે છે,
    હવાનાં તેજ ઝોંકાઓ જ્યારે વૃક્ષોને હલાવે છે,
    ત્યારે કોયલ પોતાના ઘરને ભૂલીને કાગડીના ઇંડાઓને પોતાની પાંખોમાં દબાવી લે

  4. વાહ! રાજેન્દ્ર શુક્લની યાદ આવી ગઇ…..
    સુન્દર ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *