પેલા ખેતર કેરે શેઢે (પાવા) – પ્રહલાદ પારેખ

સ્વર – સ્વાતિ પાઠક અને કોરસ
સંગીત સંચાલન – ચિંતન પંડ્યા
વાદ્ય વ્રુંદ – ક્ર્મવીર મહેતા (તબલા), જયદીપ શાહ (કી બોર્ડ). અભિજીત ગોહિલ (સાઇડ રીથમ)

પેલા ખેતર કેરે શેઢે રે,
ખેતર કેરા શેઢે કોઈ પાવા બજવતું જાય;
એના સૂર કેરી તાણે રે,
સૂર કેરી તાણે એક મનડું તણાય.

પેલા શ્રાવણને સરવડે રે,
શ્રાવણને સરવડે મોલ ડોલી જાય;
એવા સૂર કેરે ફોરે રે,
સૂર કેરે ફોરે એક દિલ કૉળી જાય!

જેવું સીમ કેરી કાયે રે,
સીમ કેરી કાયે તેજ સોનેરી સોહાય,
એવું એક મન માહેં રે,
એક મન માંહે સુખ સૂરનું છવાય.

આવી મેહુલે બનાવી રે,
મેહુલે બનાવી જેવી ભૂમિ હરિયાળી;
એવી દિલ કેરી ભોમે રે,
દિલ કેરી ભોમે સૂરે શોભા જનમાવી.

અલ્યા, પૂછું હું, અજાણ્યા રે,
પૂછું હું, અજાણ્યા, મેં જે ગીત ગાયાં છાનાં,
એ તો કેમ કરીને આજે રે,
કેમ કરીને આજે તારા પાવામાં ઝીલાણાં?

– પ્રહલાદ પારેખ

7 replies on “પેલા ખેતર કેરે શેઢે (પાવા) – પ્રહલાદ પારેખ”

  1. ખૂબ સુંદર ગીત-સંગીત!
    સ્વાતિ પાઠકનો અદભૂત સ્વર ગીતને ચાર ચાંદ લગાડે છે!!
    સુધીર પટેલ.

  2. ખુબ જ સુદર ગીત જાણે વરસાદ ન હોય તો પણ ભીજવી દીધા

  3. વાહ રે વાહ સ્વાતિબહેના કમાલ ગાયુઁ તમે અભિનઁદન !
    સૌનો આભાર !……..મ.. ના જયશ્રી કૃષ્ણ મજામાઁ ને ?

  4. વાહ! વરસાદની મહારાણી મુંબઇ નગરીમાં હાલ છું..ખેત કેરી સોડમ..શેઢાનો સાદ નથી..પાવાનો પડઘો પણ નથી..પણ ભાવનગરીનું આ ભીનું-ભીનું ગીત સાંગોપાંગ ભીંજવી ગયું..ચિંતનભાઈની સ્વર રચના..જલદીપ ની ઉંડી સમજનો સથવારો..કોરસમાં બરાબર બંધબેસતા ગાયકો..ટેસ કરાવી દે છે..અભિનંદન

    • અશોકઆભાઈ, સ્વરરચના મારી નથી…..માત્ર સંગીતની arrangement મેં કરેલી છે.

Leave a Reply to chintan pandya Cancel reply

Your email address will not be published. Required fields are marked *