ઝાઝું વિચારવું જ નહી – કૃષ્ણ દવે

ઝાઝું વિચારવું જ નહી.
મારું કે તારું કંઈ ધાર્યું ના થાય એના કરતા તો ધારવું જ નહી.
ઝાઝું વિચારવું જ નહી.

રહેવા મળે તો ક્યાંક તરણાની ટોચ ઉપર પળભર પણ ઝળહળ થઇ રહેવું,
વહેવા મળે તો કોક કાળમીંઢ પથ્થરને ભીંજવવા આરપાર વહેવું,
આવી ચડે ઈ બધું પાપણથી પોખવું ને મનને તો મારવું જ નહી.
ઝાઝું વિચારવું જ નહી.

ઘુવડની આંખ્યુંમાં ચોટેલું અંધારું કુમળા બે કિરણોથી ધોત,
આગિયાના ગામમાંથી ચૂંટાયો હોત ને તો આજે તો સુરજ હું હોત,
સ્મરણો તો હંમેશા આ રીતે પજવે ,તો કંઈ પણ સંભારવું જ નહી.
ઝાઝું વિચારવું જ નહી.

સરનામાં પૂછી પૂછીને જે વર્ષે ઈ વાદળ નહી બીજા છે કોક,
ભીંજાવા માટે પણ પાસવર્ડ માંગે ઈ ચોમાસા કરવાના ફોક,
છાંટો યે હેતથી ના વરસી શકાય એના કરતા અંધારવું જ નહી.
ઝાઝું વિચારવું જ નહી.

– કૃષ્ણ દવે

4 replies on “ઝાઝું વિચારવું જ નહી – કૃષ્ણ દવે”

 1. આ નિરાશા-હતાશા વાદ થી લેપાયેલી “નેગેટીવીટી “ની વાત નથી ! મધ્યમ-માર્ગી…સંતુષ્ટ સમજુડાની ડહાપણ ભરેલી ,અ-કર્તાભાવથી રસાયેલી /ભરેલી… જીવનના અનુભવ તારણ સિદ્ધ વાત છે… એવું મને લાગ્યું…
  -આભાર…પેશગી માટે ,અભિનંદન પણ…આવી ” આગવી સમજણ “ભરી વાત લઇ આવવા બદ્દલ…
  ક્યાંક…કો’ક દૃષ્ટિ-ભેદ પણ શક્ય છે…
  “આવી ચડે ઈ બધું પાપણથી પોખવું ને મનને તો મારવું જ નહી.” …સરસ …ગમ્યું…
  -લાં’કાન્ત / ૮-૬-૧૩

  • Brinda Thakkar says:

   “દીવાલૉય ચૂપચાપ જોતી રહે ને ,
   ઘણી વાર ઘર નો ખૂટી જાય માણસ.”

   તો શુ કરવાનુ?

 2. ઝાઝું વિચારવું જ નહી.
  મારું કે તારું કંઈ ધાર્યું ના થાય એના કરતા તો ધારવું જ નહી.
  ઝાઝું વિચારવું જ નહી.

  રહેવા મળે તો ક્યાંક તરણાની ટોચ ઉપર પળભર પણ ઝળહળ થઇ રહેવું,
  વહેવા મળે તો કોક કાળમીંઢ પથ્થરને ભીંજવવા આરપાર વહેવું,
  આવી ચડે ઈ બધું પાપણથી પોખવું ને મનને તો મારવું જ નહી.
  ઝાઝું વિચારવું જ નહી.

  બહુ બહુ ઉંચી વાત કરી ખુબ સરસ…. ધન્યવાદ

 3. Neela Varma says:

  ભાવ .અને લય બંને ગમ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *