એક દિવસ – લાલજી કાનપરિયા

Red Wiskered Bulbul

(Red Wiskered Bulbul ~ સિપાહી બુલબુલ @ ડૉ. વિવેક ટેલરના ઘર-આંગણે, 27-04-2009)

એક દિવસ એક પંખી આવી વળગણી પર ઝૂલ્યું ત્યાં તો ઘર આખુંયે હલચલ હલચલ
એક દિવસ પંખીએ બોળી ચાંચ ઠીબના પાણીમાં તો ઘર આખ્ખું ઝરણાની કલકલ

આળસ મરડી ઉંબર જાગ્યું, આળસ મરડી ઘર જાગ્યું જે આળસ મરડી હવાય જાગી
તોરણમાં ગૂંથેલાં ફૂલો ફટોફટ ઊઘડી ગયાં ને મ્હેક બધે પ્રસરવા લાગી.

એક દિવસ પંખીએ ફળિએ પાંખ ધૂળમાં ફફડાળી તો ઘર આખુંએ જલજલ જલજલ
એક દિવસ એક પંખી આવી વળગણી પર ઝૂલ્યું ત્યાં તો ઘર આખુંયે હલચલ હલચલ

એકબીજાને છાનીમાની ભીંત કાનમાં કહેતી કે આ રઢિયાળું કોણ આવ્યું છે?
રંગબેરંગી પીંછા સાથે રંગબેરંગી ગીતોનેય ફાંટ ભરીને લાવ્યું છે !

એક દિવસ એક પંખી આવી જરીક અમથું ટહુક્યું ત્યાં તો ઘર આખુંએ કલબલ કલબલ
એક દિવસ એક પંખી આવી વળગણી પણ ઝૂલ્યું ત્યાં તો ઘર આખુંએ હલચલ હલચલ.

ઓચિંતાનું ઘર એની ઘરવટ ભૂલીને પતંગિયું થૈ ઊડવા લાવે આલ્લે, આલ્લે !
અટકળના જંગલને વીંધીં તેજીલો તોખાર થઈને મન પણ ભાવે આલ્લે, આલ્લે !

એક દિવસ એક પંખી આવી ફળિયે ચણવા લાગ્યું ત્યાં તો ઘર આખુંયે મંગલ મંગલ !
એક દિવસ એક પંખી આવી વળગણી પર ઝૂલ્યું ત્યાં તો ઘર આખુંયે હલચલ હલચલ.

– લાલજી કાનપરિયા

2 replies on “એક દિવસ – લાલજી કાનપરિયા”

  1. Kalpana says:

    Lovely! Very refreshing ,awakening each soul, each corner and each atom of the atmosphere.

  2. VIjay Bhatt ( Los Angeles) says:

    નાજુક અને સુન્દર !!
    Also Blissful poem….! What I like about this poem is it is – truly a મન્ગલ મન્ગલ કવિતા….!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *