અનિલને – રમેશ પારેખ

ગુજરાતી ગઝલની અમર ત્રિપુટી – અનિલ જોશી, મનોજ ખંડેરિયા, રમેશ પારેખ.. સમકાલિન કવિઓ અને જિગરજાન મિત્રો..!! એમાંના રમેશ પારેખ એ કવિ મિત્ર અનિલ જોશી માટે લખેલી ગઝલ..

———-

મીરાં નદીની તું નહેર, અનિલ
ને રણ ફૂંકાય ઘેર ઘેર, અનિલ

ભરાતું શ્વાસના કટોરામાં
એનું એ રિક્તતાનું ઝેર, અનિલ

આંધળો હાથ મારો ક્યાં ચીંધું
તારો મેવાડ ઠેર ઠેર, અનિલ

ઝાંઝવા એમ નહીં બને ઝરણું
ગમે તે ચશ્માં તું પહેર, અનિલ

હોઠમાં કાલસર્પયોગ અને
વક્ષની વચ્ચે કાળો કેર, અનિલ

ભૂખી દીવાલો ભક્ષ્ય માગે છે
સ્વપ્નનાં મસ્તકો વધેર, અનિલ

લબાચા જેવાં આપણાં કાંડાં
ને શબ્દ નીકળ્યા ડફેર, અનિલ

પ્રેમનો એક ટાપુ છે જેની –
રાજધાનીનું તુ શહેર, અનિલ

શ્યામ, આદિલ, મનોજ, હું, ચિનુ
છીએ એક જ ગઝલના શેર અનિલ

5 replies on “અનિલને – રમેશ પારેખ”

  1. પ્રેમનો એક ટાપુ છે જેની –
    રાજધાનીનું તુ શહેર, અનિલ..

    સુંદર રચના !

    જ્ઞાન, માહિતીનો ખજાનો, અનિલ
    સાથે પ્રેમનો પણ, ખજાનો અનિલ

  2. છે દેહ રૂના પૂમડાંનો ત્યાં સુધી સઘળું બરાબર છે / હતું,
    પણ આગમાં કાયમ રહેવાનું અને સ્હેજે સળગવાનું નથી.
    -અનિલનો શેર ખરો પણ અનિલ જોશીનો નહીં, અનિલ ચાવડાનો !

  3. ર.પાની મઝાની રચના.તેમના શબ્દોમાં-
    “અનિલની દોસ્તીએ મારા અભાવોનું થોડું વળતર આપ્યું. અનિલ સાહિત્યરસિક મિત્ર જ નહીં, મારા માટે જ્ઞાન અને માહિતીનો ખજાનો હતો. એ સાહિત્યની, સાહિત્યકારોની અનેક વાતો કરતો જે મેં ક્યારેય વાંચી કે સાંભળી ન હોત. મારા મનમાં સતત ખાલી રહેતો જિજ્ઞાસુ ખૂણો પુરાતો રહ્યો.”
    તેને માટેનો આ શેર
    પ્રેમનો એક ટાપુ છે જેની –
    રાજધાનીનું તુ શહેર, અનિલ
    ગમ્યો
    “છે દેહ રૂના પૂમડાંનો ત્યાં સુધી સઘળું બરાબર છે / હતું,
    પણ આગમાં કાયમ રહેવાનું અને સ્હેજે સળગવાનું નથી”.
    કદાચ અનીલની રચના?

Leave a Reply to Nisheeth Pandya Cancel reply

Your email address will not be published. Required fields are marked *