પ્રથમ સૂર્ય પાસે… – હેમંત પુણેકર

કાવ્ય પઠન – હેમંત પુણેકર

પ્રથમ સૂર્ય પાસે ઉધારી કરે છે
પછી ચાંદ બહુ હોશિયારી કરે છે

જરી અમથી છે વાત મારી તમારી
છતાં સૌ વધારી વધારી કરે છે

હવે મારા મિત્રો, રહ્યાં ક્યાં છે મારા?
મળે છે મને, વાત તારી કરે છે

આ ઝાકળને આવી, તુજ આંસુની ઈર્ષા
જે ફૂલોથી કોમળ સવારી કરે છે

સુકોમળ સપન તે છતાં ઊગવાનાં
તું શું પથ્થરોની પથારી કરે છે!

મહેકતી પળો છે, બહેક મન મૂકીને
બધું શું વિચારી વિચારી કરે છે

અચાનક મળી તું, અવાચક છું હું, પણ
હૃદય હર્ષની ચિચિયારી કરે છે

– હેમંત પુણેકર

છંદોવિધાનઃ લગાગા લગાગા લગાગા લગાગા

******
(આભાર – હેમકાવ્યો)

10 replies on “પ્રથમ સૂર્ય પાસે… – હેમંત પુણેકર”

  1. “વેબ ગુર્જરી” પર મૌલિકાબેન દેરાસરીએ હેમંત પુણેકરની ગઝલ – કોઈ લાંબી લાંબી લખાવટ નથી [http://webgurjari.in/2013/06/29/rasdarshan-7/]નું સ-રસ રસદર્શન કરાવ્યું છે.

  2. જરી અમથી છે વાત મારી તમારી
    છતાં સૌ વધારી વધારી કરે છે

    હવે મારા મિત્રો, રહ્યાં ક્યાં છે મારા?
    મળે છે મને, વાત તારી કરે છે

    ખુબ સરસ દિલ ખુશ કરી દીધુ. ધન્યવાદ હેમંતભાઈ

  3. બહુ સરસ ગઝલ. “બધુ શુ વિચારી વિચારી કરે છે” અને હ્રિદય હર્ષથી ચિચિયારી કરે છે એ બે પન્ક્તિ ખુબ ગમી.

Leave a Reply to mahesh dalal Cancel reply

Your email address will not be published. Required fields are marked *