સાગરસખાને – દક્ષા વ્યાસ

સાગરસખાને.....   Ocean Beach, San Francisco Jan 20, 2013
સાગરસખાને….. Ocean Beach, San Francisco Jan 20, 2013

ઊભી છું
તારી સાવ સન્મુખ
પાલતુ રૂપકડા શ્વાનની ઝાલર ઝાલીને
રુમઝુમતો રુમઝુમતો તું
નિકટ આવે ઘડીક
પાછો વળે ઘડીક.

હું નરી નિશ્ચલ.
તારી તરલ લીલા નિહાળું
ક્ષણે ક્ષણે નવતા ધારતા રૂપવૈભવને માણું
તું આવી પહોંચે અચાનક
હણહણતા ધસમસતા
સાત સાત શ્વેત અશ્વોની સવારી પર.

ચહું
રહું નિતાંત અડોલ
તારી એ ન્યારી છટા મંત્રમુગ્ધ કરે મને
ધરાર આમંત્રે મને
અવિચલ ચરણોને હલબલાવી મૂકે એ.

સમયની રેત ત્વરિત વેગે
સર સર સરતી અનુભવું છું.
ઊંડી ઊતરું છું, પણ ઓગળતી નથી.
હાથ બીડીં દઉં છું
અસ્તિત્વને અડોલ રાખવાના વ્યાયામમાં વ્યસ્ત છું.

કિંતુ
મનમોહક કેશવાળીને માથોડું ઉછાળતો
ઘૂગ્ધૂના સિંહનાદથી
આકાશના ઘુમ્મટને ગજાવતો
તું
પ્રબળ ગતિએ છલાંગ મારે છે.
અને…

મારી જાણ બહાર જ
આપાદશીર્ષ વીંટળાઈ વળે છે મને.
સમાવી લે છે અતલ ઊંડાણે

હવે –
હું હું નથી રહેતી
નથી રહેતી ધરતી પરનો જીવ.
બહાર નીકળું
બની મત્સ્યગંધા.

– દક્ષા વ્યાસ

3 replies on “સાગરસખાને – દક્ષા વ્યાસ”

  1. સાગરસખાને પ્રેમપુર્વક આવ્હાન આપતી સરસ ભાવભરી રજુઆત ……………………

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *