ઉમળકો ! – ઊર્મિ

આજે ઊર્મિની એકદમ તરોતાજા … ઉમળકાભરી ગઝલ..!!

Ajampo
દરિયાનો અવિરત અજંપો…! (દ્વારકા – Picture by Dr. Chirag Patel)

 અવિરત અજંપો કરાવે ઉમળકો,
તને શું કદી એવો આવે ઉમળકો?

કંઈ કેટલા ભવ તરાવે ઉમળકો,
પછી તારી આંખે ડૂબાવે ઉમળકો.

ભલે સાવ નીરસ કે હો નિરુત્સાહિત
કદી એમને પણ સતાવે ઉમળકો.

સખા, પ્રેમ હોવો ન-હોવા બરાબર,
ઉભયને જો ના થનગનાવે ઉમળકો.

તને કેમ સ્પર્શે નહીં એ જરાયે ?
મને તો સદા લથબથાવે ઉમળકો.

હૃદયની એક ‘ઊર્મિ’ને છૂટ્ટી મૂકો- ને
જુઓ, કેમ કાબુ ગુમાવે ઉમળકો !

– ઊર્મિ (જાન્યુ. 25-28, 2013)

12 replies on “ઉમળકો ! – ઊર્મિ”

  1. સખા, પ્રેમ હોવો ન હોવા બરાબર,
    ઉભયને જો ના થનગનાવે ઉમળકો
    બધા જ શેર સરળ છે પણ ઉપરોક્ત શેરમા પરસ્પરના પ્રેમની અભિવ્યક્તિનીની અગત્યતા, નિખાલસતાની વાત સરસ રીતે કરી છે……………..અભિનદન

  2. ખુબજ સુન્દેર ગઝલ. સખા પ્રેમ હોવા ન હોવા બરાબર ઉભયને જો ન થનગનાવે ઉમળકો. અફલાતુન પન્ક્તિઓ.

  3. ઉમળકાનુ આટલુ સરસ વિશ્લેશણ ………………… દરેક શેર ખુબ જ સરસ બન્યા છે, આજે ‘ઉમળકો’ શબ્દ ઉમળકાથી ભરેલો લાગે છે.

  4. અવિરત અજંપો કરાવે , થનગનાવે, સદા લથબથાવે એનું નામજ ઉમળકો!

    હૃદયની એક ‘ઊર્મિ’ને છૂટ્ટી મૂકો- ને
    જુઓ, કેમ કાબુ ગુમાવે ઉમળકો !

    ઓછા શબ્દો માં સમગ્ર ઉમળકો બથાવી લીધો એવો કે,

    ભલે સાવ નીરસ કે હો નિરુત્સાહિત
    કદી એમને પણ સતાવે ઉમળકો. વાહ! સાવ નીરસ ને રસભર અને નિરુત્સાહીત ને થનગનતા કરે,અને ” મન મોર બની ને ગહેકે એનું નામ જ ઉમળકો! બસ, જરુર છે હ્રદયની ‘ઉર્મિ’ને છૂટ્ટી મૂકવાની!

  5. વાહ ઊર્મિ…!
    ઉમળકો – જેવા રદિફને કાફિયાનો પણ સુંદર સમન્વય મળ્યો…બહુજ સરસ ભાવ અને અભિવ્યક્તિ.
    એમાંય, જેમ જેમ આગળ વધતી ગઈ એમ, થનગનાવે અને લથબથાવે જેવા કાફિયાએ ઓર રંગ જમાવ્યો – અભિનંદન.

Leave a Reply to kartika desai Cancel reply

Your email address will not be published. Required fields are marked *