કવિનો શબ્દ – ચિનુ મોદી

મને તું બાંધે છે જડ જગતના નિત્ય નિયમે?
મને? મારો આપું પરિચય તને? હું પવન છું;
વહું છું સ્વેચ્છાએ અલસ અથવા તીવ્ર ગતિથી
પછાડું વર્ષોનાં ખખડધજ વૃક્ષો પલકમાં
અને એનો એ હું કુસુમરજ વ્હેચું વન વિશે.

તને આપું મારો પરિચય હજી? હું સમય છું,
ક્ષણોનો સ્વામી છું, સતત સરકું છું અખિલ આ
રચેલા બ્રહ્માંડે; સઘન બનતું શૂન્ય જગનું
ઉલેચું એથી તો પ્રલયકર વિસ્ફોટ અટકે.

હજી તારી આંખે કુતૂહલ વસે? તો સમજ કે
ધરા ને આકાશે, ગહનતમ પાતાળતળમાં
વહી છાનો છાનો ધ્વનિત બળતો હું લય; સખી.

છટાથી આ વાયુ-સમય-લયને એક કરતો
ત્રિકાલે બ્રહ્માંડે, મુખરિત થતો શબ્દ કવિનો.

– ચિનુ મોદી

3 replies on “કવિનો શબ્દ – ચિનુ મોદી”

  1. ખુબજ સુન્દેર સોનેટ્.છેલ્લી પન્ક્તિમા કવિનો શબ્દ બરાબર મુખરિત થાય છે.

  2. છટાથી આ વાયુ-સમય-લયને એક કરતો
    ત્રિકાલે બ્રહ્માંડે, મુખરિત થતો શબ્દ કવિનો.

    શું છટા છે! ખુમારી છે! કવિ જ હોય શકે…..
    જ્યાં ન પહોંચે રવિ ત્યાં………….

  3. ખૂબ જ સુંદર શિખરિણી સોનેટ… સોનેટ આખું વંચાઈ જાય ત્યારે કવિ શું કહી રહ્યા છે એનો સ્ફોટ થાય છે અને એ પછી ફરીથી સોનેટ વાંચીએ ત્યારે આખી કવિતા જ નવોન્મેષ ધારી સામે આવી ઊભે છે…

Leave a Reply to Dr. Jayendra Thakar Cancel reply

Your email address will not be published. Required fields are marked *