પતંગનો ઓચ્છવ – રમેશ પારેખ

આજે વાસી ઉત્તરાણના દિવસે એક વાસી પોસ્ટ… ટહુકો પર ૨ વર્ષ પહેલા રજું કરેલું (અને લયસ્તરો પર ૬ વર્ષ પહેલા) રમેશ પારેખનું આ પતંગ ગીત.. પણ સાથે એક તાજી કવિતા એટલે આ નીચેનું ચિત્ર.

દેશથી દૂર રહેતા અમદાવાદીને ૧૪મી જાન્યુઆરીએ યાદ આવતું અમદાવાદ અહિં બખૂબી રજૂ થયું છે! સીદી સૈયદની જાળીમાં જાણે પતંગ નહીં, પણ જાત અટકી ગઇ છે!

10896252_10205560045778645_696266904078674667_o

******

ચાર વર્ષ પહેલા લયસ્તરો પર ધવલભાઇએ આપેલું આ મઝાનું પતંગ ગીત – આજે સીધેસીધું ત્યાંથી અહીં ટહુકો પર..!! એમનો પતંગ આપણે કાપ્યો નથી, તો યે આપણે અહીં લઇ લીધો – એના જેવું!! આપ સૌ ને અમારા તરફથી મકરસંક્રાતિની ખૂબ ખૂબ – પતંગ બોર અને તલના લાડુ ભરી શુભેચ્છાઓ..!!

પતંગનો ઓચ્છવ
એ બીજું કંઈ નથી, પણ
મનુષ્યના ઉમળકાઓનો છે ઘૂઘવતો વૈભવ !

નભની ઊંડીઊંડી ઉદાસીઓને લૂછવા
નભની ભડભડતી એકલતા ભૂંસવા
જુઓ, મનુષ્યો-
ઉંમગના રંગોમાં ઝબકોળી-ઝબકોળી
પ્રીતિની પીંછી ફેરવતા ઉજ્જડ-ઉજ્જડ નભમાં.

ઉજ્જડ નભને નમણું નજરાણું
ઉર્ફે આ પતંગ !

હરેક જણના પતંગ પર
લખિયો છે આ સંદેશો કે
હે નભ ! તું નીચે આવ !
આવ નીચે ને જરાક હળવું થા…
માર નગારે ઘા,
ગમગીનીનો ગોટો વાળી
જલદી કૂદ કછોટો વાળી
ઓચ્છવના આ રંગકુંદમાં ડૂબકી મારી ગા !
આવ, આવ, તું જરાક નીચે આવ ને હળવું થા…

આભ, તને
આ પતંગ રૂપે છે નિમંત્રણ-
નીચે આવી ચાખ ઉમળકો,
ચાખ જુવાની, ચાખ લાગણી
ચાખ પ્રેમ ને ચાખ હૃદયના ભાવ
આભ, તું જરાક નીચે આવ…

– રમેશ પારેખ

4 replies on “પતંગનો ઓચ્છવ – રમેશ પારેખ”

  1. પતન્ગને નીચે આવવાનુ આમન્ત્રણ અને આવીને ઉમળ્કો, જુવાની અને પ્રેમ ચાખવાનુ કહેવુ એ બધુ બહુ હ્રિદયસ્પર્શિ છે.

  2. પતંગનો ઓચ્છવ એ બીજું કંઈ નથી, પણ મનુષ્યના ઉમળકાઓનો છે ઘૂઘવતો વૈભવ !
    વાહ શું સુંદર અભીવ્યક્તી છે . મુંબઈ મા રહેનારને સંક્રાત વિષે બહુ લગાવ ના હોઈ પરંતુ આ કાવ્ય એ તેના વિષે વિચાર કરતો કરી મુક્યો . સુંદર કાવ્ય . અભિનંદન

  3. સુરતીઓ માટૅ પતંગની મઝા જ કોઈ વિશેશ આનદદાયી હોય છે,પતંગ સંબંધીત કવિશ્રી રમેશ પારેખની રચના “ટહુકો” મા લઈ આવી અમને સુરતની અગાસી પરથી ઉતરાણનો ઉત્સવ-ઓચ્છવનો આનદ કેનેડામા કરાવ્યો એ માટૅ આપનો આભાર…….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *