કમાલ નોખા છે – વિવેક મનહર ટેલર (Happy 7th Birthday to vmtailor.com)

December 29th, 2012 – એટલે દિલોજાન મિત્ર વિવેક ટેલરની વેબસાઇટ – ‘શબ્દો છે શ્વાસ મારા’ ની સાતમી વર્ષગાંઠ..!! આ વેબસાઇટે વિવેકને સાત વર્ષમાં શું આપ્યું એ તો તમે એની સાઇટ પર, એના જ શબ્દોમાં વાંચી લેજો..! પરંતુ એની આ કમાલની કલમ થકી આપણને જે મળ્યું – એ તો એને કયા શબ્દોમાં કહીએ?

બધાના તારા વિશેના ખયાલ નોખા છે.
જવાબ નોખા છે સહુના, સવાલ નોખા છે.

આ દર્દની પળેપળના દલાલ નોખા છે,
અમારા ગીત-ગઝલના કમાલ નોખા છે.

તમે પકડવા જશો કાનથી તો નહીં પકડાય,
અમારા દર્દ તણા સૂર-તાલ નોખા છે.

ખરે છે આંખથી સૌની એ આંસુ છે સરખાં,
પરંતુ હાથમાં સૌના રૂમાલ નોખા છે.

બધા ગતાનુગતિક ચિત્તવૃત્તિના છે શિકાર,
ઉપર-ઉપરથી ફકત હાલચાલ નોખા છે.

બધું જ ભ્રમ છે હું જાણું છું પણ મનાતું નથી,
આ ચંદ શ્વાસના ધાંધલ-ધમાલ નોખા છે.

રદીફ, કાફિયા ને છંદ સહુને હાંસિલ છે,
કલમ-કલમમાં પરંતુ કમાલ નોખા છે.

-વિવેક મનહર ટેલર
(૧૧-૦૯-૨૦૧૦)

9 replies on “કમાલ નોખા છે – વિવેક મનહર ટેલર (Happy 7th Birthday to vmtailor.com)”

  1. રદીફ, કાફિયા ને છંદ સહુને હાંસિલ છે,
    કલમ-કલમમાં પરંતુ કમાલ નોખા છે.વાહ્

  2. ડૉૅ.વિવેક્ભાઈ,ગઝલકારોમાં નોખા જ ગઝલકારની પ્રતિતી કરાવતા રહ્યા છે……..

  3. બધું જ ભ્રમ છે હું જાણું છું પણ મનાતું નથી,
    આ ચંદ શ્વાસના ધાંધલ-ધમાલ નોખા છે.
    Wahhh….
    Happy birthday …SCSM

Leave a Reply to Rina Cancel reply

Your email address will not be published. Required fields are marked *