‘શબ્દો છે શ્વાસ મારા’ને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી 2011નું ‘પ્રથમ સર્જનાત્મક પુસ્તક’નું પારિતોષિક

ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી ‘પ્રથમ સર્જનાત્મક પુસ્તક’નું વર્ષ 2011 માટેનું પારિતોષિક વિવેકના પ્રથમ ગઝલસંગ્રહ ‘શબ્દો છે શ્વાસ મારા’ને મળ્યું છે. સુરત ખાતે યોજાયેલા પરિષદના 27મા જ્ઞાનસત્રમાં પ્રમુખશ્રી વર્ષા અડાલજાના હસ્તે આ પારિતોષિક એનાયત થયું.

આપણા સર્વ તરફથી કવિ મિત્ર વિવેકને હાર્દિક શુભેચ્છાઓ..!! સાથે આજે માણીએ વિવેકનું આ મઝાનું વરસાદી ગીત..! અમારા કેલિકોર્નિયામાં ચોમાસું બરાબર બેઠું છે – તો એ જ બહાને તમે પણ આ ગીત થકી વરસાદ માણો..!! 🙂

P7117250
(લીલી ચાદર…                             ….ઝરવાણી, રાજપીપળા, ૧૧-૦૭-૨૦૧૦   Photo: Vivek Tailor)

*

અંદર ક્યાંક ધરબીને રાખેલું ગીત જેમ નીકળી પડે રે વાતવાતમાં,
એમ વાદળો અથડાય છે આકાશમાં,
ચાલ, નીકળી પડીએ આ વરસાદમાં…

ઓગળતી ઓગળતી ઓગળતી જાય જાત
અંદર-બાહર બધ્ધું જ તરબોળ;
ભીતરના ચમકારે ભીંજાતી પળપળને
પ્રોવી, પ્રોવામાં થાઉં ઓળઘોળ
સાત સાત રંગ પડે ઝાંખા એમ આભમાં તેજ થઈ ઝળહળીએ, વા’લમા !
ચાલ, નીકળી પડીએ આ વરસાદમાં…

હોવાની હોડીને તરતી મેલીને
ચાલ, વહી નીકળીએ ગઈકાલમાં;
વ્યસ્તતા ઓઢીને જ્યાં કોરું રહેવાનું નહીં,
ભીંજાવું કેવળ સંગાથમાં
ફંટાતા માર્ગ પાણી-પાણી થઈ જાય એમ વરસીએ હાથ લઈ હાથમાં.
ચાલ, નીકળી પડીએ આ વરસાદમાં…

– વિવેક મનહર ટેલર
(૦૬-૦૭-૨૦૧૦)

22 replies on “‘શબ્દો છે શ્વાસ મારા’ને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી 2011નું ‘પ્રથમ સર્જનાત્મક પુસ્તક’નું પારિતોષિક”

  1. શબ્દોને સીમા છે, અભિનન્દન. ડૉક્ટર થઈ ડબલ રોલ કરો છો, એ પણ આટલા ઉંડાણથી! ખૂબ ગૌરવ થાય છે તમને ભાઈ કહેતા.

  2. ફરી એકવાર વિવેક્ભાઈને અભિનંદન!
    સુંદર ગીત!
    સુધીર પટેલ.

  3. ખુબ ખુબ અભિનંદન વિવેકને .જ્યારે જ્યારે હું તેની લખેલી ગઝલ વાચું છું ત્યારે મને તેની ગઝલ કે ગીત લખવાની પ્રતિભા પ્રત્યે ખુબ જ માન થાય છે.

  4. હોવાની હોડીને તરતી મેલીને
    ચાલ, વહી નીકળીએ ગઈકાલમાં;
    વ્યસ્તતા ઓઢીને જ્યાં કોરું રહેવાનું નહીં,
    ભીંજાવું કેવળ સંગાથમાં
    ફંટાતા માર્ગ પાણી-પાણી થઈ જાય એમ વરસીએ હાથ લઈ હાથમાં.
    ચાલ, નીકળી પડીએ આ વરસાદમાં…

    Beautiful……

  5. હાર્દિક અભિનન્દન અને વધુ સર્જનાત્મક કાર્ય કરતા રહે

  6. CONGRATULATIONS!!!!!! to my dearest brother.So proud of you .This is just the beginning ,I can see many more of this coming your way.ALL THE BEST for all of them

Leave a Reply to gita c kansara Cancel reply

Your email address will not be published. Required fields are marked *